અરવિંદભાઈ બુચ : મજૂરો માટે કપડાં ત્યાગી દેનારા મજૂરનેતા

અરવિંદભાઈ બુચ

ઇમેજ સ્રોત, Ranmal Sindhav

ઇમેજ કૅપ્શન, અરવિંદભાઈ બુચ
    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદમાં રણછોડદાસ રેંટિયાવાળાએ પહેલી ટેક્સટાઇલ મિલ સ્થાપી એને પગલેપગલે યંત્રો દ્વારા કાપડનું ઉત્પાદન કરવાનો ઉદ્યોગ અમદાવાદમાં વિકસવા લાગ્યો. 1915થી 1917ના ગાળામાં અમદાવાદમાં 50 જેટલી મિલો ચાલતી હતી અને 40 હજાર જેટલા મજૂરો કામ કરતા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધનો લાભ લઈને અમદાવાદની મિલો ધમધોકાર ઉત્પાદન કરતી હતી. દરમિયાનમાં મરકીનો ઉપદ્રવ શરૂ થયો. માણસો ટપોટપ મરવા લાગ્યા.

ગામડેથી મજૂરી કરવા આવેલા લોકો આ રોગના ત્રાસથી ભાગી જવા લાગ્યા. મિલોમાં મજૂરોની તંગી ઉભી થઈ. બજાર ગરમાગરમ હતું એટલે માલિકોને મિલ બંધ રહે તે પોસાય તેમ નહોતું.

'લોભને થોભ ન હોય' એમ વધુ પગાર આપીને એકમાંથી બીજી મિલમાં મજૂરોને ખેંચવાનો કારસો ચાલ્યો. પરિણામે મજૂરોનું વેતન વધતું ગયું. 1917ની આખરે મજૂરોનું વેતન વરસની શરૂઆતમાં હતું એના કરતાં 90 ટકા વધી ગયું. આ તેજીનો પણ અંત આવ્યો.

1918ના આરંભમાં માલનો ઉપાડ ઓછો થઈ ગયો. તેજીનો પરપોટો ફૂટ્યો. કાપડ બજાર ઢીલું પડ્યું. હવે મિલમાલિકો પાસે ભાવ ઘટાડયા સિવાય કોઈ ઉપાય નહોતો.

ઘટતા ભાવે વેપાર કરવો હોય તો માલની ઉત્પાદનકિંમત પણ ઘટાડવી પડે. આ કારણથી માલિકોએ સંગઠન કરી અને નિર્ણય લેવાનું નક્કી કર્યું. સંગઠનની આગેવાની અંબાલાલ સારાભાઈએ લીધી.

અંબાલાલ સારાભાઈ મિલના લોકોના સંગઠનના નેતા બન્યા. કસ્તુરભાઈનું મકાન પાનકોર નાકે શહેરની મધ્યમાં હતું. મિલ માલિકોની સભા ત્યાં ભરાતી.

બધાએ સર્વે સર્વાનુમતે નક્કી કર્યું કે મજૂરોના પગારમાં 20 ટકાથી વધુ વધારો આપવો નહીં.

મજૂરોએ આ વાત સ્વીકારી નહીં. મજાની વાત તો એ થઈ કે મિલમાલિકોના સંગઠનના આગેવાન અંબાલાલ સારાભાઈના બહેન અનસૂયા સારાભાઈએ મજૂરોની આગેવાની લીધી.

માલિકો આગળ મજૂરોના કેસની એમણે ધારદાર રજૂઆત કરી. મજૂરોના પગારના દર આમેય ઘણા ઓછા હતા ત્યારે એમાં થયેલા વધારામાં મોટો કાપ મૂકવો તે અમાનવીય છે એવી વાત અનસૂયાબહેને તેમણે ઠસાવવાનો પ્રયત્ન કર્યો.

ટેક્સટાઇમ મિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બંને પક્ષ અડગ હતા. કોકડું ગૂંચવાતું જતું હતું. છેવટે અનસૂયાબહેને પત્ર દ્વારા ગાંધીજીને મજૂરોની હકીકત લખી. ગાંધીજી એ વખતે ચંપારણમાં પ્રવાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ તરત અમદાવાદ પાછા આવ્યા.

અનસૂયાબહેને તેમની પાસે જે વિગતો રજૂ કરી તે પરથી મજૂરોનો કેસ મજબૂત હતો એવો ગાંધીજીનો મત હતો.

અમદાવાદના મિલમાલિકોને ગાંધીજી સાથે મીઠા સંબંધો હતા. આ લોકો ગાંધીજીને અવારનવાર મદદ પણ કરતા હતા. ગાંધીજીએ તેમને સમજાવવા માટેનું કામ હાથમાં લીધું.

ગાંધીજીનો મત હતો કે 20 ટકાને બદલે મજૂરોને 35 ટકા વધારો આપવો. અને જો એ મંજૂર ન હોય તો મજૂરોની માગણી વિશે બન્ને પક્ષને સ્વીકૃત પંચ નીમવું.

મિલમાલિકોને તેમની અને મજૂરો વચ્ચે ત્રીજા પક્ષની દરમિયાનગિરી મંજૂર નહોતી. છેવટે મજૂરોની પોતાની માગણીનો સ્વીકાર ન થાય અથવા તેની યોગ્યતા કે અયોગ્યતાની ચકાસણી કરવા માટે પંચ ન નિમાય ત્યાં સુધી કામ પર નહીં જવાના નિશ્ચય સાથે હડતાળ પાડી.

આ નિર્ધાર અંગેની પ્રતિજ્ઞા તેમને ગાંધીજીએ લેવડાવી. હડતાળ 21 દિવસ ચાલી. મજૂરો આર્થિક ભીંસમાં પીસાવા લાગ્યા. આ પરિસ્થિતિનો લાભ લઈ મિલમાલિકોએ હડતાળ તોડવાનો પ્રયાસ કર્યો.

તેમની શરત અનુસાર મજૂરો કામ પર ચઢવા લાગ્યા. પરિસ્થિતી વણસતી જોઈ ગાંધીજીએ પોતે મજૂરોની માગણીના ટેકામાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ ઉપવાસના ત્રીજા દિવસે માલિકોએ ગાંધીજીની દરખાસ્ત સ્વીકારી અને આનંદશંકર ધ્રુવને લવાદ તરીકે નીમ્યા. 10 ઑગસ્ટ 1948ના રોજ પંચનો ચુકાદો આવ્યો. જેમાં (તકરારને લગતા બાકીના વખતને માટે) 35 ટકા વધારો આપવાનો પંચે આદેશ આપ્યો.

જોકે પંચનો ચુકાદો આવ્યો જેમાં અત્યાર સુધીમાં ઘણી ખરી મિલોમાં 35 ટકાનો વધારો અપાઈ ચૂકયો હતો. કેટલાક કિસ્સામાં તો 80 ટકા સુધીનો વધારો થયો હતો. આમ અમદાવાદના મજૂરોની ઐતિહાસિક ગણાય એવી હડતાળનો અંત આવ્યો.

1918ની ઐતિહાસિક મજૂર લડતનું એક મહત્વનું પરિણામ એ આવ્યું કે મહાત્મા ગાંધીની પ્રેરણાથી 25 ફેબ્રુઆરી 1920ના રોજ 'મજૂર મહાજન સંઘ'ની રચના કરવામાં આવી.

અમદાવાદ જેવા શહેરમાં મિલમાલિકો અને મજૂરો વચ્ચે અવારનવાર અનેક બાબતોમાં મતભેદ, ખાસ કરીને વેતન અંગે મતભેદ ઊભો થવાના પ્રસંગો ઉપસ્થિત થતા રહે તે સ્વાભાવિક છે.

આ કારણે બંને પક્ષે એક-એક વ્યક્તિને પંચના સભ્ય તરીકે પસંદ કરી અને આ પંચ જે નિર્ણય કરે તે બધાને માન્ય રહે એવું નક્કી કર્યું. જો બે પંચ એકમત ન હોય તો ઉભયને માન્ય સરપંચને આખો મામલો સોંપાય અને તેનો ચુકાદો બન્નેને બંધનકર્તા રહે.

આવી સામાન્ય સમજૂતીથી કામ ચાલતું. જેના પરિણામે બીજા શહેરોની સરખામણીમાં અમદાવાદમાં ઔદ્યોગીક શાંતિ જળવાઈ રહી.

'મજૂર-મહાજન'ની સ્થાપના થઈ તે જ વરસે મજૂરોએ પગાર વધારાની માગણી કરેલી તેને ન્યાય આપવા ગાંધીજી અને કસ્તુરભાઈ બંનેએ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને મજૂરોના વેતનમાં વધારો કરવા અંગે સમજૂતી સાધી હતી.

મજૂરોનો સર્વાંગી વિકાસ થાય અને તેમને યોગ્ય રોજગારી ચુકવાય તે આ સંઘનો પાયાનો ઉદ્દેશ હતો. આમ તો આ સંસ્થાની સ્થાપના ગાંધીજીએ કરી હતી પણ એના મહામંત્રી (જનરલ સેક્રેટરી) તરીકે એક કરતાં વધુ વખત વચગાળાના વડા પ્રધાન રહી ચૂકેલા ગુલઝારીલાલ નંદા, શ્યામાપ્રસાદ વસાવડા, શંકરલાલ બૅન્કર જેવા અનેક મહાનુભાવો રહ્યા હતા.

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

બીજી રીતે કહીએ તો ગાંધીજીએ સ્થાપેલી આ સંસ્થા મજૂર અને મહાજન બન્ને વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે અને ઉત્પાદન અટકે નહીં તેમજ માલિકોમાં અને મજૂરોમાં ખટરાગ ઊભો થાય તો તે નિભાવવા માટે સ્થપાયેલી એક લૅબોરેટરી છે.

આદર્શ મજૂર સંસ્થા કેવી હોવી જોઈએ તેની માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ તે સંસ્થા એટલે મજૂર મહાજન સંઘ જે ગાંધીજીના હૃદયની નજદીક રહેતી મજૂર સંસ્થા હતી.

સામે પક્ષે આ સંસ્થાએ પણ ગાંધીચીંધ્યા માર્ગે એમના સિદ્ધાંતોને અનુસરીને કામ કરવાની નીતિ સ્વીકારી એક ગાંધીવાદી સંસ્થા તરીકે પોતાનું નામ કાયમ કર્યું હતું.

ઘણો લાંબો સમય ભારત સરકારની કે ગુજરાત/મુંબઈ રાજ્યની મજૂરનીતિઓ ઉપર મજૂર મહાજન વિચારોનું સારું એવું પ્રભુત્વ રહેતું. ગુલઝારીલાલ નંદા સક્રિય રાજકારણમાં જઈને છેક કાર્યકારી વડાપ્રધાન સુધીના હોદ્દે પહોચ્યા.

ગાંધીવાદી વ્યક્તિ તરીકે એમને પોતાના ચરિત્રની સ્પષ્ટ અને ઊંચી છાપ ઉપસાવી. પણ મજૂરમહાજન સંસ્થા ઉપર જેણે ખૂબ લાંબો સમય એક આક્રમક નેતા અને માર્ગદર્શક તરીકે એકચક્રી શાસન કર્યું તે વ્યક્તિ એટલે શ્રી અરવિંદભાઈ બુચ.

અરવિંદ બુચ સાહેબ એટલે રગોરગ મજૂરસેવા અને શ્રમિકકલ્યાણ માટેના આદર્શોથી ભરેલું વ્યક્તિત્વ.

તેમણે ધાર્યું હોત તો ગુલઝારીલાલ નંદાની માફક 'મજૂર મહાજન સંઘ 'ના મધ્યાનકાલનો ઉપયોગ કરી પાર્લમેન્ટના સભ્ય કે રાજ્ય અથવા કેન્દ્રમાં મંત્રી બની શક્યા હોત. પણ અરવિંદભાઈ રાજકારણનો જીવ નહોતા.

માત્ર એક જ વાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ ક્યારેય કોઈ ચૂંટણી ન લડ્યા. આમ છતાં મૂલ્યોની રાજનીતિ માટેનો એમનો પ્રેમ સદાય જીવંત રહ્યો.

એ જમાનો હતો જ્યારે અરવિંદભાઈ બુચ, શ્યામાપ્રસાદ વસાવડા, પૂ. રવિશંકર મહારાજ, સૌના લાડીલા ઇન્દુચાચા, અમદાવાદના અકિંચન મેયર જયેન્દ્ર પરીખ, કસ્તુરભાઈ લાલભાઈ જેવા અનેક માનવરત્નો આ અમદાવાદમાં લગભગ સમકાલીન હયાત હતાં.

મજૂર-મહાજનના બે અર્થ નીકળી શકે, એક તો મજૂરોનું મહાજન અને મજૂર તેમજ મહાજન.

અમદાવાદનો મિલઉદ્યોગ ખૂબ મોટી સંખ્યામાં રોજગારી આપીને ફૂલ્યો ફાળ્યો. તેમાં જેટલો ફાળો રણછોડલાલ રેંટિયાવાળા, બેચરદાસ લશ્કરી કે કસ્તુરભાઈ લાલભાઈ જેવા ઉદ્યોગ સાહસિકોનો હતો એટલો જ કે તેથીય વિશેષ ફાળો આ યંત્રોને ધમધમાટ રાખનાર શ્રમિકોનો હતો.

અમદાવાદે 'માન્ચેસ્ટર'નો ખિતાબ મેળવ્યો હતો

ઇમેજ સ્રોત, PRINT COLLECTOR

ઇમેજ કૅપ્શન, અમદાવાદે 'માન્ચેસ્ટર'નો ખિતાબ મેળવ્યો હતો

અમદાવાદનાં મિલઉદ્યોગની સક્ષમતામાં મજૂર મહાજન સંઘ અને અરવિંદભાઈ બુચ જેવા પ્રતિભા સંપન્ન અને મજબૂત ટ્રેડ યુનિયન લિડરનું પણ યોગદાન હતું.

બુચ સાહેબ સાથે કામ કરવાનું અને એમને નજીકથી જાણવાની જેમને તક મળી છે તેવા વરિષ્ઠ પત્રકાર અને 'ગ્રામ્ય ગર્જના'ના તંત્રી મણીભાઈ પટેલ એમના લેખ 'ગાંધીવાદી શ્રમિક નેતા અરવિંદભાઈ બુચની જન્મ શતાબ્દી'માં લખે છે -

'ગુર્જરભૂમિએ જાહેર જીવનના વિવિધ ક્ષેત્રોમાં અનેક ગૂર્જરરત્નો આપ્યાં છે. તેમાં શ્રમિક સેવાના ક્ષેત્રે જે મહાનુભાવોએ જીવન સર્મિપત કર્યું તેમાં પીઢ ગાંધીવાદી શ્રમિક નેતા ને ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘમાં જિંદગીના અર્ધા આયખા કરતાં પણ વધુ 56 વર્ષ સેવા આપનાર અરવિંદભાઈ બુચનું નામ ગુજરાતના જાહેર જીવનના મોભીઓમાં પ્રથમ હરોળમાં મૂકી શકાય.'

'આજે રાજનીતિ હોય કે જાહેર જીવનની સંસ્થાઓમાં કોઈ નિવૃત્ત થવાનું નામ નથી લેતું ત્યારે મહાજનમાં હોદ્દેદારોમાં નિવૃત્તિ વય ન હોવાથી અરવિંદ બુચે સ્વેચ્છાએ 60 વર્ષની વયે મજૂર મહાજન સંઘનું પ્રમુખપદ ત્યાગી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી અને પદ વિના શ્રમિક સેવાનું કાર્ય ચાલુ રાખીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. '

1942થી મજૂર-મહાજનમાં કાર્યરત અરવિંદ બુચનો જન્મ જૂનાગઢમાં 20મી ફેબ્રુઆરીના રોજ 1920માં થયો હતો અને 1941માં પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સાયન્સના સ્નાતક થયા હતા.

તેમના પ્રમુખપદનો ગાળો મજૂર-મહાજનનો સુવર્ણકાળ હતો અને શહેરની 68 મિલોના દોઢ લાખ મિલ કામદારોમાં એક લાખ પાંત્રીસ હજાર કામદારો તેમના નેતૃત્વમાં મહાજનના સભાસદ હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

1980 બાદ ટપોટપ કાપડની મિલો બંધ થતાં દ્રવિત થયેલા અરવિંદ બુચે કામદારો માટે 1553 દિવસનો, ઉપવાસ વિનાનો, અનોખો ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક ફૂટપાથ સત્યાગ્રહ કર્યો હતો. એટલું જ નહીં પણ આજીવન ખાદીનો ઝભ્ભો, ધોતી ને ટોપી પહેરનારા બુચે ટોપી ત્યાગીને ઝભ્ભો અડધી બાંયનો કરીને ધોતિયાના બે ટૂકડા કરીને બેકાર કામદારોની સહાનુભૂતિમાં લૂંગી-સદરાનો નવો જ પોશાક પહેરવાનું શરૂ કર્યું હતું.

મહિલા સેવા સંઘ-સેવા તથા મહિલા સહકારી બૅન્કના તેઓ પ્રથમ સ્થાપક પ્રમુખ હતા અને તેની રચનામાં તેમની પાયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.

રાજ્યભરના મિલકામદારો ઉપરાંત બૅન્કોના કર્મચારીઓ, વાહનવ્યવહાર અને વિદ્યુતકર્મચારીઓ, ગ્રામીણ કામદારો, માછીમારો, પત્રકારો, મીઠાના કામદારો ને વ્યંડળો સહિતના ૩૩થી વધુ મજૂરસંગઠનોના તેઓ અધ્યક્ષપદે રહીને તેમને સંગઠિત કર્યાં અને એશિયા, યુરોપ, અમેરિકાના વિવિધ 28 જેટલા દેશોમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક પરિષદોમાં દેશના કામદારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આમ છતાં હંમેશાં તેઓ સંસ્થાના પાયાના કામને ખલેલ ન પહોંચે તે રીતે પ્રવાસ ગોઠવતા અને રોજ આવતા સેંકડો પત્રોનો રોજેરોજ પ્રત્યુત્તર પાઠવી દેતા હતા.

તેમના ટેબલ પર પેન્ડિંગ કામો કદી નહોતાં રહેતાં. શ્રમિકસેવામાં ગળાડૂબ બુચ ચૂંટણીના રાજકારણથી દૂર રહ્યા હતા. માત્ર એક વાર મ્યુ. કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા તે પછી ચૂંટણીના રાજકારણને તેમણે તિલાંજલિ આપી હતી.

કૉંગ્રેસમાંથી જુદા પડેલા વી. પી. સિંહે તેમને ગુજરાતમાં જનતા દળનું સુકાન સંભાળવા કહ્યું ત્યારે તેમણે રાજકારણમાં આવવાની અનિચ્છા વ્યક્ત કરીને અસ્વીકાર કર્યો હતો.

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, વાહનવ્યવહાર નિગમ, રાજ્ય ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, રાજ્ય વિદ્યુતબોર્ડ જેનાં અનેક રાષ્ટ્રીય અને રાજ્યના બોર્ડ-નિગમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ને રાષ્ટ્રીય આઈએલઓ, ઇન્ટુક, એન.એલ.ઓ. જેવી અનેક સંસ્થાઓમાં સંવર્ધકરૂપે તેમણે નેતૃત્વ પૂરું પાડયું હતું.

વ્યસ્ત કામગીરી વચ્ચે પણ બંધારણીય સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ વહીવટી ક્ષેત્રે તેમને જ્યાં ઊણપ જણાય ને સુધારાની જરૂર હોય ત્યાં રાષ્ટ્રપતિથી માંડીને મેયર સુધીના તમામને તેમને હજારો પત્રો લખીને સૂચનો કર્યાં હતાં.

જેમાંના ઘણાંનો અમલ પણ થતો હતો. 'ગાંધી શ્રમસંસ્થાન'ની રચનામાં તેમની પાયાની ભૂમિકા હતી અને ડૉ. કુરિયન સાથે સૉલ્ટ ફાર્મર્સ તથા કાંતિ મહેતા જેવા આંતરરાષ્ટ્રીય આગેવાનો સાથે ગ્રામ વિકાસનું કામ કર્યું.

રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયા હતા ને વિનોબાના પૂણે આશ્રમ માટે પણ સેવાઓ આપી હતી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રમિક જગતમાં તેમનું નામ ને કામ સદાય ચિરસ્મરણીય રહેશે. ગુજરાતનો પ્રતિષ્ઠિત 'વિશ્વગુર્જરી' ઍવૉર્ડ તેમજ ભારત સરકારના 'પદ્મશ્રી' સન્માનથી તેઓ સન્માનિત થયા હતા. એટલું જ નહીં પણ આઝાદીની સુવર્ણજયંતી ટાણે અમદાવાદ મ્યુ. કૉર્પોરેશને તેમને 'નગરરત્ન' ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા.

ઇન્ટુક, સીટુ, આઈટુક, બીએચએલ, એચએમએસ જેવાં ભિન્ન વિચાર ધરાવતાં કેન્દ્રીય મજૂરસંગઠનોમાં પણ તેઓ સૌના સ્વીકૃત, માર્ગદર્શક તથા માનના અધિકારી હતા.

કેન્દ્રમાં સરકાર ઇંદિરાજીની હોય કે ચંદ્રશેખરની રાજ્યમાં હિતેન્દ્ર દેસાઈથી માંડીને કેશુભાઈ સુધીનાં શાસનમાં તેમનો અવાજ આદરપૂર્વક સાંભળવામાં આવતો હતો.

શ્રમજીવી પ્રવૃત્તિના તેમનાથી ભિન્ન વિચારધારા ધરાવતા શ્રમિક આગેવાનો સનત મહેતા, નટવરલાલ શાહ, મગનભાઈ બારોટ અને અશોક ભટ્ટ સૌ માટે તેઓ આદરને પાત્ર હતા ને તે બધા જ બંધ મિલોની તેમની જીવનની અંતિમ લડતમાં હૃદયપૂર્વક તેમની સાથે રહ્યા હતા.

સનત મહેતાએ તો લાલ દરવાજા કે જ્યાં બુચે ફૂટપાથ સત્યાગ્રહ કર્યો હતો ત્યાં તેમની અર્ધપ્રતિમા પણ મુકાવી છે.

હિંદ છોડો ચળવળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1942માં હિંદ છોડોની લડત સમયે બુચે અમદાવાદના શ્રમજીવીઓની 105 દિવસની હડતાળનું નેતૃત્વ કર્યું હતું (પ્રતીકાત્મક તસવીર )

મિલોમાં બેકારીનું વાવાઝોડું આવ્યું ત્યારે તેમને 'રહેનારને કામ ને જનારને દામ'ની યોજના મુકાવીને જવું હોય તે કામદારોને વળતર અને રહેનારને કામની અનોખી યોજના અમલી બનાવી હતી.

1942માં હિંદ છોડોની લડત સમયે તેમણે અમદાવાદના શ્રમજીવીઓની 105 દિવસની હડતાળનું નેતૃત્વ કર્યું હતું તે 10 હજાર જેટલા કામદારોને રાજ્ય સરકાર પાસે સ્વાતંત્ર્યસેનાની તરીકે પુરસ્કૃત કરાવ્યા હતા.

કામદારોને આર્થિક લાભો અપાવવા ઉપરાંત તેમના કાર્યકાળમાં કામદારોના સર્વાંગી વિકાસ માટે અનેક સેવાકીય ને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ વિસ્તારીને નવી પણ શરૂ કરી હતી.

કામદારોનાં સંતાનોને લાયકાતને અનુરૂપ મિલોમાં શ્રમની નોકરી મળી રહે તે માટે પુમા વિકાસ વિભાગ શરૂ કર્યો ને ટેક્નિકલ તાલીમ વર્ગો તથા ટાઈપ અને શોર્ટહેન્ડના વર્ગો શરૂ કરાવ્યા હતા.

તેઓ કહેતા કે શ્રમનાં કાર્યો માટે ગરીબો માટે મિલોમાં 100 ટકા અનામત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાનો કુટુંબકલ્યાણોનો પ્રોજેક્ટ શરૂ કરીને વિવાદ અને વિરોધ વચ્ચે પણ તેમણે શ્રમજીવીઓમાં 'નિરોધ'ને કુટુંબનિયોજનના પ્રચારપ્રસારનું મહત્ત્વનું કાર્ય કર્યું.

બહુચરાજીના કિન્નરોની આર્થિક-સામાજિક મોજણી કરાવી તથા બહુચરાજી અને દ્વારકાનાં મંદિરોના પૂજારીઓનું પણ સંગઠન બનાવ્યું.

તેઓ શ્રમિક કલ્યાણનાં કાર્યો માટે અખબારોના માલિકો પાસેથી પણ દાન મેળવતા અને પત્રકારોના પ્રશ્નો પણ ઉકેલતા હતા. પત્રકારો જેવું ઉત્કૃષ્ઠ હેવાલલેખન પણ કરી શકતા હતા.

ભાવનગરના વીજકામદારોએ તેમને સવા લાખ રૂપિયાની થેલી અર્પણ કરી હતી તેનું તેમણે 'હ્યુમન વેલ્ફેર ટ્રસ્ટ' બનાવ્યું હતું અને સેવાભાવી સંસ્થાઓને સહાય કરતા હતા.

વીડિયો કૅપ્શન, ગુજરાતનો સ્થાપના દિવસ

જોકે પોતે મહાજનના પ્રમુખ હોવાથી તે ટ્રસ્ટમાં અમદાવાદની મિલોના સંચાલકો પાસેથી તેમાં દાન લેતા નહોતા. એક મજૂરનેતા હોવા છતાં સંચાલકોના પારિભાષિક પ્રશ્નોમાં પણ મધ્યસ્થી કરીને ઉકેલી આપતા હતા તે તેમની વિશિષ્ટતા હતી.

આજીવન પોતાનાં અને પોતાની માતાનાં કપડાં પોતે જાતે ધોતા હતા.

તેમનો અને તેમના મોટાભાઈ હસમુખરાય બુચનો સંબંધ 'રામ-લક્ષ્મણ' જેવો હતો. આજેય બંને ભાઈઓનો પરિવાર સંયુક્ત જ ચાલે છે.

દેશના લાખો શ્રમિકોના નેતા સ્વેચ્છાએ નિવૃત્ત થાય ત્યારે તેની પાસે પોતાનું નાનું સરખું વાહન પણ ન હોય તેવું ઇમાનદાર જીવન જીવ્યા.

જાહેર કાર્યક્રમોમાં તેમણે સ્વાગતમાં ફૂલહારની પ્રથા બંધ કરાવીને માત્ર નાનો ખાદીનો હાથરૂમાલ આપવાની અનોખી પ્રથા શરૂ કરી હતી.

લખવા માટે પત્રવ્યવહારમાં આવતો પત્રોનો પાછળનો કોરો ભાગ વાપરતા પણ નવા કોરા કાગળ કદી વાપરતા નહીં. આવા ભુલાયેલા ગાંધીવાદી નેતાને વંદના. તેઓ ગુજરાતની ઔદ્યોગિક શાંતિના 'કમળ' (અરવિંદ) હતા.

સંદર્ભ :

1.પરંપરા અને પ્રગતિ સ્વ કસ્તુરભાઇ લાલભાઇ નું જીવન ચરિત્ર, લેખક : ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : શ્રી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ

2.The Making and Unmaking of an Industrial Working Class: Sliding Down the Labour Hierachy in Ahmedabad, india.written by Jan Breman Published by Oxford University Press India New Delhi 2004, First Published in The Netherland by Amasterdam Univesity Press, Amasterdam

3.Greatness of Spirit: Profiles of Indian Magsaysay Award Winners

By Meera Johri, Published by Rajpal & Sons 2010 Edition

4.Gender Justice and Development: Vulnerability and Empowerment, Volume 2 edited by Eric Palmer

5.JOURNAL ARTICLE, Ahmedabad's Alienated Textile Workers by Darryl D'Monte, India International Centre Quarterly, Vol. 29, No. 2 (MONSOON 2002), pp. 129-140, Published by: India International Centre (https://www.jstor.org/stable/23005785)

6.ગાંધીવાદી શ્રમિક નેતા અરવિંદભાઇ બુચની જન્મ શાતાબ્દી - લેખક : મણિભાઈ એમ. પટેલ સંદેશ 20-02-2020

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો