દીપિકા પાદુકોણનાં વૉટ્સઍપ ચેટીંગ કેવી રીતે બહાર આવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સર્વપ્રિયા સાંગવાન
- પદ, બીબીસી સંવાદદાતા
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ હવે બોલીવૂડમાં ડ્રગ્સની તપાસ સુધી પહોંચી ગઈ છે અને આ આખા કેસ સાથે સંબંધિત લોકોનાં વૉટ્સઍપ ચેટીંગ પણ મીડિયામાં લીક થયાં.
હાલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનાં વૉટ્સઍપ ચેટીંગ પણ મીડિયામાં દેખાડવામાં આવે છે, જ્યાં કથિત રીતે તે કોઈ પાસેથી ડ્રગ્સની માગણી કરતા દેખાઈ રહ્યાં છે.
સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટીંગ કેટલાંક વર્ષ જૂનું છે, જે ડિલીટ થઈ ગયું હતું, પરંતુ તપાસ એજન્સીઓએ તેને મેળવી લીધું છે.
પરંતુ આ કેવી રીતે થયું? શું આ જાણકારી ખુદ વૉટ્સઍપે તપાસ એજન્સીને શૅર કરી અથવા કોઈ બીજી રીતે આ ચેટીંગ મીડિયા સુધી પહોંચી ગયું? વૉટ્સઍપ પ્રાઇવસીને લઈને જે દાવો કરે છે, શું તેની પર ખરું ઊતરે છે?

શું વૉટ્સઍપ તમારા મૅસેજ સ્ટોર કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસી પ્રમાણે, કંપની સામાન્ય રીતે યૂઝરના મૅસેજ રાખતી નથી. એક વખત જો યુઝરનો મૅસેજ ડિલિવર થઈ જાય, તો તે તેમના સર્વરમાંથી ડિલીટ થઈ જાય છે.
જો કોઈ લોકપ્રિય વીડિયો અથવા ફોટો ઘણા બધા યુઝર શૅર કરી રહ્યા છે તો કંપની પોતાના સર્વરમાં તેને 'લાંબા' સમય સુધી રાખી શકે છે.
યુઝરના મૅસેજ અનક્રિપ્ટેડ હોય છે, જેનો અર્થ એ છે કે એક ડિવાઇસથી બીજા ડિવાઇસ સુધી મૅસેજ પહોંચાડવાની વચ્ચે વૉટ્સઍપ અથવા બીજી કોઈ થર્ડ પાર્ટી તેને વાંચી શકતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂઝરના પર્ફોર્મન્સ સંબંધિત માહિતી પણ વૉટ્સઍપ એકઠી કરે છે. જેમ કે યૂઝર વૉટ્સઍપનો ઉપયોગ કેવી રીતે કરે છે, કેવી રીતે બીજા સાથે સંવાદ કરે છે.
વૉટ્સઍપ તેમની માહિતી એકત્ર કરી શકે છે, ઉપયોગ કરી શકે છે, તેને સ્ટોર કરી શકે છે અને શૅર પણ કરી શકે છે, પરંતુ તેમાં આ બાબતો જરૂરી છે:
- કોઈ કાયદાકીય પ્રક્રિયા માટે, સરકાર અપીલ કરે તો.
- પોતાના નિયમને લાગુ કરવા માટે અથવા કોઈ અન્ય નિયમ અથવા નીતિને લાગુ કરવા માટે, કોઈ ઉલ્લંઘનની તપાસ માટે.
- છેતપરપિંડી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધવા માટે, તપાસ માટે, બચાવ માટે, સુરક્ષા અને ટેક્નિકલ કારણે.
- પોતાના યુઝર્સ, વૉટ્સઍપ, ફેસબુકની કંપનીઓના અધિકારો અને સંપત્તિના રક્ષણ માટે, તેમની સુરક્ષા માટે.
તો વૉટ્સઍપ કહે છે કે તે સર્વિસ આપવાના સામાન્ય ક્રમમાં તો મૅસેજ સ્ટોર નથી કરતી, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં તે આવું કરી શકે છે અને તેને શૅર પણ કરી શકે છે.

કેવી રીતે લિક થઈ શકે વૉટ્સઍપ ચેટીંગ?

ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડના ડ્રગ્સ કેસમાં ચેટીંગ બહાર આવવા અંગે ત્રણ બાબતો છે:
- પહેલું, આ લિક કેવી રીતે થઈ રહ્યાં છે?
- બીજું લિક થવા કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં.
- ત્રીજું, વૉટ્સઍપની જે સુરક્ષાપ્રણાલી છે તે ગ્રાહકો માટે યોગ્ય છે કે નહીં?
વૉટ્સઍપનું ઇનક્રિપ્શન માત્ર એક બિંદુથી બીજા બિંદુ સુધી છે, એટલે એક ફોનથી બીજા ફોન પર વૉટ્સઍપ દ્વારા મોકલવા માટેના કોઈ મૅસેજ વૉટ્સઍપ અથવા કોઈ ત્રીજી સરકારી અથવા બિનસરકારી પાર્ટી વાંચી શકતી નથી.
પરંતુ એ પછી પણ મૅસેજ બંને મોબાઇલ ડિવાઇસમાં રહે છે. ત્યાંથી ડિલીટ થયા પછી પણ મૅસેજને કાઢી શકાય છે. કેવી રીતે?
અનેક વખત વપરાશકર્તાએ વૉટ્સઍપમાં આર્કાઇવનો વિકલ્પ રાખેલો હોય છે, જેનાથી ચેટીંગ ગૂગલ ડ્રાઇવ અથવા ફોનની કોઈ ડ્રાઇવમાં સ્ટોર થાય છે.
તેમણે ચેટીંગ બેકઅપનો વિકલ્પ પણ રાખેલો હોય છે, જેનાથી તે ચેટીંગ ફોનમાં રહે છે.
સાયબર ઍક્સપર્ટ વિરાગ ગુપ્તા કહે છે કે હાલ આ ડ્રગ્સ કેસમાં અનેક ધરપકડ થઈ રહી છે, પૂછપરછ થઈ રહી છે. હાલ સુધી એમ જ લાગે છે કે તેમને લોકોના મોબાઇલ ડિવાઇસથી ચૅટ્સના સ્ક્રીનશૉટ લેવામાં આવ્યાં છે અથવા ચેટીંગ્સ ફોનની ડ્રાઇવમાંથી કાઢવામાં આવ્યાં છે.

તપાસ એજન્સી સાથે માહિતી શૅર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
લંડનના સાયબર કાયદાના ઍક્સપર્ટ યાઇર કોહેને બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે એવો કોઈ પૂરાવો નથી કે વૉટ્સઍપ પોતાની પ્રાઇવસી પૉલિસીની વિરુદ્ધમાં જઈને મૅસેજ સ્ટોર કરતું હોય.
વધારે જે લિક થાય છે, તે વૉટ્સઍપની સુરક્ષા તોડીને નહીં પરંતુ થર્ડ પાર્ટીના કાયદા અને બિનકાયદેસર રીતે જાણકારી મેળવવાના કારણે થાય છે.
વિરાગ ગુપ્તા કહે છે કે તપાસ એજન્સી વૉટ્સઍપથી પણ આ ચેટીંગ લઈ શકે છે પરંતુ તેની એક પ્રક્રિયા છે અને તપાસ એજન્સી ડેટા લેવા માટે અધિકૃત પણ છે. સાથે જ ડેટા તેમની પાસે કેવી રીતે પહોંચ્યો, એ પણ ચાર્જશીટમાં દર્શાવવું પડે છે.
જ્યાં સુધી વૉટ્સઍપ પૉલિસીની વાત છે તો એક જગ્યાએ લખ્યું છે કે તેઓ કોઈ તપાસ એજન્સીની અપીલના આધારે કોઈ વ્યક્તિના મૅસેજ સ્ટોર પણ કરી શકે અને શૅર પણ કરી શકે છે, પરંતુ ત્યાં સુધી યુઝરે મૅસેજ પોતાની સર્વિસમાંથી ડિલીટ ન કર્યા હોય તો.
તપાસ એજન્સીઓ પર ચેટીંગ-લિકને લઈને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે?
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ, 2000નો સેક્શન 72 કહે છે કે આ કાયદા હેઠળ વ્યક્તિને કોઈ ઇલેક્ટ્રોનિક રેકર્ડ, પુસ્તક, દસ્તાવેજ રાખવાની જાણકારી આપવામાં આવે છે અને તેઓ તેની સહમતિ વિના કોઈ બીજાને આ તમામ વસ્તુ આપી દે તો તેમને બે વર્ષની સજા અથવા એક લાખ રૂપિયાનો દંડ બંનેમાંથી એક થઈ શકે છે.
વિરાગ કહે છે કે તમામ ચેટીંગ મીડિયામાં પ્રસારિત કરવામાં આવી રહી છે, તે એ વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન તો છે, સાથે બીજા લોકોની સુરક્ષા સાથે જોડાયેલી બાબત પણ છે કારણ કે એક વ્યક્તિના મોબાઇલમાં અન્ય લોકોની માહિતી પણ સામેલ હોય છે.
તેમનો તર્ક છે કે સુપ્રીમ કોર્ટ અને અનેક હાઈકોર્ટોએ કહ્યું છે કે તપાસ એજન્સીઓ તપાસ દરમિયાન મહત્ત્વપૂર્ણ પુરાવાઓ અને તપાસના જે તબક્કા છે, તેને સાર્વજનિક કરી શકાતા નથી, કારણ કે એવું કરવાથી કેસ નબળો પડી જાય છે અને તે ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ખોટું છે.
એક ચેટીંગ દ્વારા ડ્રગ્સ કેસમાં રીયા ચક્રવર્તીનું નામ સામે આવ્યું.

વૉટ્સઍપ ચેટીંગ માટે કોર્ટમાં શું રજૂ કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
એવિડન્સ ઍક્ટની સેક્શન 65 (બી) હેઠળ, વૉટ્સઍપ ચેટીંગને પુરાવા તરીકે કોર્ટમાં દાખલ કરી શકાય છે, પરંતુ એક ઍફિડેવિટ જરૂરી છે કે તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
વિરાગ ગુપ્તા કહે છે કે માત્ર ચેટીંગના આધારે કોઈ ગુનો સાબિત કરી શકાતો નથી. કોઈને દોષિત કરવા માટે એક બીજો પુરાવો પણ આપવો પડે છે.
સાથે એ પણ કહેવું પડે છે કે આ ચેટીંગ કઈ રીતે તપાસ એજન્સી સુધી પહોંચી અથવા આ ચેટીંગનો સ્રોત કયો છે, અધિકૃત છે કે બિનઅધિકૃત.
એ પણ જોવામાં આવે છે કે આને મેળવવામાં પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં. ગત વર્ષે બોમ્બે હાઈકોર્ટે એક ફોન ટેપિંગ કેસમાં આવો જ ચુકાદો આપ્યો હતો.
એક બિઝનેસમૅનની લાંચ કેસમાં તપાસ ચાલી રહી હતી, સીબીઆઈ તપાસમાં કેન્દ્ર સરકારે ફોન ટેપિંગને પરવાનગી આપી હતી. પરંતુ કોર્ટે આ પુરાવાને એમ કહીને રદ કર્યા કે 'આ ગેરકાયદેસર છે અને ફોન ટેપિંગ કોઈ પબ્લિક ઇમર્જન્સી અથવા પબ્લિક સેફ્ટી માટે કરવામાં આવી શકે છે. આ કેસમાં ફોન ટેપિંગ એ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે.'

વૉટ્સઍપ પ્રાઇવસીની બાબતમાં કેટલું સુરક્ષિત?

ઇમેજ સ્રોત, Getty Images
'વૉટ્સઍપ લૉ' પુસ્તકના લેખક અને સાયબર કાયદાઓના જાણકાર પવન દુગ્ગલ કહે છે કે જો વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસીને ધ્યાનથી વાંચવામાં આવે તો ખબર પડશે કે તમે જે કાંઈ પણ માહિતી આપી રહ્યા છો, તે પબ્લિક જાણકારી છે અને તેના પર કોઈ પ્રાઇવસીનો અધિકાર લાગુ નથી થતો."
તેઓ કહે છે કે વૉટ્સઍપને હેક કરવું પણ મુશ્કેલ નથી.
જ્યારે મુંબઈના સાયબર બાબતોના જાણકાર પ્રશાંત માળી કહે છે કે જો કોઈ સરકારી એજન્સી યુઝર પર ધ્યાન રાખી રહી છે તો વૉટ્સઍપ યુઝરને કોઈ ઍલર્ટ અથવા ચેતવણી નથી આપતાં. જો કોઈ જાસૂસી કંપની પણ યુઝરના વૉટ્સઍપમાં સ્પાઈવેર નાખી દે તો યુઝરને ખબર પડતી નથી.
ગત વર્ષે સમાચાર આવ્યા હતા કે ઇઝરાયલની કંપનીએ પેગાસસ નામના સ્પાઈવેરને અનેક વૉટ્સઍપ ઍકાઉન્ટમાં ઇન્સ્ટોલ કર્યું હતું અને દુનિયાભરમાં તેની ચર્ચા થઈ હતી.
પ્રશાંત કહે છે, "પ્રાઇવસીને લઈને વૉટ્સઍપની એક ખાસ વાત એ છે કે મૅસેજ ઇનક્રિપ્ટેડ હોય છે પરંતુ આજકાલ અનેક કંપનીઓ આપી રહી છે. એટીએમ કાર્ડ પણ આવાં જ હોય છે."
સાથે જ વૉટ્સઍપ તમારો મેટાડેટા જેમ કે વૉટ્સઍપમાં તમે શું કરો છો, કોને શું મોકલો છો, તમારી શું પસંદ છે, ક્યા ગ્રૂપના સભ્ય છો, આ તમામ વૉટ્સઍપ અનેક દિવસો સુધી રાખે છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે પણ શૅર કરે છે. તો એક પ્રકારની યુઝર પ્રોફાઇલિંગ કરે છે.
પવન કહે છે કે જ્યારે-જ્યારે તપાસ એજન્સી કોઈ માહિતી માગે અને વૉટ્સઍપની પાસે હોય, તો તે હંમેશાં આપે પણ છે. પરંતુ કોઈ યુઝરની પોતાની પ્રાઇવસીના ઉલ્લંઘનને લઈને કોઈ કાયદાકીય કાર્યવાહી પણ કરવા ઇચ્છે તો વૉટ્સઍપ કેલિફોર્નિયાની અદાલતના દાયરામાં આવે છે, ભારતની નહીં. આના નિયમ અને શરતો પણ વિશાળ છે કે તે પડકાર ઊભો કરે છે.
તેઓ કહે છે, "જો તમે કોઈ ગુપ્ત માહિતી શૅર કરવા માગો છો તો વૉટ્સઍપ એક સારું પ્લેટફૉર્મ નથી. તે એક ગુપ્ત જાણકારીને પણ સાર્વજનિક જાણકારી માને છે. "
વિરાગ ગુપ્તા એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવતાં કહે છે, "વૉટ્સઍપ કોઈ પૈસા લીધા વિના ગ્રાહકોને સર્વિસ આપી રહ્યું છે, તો જે વૉટ્સઍપનું અરબો ડૉલરનું મૂલ્યાંકન છે તે હંમેશાં ડેટા આધારિત છે."
"અર્થ કે તેમની પાસે વેચવા માટે ડેટા જ છે અને તેનાથી જ તેને ફાયદો થાય છે. તો એવી કંપનીઓ જે થર્ડ પાર્ટીની સાથે ડેટા શૅર કરે છે, તેમને તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત માની શકતા નથી. વૉટ્સઍપની ફેસબુક જેવી એપની સાથે ભાગીદાર છે, આમાં શક્યતા છે કે લોકોની માહિતી લિક થઈ રહી હોય."

શું વૉટ્સઍપથી લોકોનો ભરોસો ડગમગી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
પવન કહે છે કે ભરોસો તો હાલ નહીં ડગે કારણ કે ભારતમાં લોકો એક ક્રાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
તેઓ કહે છે કે દરેક ભારતીય પોતાની માહિતી શૅર કરી રહ્યા છે પછી તે અંગત જાણકારી હોય, પ્રોફેશનલ જાણકારી હોય અથવા સોશિયલ જાણકારી હોય. લોકોને ખબર નથી કે આ જાણકારી તે શેર કરી રહ્યા છે, તેનો કાયદાકીય અસર શું પડશે. તો એવા કેસ સામે આવી રહ્યા છે, પરંતુ તે જનતાના મગજમાં કોઈ ઘટડી વગાડી રહ્યા નથી.
દુગ્ગલ કહે છે, "તેમને લાગે છે કે આ મોટા લોકો છે, જેમનાં ચેટીંગ્સ પકડી શકાય છે, મારી કોઈ નહીં પકડાય, આ ભૂલ છે તેના કારણે લોકો આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરતા રહેશે. લોકો જે વૉટ્સઍપનો ઉપયોગ કરે છે, તે આના નિયમ અને શરત નથી વાંચતાં."

ભારતમાં પ્રાઇવસીનો અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images
પવન દુગ્ગલ કહે છે કે ભારતમાં સાયબર કાયદા પ્રાઇવસીને લઈને ખૂબ ચર્ચા નથી કરતા. જોકે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં એ સ્પષ્ટ કર્યું હતું કે પ્રાઇવસી આપણો મૌલિક અધિકાર છે.
તેઓ આને લાગુ થવામાં સમસ્યા હોવાની તરફ પણ ઇશારો કરે છે.
તેઓ કહે છે, "પરંતુ ભારતની પાસે પ્રાઇવસીનો વિશેષ કાયદો નથી. ત્યાં સુધી કે ડેટા સુરક્ષા સંબંધિત કાયદો પણ નથી. સરકાર પ્રાઇવસીને પ્રાથમિકતા આપતી નથી."
"ભારતને જરૂરિયાત છે કે સાયબર સુરક્ષા અને પ્રાઇવસીનો કાયદો લાવવામાં આવે અને જે સર્વિસ પ્રોવાઇડર છે, તેમની જવાબારીઓની વ્યાખ્યા કરવામાં આવે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












