અમેરિકા ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ હાર નહીં સ્વીકારે તો શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના અનુમાન પ્રમાણે રાષ્ટ્રપતિપદની દોડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ વોટનો આંકડો જો બાઇડને પાર કરી દીધો છે. પરંતુ હવે શું થશે?
તેનો અર્થ એવો નથી કે જો બાઇડને તરત પોતાનો સામાન લઇને 1600 પેન્સિલ્વેનિયા એવન્યુ ખાતે આવેલા વ્હાઇટ હાઉસમાં રહેવા આવી જવાનું છે. વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા પહેલાં હજુ ઘણું બધું કરવાનું છે.
અમેરિકામાં ચૂંટણીની પ્રક્રિયા આમ તો સુમેળપૂર્વક પૂરી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો ગૂંચવાઈ ગયો છે. ચૂંટણીમાં મતગણતરી અંગે ટ્રમ્પ કાનૂની પડકાર આપવા જઈ રહ્યા છે.
અમેરિકાના બંધારણ પ્રમાણે સત્તાવાર રીતે નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ બપોરથી શરૂ થશે.
આ પહેલાં રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેને ઇનૉગ્રેશન કહે છે.
આ સમારોહમાં નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવે છે.
આ વખતે 20 જાન્યુઆરી 2021ના રોજ જો બાઇડન અને કમલા હેરિસ શપથ ગ્રહણ કરશે, તેવી આશા સેવાઈ રહી છે.
જોકે, તેમાં કેટલાક અપવાદ પણ છે. જો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં વર્તમાન રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય અથવા તેઓ રાજીનામું આપી દે તો ઉપરાષ્ટ્રપતિને તરત જ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીનાં પરિણામો આવે ત્યારથી લઈને નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરૂ થાય ત્યાં સુધીનો સમય, એટલે કે 20 જાન્યુઆરી સુધીના સમયને પ્રૅસિડેન્શિયલ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે.
આ દરમિયાન નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ એક ટ્રાન્ઝિશન ટીમ બનાવે છે જે ઇનૉગ્રેશન બાદ તરત કામ શરૂ કરવા માટે જરૂરી તૈયારી કરે છે.


જો બાઇડન અને કમલા હેરિસની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images
જો બાઇડન અને કમલા હેરિસે પહેલાંથી એક ટ્રાન્ઝિશન વેબસાઇટ બનાવીને જણાવ્યું છે કે તેઓ આગામી દિવસોની તૈયારીમાં લાગી ગયાં છે.
વેબસાઇટ પર જણાવાયું છે, “દેશની સામે આજે રોગચાળાથી લઈને આર્થિક મંદી સુધી અને ક્લાઇમૅટ ચૅન્જથી લઈને વંશીય અન્યાય સુધી ઘણા ગંભીર પ્રશ્નો છે. ટ્રાન્ઝિશન ટીમ ઝડપથી તૈયારી કરી રહી છે, જેથી પહેલા દિવસથી જ બાઇડન-હેરિસ વહીવટી તંત્ર કામ શરૂ કરી શકે.”
બંને નેતા પોતાની કૅબિનેટના સભ્યો પસંદ કરશે અને નીતિ તથા વહીવટીતંત્ર વિશે ચર્ચા કરશે.
આ ટીમના સભ્યો ફેડરલ ઍજન્સીઓનો સંપર્ક કરે છે અને જુદાં-જુદાં કામ કરવા માટે સમયમર્યાદા તથા બજેટ જેવી બાબતો ઉપરાંત કયા કૅરિયર સ્ટાફ શું કામ કરે છે તેની માહિતી એકત્ર કરે છે.
તેઓ નવા કર્મચારીઓ માટે આવશ્યક વિગતો એકઠી કરે છે અને ત્યાર પછી ઇનૉગ્રેશનની તૈયારીઓમાં પણ મદદ કરે છે. તેમાંથી કેટલાક લોકો બાદમાં રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ સાથે કામ કરવા લાગે છે.
વર્ષ 2016માં ઓવલ ઑફિસમાં બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી.
તે સમયની તસવીરોમાં સ્પષ્ટ દેખાતું હતું કે બંને નેતાઓ વચ્ચે ઉષ્માનો અભાવ હતો. હજુ પણ બંને નેતાઓના સંબંધમાં ગરમાવો જોવા મળતો નથી.
જો બાઇડન પોતાની ટ્રાન્ઝિશન ટીમ બનાવવામાં મહિનાઓનો સમય લગાવી શકે છે. તેમણે આ માટે નાણાં પણ એકત્ર કર્યાં છે અને ગયા સપ્તાહમાં આ વિશે એક વેબસાઇટ પણ લૉન્ચ કરી હતી.


શું કાનૂની પડકારો પેદા થવાના છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જે રાજ્યોમાં 'બાઇડને ચૂંટણી જીતવાનો' દાવો કર્યો છે, ત્યાં ટ્રમ્પ મતદાનમાં છેતરપિંડીનો આરોપ લગાવી ચૂક્યા છે.
તેઓ પહેલાંથી જ કોર્ટમાં જવાની વાત કરી ચૂક્યા છે. જોકે, તેમણે આ આરોપોના ટેકામાં કોઈ પુરાવા રજૂ નથી કર્યા.
તેમના અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ આ મુદ્દે દેશના ટોચના વકીલોનો સંપર્ક કરી રહ્યા છે, એવું જણાવવામાં આવ્યું છે.
તેમનો પ્રયાસ છે કે ટપાલથી મળેલા કેટલાક મતની ગણતરી કરવામાં ન આવે. આ મામલો સૌથી પહેલાં રાજ્યોની અદાલતોમાં રજૂ થશે અને ત્યાર પછી તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે.
જોકે કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના મામલાથી ચૂંટણીનાં પરિણામો પર કોઈ ફરક નહીં પડે.
ટ્રમ્પના અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓની વિનંતી પછી કેટલાંક રાજ્યોમાં ફરીથી મતગણતરી થવાની આશા છે. પરંતુ ત્યાં પરિણામમાં ફેરફાર થવાની શક્યતા બહુ ઓછી છે.

ટ્રમ્પ પરાજય નહીં સ્વીકારે તો શું થશે?

ઇમેજ સ્રોત, ANDREW CABALLERO-REYNOLDS/Getty
ઉત્તર અમેરિકામાં વરિષ્ઠ રિપોર્ટર ઍન્થની ઝર્ચરના વિશ્લેષણ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાંથી કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણીનાં પરિણામોને કોર્ટમાં પડકારશે. જો તેઓ પોતાના પ્રયાસમાં સફળ નહીં થાય તો તેમના પર જાહેરમાં હાર સ્વીકારવાનું દબાણ વધવા લાગશે. પરંતુ શું તેમના માટે હાર સ્વીકારવી જરૂરી છે?
અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી હારનાર ઉમેદવાર ચૂંટણી જીતનાર ઉમેદવારને ફોન કરીને અભિનંદન પાઠવતા હોય છે અને પોતાના પરાજયનો સ્વીકાર કરે છે, પરંતુ આ બંધનકર્તા નથી.
વર્ષ 2018માં ગવર્નરના પદ માટે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્ટેસી અબ્રામ્સે ચૂંટણીમાં વોટર ફ્રૉડ અને ડરાવવા-ધમકાવવાનો આરોપ મૂક્યો હતો તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બ્રાયન કૅમ્પે હાર સ્વીકારી નહોતી.
જોકે, તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રપતિપદની દોડમાં આવું ક્યારેય નથી બન્યું. હવે જ્યૉર્જિયામાં કાયદેસર રીતે ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી સરકારી કામકાજ જેમ ચાલે છે, તે રીતે જ ચાલતું રહેશે, ટ્રમ્પ ભલે ગમે તે કરે.
એ વાત સાચી કે ન તો ટ્રમ્પે પોતાનો પરાજય સ્વીકારવાની જરૂર છે ન તેમણે ચહેરા પર સ્મિત લાવીને બાઇડનના ઇનૉગ્રેશનમાં સામેલ થવાની જરૂર છે. પરંતુ કાનૂની રીતે તેમની કેટલીક જવાબદારીઓ છે.
બાઇડનની ટીમ કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી શકે તે માટે ટ્રમ્પે પોતાના વહીવટીતંત્રને મંજૂરી આપવી પડશે. ટ્રમ્પના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ પહેલાંથી આમ કરી ચૂક્યા છે.


ટ્રાન્ઝિશન દરમિયાન કમલા હેરિસ શું કરશે?

ઇમેજ સ્રોત, Em Hoff/Getty
કમલા હેરિસ દેશનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. તેઓ પોતાના કર્મચારીઓ નિયુક્ત કરશે અને અગાઉના વહીવટીતંત્ર પાસેથી પોતાનાં કામ અને કાર્યકાળ વિશે માહિતી એકઠી કરશે.
ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં છે. જોકે, તેઓ ત્યાં નહીં રહી શકે.
પરંપરાગત રીતે તેઓ અમેરિકન નૌકાદળના ઑબ્ઝર્વેટરી પરિસરમાં રહે છે, જે શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે અને વ્હાઇટ હાઉસથી લગભગ 10 મિનિટના અંતરે છે.
તેમના પતિ ડગ્લાસ ઍમ્પહોફ વ્યવસાયે એક વકીલ છે અને મનોરંજન જગત સાથે સંકળાયેલા છે.
પ્રથમ લગ્નથી તેમનાં બે બાળકો છે - કોલ અને એલા. હેરિસ જણાવે છે કે બંને બાળકો તેમને પ્રેમથી 'મોમાલા' કહે છે.


ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન કેવું હોય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ જ્હૉન ઍડમ્સ અને તેમનાં પત્ની શિફ્ટ થયાં હતાં. તે સમયે આ ઇમારતનું બાંધકામ પૂરું પણ નહોતું થયું.
હાલના દિવસોમાં એવી આશા રાખવામાં આવે છે કે જે નવા રાષ્ટ્રપતિ આવશે તે પોતાની સગવડ પ્રમાણે જૂનું ફર્નિચર બદલશે અને આ માટે કૉંગ્રેસ અલગથી નાણાંની વ્યવસ્થા કરતી હોય છે.
વ્હાઇટ હાઉસમાં લોકોના રહેવા માટે કુલ 132 ઓરડા છે અને તેમાં 35 બાથરૂમ છે.
ફૅશન જગત સાથે સંકળાયેલા ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની મેલેનિયા ટ્રમ્પે અહીં ઘણા ફેરફાર કરાવ્યા હતા. વ્હાઇટ હાઉસમાં યોજાતા વિશેષ સમારોહ અને તહેવારોના આયોજનની જવાબદારી તેમના શિરે હતી.




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












