નીતીશકુમાર : બિહારના રાજકારણના એવા ખેલાડી જે પીચ પર ટકી રહેવાના મહારથી છે

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
નીતીશ કુમારે પૂર્ણિયામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું, "આજે ચૂંટણીપ્રચારનો આખરી દિવસ છે, પરમદિવસે ચૂંટણી છે અને આ મારી છેલ્લી ચૂંટણી છે, અંત ભલું તો બધું ભલું…."
પાંચ નવેમ્બરે જ્યારે તેમણે મંચ પરથી આ વાત કહી તો લોકોએ કહ્યું કે હવે તેમને રાજકીય અંત દેખાવા લાગ્યો છે. અમુક લોકો કહે છે કે નીતીશ આ ઇમૉશનલ કાર્ડ રમ્યા છે, જેથી લોકો તેમને અંતિમ વખત મત આપે.
જનતા દળ યુનાઇટેડે સ્પષ્ટ કર્યું કે નીતીશ કુમારની આ આખરી ચૂંટણી નહીં હોય પરંતુ રાજનીતિના ખેલાડી નીતીશ કુમાર સારી રીતે જાણે છે કે તેમને ક્યારે, કેટલું અને શું બોલવાનું છે.
નીતીશ કુમારના રાજકારણને નજીકથી સમજનાર પટણાના એએન સિન્ગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર ડીએમ દિવાકર કહે છે:
"નીતીશ કુમાર કોઈ હલકી સમજવાળા નેતા નથી. તેઓ બહુ સમજી-વિચારીને બોલે છે. પરંતુ આ ચૂંટણીમાં તેમણે એવું ઘણું કહ્યું છે, જે માનવમાં ન આવે."
નીતીશ કુમારની અંતિમ ચૂંટણી પર ડીએમ દિવાકર કહે છે, "જુઓ પાર્ટીના ઇન્ટરનલ સર્વેમાં પહેલાં જ તેમને સમાચાર આપવામાં આવ્યા હતા કે હવા તેમના પક્ષે નથી."
"તેઓ પોતે જે લોકોને મળી રહ્યા છે, તેમાં પણ તેઓ આ સમજી રહ્યા છે કે ઍન્ટિ-ઇનકમ્બન્સી છે. તેમણે આ નિવેદન મારફતે એક સ્પેસ બનાવી છે કે જો તેમણે કોઈ નિર્ણય લેવો પડે તો લોકોને પહેલાં જ સંકેત આપી દે."
પરંતુ અત્યાર સુધીનાં ચૂંટણીનાં વલણ પ્રમાણે તેમની પાર્ટી જનતા દળ યુનાઇટેડનું પ્રદર્શન એટલું ખરાબ નથી, જેટલું મતગણતરી પહેલાંનાં અંદાજમાં કહેવામાં આવતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ સ્પષ્ટ રીતે કહી ચૂક્યો છે કે જો નીતીશ કુમારની બેઠકો તેના કરતાં ઓછી પણ થશે અને એનડીએ ગઠબંધનને બહુમત મળે તો તે પરિસ્થિતિમાં નીતીશ કુમાર જ મુખ્ય મંત્રી બનશે, એનડીએ આ ચૂંટણીમાં શરૂથી નીતીશ કુમારને ભાવિ મુખ્ય મંત્રી તરીકે પ્રૉજેક્ટ કરે છે.

ટકી રહેવાની કળા

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
વર્ષ 2010ની ચૂંટણીમાં નીતીશકુમારની પાર્ટીનો નારો હતો: "ખાલી વાતો કરનારને 15 વર્ષ અને કામ કરનારને માત્ર પાંચ વર્ષ?"
પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જનતા સમક્ષ બંને નેતાઓ - લાલુ યાદવનાં 15 વર્ષની સામે નીતીશ કુમાર પણ 15 વર્ષ રહ્યા. સમર્થકો અને વિરોધીઓની શબ્દાવલિમાં 'જંગલરાજ' અને 'સુશાસન' વચ્ચેની ટક્કર હતી.
બિહારના વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે, "નીતીશ કુમારે પોતાના પ્રથમ કાર્યકાળમાં (2005-2010) ખૂબ કામ કર્યું, છોકરીઓ માટે સ્કૂલનાં પોશાક નીયોજના, બાળકીઓ સ્કૂલ ગઈ. તેઓ લોકોના હિતના કામ કરવા પર ધ્યાન આપી રહ્યા હતા."
"નીતીશ કુમારના રાજમાં રંગદારી લગભગ બંધ થઈ ગઈ, જે લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળમાં ચરમ પર હતી. પરંતુ છેલ્લાં સાડા સાત વર્ષમાં નીતીશ કુમારના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. દરેક યોજના પર ભ્રષ્ટાચારનો કીડો લાગી ગયો છે."
બિહારમાં મહિલાઓ નીતીશ કુમારને મોટા પાયે મત આપે છે, મહિલાઓએ બ્લૉક સ્તર પર ભ્રષ્ટાચારનો ઉલ્લેખ વારંવાર કર્યો.
પોતાનો પ્રથમ કાર્યકાળને ખતમ કર્યા પછી નીતીશ કુમાર પર 'સત્તામાં ટકી રહેવા માટે રાજકારણ' કરવાનો આરોપ લાગ્યો.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતીશ કુમાર લોકસભા ચૂંટણી એકલા લડ્યા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.
ડીએમ દિવાકર કહે છે, "જીતનરામ માંઝીને નીતીશ કુમારે એટલે મુખ્ય મંત્રી બનાવ્યા હતા કારણકે 2014માં અપર-કાસ્ટના મત નહોતા મળ્યા અને તેઓ દલિતોને સંદેશ આપવા માગતા હતા કે તેમના સમુદાયની એક વ્યક્તિને તેઓ સત્તાના શીર્ષ પર બેસાડી રહ્યા છે. "
પરંતુ મે 2014માં મુખ્ય મંત્રીપદ છોડનાર નીતીશ કુમારે ફેબ્રુઆરી 2015માં જીતનરામ માંઝીને પાર્ટીમાંથી બહાર કરીને પોતે 130 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
એ પછી વિધાનસભા ચૂંટણીમાં લાલુનાં 15 વર્ષના શાસનની વિરુદ્ધ લડત આપીને નીતીશ કુમારે સમજી લીધું કે ગઠબંધન વગર બિહારમાં સરકાર રચવી શક્ય નથી અને પછી જેપી નારાયણ અને કર્પૂરી ઠાકુરની છાયામાં રાજકારણનો કક્કો શીખવાવાળા લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમાર એક સાથે આવ્યા.
બિહારમાં બંને નેતાઓએ 'સામાજિક ન્યાયની સાથે વિકાસ'ના નારા સાથે રાજ્યમાં ભાજપના 'વિકાસ'ના નારાને હરાવ્યો હતો.
27 જુલાઈ 2017ના રોજ પટણામાં રાજકીય તાપમાન વધવા લાગ્યું જ્યારે નીતીશ કુમાર રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળવા રાજભવન પહોંચ્યા અને રાજીનામું સોંપી દીધું.
નીતીશે આ રાજીનામું રાજ્યના તત્કાલીન ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ પછી ધર્યું હતું અને તેમણે જણાવ્યું કે આ આરોપોને કારણે જ તેઓ રાજીનામું આપી રહ્યા છે.
જોકે ત્યાર બાદ નીતીશ કુમારે સત્તામાં ફરી ઍન્ટ્રી કરી એ ભાજપની સાથે ગયા, જેના માટે તેમણે અગાઉ સદનમાં કહ્યું હતું - "માટીમાં ભળી જઈશ પરંતુ ભાજપની સાથે નહીં જાઉં."
નીતીશની સાથે ઉપમુખ્ય મંત્રી રહેલા તેજસ્વીએ આ રાજકીય ચાલને કારણે નીતીશને 'પલટુરામ' કહેવાનું શરૂ કરી દીધું. નીતીશને ક્યારેક 'ચાચા' કહેવાવાળા તેજસ્વી હવે તેમની સામે ચૂંટણી લડ્યા.
રાજનીતિ એ સમીકરણ અને સંભાવનાઓનો ખેલ છે અને આ તથ્યને સાબિત કરતાં તેઓ નીતીશ કુમાર, જે નરેન્દ્ર મોદીની 'સાંપ્રદાયિક છબિ'થી દૂર રહેતા હતા, તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે મંચ પર વોટ માગ્યા અને વર્ષ 2020ની વિધાનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર માટે વોટ માગ્યા હતા.

ઇજનેર બાબુથી સુશાસન બાબુ સુધી

ઇમેજ સ્રોત, ARKO DATTA/Getty
પટણા શહેરની નજીક આવેલા બખ્યિતારપુરમાં એક માર્ચ 1951ના નીતીશ કુમારનો જન્મ થયો હતો.
નીતીશ કુમારે બિહાર એન્જિનિયરિંગ કૉલેજથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ દરમિયાન તેઓ ઇજનેર બાબુ તરીકે ઓળખાતા હતા.
નીતીશ કુમાર જય પ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે, જે બિહારની સત્તામાં દોઢ દાયકા સુધી રહ્યા.
એન્જિનિયરિંગ કૉલેજમાં તેમના મિત્ર અને સહપાઠી અરૂણ સિંહાએ પુસ્તક 'નીતીશ કુમાર : ધ રાઇઝ ઑફ બિહાર'માં લખ્યું છે કે કૉલેજના દિવસોમાં નીતીશ કુમાર રાજ કપૂરની ફિલ્મોના દીવાના હતા, તેઓ રાજ કપૂરના ફિલ્મોને એટલી પસંદ કરતાં કે તેના વિશે કોઈ હસી-ઠઠ્ઠો પણ સહન નોહતા કરતા.
નીતીશ કુમારને 150 રૂપિયાની સ્કૉલરશિપ મળતી હતી, જેનાથી તેઓ દર મહિને પુસ્તકો- મૅગેઝીન ખરીદતા હતા. એ સમયમાં આ ચીજો બિહારના વિદ્યાર્થીઓ માટે સ્વપન જેવી હતી પણ સ્વતંત્રતાસેનાનીના પુત્ર નીતીશ કુમારનો રસ હંમેશાંથી રાજકારણમાં હતો.
લાલુ પ્રસાદ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડિઝની છાયામાં રાજકારણની શરૂઆત કરનાર નીતીશ કુમારે રાજકારણમાં 46 વર્ષની લાંબી યાત્રા કરી લીધી છે.
જ્યારે 1995માં સમતા પાર્ટીને માત્ર સાત બેઠકો મળી હતી તો નીતીશ કુમારે સમજી લીધું હતું કે રાજ્યમાં ત્રણ પાર્ટીઓ અલગ-અલગ લડત નહીં લડી શકે. આ રીતે 1996માં નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
આ સમયે લાલકૃષ્ણ આડવાણી અને અટલ બિહારી વાજપેયીના હાથમાં નેતૃત્વ હતું.
આ ગઠબંધનનો નીતીશ કુમારને લાભ થયો અને વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા, જોકે આ પદ તેમને માત્ર સાત દિવસ માટે મળ્યું પણ તેઓ પોતાને લાલુ યાદવની વિરુદ્ધ એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરી શક્યા.

મહાદલિતોનું રાજકારણ

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
2007માં નીતીશ કુમારે દલિતોમાં પણ સૌથી વધારે પછાત જ્ઞાતિઓ માટે 'મહાદલિત' કૅટેગરી બનાવી. આના માટે સરકારી યોજનાઓ લાવવામાં આવી. 2010માં ઘર, ભણતર માટે લૉન, સ્કૂલની પોશાકની યોજના લાવવામાં આવી.
આજે બિહારમાં બધી દલિત જ્ઞાતિઓને મહાદલિતની કૅટેગરીમાં મૂકવામાં આવી છે. વર્ષ 2018માં પાસવાનોને પણ મહાદલિતોનો દરજ્જો આપવામાં આવ્યો.
આમ તો બિહારમાં દલિતોના સૌથી મોટા નેતા રામવિલાસ પાસવાન થયા પરંતુ જાણકારો કહે છે કે દલિતો માટે ઠોસ કામ નીતીશ કુમારે કર્યાં છે.
નીતીશ પોતે ચાર ટકા વસતિવાળી કુર્મી જ્ઞાતિમાંથી આવે છે પરંતુ સત્તામાં રહીને તેમણે હંમેશાં એ પાર્ટી સાથે ગઠબંધનમાં જ ચૂંટણી લડી, જેની પાસે ઠોસ જ્ઞાતિ-વર્ગના મતદારો રહ્યા હોય.
ભલે પછી તેમણે ભાજપ સાથે ચૂંટણી લડી હોય, જ્યાં ભાજપ સમર્થકો મનાતા સવર્ણ મતદારોનો સાથે તેમને મળ્યો અથવા 2015માં યાદવ-મુસ્લિમ આધારવાળી આરજેડીની સાથે હાથ મિલાવ્યો હોય.
નીતીશ કુમારે જેમ મંચ પરથી છેલ્લી ચૂંટણીની વાત કરી તો એ ચર્ચા ચાલુ થઈ ગઈ કે નીતીશ કુમાર માઇનસ જેડીયુ શું સંભવ છે?
જો નીતીશ કુમાર નહીં તો જેડીયુનો નવો ચહેરો કોણ હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં એક પણ નામ ધ્યાનમાં આવતું નથી.
મણિકાંત ઠાકુર કહે છે, "નીતીશ કુમાર સિવાય જેડીયુમાં કંઈ પણ નથી. અને જો આજે જેડીયુ જે પણ હાલમાં હોય, તેના માટે જવાબદાર નીતીશ કુમાર જ છે."
"નીતીશે ક્યારેય નહોતું ઇચ્છયું કે તેમના રહેતા કોઈ અન્ય નેતા કેળવાય. અહીં સુધી કે નીતીશ કુમારની કૅબિનેટમાં એક પણ મંત્રી નથી જે પોતાના મંત્રાલય માટે મોટો નિર્ણય લઈ શકે."
વિનમ્ર અને સૌમ્ય છબિવાળા નીતીશ કુમાર રાજકીય મામલામાં એટલા જ નિર્મમ હોઈ શકે, જેટલા કોઈ અન્ય નેતા.
મણિકાંત ઠાકુર કહે છે, "તેમણે શરદ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડિઝની સાથે શું કર્યું એ બધાને ખબર છે, જ્યૉર્જના છેલ્લા દિવસો કેવી રીતે વીત્યા એ કોઈનાથી છૂપું નથી."
નીતીશ કુમારની પાર્ટી પાસે કોઈ પણ સંસ્થાગત ઢાંચો નથી, બિહારના સુદૂર જિલ્લાઓમાં જેડીયુની પાસે બૂથ લેવલના કાર્યકર્તા પણ નથી, પરંતુ આ નીતીશ કુમારની રાજકીય કુશળતા હતી કે તેઓ રાજ્યમાં વોટબેઝ અને કાર્યકર્તાઓવાળી પાર્ટીઓને કિનારા પર ઠેલવીને પોતે સત્તાના કેન્દ્રમાં રહ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













