ભારતનો GDP શૂન્યથી નીચે, શું બોલ્યા ચિદમ્બરમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે મોદી સરકાર પર કોરોના મહામારીને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવા અને આર્થિક વિકાસ દરને ખરાબ રીતે નીચે લાવી દેવાનો આરોપ લગાવ્યો છે.
પી. ચિદમ્બરમે બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું કે તેમને જીડીપીમાં આવેલા ઘટાડાથી બિલકુલ આશ્ચર્ય નથી.
એમણે કહ્યું, "અમે સરકારને આને લઈને ચેતવણી પણ આપી હતી. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ ભારતને ચેતવણી આપી હતી. ફક્ત ત્રણ દિવસ પહેલાં જ આરબીઆઈએ પોતાના અહેવાલમાં આ સંકેત આપ્યા હતા."
કેન્દ્ર સરકારના આંકડા મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે વિકાસ દરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોના વાઇરસ મહામારી અને એને અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનને પહેલેથી જ મંદ પડેલી અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ બગાડવા માટે જવાબદાર ગણાવાયું છે.
ચિદમ્બરમ કહે છે કે વડા પ્રધાન અને નાણામંત્રીને બાદ કરતા દરેક જણ એ જાણતું હતું કે ભારતની અર્થવ્યવસ્થાનું સંકટ વધવાનું છે.
એમણે કહ્યું, "સમગ્ર દેશ એની કિંમત ચૂકવી રહ્યો છે. ગરીબ નિરાશામાં છે. પરંતુ મોદી સરકાર આને લઈને નિશ્ચિંત છે અને એમને કોઈ દરકાર નથી."
"સરકારે એક ખોટી વાર્તા રચી હતી જેની હકીકત હવે બધાની સામે આવી ગઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સરકારને થોડો વધુ સમય મળવો જોઈએ?

મોદી સરકાર તરફથી મહામારી દરમિયાન અને પહેલાં કરવામાં આવેલી જાહેરાતો અને ઉપાયોના પરિણામ આવવા દેવા માટે સરકારને થોડો વધુ સમય આપવો યોગ્ય નહીં હોય?
આ સવાલના જવાબમાં પી.ચિદમ્બરમે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું, "કોઈ અર્થશાસ્ત્રી એ નહીં માને કે મોદી સરકારે એ કર્યું જે એણે કરવું જોઈતું હતું."
"આરબીઆઈનો રિપોર્ટ વાંચી લો. જો તમને લાગે છે કે મોદી સરકારે
મહામારી પહેલાં અને દરમિયાન કંઈક કર્યું છે અને આપણે એમને વધુ સમય આપવો જોઈએ તો હું આપના માટે ફક્ત દુઃખ વ્યક્ત કરી શકું છું."
ચિદમ્બરમે કહ્યું કે જે એકમાત્ર ક્ષેત્રમાં 3.4 ટકાની વૃદ્ધિ થઈ છે તે કૃષિ, વાણિજ્ય અને મત્સ્યપાલન છે.

તેમણે કહ્યું, "કૃષિને સરકાર સાથે બહું લેવા દેવા નથી. દરેક ક્ષેત્રમાં સરકારની નીતિઓ નિર્ધારિત કરે છે કે શું ઉત્પાદન થવાનું છે, શું વેચી શકાવાનું છે અને શું ખરીદાવાનું છે. સદભાગ્યે કૃષિ આ દેશના ખેડૂતોના હાથમાં છે અને ભગવાનના એમના ઉપર આશીર્વાદ છે."
મેં મારા નિવેદનમાં કહ્યું છે કે નાણામંત્રીએ આર્થિક ઘટાડા માટે ભગવાનના જે પ્રકોપને જવાબદાર ગણાવ્યો છે, એમણે હકીકતમાં ધીમા સ્વરે ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેમણે દેશના ખેડૂતો પર એમની કૃપાદ્રષ્ટિ બનાવી રાખી."
"કૃષિ સિવાય તમામ ક્ષેત્રોમાં ઝડપી ઘટાડો જોવાયો છે. બાંધકામ, વેપાર, હોટલ તમામમાં 40 અને 50 ટકા વચ્ચે ઘટાડો આવ્યો છે."

મોડેથી આવી આરબીઆઈની ચેતવણી?

ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઇએ જણાવ્યું હતું કે 2020ના પહેલા છ મહિનામાં આવેલા ઘટાડાને 2008ની મંદીથી વધુ ગંભીર અને ઘાતક માનવામાં આવ્યો છે. આ અહેવાલ સાથે ચિદમ્બરમે સહમતી બતાવી.
તેમણે કહ્યું, "હા, આરબીઆઈની ચેતવણી સાચી હતી. પરંતુ તે ઘણી મોડી આવી. તે ફક્ત ત્રણ દિવસ પહેલાં આવી. અમે છેલ્લા છ મહિનાથી જ નહીં તે ઉપરાંત મહામારીથી ઘણા પહેલાંથી આને લઈને ચેતવી રહ્યા હતા. અમે
લૉકડાઉન લાગુ કર્યા પછી પાછલા ત્રણ મહિનાથી આને લઈને ચેતવણી આપતા રહ્યા છીએ."
"આરબીઆઈએ બસ એ જ ચેતવણીઓને એક જગ્યાએ એકઠી કરી સામે મૂકી દીધી છે."
ચિદમ્બરમે પૂછ્યુ, "શું અમે નહોતું કહ્યું કે દેશમાં માગ અને ખપતને મોટો ઝટકો લાગ્યો છે? શું અમે નહોતું કહ્યું કે ખપત વધારવી જોઈએ, માગ વધારવી જોઈએ? શું અમે ગરીબોને રોકડા નાણાં આપવાની વાત નહોતી કરી?"
તેમણે કહ્યું, "આજે મને જણાવવામાં આવ્યું કે સીઈએ અને અન્ય અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે પ્રોત્સાહનની, પે રોલ પ્રોટેકશનની, માંગ વધારવાની જરૂર છે? ત્રણ અને છ મહિના પહેલાં આ જ્ઞાનીઓ ક્યાં હતા?"

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યના સવાલ પર એમણે કહ્યું, "હું ટૂંકાગાળામાં કોઈ વૃદ્ધિ જોઈ નથી રહ્યો. ત્યાં સુધી કે આરબીઆઈનું કહેવું છે કે આમાં સુધારો થવા અને ફરીથી ગતિ પકડવામાં લાંબો સમય લાગશે."
"મને લાગે છે કે પહેલી સકારાત્મક વૃદ્ધિ આવવામાં અનેક મહિનાઓ લાગી જશે. પરંતુ આ સરકાર અને તેના અણધાર્યા અને અનિશ્ચિત પગલાઓને કારણે વધુ ભૂલો થઈ શકે છે. જો સરકારે ભૂલો કરી તો સુધારો આવતા વધુ લાંબો સમય લાગી જશે."
જ્યારે સમગ્ર વિશ્વ મહામારીની અસરનો સામનો કરી રહ્યો છે તો એનું શું સમાધાન છે?
આ સવાલ પર ચિદમ્બરમે કહ્યું, "મહામારીએ અર્થવ્યવસ્થાને અસર પહોંચાડી છે. મહામારી અર્થવ્યવસ્થાને આગળ પણ અસર કરશે. એટલા માટે અમે મહામારીની અસરને પહોંચી વળવાના ઉપાય સૂઝવ્યા હતા."
"કોરોનાએ સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. હું માનું છે કે ભારત તેનાથી અલગ ન રહી શકે. સવાલ એ છે કે તમે કેટલો જલદી સુધારો કરો છો."
એમણે કહ્યું, "તમે બે આધાર પર સુધારા કરી શકો છો. પહેલું તમારી લડવાની ક્ષમતા અને મહામારીને ફેલાતી રોકવી. બીજું મહામારીની અસરને પહોચી વળવા માટે ઉપાય કરવાની ક્ષમતા."
"સૌથી પહેલાં હું એમ માનું છું કે કેટલીક બાબતો એવી છે જે સરકારના નિયંત્રણની બહાર છે. પરંતુ તેમ છતાં તમારે મહામારીને નિયંત્રિત કરવા માટે મજબૂત પગલાં ઉઠાવવા જોઈએ."
"બીજું સરકારે તેની પાસે ઉપલબ્ધ તમામ તમામ ઉપાય અપનાવવા જોઈએ. પરંતુ આ સરકાર એવું નથી કરી રહી. અમે જાણીએ છીએ કે મોદી સરકારમાં કોઈ શરમ નથી અને તે પોતાની ભૂલ નહીં માને."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












