આઈપીએલ : ક્રિસ ગેઇલ - સિક્સરનો એ 'શહેનશાહ', જેનો રેકૉર્ડ હજી કોઈ તોડી નથી શક્યું

ક્રિસ ગેઇલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન ક્રિસ ગેઇલને સિક્સરના શહેનશાહ માનવામાં આવે છે. ભારતની સૌથી લોકપ્રિય T20 લીગ આઈપીએલમાં તેમણે 326 સિક્સર ફટકારી છે, તેઓ બીજા ક્રમના ખેલાડી કરતાં 100 સિક્સર આગળ છે.

ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટમાં ક્રિસ ગેઇલ રમવા આવે એટલે બૉલર જ નહીં પરંતુ પ્રેક્ષકો પણ ચેતી જતા હોય છે કેમ કે ગેઇલે ફટકારેલો બૉલ ક્યારે સ્ટેન્ડમાં આવી જાય તેની કોઈ ખાતરી કરી ન શકે.

ગેઇલ કદાચ એકમાત્ર એવા ક્રિકેટર છે જેઓ દરેક દેશમાં રમાતી T20 લીગમાં રમતા જોવા મળે છે.

તેઓ આઈપીએલમાં હોય છે, બિગ બૅશમાં પણ દેખાય છે. ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ તો ઠીક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની T20 લીગમાં પણ તેઓ રમતા હોય છે.

આમ છતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ તો ગેઇલ માટે ખાસ છે. ક્રિસ ગેઇલ અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ માટે રમતા હતા અને હવે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહ્યા છે.

આઈપીએલમાં તેઓ 124 મૅચ રમ્યા છે, જેમાં તેમણે 151.03ના સ્ટ્રાઇક રેટથી 4,884 રન ફટકાર્યા છે.

ક્રિસ ગેઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિસ ગેઇલ સિક્સરના શહેનશાહ છે અને તેથી જ તેમના ચોગ્ગા કરતાં સિક્સરની સંખ્યામાં ખાસ ફરક નથી.

આ T20 લીગમાં ગેઇલે 2,969 બૉલનો સામનો કર્યો છે. જેમાંથી 694 બૉલમાં તો તેમણે બાઉન્ડરી ફટકારી છે, તેમાંથી 326 સિક્સર અને 368 ચોગ્ગા ફટકાર્યા છે.

ક્રિસ ગેઇલ અને અન્ય બૅટ્સમૅનમાં આ જ મોટો ફરક છે. ગેઇલ મોટા ભાગે બાઉન્ડરી દ્વારા જ રન ફટકારતા હોય છે. ટૂંકમાં તેઓ રન દોડવાનું ઓછું પસંદ કરે છે.

બીજી રીતે કહીએ તો ગેઇલ પોતે ક્રિઝ પર દોડવા કરતાં ફિલ્ડરને મેદાન પર દોડાવવાનું વધારે પસંદ કરે છે.

ખાસ વાત તો એ કે ક્રિસ ગેઇલે આઈપીએલમાં જે રીતે સિક્સર ફટકારી છે, તેની સરખામણી અન્ય સાથે થઈ શકે તેમ નથી.

ગેઇલે 124 મૅચમાં 326 સિક્સર ફટકારી છે, એ પછીના ક્રમે આવતા દક્ષિણ આફ્રિકન બૅટ્સમૅન એબી વિલિયર્સ 153 મૅચમાં 212 સિક્સર ફટકારી શક્યો છે.

ક્રિસ ગેઇલ

ઇમેજ સ્રોત, Getty Images

આમ તેઓ ગેઇલ કરતાં 124 સિક્સર પાછળ છે અને મજાની વાત તો એ છે કે ડી વિલિયર્સ તેમના કૅરેબિયન હરીફ અને એક સમયના બેંગ્લુરુના સાથી બૅટ્સમૅન કરતાં 29 મૅચ વધારે રમ્યા છે.

આવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્રસિંહ ધોની 209 સિક્સર ફટકારીને ગેઇલ કરતાં 117 સિક્સર પાછળ છે. અહીં પણ ધોની તેમના આ હરીફ કરતાં 65 મૅચ વધારે રમ્યા છે.

આ તો થઈ 200 કે તેથી વધારે સિક્સર ફટકારનારા બૅટ્સમૅનની વાત પરંતુ તેથી ઓછી સિક્સર ફટકારનારા બૅટ્સમૅનને ઉમેરીએ તો સુરેશ રૈના 194 સિકસર (193 મૅચ) અને રોહિત શર્મા 195 સિક્સર (188 મૅચ) અને વિરાટ કોહલી 191 સિક્સર (176 મૅચ) સાથે ક્રિસ ગેઇલ કરતાં જોજનો પાછળ છે.

line

એક સિઝનમાં 15થી વધારે સિક્સરનો વિક્રમ

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) લોકપ્રિય છે. તેની લોકપ્રિયતાનું એક કારણ બૅટ્સમૅનની આક્રમક બેટિંગ છે.

આઈપીએલ દરમિયાન એવો પણ રેકર્ડ બન્યો છે, જેમાં કોઈ ખેલાડીએ એક સિઝનમાં 15થી વધારે સિક્સર ફટકારવાની સિદ્ધિ એક વાર નહીં પરંતુ એકથી વધારે વાર નોંધાવી છે.

કેઇરોન પોલાર્ડ: વેસ્ટ ઇન્ડીઝના આ આક્રમક બૅટ્સમૅનની મેદાનમાં ઍન્ટ્રિ પડે તે સાથે જ હરીફ ટીમના બૉલર્સ ભયભીત થઈ જતા હોય છે.

પોલાર્ડે આઈપીએલની એક સિઝનમાં 15 કે તેથી વધુ સિક્સર ફટકારવાની સિદ્ધિ એક વાર નહીં પરંતુ સાત-સાત વાર હાંસલ કરી છે.

આઈપીએલમાં તેઓ 176 સિક્સર ફટકારી ચૂક્યા છે.

એબી ડી વિલિયર્સ: દક્ષિણ આફ્રિકાના આ ક્રિકેટરે ભલે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને ટાઇટલ અપાવ્યું ન હોય પરંતુ મેદાનની ચારે તરફ આસાનીથી સિક્સર ફટકારી શકે છે અને તેથી જ તેમને મિસ્ટર 360 કહેવાય છે.

તેમણે આઈપીએલની આઠ અલગ-અલગ સિઝનમાં 15થી વધુ સિક્સર ફટકારી છે.

કૅરિયરમાં તેઓ 212 સિક્સર ફટકારી ચૂક્યા છે.

ક્રિસ ગેઇલ: આ ધરખમ કૅરેબિયન ક્રિકેટરનું નામ બૉલરને ડરાવવા માટે કાફી છે.

ગેઇલે જે રીતે બેટિંગમાં આતંક મચાવ્યો છે, તેવો ભાગ્યે જ કોઈ બૅટ્સમૅને મચાવ્યો હશે. ગેઇલે એક સિઝનમાં 15 કે તેથી વધુ સિક્સર ફટકારવાની સિદ્ધિ આઠ વખત નોંધાવી છે.

સુરેશ રૈના: અંગત કારણોસર આ વખતે આઈપીએલથી દૂર થઈ ગયેલા રૈના 2008થી નિયમિતપણે આઈપીએલમાં રમી રહ્યા છે.

તેમના નામે સૌથી વધુ મૅચ રમવાનો રેકર્ડ પણ છે. રૈનાએ પણ આઠ અલગ-અલગ સિઝનમાં 15થી વધુ સિક્સર ફટકારી છે.

મહેન્દ્રસિંહ ધોની: ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પણ એક સિઝનમાં 15થી વધારે સિક્સર ફટકારવાની સિદ્ધિ આઠ વખત હાંસલ કરી છે.

તેમણે આઈપીએલમાં 209 સિક્સર ફટકારી છે. બૉલને પ્રેક્ષકો વચ્ચે પહોંચાળી દેવામાં ધોની અવ્વલ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો