સુશાંતસિંહ કેસ : મીડિયા ટ્રાયલ નવી નથી, જાણો દુનિયાના ચર્ચિત કિસ્સા

ઇમેજ સ્રોત, FACEBOOK/SUSHANTSINGHRAJPUT
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
અભિનેતા સુશાંતસિંહની કથિત આત્મહત્યાના મામલામાં કોઈ શંકાસ્પદ કે આરોપી છે?
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં આજે ત્રીજી ધરપકડ રિયા ચક્રવર્તીની થઈ, પણ આ ધરપકડ એનસીબીએ ડ્રગ્સની આપ-લેના મામલે કરી છે.
જોકે ધરપકડ પૂર્વે જ મોટા ભાગના મીડિયાએ આ કેસના કવરેજમાં શંકાની સોય સુશાંતનાં રિયા ચક્રવર્તી તરફ તાકી દીધી હતી.
કેટલાક જાણીતા ટીવી ઍન્કરોએ અને સોશિયલ મીડિયાના ટ્રૉલ્સે કોઈ આરોપ વિના જ તેમને જાણે ગુનેગાર ઠરાવી દીધાં હતાં.
પાકા પાયે માહિતીના આધારે રિપોર્ટિંગના બદલે કેટલાંક મીડિયાએ આખી વાતને એક તમાશો બનાવી દીધો.
ચિંતાજનક વાત એ છે કે આવી રીત અત્યારે ટીવી, અખબારો અને સોશિયલ મીડિયા બધામાં બેરોકટોક ચાલી રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચાર દાયકાથી ઉચ્ચ ન્યાયાલયોમાં આવેલા હાઈ પ્રોફાઇલ મામલાઓના રિપોર્ટિંગનો અનુભવ ધરાવતા પત્રકાર રાકેશ ભટનાગરે રિયા ચક્રવર્તીની ધરપકડના થોડા દિવસો પહેલાં કહ્યું હતું, "સુશાંતના મોતની તપાસ કરી રહેલી ત્રણ કેન્દ્રીય એજન્સીઓએ અત્યારે તપાસ રિયા ચક્રવર્તી પર કેન્દ્રીત કરી છે."
"આ કેસમાં હજી સુધી કોઈને આરોપી બનાવાયા નથી. મીડિયાનો અત્યાચાર બંધ થવો જોઈએ. હા, સીબીઆઈ અને અન્ય એજન્સીઓ રિયા અને તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે, પણ હજી સુધી આ મામલામાં કોઈ આરોપી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના આજના પત્રકારત્વની સ્થિતિ વિશે અફસોસ વ્યક્ત કરતાં ભટનાગર કહે છે કે મીડિયા ટ્રાયલ આજે સામાન્ય રીત બની ગઈ છે. જોકે તેઓ એ વાત પણ સ્વીકારે છે કે દુનિયામાં ઘણી જગ્યાએ આવું થાય છે.
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં આવેલી રૉયટર્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑફ જર્નલિઝમના ઍસોસિએટ ડિરેક્ટર કેથલિન મર્સર માને છે કે આત્મહત્યાના અહેવાલોમાં પત્રકારોએ સાવધાની રાખવી જોઈએ.

ઇમેજ સ્રોત, SARANG GUPTA/HINDUSTAN TIMES/SUJIT JAISWAL/AFP
તેઓ કહે છે, "આ (સુશાંતસિંહ રાજપૂત) કેસની વિગતો હું જાણતી નથી, પરંતુ આત્મહત્યાના રિપોર્ટિંગની વાત કરીએ તો ઘણા દેશોમાં થયેલાં અનેક સંશોધનનો નિષ્કર્ષ એ છે કે જવાબદારી સાથે રિપોર્ટિંગ થાય એ જ જનતાના હિતમાં છે."
તેઓ વધુમાં જણાવે છે, "કોઈ પણ જવાબદાર મીડિયાએ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને અહેવાલો આપવા જોઈએ: દુખ અને આઘાત વેઠી રહેલા પરિવારજનો પ્રત્યે સંવેદના, જનતા પ્રત્યેની જવાબદારી અને ત્રીજું કે આત્મહત્યાના અહેવાલોથી અન્ય કોઈ આત્મહત્યા ન કરી લે તેની કાળજી લેવી."
"કમનસીબે આત્મહત્યાના અહેવાલમાં વધુમાં વધુ જાણવાની જિજ્ઞાસા મનુષ્યોની કમજોરી છે. આપણા બધામાં તે હોય છે. દરેક પ્રકારનાં કાવતરાં અને દૃષ્ટિકોણ જાણવાની ઇચ્છા હોય છે."
"આપણે મોતથી ડરતા હોઈએ છીએ તેનાથી આવું થાય છે. નફો અને ફેલાવો એ બાબતોમાં આ બહુ સારું પડે, પરંતુ શોકગ્રસ્ત પરિવારોને આ ભયાનક અન્યાય છે."

ઇમેજ સ્રોત, NETFLIX
નેટફ્લિક્સ પર 'ટ્રાયલ બાય મીડિયા' નામની છ હપ્તાની સિરીઝ આવી છે, જેમાં અમેરિકાના આવા છ ચકચારી કિસ્સાની વાત કરવામાં આવી છે.
આ સિરીઝ પરથી ખ્યાલ આવે છે કે આવા મામલાને કેવી રીતે મીડિયામાં સનસનીખેજ બનાવવામાં આવે છે અને કેટલાય લોકોની પ્રતિષ્ઠા અને કારકિર્દી તેનાથી ધૂળમાં મળી જાય છે.
મીડિયા ટ્રાયલ બેધારી તલવાર બની ગઈ છે. પરંપરાગત મીડિયા સાથે હવે લોકોએ સોશિયલ મીડિયામાં મચી જતી સનસનાટીનો પણ સામનો કરવો પડે છે. રિયા ચક્રવર્તી તેનું જ તાજું ઉદાહરણ છે.

વિશ્વના પાંચ પ્રસિદ્ધ 'ટ્રાયલ બાય મીડિયા'ના કિસ્સા પર એક નજર:
ઓ. જે. સિમ્પસન મીડિયા ટ્રાયલ

ઇમેજ સ્રોત, BOBBY BANK/WIREIMAGE
અમેરિકાની નેશનલ ફૂટબૉલ લીગના પ્રસિદ્ધ ખેલાડી ઓ. જે. સિમ્પસને કરેલી કથિત હત્યાના કિસ્સાને "ટ્રાયલ ઑફ ધ સેન્ચુરી" કહેવામાં આવે છે.
3 ઑક્ટોબર, 1995ના રોજ સિમ્પસન કેસના ચુકાદાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને 10 કરોડથી વધુ લોકોએ જોયું હતું. સિમ્પસન સામે તેમનાં ભૂતપૂર્વ પત્ની નિકોલ બ્રાઉન અને તેમના દોસ્ત રોનાલ્ડ ગોલ્ડમેનની હત્યાનો કેસ ચાલ્યો હતો. જોકે જ્યુરીએ સિમ્પસનને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ કેસ ચાલ્યો તે દરમિયાન મીડિયામાં સતત આધારહીન અને ખોટા સમાચારો છપાતા રહ્યા હતા અને તેના કારણે જજે વારંવાર જ્યુરીના સભ્યોને બદલવા પડ્યા હતા. કેટલીક વાર મુકદ્દમાનું કામકાજ અટકાવી પણ દેવું પડ્યું હતું.
જજે કહ્યું હતું કે ટ્રાયલમાં લોકોને એટલો બધો રસ પડવા લાગ્યો હતો કે જ્યુરીના કેટલાક સભ્યોએ પત્રકારોને મુલાકાતો આપી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના વિચારો એવી રીતે વ્યક્ત કર્યા કે તેની અસર મુકદ્દમાના ચુકાદા પર પડી શકે. મીડિયામાં આનું વધારે પડતું કવરેજ આવતું હતું તેની અસર કેટલા સાક્ષીઓ પર પણ જોવા મળી હતી.

બ્રિટનના ડૉ. ડેવિડ કેલીનું મીડિયા કવરેજ પછી મોત

ઇમેજ સ્રોત, IAN WALDIE/GETTY IMAGES
મે 2003માં બીબીસીના એક અહેવાલમાં સરકારના એવા દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો કે ઇરાક પાસે 45 મિનિટમાં ગોઠવી શકાય તેવાં અણુશસ્ત્રો છે.
શસ્ત્રોના જાણકાર ડૉ. ડેવિડ કેલી આ સમાચારના સ્રોત છે એવી જાણકારી અખબારોમાં પ્રગટ થઈ તે પછી આ મામલો બહુ જ ચગ્યો હતો. બીબીસીએ પોતાના અહેવાલનો સ્રોત કોણ છે તેની કોઈ માહિતી જાહેર કરી નહોતી, છતાં ડૉ. ડેવિડનું નામ ઉછળતું રહ્યું.
ત્યારબાદ સંસદીય સમિતિ સમક્ષ ડૉ. કેલીને બોલાવવામાં આવ્યા હતા, તેમાં પણ ડૉ. કેલીએ બીબીસીને પોતે માહિતી આપી હતી તે બાબતનો ઇન્કાર કર્યો હતો.
સંસદીય સમિતિ સમક્ષ સાક્ષી તરીકે હાજર રહ્યા તેના બે દિવસ પછી એક વેરાન જગ્યાએ તેમનું શબ મળ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે જણાવાયું કે તેમણે આત્મહત્યા કરી લીધી છે. પરંતુ કેટલાકે આ તપાસ સામે શંકા વ્યક્ત કરી હતી.
તેમના મોત બાદ જ બીબીસીએ જણાવ્યું હતું કે તેમના અહેવાલના સ્રોત તરીકે ડૉ. કેલી હતા. બાદમાં તેમનાં પત્નીએ જણાવ્યું હતું કે મીડિયામાં બદનામીના કારણે તેમના પતિ બહુ પરેશાન હતા.

લોરેના બોબિટ કેસ

ઇમેજ સ્રોત, JEFFREY MARKOWITZ/SYGMA VIA GETTY IMAGES
આ બહુ વિચિત્ર કિસ્સો હતો અને તેના કારણે મીડિયામાં તે બહુ જ ચગ્યો હતો.
અમેરિકામાં 1993માં ઘરેલુ ગેરવર્તનનો ભોગ બનેલી લોરેના બોબિટનો કિસ્સો બહુ ચગ્યો હતો, કેમ કે તેમણે પોતાના પતિ જૉન વેન બોબિટનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. પોતાની કારની બારીમાંથી તેને બહાર ફેંકી દીધું હતું.
લોરેનાનું કહેવું હતું કે તેમના પતિએ લગ્ન પછી તેમનું ભારે માનસિક, શારીરિક અને જાતીય શોષણ કર્યું હતું. વિશેષજ્ઞોના અભિપ્રાયને આધારે જ્યુરીએ તેમને નિર્દોષ જાહેર કર્યાં હતાં.
તેમના પતિના કપાયેલા લિંગને રસ્તા પરથી શોધી કાઢવામાં આવ્યું હતું. ઑપરેશન કરીને ફરીથી તેને જોડી દેવાયું હતું અને તેના કારણે તેમનું જાતીય જીવન ફરી શક્ય બન્યું હતું.

પોલીસ દ્વારા રોડની કિંગની મારપીટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
1991માં અમેરિકાના લૉસ એન્જલસના અશ્વેત રોડની કિંગની ગોરા પોલીસોએ જાહેરમાં ભારે મારપીટ કરી હતી. આ ઘટનાને એક રાહદારીએ પોતાના કૅમેરામાં કેદ કરી લીધી હતી.
રોડની કિંગ બચી ગયા હતા, પણ તેમની ખોપરી, દાંત તૂટી ગયાં હતાં અને તેમના આત્માને અપમાનના ઘા પડ્યા હતા.
પરિવારના લોકોનું કહેવું હતું કે તે મારપીટના કારણે માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે તેમના મનમાં કાયમી આઘાત લાગ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર 2012માં તેમનું મોત ડ્રગ્ઝ લેવાને કારણે થયું હતું.
અશ્વેતની જાહેરમાં મારપીટ અને તે બદલ પોલીસ સામે ચાલેલા મુકદ્દમાની સુનાવણી અમેરિકા અને વિશ્વભરનાં અખબારોમાં સતત ચમકતી રહી હતી. જોકે પોલીસ આ કેસમાંથી છૂટી ગયા હતા.
અદાલતમાં ચુકાદો આવે તે પહેલાં મીડિયામાં તો ચુકાદો આવી જ ગયો હતો અને પોલીસ કર્મચારીઓને દોષી ગણાવી દેવાયા હતા. જોકે અદાલતમાં પોલીસને નિર્દોષ જાહેર કરાયા ત્યારે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો.
બાદમાં રોડની કિંગે એક દોસ્તને કહ્યું હતું, "આ ચુકાદો આવ્યો (29 એપ્રિલ, 1992માં) તેનાથી હું વિચારતો જ રહી ગયો." તેના કારણે શહેરમાં પાંચ દિવસ સુધી હિંસક તોફાનો થયાં. લૂંટફાટ અને ગોળીબારમાં 54 લોકો માર્યા ગયા હતા.

સ્કૉટ પીટરસનનો કિસ્સો
અમેરિકાના સ્કૉટ પીટરસન પર તેમનાં ગર્ભવતી પત્ની લેકીની હત્યાનો આરોપ હતો. એવું કહેવાયું હતું કે તેઓ પોતાની પત્નીથી છૂટવા માગતા હતા. મુકદ્દમો ચાલતો રહ્યો તે દરમિયાન તેઓ પત્નીના પરિવારને મદદ કરવા માટે વાત કરતા રહ્યા હતા અને તેમને પૈસા પણ મોકલતા રહ્યા હતા.
મુકદ્દમા દરમિયાન પોતે આદર્શ પતિ છે તેવી છાપ જાળવી રાખવાની તેમની કોશિશ હતી. આ કિસ્સામાં પણ અદાલતના ચુકાદા પહેલાં જ મીડિયાએ સ્કૉટને હત્યારો માની લીધા હતા. તેઓ પોતાની નિર્દોષતાનું રટણ કરતા રહ્યા હતા.
આ મુકદ્દમાને કારણે મીડિયામાં ભારે વિવાદો ચાલ્યા હતા. આખરે જ્યુરીએ તેમને દોષી જાહેર કર્યા. તેમના દોસ્તો અને ટેકેદારોનું માનવું હતું કે મીડિયાએ પહેલેથી જ તેમને હત્યારા તરીકે રજૂ કર્યા તેની અસર જ્યુરીના સભ્યો અને સાક્ષીઓ પર પડી હતી.

સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસનો અધિકાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કાયદાશાસ્ત્રીઓ માને છે કે મીડિયા ટ્રાયલ વ્યક્તિના અધિકાર માટે જોખમકારક છે. તેનાથી અદાલતનું અપમાન પણ થઈ શકે છે.
તેલંગણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રઘુવેન્દ્રસિંહ ચૌહાણે 2011માં મીડિયા ટ્રાયલ વિશે એક લેખ લખ્યો હતો.
તેમણે લખ્યું હતું કે, "પ્રી-ટ્રાયલ પબ્લિસિટી નિષ્પક્ષ તપાસ માટે હાનિકારક છે. આરોપીની ધરપકડ અને ટ્રાયલ પહેલાં જ મીડિયામાં સનસનાટી મચી જાય છે અને તેને દોષી જાહેર કરી દેવાય છે. મીડિયા અપ્રાસંગિક અને ખોટા પુરાવાને સાચા માનીને રજૂ કરે છે, તેના કારણે આરોપીના ગુના વિશે લોકોના મનમાં ખાતરી થઈ જાય છે."
રૉઇટર્સ ઇન્સ્ટિટ્યૂટના કેથલિન મર્સર કહે છે સનસનાટી સાથેના અહેવાલોથી થોડો સમય નફો અને ફેલાવા સહિતના ફાયદા મળે, પણ તેના કારણે વિશ્વસનીયતા જોખમાઈ છે. આપણને પ્રિય એવા લોકતંત્ર અને સ્વતંત્રતાને તે નષ્ટ કરી દે છે."
પોતાની ઓળખ જાહેર ના કરવા માગતા એક અંગ્રેજી ટીવી ચેનલના સિનિયર પત્રકારનું કહેવું છે કે ટીઆરપીની ભયંકર સ્પર્ધાને કારણે આધારહીન સમાચારો ચલાવવાની મજબૂરી હોય છે. તેમનો તર્ક છે કે "સ્વતંત્ર પ્રેસ તરીકે દર્શકોની સેવા કરીએ છીએ અને જુઓ કે સતત કવરેજના કારણે હવે ત્રણ કેન્દ્રીય એજન્સીઓ સુશાંતના મોતની તપાસ કરી રહી છે."
કેથલિન મર્સર માને છે કે પત્રકાર પણ ભૂલ કરી શકે છે અને કહે છે, "હું દર્શકોને (સનસનાટી પસંદ કરવા બદલ) દોષી માનતી નથી, પરંતુ એ ભૂલવું ના જોઈએ કે મીડિયા એ જ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેને જોઈ રહ્યો છે."

મીડિયા ટ્રાયલને નિયંત્રિત કરી શકાય?

ઇમેજ સ્રોત, NASIR KACHROO/NURPHOTO VIA GETTY IMAGES
ઘણી વાર ભારતની સર્વોચ્ચ અદાલતે સનસનાટી ફેલાવવા બદલ પત્રકારો અથવા મીડિયા સંસ્થાઓની ટીકા કરી છે. જોકે અખબારી બાબતોમાં હસ્તક્ષેપ કરવામું મોટા ભાગે ન્યાયાધીશોએ ટાળ્યું છે.
લૉકડાઉન વખતે દિલ્હીના તબલીગી જમાતના લોકો વિશેનું કવરેજ તેનું એક ઉદાહરણ છે.
જમાતના ઘણા બધા લોકોને એપ્રિલ મહિનામાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે મામલાની કેટલાક મીડિયાએ એવી રીતે કવરેજ કર્યું કે લાગે કે જાણે તેઓ જ અદાલતની ભૂમિકામાં છે. તેને કોરોના આત્મઘાતી હુમલો ગણાવાયો. સમાજમાં ઇરાદાપૂર્વક વાઇરસ ફેલાવા બદલ તેમને દોષી ઠરાવી દેવાયા. અદાલતે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતાં કહેલું કે પત્રકારોને રિપોર્ટ કરવાનો અધિકાર છે.
પરંતુ હાલમાં જ મહારાષ્ટ્ર હાઈકોર્ટે ધરપકડ કરાયેલા તબલીગી જમાતના લોકોને છોડી મૂક્યા અને સાથે જ આરોપીઓની વિરુદ્ધ જે રીતે ખોટા સમાચારો ફેલાવાયા હતા તે બદલ મીડિયાની આકરી ટીકા કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
સિનિયર પત્રકાર રાકેશ ભટનાગરનું કહેવું છે કે રિપોર્ટરને તથ્ય હોય તે જણાવવાનો અધિકાર છે. પરંતુ અફવા, ખોટા સમાચારો અને ખોટી માહિતી આપવાનો કોઈ અધિકાર નથી.
તેમનું માનવું છે કે અહેવાલો આપવા અંગેના સેલ્ફ-રેગ્યુલેશન, સ્વનિયંત્રણનાં ધોરણોને વધારે કડક કરવાની જરૂર છે. મીડિયા ટ્રાયલને રોકવા માટે અદાલતી કાર્યવાહી ઝડપથી ચાલે તે માટેની ભલામણ પણ ભટનાગર કરે છે.
તેઓ કહે છે, "હત્યાનો એક કેસ ચાલતા 20 વર્ષ લાગી જાય છે. કેસ ઝડપથી ચાલે તો મીડિયા ટ્રાયલ પણ ઓછી થઈ જાય."
કેથલિન મર્સરનું કહેવું છે કે દુનિયાભરમાં મીડિયા ટ્રાયલનું વલણ જોવા મળે છે. "આ સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. દરેક લોકતંત્રમાં તંદુરસ્ત સમાચાર સંસ્થાઓને લોકોની સેવા કરવાનો અધિકાર છે."
તેઓ વધુમાં કહે છે, "હકીકતમાં મોટા ભાગનાં ન્યૂઝ મીડિયા પ્લૅટફોર્મે એ વાસ્તવિકતા સ્વીકારી છે કે તેઓ ફેલાવો વધારીને જાહેરખબરો નહીં લાવી શકે તો ટકી શકશે નહીં."

કાનૂની જોગવાઈ શું છે?
નિષ્પક્ષ તપાસ માટેનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ આવે છે, જેની સાથે કલમ 14ને જોડીને આ બાબત જોવી પડે.
બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મળે છે. 19 (1)(એ) હેઠળ બોલવાની છૂટ મળે છે. કલમ 19(2) હેઠળ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર માત્ર "ભારતના સાર્વભોમ અને અખંડતા, દેશની સુરક્ષા, વિદેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, સાર્વજનિક વ્યવસ્થા, સંસ્કારી અને નૈતિક વર્તન અંગેના કાયદાઓથી મર્યાદિત કરી શકાય છે."
રાકેશ ભટનાગરના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે ઘણી વાર મીડિયા ટ્રાયલ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તે બાબતમાં "સર્વોચ્ચ અદાલત ઘણી સિલેક્ટિવ રહી છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












