IPL RCB vs DC : વિરાટ કોહલીના પ્રયાસો છતાં દિલ્હી સામે બૅંગ્લોરનો પરાજય કેમ થયો?

ઇમેજ સ્રોત, Bcci/ipl
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
સોમવારે દિલ્હી કૅપિટલ્સના માર્કસ સ્ટોઇનિસે બેટિંગમાં અને કેગિસો રબાડાએ બૉલિંગમાં કમાલ કરી હતી.
દિલ્હીની ટીમ એક તબક્કે 150ની આસપાસનો સ્કોર કરી શકશે એમ લાગતું હતું પરંતુ માર્કસ સ્ટોઇનિસ છેલ્લી ઓવરોમાં જે રીતે રમ્યા તેના કારણે આ ટીમ 196 રનનો સ્કોર ખડકી શકી હતી.
બીજી તરફ ચૅલેન્જ સ્વીકારવા માટે રૉયલ મનાતી રૉયલ ચૅલેન્જર્સ ટીમના બૅટ્સમૅન સાવ ઢીલા પુરવાર થયા હતા.
આઈપીએલની સોમવારની મૅચનો સારાંશ એટલો જ છે કે 197 રનના ટાર્ગેટ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર નિષ્ફળ રહ્યું અને દિલ્હી કૅપિટલ્સનો 59 રનથી ભવ્ય વિજય થયો.
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટે 196 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં બૅંગલોરની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન કરી શકી હતી. આ સાથે પૉઇન્ટ ટેબલમાં પણ દિલ્હીની ટીમ આઠ પૉઇન્ટ સાથે મોખરે પહોંચી ગઈ છે.

કોહલી પાસે ચમત્કારની અપેક્ષા

ઇમેજ સ્રોત, Bcci/ipl
બૅંગલોર માટે એકમાત્ર વિરાટ કોહલી જ કંઈક પ્રભાવ દાખવી શક્યા હતા. કોહલી રમતા હતા ત્યાં સુધી મૅચમાં ચમત્કારની અપેક્ષા હતી પરંતુ કોહલીની વિકેટ બાદ આ પડકાર શમી ગયો હતો.
ચમત્કારની કોઈ આશા રહી નહોતી અને મૅચનું પરિણામ નક્કી થઈ ગયું હતું.
એમાંય સાઉથ આફ્રિકન ઝડપી બૉલર રબાડા સામે કોઈ ટકી શક્યું ન હતું. રબાડાએ ચાર વિકેટ ખેરવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇનિંગ્સનો આક્રમક પ્રારંભ કરવાની જેમને આદત છે તેવા પૃથ્વી શોએ આ મૅચમાં પણ શાનદાર પ્રારંભ કર્યો હતો અને ધવન સાથે મળીને સાત ઓવર પૂરી થાય તે પહેલાં તો 68 રન ફટકારી દીધા હતા.
પૃથ્વીએ 23 બૉલમાં 42 રન ફટકારીને ઝમકદાર શરૂઆત કરી હતી. તેમણે બે સિક્સર પણ ફટકારી હતી.
ધવન પણ કમ નહોતા, તેમણે 114.29ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 28 બૉલમાં 32 રન ફટકાર્યા હતા.
આ બંનેની વિકેટ પડ્યા બાદ એક તબક્કો એવો આવ્યો, જ્યારે એમ લાગતું હતું કે દિલ્હીની ટીમ 150-160ની આસપાસ અટકી જશે.
એ વખતે શ્રેયસ ઐય્યર સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
ઋષભ પંતનુ બૅટ ક્યારેય શાંત રહેતું નથી. તેમણે પણ બે સિક્સર ફટકારી અને 25 બૉલમાં 37 રન ફટકાર્યા હતા.

માર્ક્સ સ્ટોઇનિસના 53 રન

ઇમેજ સ્રોત, Bcci/ipl
જોકે દિલ્હી કૅપિટલ્સની ઇનિંગ્સની હાઇલાઇટ માર્કસ સ્ટોઇનિસ રહ્યા હતા.
ટુર્નામેન્ટની બીજી જ મૅચ અને દિલ્હીની પહેલી જ મૅચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે સ્ટોઇનિસે ઝંઝાવાતી બેટિંગ કરી હતી.
એ વખતે તેમણે 21 બોલમાં 53 રન ફટકાર્યા હતા, જ્યારે સોમવારે તેમણે 26 બોલમાં 53 રન ફટકાર્યા હતા.
બંને મૅચમાં તેમનો સ્કોર સમાન રહ્યો હતો અને પરિણામ પણ સમાન રહ્યું હતું.
ફરક એટલો હતો કે 20મી સપ્ટેમ્બરની મૅચ ટાઈ પડ્યા બાદ દિલ્હીએ જીતી, જ્યારે સોમવારની મૅચમાં આવા કોઈ રોમાંચની અપેક્ષા રહી ન હતી.
સ્ટોઇનિસના ઝંઝાવાતને કારણે મૅચની પહેલી 20 ઓવરમાં જ પરિણામ નક્કી થઈ ગયું હતું.
એ બાદ દેવદત્ત પડ્ડિકલ (04), એરોન ફિંચ (13) અને એબી ડી વિલિયર્સ (09) સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
વિરાટ કોહલીએ લડત આપીને 39 બોલમાં 43 રન ફટકાર્યા પરંતુ તેમને સહકાર આપવા માટે સામે છેડે કોઈ બૅટ્સમૅન બાકી ન હતા.

ઇમેજ સ્રોત, Bcco/ipl
આ તરફ રબાડા ખતરનાક બૉલિંગ કરી રહ્યા હતા. તેમને અન્ય બૉલર્સે પણ એવો જ સહકાર આપ્યો હતો.
રબાડાએ ચાર ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી તો તેમના જ દેશના એનરિક નોર્તજેએ ચાર ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી હતી.
તો ગુજરાતના અક્ષર પટેલે ચાર ઓવરમાં 18 જ રન આપ્યા અને બદલામાં એરોન ફિંચ અને મોઇન અલીને આઉટ કર્યા હતા.
બૅંગલોરના બૉલર્સે નિરાશ કર્યા હતા, ઝડપી બૉલર મોહમ્મદ સિરાઝે બે વિકેટ લીધી હતી
નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ મોંઘા પુરવાર થયા, તેમણે ત્રણ ઓવરમાં અનુક્રમે 48 અને 29 રન આપ્યા હતા.
દિલ્હી હવે નવમીએ રાજસ્થાન સામે રમશે જ્યારે બૅંગલોરની ટીમ દસમીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












