Pfizer વૅક્સિન : કોરોનાની 'પહેલી અસરકારક રસી' ભારતને મળશે? - BBC TOP NEWS

હાલમાં જ કોરોના વાઇરસની '90 ટકા અસરકારક' રસી તૈયાર થઈ હોવાનો દાવો કરાયો છે, આ રસી તૈયાર કરનાર પીફાઇઝર કંપની ભારતમાં વેચાણ માટે સરકાર સાથે ચર્ચા કરી રહી છે.

મિન્ટના અહેવાલ મુજબ પીફાઇઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપની માને છે કે આ રસી ભારતના રસીકરણ કાર્યક્રમના શરૂઆતના તબક્કાનો અગત્યનો ભાગ બની શકે છે.

પ્રવક્તાએ કહ્યું, "અમે ભારત સરકાર સાથે દેશમાં રસી ઉપલબ્ધ કરાવવા માટેની વાતચીતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."

અહેવાલ મુજબ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે પુષ્ટિ કરી કે ભારત આરએનએ રસી માટે પીફાઇઝર કંપની સાથે વાત કરી રહ્યું છે અને આ સિવાય અનેક ભારતીય તથા વિદેશી ઉત્પાદકો સાથે પણ વાત કરાઈ રહી છે, જેઓ અન્ય સંભવિત રસી તૈયાર કરી રહ્યા છે.

પીફાઇઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપની 2020 સુધીમાં રસીના પાંચ કરોડ ડોઝ અને 2021 સુધીમાં 1.3 અબજ ડોઝ તૈયાર કરવાની આશા રાખે છે.

આને કોરોના વાઇરસની પહેલી અસરકારક વૅક્સિન માનવામાં આવે છે, જેણે 90% કરતાં વધારે લોકોને કોરોના વાઇરસથી રક્ષણ આપ્યું હોવાનો દાવો પ્રારંભિક વિશ્લેષણના આધારે કરાયો છે.

આ વૅક્સિનનું પરીક્ષણ છ દેશના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું, હજી સુધી સુરક્ષાને લઈને કોઈ પ્રશ્ન ઊઠ્યો નથી. કંપની આ મહિનાના અંત સુધીમાં ઇમર્જન્સી પરવાનગી માટે અરજી કરી શકે છે.

રો-પૅક્સ ફેરીના ઉદ્ઘાટનના એક દિવસમાં જ સેવા ઠપ

આઠ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઘોઘા-દહેજ રો-પૅક્સનું ઉદ્ઘાટન કર્યું, તેને મંગળવારે ટેકનિકલ ખામીને કારણે સસ્પેન્ડ કરવી પડી હતી.

ઘોઘા-દાહેજ રોપૅક્સના 'વૉયેજ સિમ્ફની'માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જોકે રો-પૅક્સનું સંચાલન કરતા ડિટૉક્સ ગ્રૂપે કહ્યું છે કે કલાકોમાં ખામીને દૂર કરવામાં આવી અને બુધવારે સર્ટિફાઇડ ઍજન્સી પાસે પરીક્ષણ બાદ ફરી શરૂ થશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડિટૉક્સ ગ્રૂપના ચૅરમૅન ચેતન કૉન્ટ્રાક્ટરે કહ્યું, "રિફ્યૂલિંગ સમયે કીચડ આવી ગયું હતું અને ડિઝલ જનરેટર (ડીજી) ચોક થઈ ગયું હતું. જેને ચાર કલાકમાં સાફ કરી દેવાયું હતું, હવે બુધવારે પ્રમાણિત ઍજન્સી નિરીક્ષણ કરશે અને ફરી રો-પૅક્સની સેવા શરૂ કરવામાં આવશે."

ગુજરાતમાં સૌથી મોટું 'ટૉય મ્યુઝિયમ' બનાવવાની તૈયારી

ગુજરાત સરકાર દુનિયાનું સૌથી મોટું ટૉય મ્યુઝિયમ બનાવવા જઈ રહી છે, જેમાં 11 લાખ રમકડાં મૂકવામાં આવશે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મ્યુઝિયમનું નિર્માણ આવતાં ત્રણથી પાંચ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે કરાશે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ આ ટૉય મ્યુઝિયમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના છે, જેની મારફતે ભારતના સ્થાનિક રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીને આ પ્રૉજેક્ટ માટે નોડલ ઍજન્સી બનાવવામાં આવી છે, જે ગુજરાતના ઉચ્ચ શિક્ષણવિભાગ હેઠળ આવે છે.

આ ટૉય મ્યૂઝિયમ માટે પ્રાચીન અને આધુનિક ભારતનાં મૂલ્યો અને પરંપરાઓને લઈને રમકડાં વિકસાવવાનું કહેવામાં આવ્યું છે.

'ચીન સાથે વાત થાય તો પાકિસ્તાન અને કાશ્મીરના પક્ષો સાથે કેમ નહીં?'

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી અને પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સોમવારે કહ્યું કે કાશ્મીરમાં ફરી ઉગ્રવાદી હિંસા વધી રહી છે અને શાંતિ માટે જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન અને અન્ય પક્ષો સાથે વાતચીત જરૂરી છે.

હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ 14 મહિના નજરકેદમાં રહ્યાં પછી મુફ્તીએ કહ્યું કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરના મુદ્દાના સમાધાનનો જે રસ્તો બતાવ્યો હતો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

તેમણે કહ્યું, "જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા જુદા-જુદા પક્ષો અને પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવી પડશે. આપણે ચીન સાથે આઠ રાઉન્ડની વાતચીત કરી, જ્યાં આપણા 20 જવાન શહીદ થયા અને આપણે એક આંગળી પણ ન ઉપાડી."

"અમારી નોકરીઓ, રાષ્ટ્રીય સંસાધનો અને જમીનો... બધું ભાજપે વેચાણ માટે મૂકી દીધું છે. આર્ટિકલ 370 મહારાજા હરિસિંહ દ્વારા આપવામાં આવેલું સુરક્ષા કવચ હતું, જે ડોગરા ઓળખ અને સંસ્કૃતિને ભારતીય બંધારણ હેઠળ સુરક્ષા અપાવતું હતું. ભાજપે ડૉ. આંબેડકરના બંધારણની પવિત્રતાનો ભંગ કર્યો છે."

આર્ટિલક 370 હિંદુ અથવા મુસ્લિમ સાથે જોડાયેલો નથી. તે જમ્મુ-કાશ્મીરની ઓળખને બચાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો