ભારતનું ગગડતું ક્રૅડિટ રેટિંગ અર્થતંત્ર ઉપર શું અસર ઊભી કરશે? દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું ક્રૅડિટ રેટિંગ ઘટાડી નાખ્યું છે, જેને સરળ શબ્દોમાં 'શાખ' ઘટી એમ પણ કહી શકાય.
આપણી બોલચાલની ભાષામાં 'શાખ' ઘટવા (કે બગડવા)નો જે અર્થ થાય તે જ મતલબ આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની રેટિંગ સંદર્ભે છે. મતલબ કે કરજ લેવું મુશ્કેલ બને તથા અગાઉથી જે દેવું કરેલું છે, તેને ચૂકવવા માટે દબાણ વધે.
આ સિવાય ભારત સરકાર લૉન મેળવવા માટે દેશ-વિદેશની બજારમાં જે બૉન્ડ બહાર પાડે છે, તેની વિશ્વસનિયતા ઘટશે.
સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર અને ફિન્ચ બાદ મૂડીઝ ત્રીજી એજન્સી છે, જેણે ભારતનું રેટિંગ ઘટાડ્યું છે. ભારતનું હાલનું રેટિંગ 22 વર્ષના સૌથી નીચેના સ્તરે છે. છેલ્લે 1998માં ભારતનું રેટિંગ આ સ્તર ઉપર પહોંચી ગયું હતું.
એ સમયે ભારતે અણુપરીક્ષણ કર્યા હતા અને અમેરિકાએ ભારતની ઉપર આર્થિક પ્રતિબંધ લાદ્યા હતા, જેની વિપરીત અસર રેટિંગ ઉપર પડી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એટલું સારું છે કે મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડીને Baa3 કર્યું છે, જે રોકાણની બાબતમાં સૌથી નીચેનો દરજ્જો છે. આનો અર્થ એ થયો કે ભારત સરકાર દ્વારા લાંબાગાળાના જે બૉન્ડ બહાર પાડવામાં આવે, તેને રોકાણને પાત્ર ગણવામાં આવે છે, અલબત વધેલાં જોખમ સાથે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતનું રેટિંગ ઘટશે, પરંતુ એજન્સીએ Baa2 ગ્રેડ યથાવત્ રાખ્યું હતું.
જોકે, ભારતની સ્થિતિ સમયે તે સમયે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતનું આઉટલૂક 'સ્ટેબલ'થી ઘટાડીને 'નૅગેટિવ' કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આશા અને આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
તે સમયે નિષ્ણાતોએ કહ્યું હતું કે ચિંતાનું ખાસ કારણ નથી, કારણ કે ભારતનું અર્થતંત્ર વેગ પકડશે એટલે મૂડીઝનો મૂડ બગડવાને બદલે સુધરી જશે, પરંતુ તાત્કાલિક એવું કશું થતું નથી જણાઈ રહ્યું.
ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે રેટિંગ ઘટાડ્યા બાદ પણ મૂડીઝે ભારતનું આઉટલૂક 'નૅગેટિવ' રાખ્યું છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે હજુ પણ સ્થિતિ વકરવાની આશંકા છે.
મૂડીઝના કહેવા પ્રમાણે, વર્ષ 2017થી આર્થિક સુધારની ગતિ ધીમી પડી છે, લાંબા સમયથી જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)નો વૃદ્ધિદર નબળો પડતો જણાય રહ્યો છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરીની સ્થિતિ નબળી છે.
ભારતમાં નાણાકીયક્ષેત્ર દબાણ હેઠળ છે, મતલબ કે લૉન આપેલી છે, પરંતુ પૂરેપૂરી પરત નહીં આવવાનું કે ડૂબવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
આઉટલૂક એટલે...

ઇમેજ સ્રોત, Getty Images
આઉટલૂક એટલે કે દૃષ્ટિકોણ નૅગેટિવ રાખવાનો મતલબ છે કે એજન્સીને હજુ પણ ભારતના અર્થતંત્ર તથા તેની નાણાંકીય વ્યવસ્થામાં કેટલીક ખામીઓ જણાઈ રહી છે.
એક મતલબ એવો પણ થાય કે એજન્સીને આશંકા છે કે ભારતની આર્થિક સ્થિતિ છે એનાથી પણ વધુ નબળી પડશે.
સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે ડાઉનગ્રેડિંગનું કારણ કોરોનાને કારણે ઊભું થયેલું આર્થિક સંકટ નથી.
એજન્સીનું કહેવું છે કે આ મહામારીએ ભારતીય અર્થતંત્ર ઉપર જે કોઈ સંકટ તોળાઈ રહ્યું હતું તેને બહાર લાવી દીધું છે. આ જોખમોને કારણે જ એજન્સીએ ગત વર્ષે આઉટલૂકમાં ફેરફાર કર્યો હતો.
અત્રે એ યાદ રાખવું ઘટે કે નવેમ્બર-2017માં મૂડીઝે ભારતનું ક્રૅડિટ રેટિંગ સુધાર્યું હતું. એજન્સીએ આશા વ્યક્ત કરી હતી કે જરૂરી આર્થિક સુધાર કરવાથી દેશની આર્થિક સ્થિતિ ધીમે-ધીમે મજબૂત થશે. પરંતુ એજન્સીનું કહેવું છે કે તે પછી સુધારાની ગતિ ધીમી પડી છે અને જે કોઈ સુધારા થયા છે, તેની અસર ધરાતલ ઉપર જોવા નથી મળતી.
હવે એ સમજીએ કે રેટિંગ ઘટતા શું નુકસાન થશે અને તેની શું અસર પડશે.

ઉદાહરણ પોતાનું

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકાર તથા રાજ્ય સરકારો અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લૉન લે છે. મૂડીઝનું કહેવું છે કે કોરોનાના સંકટ પૂર્વે સરકારોનું દેવું દેશના કુલ જીડીપીના 72 ટકા જેટલું હતું. કોરોનાની સ્થિતિ બાદ રાજ્ય સરકારોને ખર્ચ કરવા માટે વધુ નાણાંની જરૂર છે. ત્યારે એવો અંદાજ મૂકવામાં આવે છે કે આ ટકાવારી વધીને 84 ટકા સુધી પહોંચી શકે છે.
આને ખુદના ઉદાહરણ દ્વારા સમજો. જ્યારે તમે ઘર કે કાર માટે લૉન લેવા માટે બૅન્ક પાસે જાવ છો, ત્યારે બૅન્ક અધિકારી કહે છે કે આપની તમામ લૉનના કુલ ઈ.એમ.આઈ. યાને કે માસિક હપ્તા આપની કુલ આવકના 40 ટકા કરતાં વધુ ન હોવા જોઇએ.
જો આપ તેમ છતાં લૉન લેવા ઇચ્છતા હો તો કોઈ પ્રાઇવેટ બૅન્ક કે એન.બી.એફ.સી. (નૉન-બૅન્કિંગ ફાયનાન્સિયલ કંપની) તૈયાર થઈ જશે. જે આપને બજાર કરતાં ઊંચા દરે લૉન આપશે. સંકટ સમયે માણસ પ્રાઇવેટ ફાઇનાન્સર પાસેથી પર્સનલ લૉન પણ લે છે. જે ત્રણથી ચારગણું વ્યાજ વસૂલે છે અને વ્યક્તિ દેવાના બોજ તળે દબાઈ જાય છે.
આવી જ રીતે રેટિંગ ઘટ્યા બાદ જ્યારે કોઈ દેશ બૉન્ડ બહાર પાડે અથવા તો લૉન મેળવવા ઇચ્છે, ત્યારે તેણે ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે. કારણ કે તેમને લૉન આપવાને જોખમી કામ માનવામાં આવે છે.
દેશનું ક્રૅડિટ રેટિંગ ઘટે એટલે દેશની તમામ કંપનીઓનું મહત્તમ રેટિંગ પણ એ ટોચમર્યાદામાં જ બંધાઈ જાય છે. કારણ કે કોઈપણ રેટિંગ એજન્સીના મતે ખાનગી કે સરકારી એજન્સીનું રેટિંગ જે-તે દેશના સોવરિન રેટિંગથી વધુ ન હોય શકે.
મતલબ કે ખાનગી કંપનીઓ માટે લૉન લેવી મુશ્કેલ તથા મોંઘી બનશે. જેમના બૉન્ડ કે ડિબેન્ચર અગાઉથી જ બજારમાં હોય, તેમના ભાવ ગગડી જાય છે અને તેમની ઉપર રકમ પરત કરવાનું દબાણ વધવા લાગે છે.
હાલમાં ભારતનું જે રેટિંગ છે તે રોકાણની દૃષ્ટિએ છેલ્લા દરજ્જાનું છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા હજુ પણ પૈસા રોકશે, પરંતુ જો આથી વધુ રેટિંગ ગગડ્યું તો દુનિયાભરની અનેક નાણાકીય સંસ્થાઓ ભારત સરકાર તથા તેની કંપનીઓના બૉન્ડને પરત કરીને નાણાં પરત માગે અથવા તો ઓછા ભાવે બજારમાં વેચી દે.
ફંડ મૅનેજરોને સ્પષ્ટ સૂચના હોય છે કે તેઓ ઇન્વેસ્ટમૅન્ટ ગ્રેડથી નીચે હોય તેવા કોઈપણ ઇન્સ્ટ્રુમૅન્ટમાં નાણાં નહીં રોકે.
આ સ્થિતિમાં પણ અમુક સંસ્થાઓ નાણાં રોકવા તૈયાર થઈ જાય છે, પરંતુ તેઓ વ્યાજખોર શાહુકાર જેવી હોય છે. આવી સ્થિતિમાં દેશ કરજની ગર્તામાં ડૂબતાં જાય છે. એટલે કોઈપણ દેશ માટે રેટિંગ ઘટવું એ ચિંતાની બાબત હોય છે.
આ સિક્કાની બીજી બાજુ એ છે કે રેટિંગની ચિંતામાં જો સરકાર ખર્ચ કરવાનું અટકાવી દે, તો ઇકૉનૉમીને ફરી પાટા ઉપર લાવવી વધુ મુશ્કેલ થઈ ગઈ હોત. એટલે કે એક તરફ કૂવો તો બીજી તરફ ખીણ જેવો ઘાટ છે.
જાણકારોના મતે થોડા સમય માટે સરકારે રેટિંગની ચિંતા કર્યા વગર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા પર ધ્યાન દેવું જોઇએ. એક વખત અર્થતંત્રનું પૈડું ફરવા લાગશે એટલે રેટિંગ સુધરવામાં વાર નહીં લાગે.
મૂડીઝનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ ચાર ટકાના ઘટાડા બાદ આવતાં વર્ષે અર્થતંત્રમાં ઉછાળ જોવા મળશે. એજન્સીને આશંકા છે કે આગામી અમુક વર્ષો સુધી સમસ્યાઓ યથાવત્ રહેશે, એટલે આઉટલૂક નૅગેટિવ છે. સરકાર એવું કંઇક કરે કે તસવીર બદલે તો આ દૃષ્ટિકોણ આપોઆપ બદલાઈ જશે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












