ઍક્ઝિટ પોલનું તારણ : નીતીશ કુમાર- તેજસ્વી યાદવ વચ્ચે ‘કાંટે કી ટક્કર’

ઇમેજ સ્રોત, Getty Images
બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગઅલગ ન્યૂઝ ચેનલોએ ઍક્ઝિટ પોલ કર્યા છે અને એ પ્રમાણે બિહારમાં ભાજપ-જદ(યૂ) અને મહાગઠબંધન વચ્ચે ખરાખરીનો ખેલ જામે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. અહીં એ વાત પણ નોંધવી કે બીબીસી ક્યારેય ઍક્ઝિટ પોલ કે ઑપિનિયન પોલ કરાવતી નથી.
આ પહેલાં બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું અને શનિવારે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 55.22 ટકા મતદાન નોંધાયું.
10મી નવેમ્બર મતગણતરી હાથ ધરવામાં આવશે.
શું કહે છે અલગઅલગ ઍક્ઝિટ પોલ?

ઇમેજ સ્રોત, Getty Images
'એબીપી ન્યૂઝ અને સી-વોટર'ના સર્વેમાં રાજ્યમાં કોઈને પણ બહુમતી મળવાના અણસાર નથી દેખાઈ રહ્યા અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા વ્યક્ત કરાઈ છે.
'એબીપી ન્યૂઝ અને સી-વોટર' અનુસાર રાજ્યમાં એનડીએને વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી 104-128 બેઠકો મળી શકે છે. જ્યારે રાજદ-કૉંગ્રેસના મહાગઠબંધનને 108-131 બેઠકો મળી શકે છે.
'ઇન્ડિયા ટુડે-ઍક્ઝિસ માય ઇન્ડિયા' અનુસાર મુખ્ય મંત્રીપદ માટે રાજદના નેતા તેજસવી યાદવને રાજ્યના 44 ટકા લોકોએ પસંદ કર્યા છે. તેજસ્વીનો ગ્રાફ ઝડપભેર અધ્ધર ચડ્યો છે. તો આ રેસમાં નીતીશ કુમાર પાછળ જણાઈ રહ્યા છે. નીતીશ કુમારને મુખ્ય મંત્રી તરીકે 33 લોકોએ પોતાની પસંદ ગણાવ્યા છે અને નીતીશ કુમાર માટે આ બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
એનડીએનો છેડો ફાડીને ચૂંટણીમેદાનમાં ઊતરેલા ચિરાગ પાસવાનના નામ પર માત્ર 7 ટકા લોકોએ મુખ્ય મંત્રી માટેની સહમતી વ્યક્ત કરી છે.
ટાઇમ્સ નાઉ અને સી-વોટરના સર્વે અનુસાર ભાજપ-જદયૂ ગંઠબંધનને 116 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે મહાગઠબંધનને 120 બેઠક મળવાના અણસાર છે. જ્યારે અન્યને સાત બેઠકો મળે એવું જણાવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપબ્લિક અને જન કી બાત પોલમાં મહાગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. તેમના સર્વે અનુસાર ભાજપના ગઠબંધનને 91થી 117 બેઠકો મળી શકે છે જ્યારે કૉંગ્રેસ-આરજેડીવાળા મહાગઠબંધનને 118-138 બેઠકો મળી શકે એમ છે.
અલગઅલગ ચેનલો દ્વારા કરાયેલા ઍક્ઝિટ પોલને મેળવીને એનડીટીવીએ 'પોલ ઑફ ઍક્ઝિટ પૉલ્સ' જાહેર કર્યા.
ત્રણ ઍક્ઝિટ પોલ પર કરાયેલા એનડીટીવીના આ ઍક્ઝિટ પોલમાં ભાજપ-જદ(યૂ) ગઠબંધનને 112, મહાગઠબંધનને 119 અને અન્યને 08થી 12 બેઠકો મળી શકે છે.

અંતિમ તબક્કાનું મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
સાત નવેમ્બરે બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. જેમાં 16 જિલ્લામાંથી 78 બેઠકો પર લોકોએ મત આપ્યા. આમાં મુખ્યત્વે સીમાંચલ અને મિથિલાંચલ વિસ્તારો સામેલ છે.
આ સાથે જ બિહારમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું.
ચૂંટણીપંચનું કહેવું છે કે ત્રીજા તબક્કામાં તાજા આંકડા અનુસાર 55.22 ટકા મતદાન થયું. ચૂંટણીપંચના અનુસાર છેલ્લા આંકડા આનાથી વધુ હોઈ શકે છે.
આ પહેલાં બિહારમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 55.68 ટકા મતદાન થયું અને ત્રીજી નવમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં 55.70 ટકા લોકોએ મત આપ્યા.
ચૂંટણીપંચના ચંદ્રભૂષણ કુમારના મતે "2015માં વિધાનસભાની ચૂંટણી વખતે 56.66 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વર્ષે જે આંકડા આવશે, એ કોવિડ-19ની દૃષ્ટિએ સન્માનજનક હશે."

કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?

ઇમેજ સ્રોત, AFP
દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજય કુમાર કહે છે કે ઍક્ઝિટ પોલ અંગે ધારણા છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે.
સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?
હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.
ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે.
એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે 2015ની વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

ઍક્ઝિટ પોલ ખોટા કેવી રીતે પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? એવો સવાલ પણ થાય છે.
આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."
"સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."
"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."
જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.
સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













