ગુજરાતની પેટાચૂંટણીમાં 'બેરોજગાર વિદ્યાર્થીઓ' ભાજપને કઈ રીતે ભારે પડશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે.

આ ચૂંટણીમાં આ વખતે વિદ્યાર્થીઓ ઝંપલાવવાના છે. લીમડીમાં 116, મોરબીમાં 124 તો ધારી, કરજણ, અબડાસામાં 60-60 વિદ્યાર્થીઓએ આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રક ભરવાનું નક્કી કર્યું છે.

એલ. આર. ડી, જીપીએસસી, ટેટ જેવી પરીક્ષાનાં પરિણામો આવી ગયાં બાદ પણ નોકરી નહીં મળતા આ વિદ્યાર્થીઓ છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવવાના નિર્ણયે ભાજપ અને કૉંગ્રેસ માટે ચિંતા વધારી દીધી છે. રાજકારણના જાણકારોના મતે આ વિદ્યાર્થીઓ બન્ને પક્ષોનું ગણિત બગાડી શકે એમ છે.

નોંધનીય છે કે લીમડી, મોરબી, ધારી, કરજણ અને અબડાસાની બેઠકો પર બન્ને પક્ષો વચ્ચે ભારે રસાકસી જામશે એવું મનાઈ રહ્યું છે.

શું કહે છે યુવાનો?

આ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરનારાં રિદ્ધિ પટેલ જણાવે છે, "અમારું આંદોલન ઉગ્ર બને એટલે સાંત્વના આપી દેવામાં આવે છે અને પછી પરિણામ શૂન્ય આવે. આંદોલન કરવા જઈએ તો ગાંધીનગરમાં ધરપકડ કરી લેવાય. સરકાર અમારો અવાજ દબાવે છે એટલે અમે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ચૂંટણીમાં અમારી સભા તો રોકી નહીં શકેને? અમારી સભાઓમાં અમારી સાથે થયેલા અન્યાયની વાત કરીશું."

"લોકોમાં જાગૃતિ લાવીશું કે જે અન્યાય અમારે સહન કરવો પડ્યો છે, એ એમનાં બાળકોને ન કરવો પડે એટલે એમને પાઠ ભણાવો."

રિદ્ધિએ જીપીએસસીની પરીક્ષા આપી છે પણ નોકરી નથી મળી. તેઓ ઉમેરે છે કે તેઓ રાજકારણીઓ નથી અને સરકારનો વિરોધ કરીને કૉંગ્રેસમાં પણ જોડાવાનાં નથી. રિદ્ધિ મોરબીની બેઠક પરથી લડી રહ્યાં છે.

આવું જ કંઈક એલ.આર.ડી.નું આંદોલન કરી રહેલા રોહિત માળીનું કહેવું છે.

તેઓ જણાવે છે, "અમે આંદોલન કરીએ એટલે પોલીસ દ્વારા દમન ગુજારાય. વિધાનસભાના સત્ર વખતે અમે આંદોલનનો પ્રયાસ કર્યો તો કોરોનાના નામે અમારા પર કેસ કરાયા. રાજકીય નેતાઓ રેલીઓ કરે અને ગરબા ગાય એનું કંઈ નહીં."

"આ અમારી જિંદગીનો સવાલ છે અને ચૂંટણી અમારા માટે મોટું હથિયાર છે. અમે મોટી સંખ્યામાં ઊભા રહીશું. બન્ને રાજકીય પક્ષોને ખબર પડવી જોઈએ કે યુવાનોને મુર્ખ બનાવી ન શકાય."

રોહિતે લીમડીની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું છે.

યુવાનોની રણનીતિ

એક સમયે હાર્દિક પટેલના સાથીદાર અને આ યુવાનોનું નેતૃત્વ કરનારા દિનેશ બાંભણિયા જણાવે છે :

"અમે આંદોલન કરીએ તો સરકાર એની નોંધ લેતી નથી. આંદોલન ઉગ્ર બને એટલે સાંત્વના આપીને ધકેલી દે છે. સરકાર જાણે છે કે પાંચ વર્ષ સુધી એ જ રાજ કરવાની છે એટલે યુવાનોને ગાંઠતી નથી."

"અમને સભા કે ધરણાં યોજવા દેવાતાં નથી. એટલે અમે રસાકસીવાળી પાંચ બેઠકો પર ગાબડું પાડવાનું નક્કી કર્યું છે. અપક્ષ ઉમેદવાર તરીકે પ્રચાર કરતા કોઈ રોકી શકે નહીં. અમે ઘરેઘરે જઈને અમને થયેલા અન્યાયની વાત કરીશું. દરેક ગામમાં બેઠક યોજીશું અને લોકોને સરકારની નીતિથી અવગત કરીશું. રાજકીય પક્ષોને પણ ખબર પડવી જોઈએ કે યુવાતાકાત શું છે."

દિનેશ બાંભણિયા ભાજપ કે કૉંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે જોડાવાનો ઇન્કાર કરે છે.

પોતાની રણનીતિ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "લીમડી બેઠકમાં 58 ગામ છે. અમારો ઉમેદવાર ઘરેઘરે જઈને પ્રચાર કરશે અને ખાટલાબેઠકો યોજશે. લોકોને રાજકારણીઓની ફિતરત સમજાવશે અને એ પણ સમજાવશે કે લોકો કેમ બેકાર છે. આવનારા દિવસોમાં એમનાં બાળકોને કેવો અન્યાય થશે એ પણ સમજાવીશું."

"અમારા ઉમેદવારો ભલે હારી જાણ પણ રાજકારણીઓનું ગણિત બગાડશે કારણ કે અમે જ્ઞાતિવાર ઉમેદવાર ઊભા રાખીશું અને પ્રચાર કરાવીશું કે જેથી એમના સગા અને મિત્રો એમને મત આપે."

જાણીતા રાજકીય વિશ્લેષક અને તાલીમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. એમ.આઈ. ખાન જણાવે છે, "આ વિદ્યાર્થીઓની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. એ જીતશે નહીં પણ થોડા મતો તોડી જાય તો રાજકીય પક્ષોનું ગણિત બગડી જાય."

"સામાન્ય રીતે પેટાચૂંટણીઓમાં દસ હજાર મતોની ઉથલપાથલ પણ હારજીત નક્કી કરતી હોય છે ત્યારે જો આ 60 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહે તો રાજકીય પક્ષોનાં તમામ ગણિત બદલાઈ જાય."

રાજકીય પક્ષોનું શું કહેવું છે?

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેનું કહેવું છે, "અમે તેમની સામે મજબૂતીથી પ્રચાર કરીશું કે છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારે અલગઅલગ 1000 પરીક્ષાઓ લઈ સવા લાખથી વધુ લોકોને નોકરી આપી છે."

"રહી વાત એલ. આર. ડી.ની તો સરકારે સુપર ન્યમેરિક પાવરનો ઉપયોગ કરીને ત્રણ વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓ અને આવનારાં ત્રણ વર્ષમાં ખાલી પડવાની જગ્યાઓને ધ્યાનમાં રાખી, મહિલાઓની 33 ટકા અનામત ધ્યાનમાં રાખીને બેઠકો વધારી છે. પુરુષોને પણ અન્યાય નથી કર્યો."

"જી.પી.એસ.સી.નાં પરિણામો આવ્યાં છે પણ કેટલીક પરીક્ષા અંગે અમુક લોકોએ કાયદાકીય ગૂંચ ઊભી કરીને કોર્ટમાં કેસ કર્યા છે, જેના લીધે ભરતીપ્રક્રિયામાં અડચણ ઊભી થઈ છે."

આ મામલે વિપક્ષ પર આરોપ લગાવતા ડૉ. દવે ઉમેરે છે, "જેમને નોકરી નથી મળવાની એમની લાગણીઓને ઉશ્કેરીને હાર ભાળી ગયેલો વિપક્ષ દુષ્પ્રચાર કરી રહ્યો છે. જેને અમે ખુલ્લો પાડીશું."

જોકે, કૉંગ્રેસ આ આરોપોને ફગાવી દે છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર જણાવે છે, "આ અમારી રણનીતિ નથી. જો અમે આ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને તેમની લાગણીઓનો ઉપયોગ કરવા માગતા હોત તો એ લોકો સીધું જ કૉંગ્રેસને સમર્થન આપત અને અમે સ્વીકારી પણ લેત."

"એમણે અમારો કોઈ સંપર્ક કર્યો નથી અને અમે આ બાબતથી અજાણ છીએ. ભાજપ અમારા સૂત્ર 'ગદ્દાર સામે વફાદાર'થી ગભરાયો છે એટલે વિદ્યાર્થીઓની નારાજગીને કૉંગ્રેસનું કાવતરું ગણે છે. હકીકતમાં યુવાનોની નારાજગી એમને ભારે પડશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો