હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટાચૂંટણી પર શું પ્રભાવ પાડી શકશે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images/FB

ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આઠ બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.

આઠ બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.

અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.

પાછલા કેટલાક સમયથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો સત્તાધારી પક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ આ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે.

આ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભે બંને પક્ષોના સંગઠનમાં પણ ગતિવિધિઓ તેજ થતી જોવા મળી રહી છે.

પેટાચૂંટણીને લક્ષમાં લઈને કેટલીક નિમણૂકોની પણ જાહેરાત થઈ છે અને સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ થયા છે.

ભાજપના નવા ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલ આ ચૂંટણી અગાઉ 2022માં થનારી ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર વિજય મેળવવાનો દાવો કરી ચૂક્યા છે અને કોરોનામાં કાર્યક્રમોને લઈને વિવાદિત પણ બન્યા છે. સામે કૉંગ્રેસે યુવા નેતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષપદ આપ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવાનેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સતત સક્રિય પણ રહ્યા અને એ રીતે સતત ચર્ચામાં પણ રહ્યા હતા.

તો હવે આગામી પેટાચૂંટણીઓ વખતે આ યુવા નેતાઓની રાજકારણ પર મતદાતાઓ પર અસરમાં શું બદલાવ આવ્યો છે અને કેટલો વધતો ઓછો પ્રભાવ તેઓ હવે પાડી શકે છે એનું આકલન કરવાનો અમે પ્રયાસ કર્યો.

2017ની વિધાનસભા ચૂંટણી પછી લગભગ ત્રણ વર્ષના સમયગાળે વિધાનસભા બેઠકોની આ પેટાચૂંટણી એટલા માટે પણ રાજકીય પક્ષો માટે મહત્ત્વની બની જાય છે કે હવે પછીની વિધાનસભા ચૂંટણીઓ આડે બે જ વર્ષ બાકી રહેશે.

એટલે સ્વભાવિક છે કે ભાજપ અને કૉંગ્રેસ બન્ને માટે આ પેટાચૂંટણીઓ હાલ પૂરતી તો સેમિફાઇનલ મૅચ જેવી બની રહેશે.

બંને પક્ષોને તેમની હાલની રાજકીય સ્થિતિ, પડકારો, મુદ્દાઓ, સંગઠન વગેરે બાબતોનું આકલન કરવાની તક આ પેટાચૂંટણીમાંથી મળી રહેશે.

ભાજપ માટે 2017ની સ્થિતિથી હાલની સ્થિતિ ઘણી અલગ છે.

2017માં સત્તાધારી ભાજપ સામે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અને ઓબીસી યુવા નેતા અલ્પેશ ઠાકોરના રૂપમાં ત્રણ મોટા પડકારો હતા. જોકે તેમાંથી હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, હાર્દિક પટેલ કૉંગ્રેસમાં છે તો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગુજરાત અને દેશમાં વિવિધ આંદોલનમાં આગળની હરોળમાં બોલતા જોવા મળે છે.

line

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલને હાલમાં જ પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કૉંગ્રેસે પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.

કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી હાર્દિક પટેલની ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને મંજૂરી આપી હતી.

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો અને એક રીતે આ આંદોલનનો તેઓ સતત ચહેરો બનેલા રહ્યા.

25 ઑગસ્ટ, 2015ની અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની રૅલી અને તે પછીના કાયદાકીય અને રાજકીય ઘટનાક્રમ પછી તો હાર્દિક પટેલનું રાજ્યના રાજકારણમાં કદ પણ વધ્યું.

2017ની પેટાચૂંટણીમાં હાર્દિક પટેલે અનેક રાજકીય દાવા-પ્રતિદાવાઓના અંતે વિપક્ષ કૉંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો.

વિધાનસભા ચૂંટણીનાં ત્રણ અઠવાડિયાં પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસને સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે કૉંગ્રેસે પાટીદાર સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સ્પેશિયલ કૅટેગરી હેઠળ અનામત આપવાની માગને સ્વીકારી છે.

આ પછી હાર્દિક પટેલ ભાજપ વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં પણ સતત પ્રયત્નશીલ રહ્યા અને સત્તાધારી ભાજપે પણ હાર્દિક પટેલ તેમના વિરુદ્ધ પ્રચાર કરી તેમને રાજકીય નુકસાન ન પહોંચાડી શકે તે માટે તેમને અટકાવવાના પ્રયત્ન કરતા રહ્યા.

હાર્દિકે 29 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં રેલી કરી તો તેમની સામે મંજૂરી વિના રેલી કરવાની ફરિયાદ કરવામાં આવી.

તો આ પ્રકારે 2017ની વિધાનસભા ચૂંટણી ભલે હાર્દિક પટેલ લડી શકે તેમ ન હતા, પણ તેમની અસર ચૂંટણીના માહોલ પર સતત રહેલી અને તેઓ ભાજપ વિરુદ્ધ અને કૉંગ્રેસની નજીક જણાતા રહ્યા.

line

જિજ્ઞેશ મેવાણી

JIGNESH

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, JIGNESH

વાત કરીએ જિજ્ઞેશ મેવાણીની તો દલિત સમુદાયમાંથી આવતા આ યુવા નેતા રાજ્યના બહુચર્ચિત ઊના પ્રકરણ બાદ વધુ અને સતત ચર્ચામાં આવ્યા અને ભાજપ સરકાર વિરુદ્ધ સતત સક્રિય રહ્યા અને દલિતોના મુદ્દાને લઈને આગળ પડતા રહ્યા.

જોકે કૉંગ્રેસમાં તેમના જોડાવાની સતત અટકળો વચ્ચે તેઓ કૉંગ્રેસ સાથે ન જોડાયા અને એસસી માટે અનામત એવી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા.

કૉંગ્રેસે પણ રાજકીય ગણિત ગણી તેમની સામે પોતાનો ઉમેદવાર ન ઊભો રાખ્યો અને આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને પોતાનો ટેકો જાહેર કર્યો.

ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જિજ્ઞેશ વિધાનસભા ગૃહની અંદર અને બહાર બંને રીતે રાજ્યની ભાજપ સરકાર સામે સતત પડકાર બનેલા રહ્યા. પછી એ જાતિગત રાજકારણનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય.

જિજ્ઞેશ મેવાણીને વિધાનસભા ગૃહમાં એક ચર્ચા દરમિયાન અણછાજતા શબ્દપ્રયોગ બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તો કોરોના મહામારી દરમિયાન મોદી સરકારના લૉકડાઉનના નિર્ણય હોય કે રાજ્યમાં બેરોજગારી કે રાજ્ય સરકારની નીતિઓના મુદ્દે પણ જિજ્ઞેશ મેવાણી તેમના સરકાર સામેના ટીકાત્મક સૂરમાં સતત બોલતા રહ્યા છે.

line

અલ્પેશ ઠાકોર

ALPESH

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ALPESH

ઓબીસી સમુદાયના નેતા અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી પહેલાં વિધિવત્ રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને રાધનપુરની બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી જીત્યા પણ ખરા.

અલ્પેશ ઠાકોર 2017 વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલાં જ ઑક્ટોબર 2017માં ગાંધીનગરમાં તે સમયના કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસને ચૂંટણીમાં 125 બેઠકો જીતાડવાના લક્ષ્ય સાથે કામ કરશે.

જોકે પ્રદેશ કૉંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોરના મતભેદો સતત સમાચારોમાં રહ્યા. લોકસભાની ચૂંટણી વખતે જુલાઈ 2019માં તેઓ તે સમયના ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા.

અલ્પેશ ઠાકોરે એપ્રિલ 2019માં એટલે કે લોકસભા ચૂંટણીના બરાબર પહેલાં કૉંગ્રેસમાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી હતી. એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂળ છોડીને ગુરુકુળમાં આવ્યો છું.

ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર પેટીચૂંટણી લડી અને હાર્યા.

line

પેટાચૂંટણીમાં કેટલી અસર થશે?

અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Amit chavda twitter

રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "હાર્દિક પટેલની લોકપ્રિયતા 2017માં પીક પર હતી એટલી હાલ નથી, પણ તેઓ રાજ્યમાં સતત સક્રિય રહ્યા છે અને હવે પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા છે."

"તો પેટાચૂંટણીના સંદર્ભમાં તેમની અસર વધુ પડી શકે. જોકે એની સામે ફક્ત એક જ નેતાની અસર પરિણામ બદલવામાં કાયમ સફળ નથી રહેતી. ગુજરાત કૉંગ્રેસ 2017ની સરખામણીએ હાલ સંગઠનની રીતે વધુ નબળી લાગી રહી છે."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં એ વાતે સહમત થયા કે હાર્દિક પટેલ સતત સક્રિય છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે હવે 2017ની સરખામણીએ આ યુવાનેતાઓ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનો જાદુ ઓસર્યો છે. તેમ છતાં હું હાર્દિક પટેલને અંડરએસ્ટિમેટ નથી કરતો. તે સતત ફરી રહ્યા છે. આવનારી પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસને તેઓ ફાયદો કરાવી શકે તેમ છે."

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું, "અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી ભાજપને કેટલો ફાયદો થયો એ તો મોટો પ્રશ્ન છે. પણ તેઓ ઠાકોર સમુદાયના મતવિસ્તારમાં હાર્યા છે. તેવા સંજોગોમાં તેમની અસર આવનારી પેટાચૂંટણીમાં મતદાતાઓ પર પડે એવું હું નથી માનતો."

તેમણે વધુમાં કહ્યું ,"જિજ્ઞેશ મેવાણીની જે આક્રમકતા છે તે ગુજરાતની તાસીર સાથે ફીટ નથી બેસતી. વિપક્ષમાં રહીને પણ વહીવટીતંત્ર પાસેથી કામ કઢાવવાની જે કુનેહ હોવી જોઇએ તે દૃષ્ટિએ તેઓ મારી દૃષ્ટિએ અપરિપકવ છે."

પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર બલદેવ આગજાએ બીબીસી સાથેની વાતમાં કહ્યું, "અલ્પેશ ઠાકોરનો કોઈ પ્રભાવ હવે ચૂંટણી દરમિયાન હું નથી જોતો. જ્યારે હાર્દિક પટેલ પાટીદાર યુવાનેતા ખરા પણ પાટીદારો કૉંગ્રેસને મત આપતા નથી. તેમના વતન વીસનગરમાં પણ હાર્દિક પટેલ કૉંગ્રેસના નામે મત માગવા જાય તો તેમના ઘાર્યા મત તેમને મળે નહીં."

"સુરતમાં પાટીદાર આંદોલનનો સૌથી વધુ પ્રભાવ જોવા મળેલો પણ તેમ છતાં કૉંગ્રેસને જીત ન મળી. જ્યારે કે જિજ્ઞેશ મેવાણી તેમના મતવિસ્તાર વડગામ સિવાય પણ રાજ્ય અને દેશ સ્તરના પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે એટલે નેતા તરીકે સક્રિય અને આક્રમક ખરા. પણ પેટાચૂંટણીમાં જે તે વિસ્તારના પ્રશ્નો વધારે પ્રભાવક હોય છે એ પણ ધ્યાન રાખવું જોઈએ."

રાજકીય વિશ્લેષક અજય નાયકે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "લોકોનો હાલની સરકારની નીતિરીતિ સામે આક્રોશ છે. ખાસ કરીને ખેડૂતોનો. આ પેટાચૂંટણીમાં એ જોવા મળી શકે છે. આ યુવાનેતાઓની વાત કરીએ તો હાર્દિક પટેલની સક્રિયતાની ચૂંટણીમાં અસર જોવા મળી શકે. જોકે આ પેટાચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણીની અસર જોવા મળે એવું મને નથી લાગતું."

લાઇન
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો