IPL 2020 : કરોડો લેનાર પાણીમાં બેસી ગયા અને સસ્તા ખેલાડીઓએ મારી બાજી

ઇમેજ સ્રોત, IPL/BCCI
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આઈપીએલની પહેલી સિઝનમાં સૌથી મોંઘા ખેલાડી મહેન્દ્રસિંહ ધોની હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.5 મિલિયન ડૉલર એટલે અંદાજે 6 કરોડમાં ખરીદ્યા હતા. 2020ની સિઝનમાં આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલી હતા. જેઓને 17 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
જોકે આ બંને ખેલાડીઓને આ સિઝનમાં તેમની ફ્રૅન્ચાઇઝી દ્વારા ટીમમાં યથાવત રાખવામાં આવ્યા હતા. તેમની હરાજી કરવામાં આવી ન હતી.
આ સિઝનની હરાજીમાં સૌથી ઊંચી કિંમતે પૅટ કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સે 15.5 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે બીજા ક્રમે ગ્લેન મૅક્સવેલ રહ્યા હતા. જેમને 10.75 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા હતા.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિસ મોરિસને 10 કરોડમાં, કિંગ્સ ઇલેવન પંજાબે શેલ્ડન કોટરેલને 8.5 કરોડમાં અને નથન કાઉલ્ટર નાઇલને 8 કરોડમાં ખરીદ્યા હતા.

આ ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?

ઇમેજ સ્રોત, IPL/BCCI
ઑગસ્ટ 2019થી આઈસીસીના ટેસ્ટ ક્રિકેટ રૅન્કિંગમાં ટોપ પર રહેનારા પૅટ કમિન્સને આઇપીએલની આ સિઝનમાં સૌથી ઊંચી કિંમતે કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા હતા.
તેમણે આ સિઝનમાં રમેલી 14 મૅચમાં માત્ર 12 વિકેટ લીધી છે અને 146 રન બનાવ્યા છે. પૅટ કમિન્સે સિઝનની પહેલી 10 મૅચમાં માત્ર ત્રણ જ વિકેટ લીધી હતી.
આઈપીએલની આ સિઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં તે 18મા ક્રમે છે.
પૅટ કમિન્સનો સૌથી સારો રેકૉર્ડ 4/34 છે. જ્યારે તેમણે 7.86ની ઇકૉનૉમીથી રન આપ્યા છે. પૅટ કમિન્સે એક મૅચમાં નોટઆઉટ 53 રન પણ બનાવ્યા છે. પૅટ કમિન્સની આ ચોથી સિઝન હતી છેલ્લે તેઓ 2017માં આઈપીએલ રમ્યા હતા તેમાં તેમણે 12 મૅચમાં 15 વિકેટ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગ્લેન મૅક્સવેલ - એક-એક રન પડ્યો લાખો રૂપિયાનો

ઇમેજ સ્રોત, IPL/BBCI
લાંબી સિક્સરો મારવા માટે ઓળખાતા ગ્લેન મૅક્સવેલે આ સિઝનમાં એક પણ સિક્સર મારી નથી. ગ્લેન મૅક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
મૅક્સવેલે સિઝનની 13 મૅચમાં માત્ર 108 રન બનાવ્યા હતા. તેમણે પહેલી દસ મૅચમાં 15ની ઍવરેજથી માત્ર 90 રન બનાવ્યા હતા. તેમણે દિલ્હી કૅપિટલ્સની ટીમની સામે બનાવેલા 32 રન એક માત્ર તેમની મહત્ત્વની ઇનિંગ્સ હતી.
મૅક્સવેલનો છેલ્લી ચાર સિઝનનો સ્ટ્રાઇક રેટ 140થી ઉપર રહ્યો છે જ્યારે આ સિઝનમાં 101.88નો રહ્યો છે.

ક્રિસ મોરિસ ઇજાના કારણે ઓછી ગૅમ રમ્યા

ઇમેજ સ્રોત, IPL/BCCI
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 કરોડ રૂપિયામાં ક્રિસ મોરિસને ખરીદ્યા હતા. ક્રિસ મોરિસ ઈજાગ્રસ્ત થતાં તેઓ આઈપીએલની પહેલી ચાર મૅચ રમ્યા ન હતા. ત્યારબાદ તેમણે 9 મૅચ રમી હતી જેમાં તેમણે 11 વિકેટ લીધી હતી.
ક્રિસ મોરિસે પહેલી જે પાંચ મૅચ રમી હતી તેમાં પાંચની ઇકૉનૉમીથી રન આપ્યા હતા અને નવ વિકેટ લીધી હતી. ક્રિસ મોરિસે 9 મૅચમાં 24 રન બનાવ્યા હતા.

શેલ્ડન કોટરેલ

ઇમેજ સ્રોત, IPL/BCCI
શેલ્ડન કોટરેલને કિંગ્સ ઇલેવન પંજાબે 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમણે આખી આઇપીએલમાં 6 મૅચ રમી છે. જેમાંથી તેમને માત્ર 6 વિકેટ જ મળી છે. તેમને 8.80ની ઇકૉનૉમીથી રન પડ્યા છે.
રાજસ્થાન રૉયલ્સના રાહુલ તિવેટિયાએ તેમની જ ઓવરમાં છ બૉલમાં પાંચ સિક્સ ફટકારી હતી. ત્યારબાદ તેઓ એક પણ મૅચ રમ્યા ન હતા.

નથન કાઉલ્ટર નાઇલ

ઇમેજ સ્રોત, IPL/BCCI
મુંબઈ ઇન્ડિયન્સે નથન કાઉલ્ટર નાઇલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યામાં હતા. તેમણે આખી આઇપીએલમાં છ મૅચમાં 3 વિકેટ લીધી છે. તેમણે 8.4ની ઇકૉનૉમીથી રન આપ્યા હતા. તેમણે શરૂઆતમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ એક મૅચમાં 4 ઓવરમાં 51 રન પડ્યા હતા.
તેમણે આ વખતે આઈપીએલમાં 25 રન બનાવ્યા છે જેમાં એક મૅચમાં નોટઆઉટ 24 રન બનાવ્યા હતા.
આઈપીએલની 13મી સિઝનમાં જો કોઈ ભારતીય ખેલાડી હરાજીમાં સૌથી વધારે કિંમતે ખરીદાયા હોય તો તે પિયૂષ ચાવલા હતા. જેને ચેન્નાઈ સુપર કિંગ્સે 6.75 કરોડમાં ખરીદ્યા હતો. તેમણે 7 મૅચમાં છ વિકેટ લીધી હતી. તેમની ઇકૉનૉમી 9.09ની હતી. નબળાં પ્રદર્શનને કારણે તેમને બહાર બેસાડવામાં આવ્યા હતા.

સૌથી ઉંચી કિંમતે ટીમમાં યથાવત રખાયેલા ખેલાડીએ શું કર્યું?

ઇમેજ સ્રોત, BCCI/IPL
વિરાટ કોહલીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. તેઓએ 15 મૅચમાં 466 રન બનાવ્યા છે. આ ઉપરાંત કૅપ્ટન તરીકે ટીમને પ્લે ઑફમાં પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સે 15 કરોડમાં રિટેન કર્યા હતા. પરંતુ ધોનીએ આ સિઝનમાં 14 મૅચમાં 200 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રૅટ 116.27 રનનો રહ્યો છે. જ્યારે આઈપીએલમાં ચેન્નાઈની ટીમ 14 મૅચમાંથી માત્ર છ જ મૅચ જીતી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે સુનિલ નારાયણને 12.50 કરોડમાં રિટેન કર્યા હતા. આ આઈપીએલમાં તેમણે 10 મૅચમાં માત્ર પાંચ જ વિકેટ લીધી છે. જ્યારે 121 રન બનાવ્યા છે.
રાજસ્થાન રૉયલ્સે સ્ટોક્સ અને સ્ટીવ સ્મિથને 12.50 કરોડમાં રિટેન કર્યા હતા. સ્ટીવ સ્મિથે 14 મૅચમાં 131.22ના સ્ટ્રાઇક રેટથી 311 રન બનાવ્યા છે. જ્યારે બેન સ્ટોક્સે 8 મૅચમાં 285 રન બનાવ્યા છે અને બે વિકેટ ઝડપી છે. સ્ટોક્સે મુંબઇની સામે એક સદી પણ નોંધાવી હતી.

દેવદત્ત પડ્ડિકલે ફાયદો કરાવ્યો
દેવદત્ત પડ્ડિકલને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 લાખમાં રિટેન રાખ્યા હતા. દેવદત્ત પડ્ડિકલ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી તમામ 15 મૅચ રમ્યા છે. તેમણે 124.80ના સ્ટ્રાઇક રેટથી 473 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની યાદીમાં સાતમાં ક્રમે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટી.નટરજાનને 40 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમણે આ આઇપીએલમાં 16 મૅચમાં 16 વિકેટ લીધી હતી. તે ટુર્નામૅન્ટની તમામ મૅચ રમ્યા હતા. તે આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં 16માં ક્રમે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












