You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ કેસ : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 200 લોકો સામે પોલીસ ફરિયાદ, રેપ ન થયો હોવાનો ફૉરેન્સિક રિપોર્ટમાં દાવો
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા મામલે રાજકીય વિરોધ તેજ થયો છે. આ મામલે વિરોધ કરી રહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે કે આ રેપની ઘટના નથી.
આ કેસમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 200 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એમની સામે મહામારી કાયદા હેઠળ નોઇડાના ઇકોટેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાથરસ જવા નીકળેલા રાહુલ અને પ્રિયંકાને પોલીસે અટકાવ્યાં અને પછી તેમની ધરપકડ પણ કરવામાં આવી.
હાથરસમાં નથી થયો રેપ - ફૉરેન્સિક રિપોર્ટમાં દાવો
હાથરસના કથિત ગૅગરેપ અને હત્યા કેસમાં ચારેતરફ લોકોનો આક્રોશ છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસના લૉ ઍન્ડ ઑર્ડરના એડીજી પ્રશાંત કુમારે દાવો કર્યો છે કે આ કેસમાં બળાત્કાર થયો નથી. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ પ્રશાંત કુમારે કહ્યું કે ફૉરેન્સિક રિપોર્ટ મુજબ બળાત્કાર થયો નથી.
એમણે કહ્યું કે મૃત્યુનું કારણ ગળાની ઈજા અને ટ્રોમા છે.
રાહુલ ગાંધીની ધરપકડ
મીડિયા અહેવાલ અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી. સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ રાહુલ ગાંધીને યમુના એક્સપ્રેસ વે પર રોકી દેવામાં આવતા તેઓ ચાલતા હાથરસ જવા નીકળ્યા હતા અને તેમની કલમ 188 મુજબ ધરપકડ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અડધી રાતે મૃતદેહ સળગાવવા મામલે ન્યાયની માગ કરી છે અને કહ્યું કે "હાથરસની નિર્ભયાનું મૃત્યુ થયું નથી, તેને મારવામાં આવી છે."
તો ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે હાથરસ કેસમાં દલિત છોકરી સાથેના ગૅંગરેપ અને હત્યા મામલે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. તેઓએ ગુનેગારોને કડક સજા આપવાની વાત પણ કરી હતી.
યોગી આદિત્યનાથે હાથરસમાં દલિત છોકરી સાથે ગૅંગરેપ અને હત્યા મામલે તપાસ માટે એક ત્રણ સભ્યોની વિશેષ તપાસ કમિટી (એસઆઈટી)ની રચના પણ કરી છે.
તેઓએ બુધવારે ઉત્તરપ્રદેશ મુખ્ય મંત્રીના ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપી હતી.
ટ્વીટમાં તેઓએ કહ્યું કે એસઆઈટી એક અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
હાથરસ ગૅંગરેપ મામલે જે રીતે કાર્યવાહી થઈ તેને લઈને ઉત્તરપ્રદેશ સરકાર અને યુપી પોલીસની ઘણી ટીકા થઈ છે.
પોલીસ અને પ્રશાસન પર પીડિતાના પરિવારે સહમતી વિના તેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
જોકે હાથરસ જિલ્લાધિકારી પ્રવીણ કુમારે કહ્યું કે પરિવારની સહમતી વિના અંતિમસંસ્કાર કર્યાનો આરોપ ખોટો છે.
તેઓએ કહ્યું કે "પીડિતાના પિતા અને ભાઈએ રાતે તેમના અંતિમસંસ્કાર કરવા માટે સહમતી આપી હતી. અંતિમસંસ્કાર દરમિયાન પીડિતાના પરિજનો પણ હાજર હતા. મૃતદેહને લઈ જવા માટેની ગાડી ગામમાં રાતે 12-45થી 2-30 વાગ્યા સુધી હાજર હતી. "ઉત્તરપ્રદેશના હાથરસમાં કથિત ગૅંગરેપનો શિકાર થયેલી 20 વર્ષીય દલિત યુવતીનું ગત રાતે દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પીડિતના ભાઈએ બીબીસી સાથે મોતની પુષ્ટિ કરી હતી. તો હાથરસ પોલીસનું કહેવું છે કે આ મામલે બધા ચાર આરોપીને પકડીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે.
પીડિતાને સોમવારે જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી મેડિકલ કૉલેજથી સફદરગંજ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. તે છેલ્લાં બે અઠવાડિયાંથી મોત સાથે બાથ ભીડતી હતી.
પીડિતાના પરિવારનો આરોપ છે કે તેની સાથે 14 સપ્ટેમ્બરે ગૅંગરેપ કરાયો હતો, જ્યારે તે પોતાની માતા અને ભાઈ સાથે ઘાસ કાપવા ગઈ હતી.
પીડિતાના ભાઈએ જણાવ્યું કે "મારી બહેન, મા અને મોટા ભાઈ ઘાસ કાપવા ગયાં હતાં. ભાઈ ઘાસની એક ગાંસડી લઈને ઘરે આવ્યો હતો. મા આગળ ઘાસ કાપતી હતી અને એ પાછળ રહી ગઈ હતી. ત્યારે તેને ખેંચીને ગૅંગરેપ કરવામાં આવ્યો હતો. તે મારી માને બેભાન અવસ્થામાં મળી હતી."
પરિવારના જણાવ્યા અનુસાર પીડિત યુવતીને બેભાન અવસ્થામાં પહેલા સ્થાનિક સામૂહિક આરોગ્યકેન્દ્ર લાવવામાં આવી હતી, જ્યાંથી તેને અલીગઢ મેડિકલ કૉલેજ રિફર કરાઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો