GDP : આર્થિક સંકટ ડરામણું પણ હજી અર્થવ્યવસ્થાને બચાવી શકે છે મોદી સરકાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES/ HINDUSTAN TIMES
- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ, પત્રકાર, બીબીસી માટે
સરકાર માટે હવે ખરેખર હિંમત દર્શાવવાનો સમય આવી ગયો છે કારણ કે જીડીપીના આંકડા ખરાબ સ્થિતિ અંગે ડરાવી રહ્યા છે.
એવું કહેવામાં આવે છે કે 'ડર કે આગે જીત હૈ.' પરંતુ આ જીત સુધી પહોંચવા માટે હિંમતની જરૂર હોય છે. 40 વર્ષમાં પ્રથમ વખત ભારત મંદીની ઝપેટમાં આવી રહ્યું છે.
એપ્રિલથી જૂનની વચ્ચે ભારતના અર્થતંત્રમાં વધારાને બદલે લગભગ 24 ટકા જેટલું ઘટાડો દેખાયો છે.
એવી પણ આશંકા છે કે આગળના ત્રિમાસિકગાળામાં જ્યારે આ સમાચાર સામાન્ય થઈ જશે ત્યારે પણ ઘટાડો વધારામાં નહીં પરિણમે.
એટલે કે 40 વર્ષમાં પ્રથમ વખત ભારત આર્થિક મંદીમાં સપડાઈ ચૂક્યું હશે. એ પણ એવા સમયે જ્યારે ભારત વિશ્વગુરુ બનાવાની તૈયારી કરી રહ્યું હતું.
આઝાદ ભારતના ઇતિહાસમાં અર્થવ્યવસ્થા આટલી ખરાબ સ્થિતિમાં ક્યારેય આવી નથી. જોકે, આ પહેલાં સુસ્તી અને સ્લૉડાઉનના કેટલાક ઝટકા આવ્યા છે પરંતુ આ વખતની વાત સાવ અલગ છે.

1979નું સંકટ અને તેમાંથી શિખામણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/ HINDUSTAN TIMES
આ પહેલાં જ્યારે પણ દેશમાં આર્થિક સંકટ આવ્યું તો તેનાં બે જ કારણો હતાં- વરસાદ ન થવો અથવા ચોમાસું કમજોર પડવું અથવા સાવ નિષ્ફળ જવું અને બીજું આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવમાં વધારો થવો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1947માં દેશ આઝાદ થયા બાદ 1980 સુધી એવું પાંચ વખત બન્યું છે કે દેશની અર્થવ્યવસ્થા વધવાને બદલે ઘટી હોય.
એમાં સૌથી મોટો ઝટકો નાણાંકીય વર્ષ 1979-80માં લાગ્યો જ્યારે દેશનો જીડીપીમાં 5.2 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
તેનું કારણ પણ હતું. એક તરફ ભયાનક દુષ્કાળ હતો અને બીજી તરફ ક્રૂડઑઇલના ભાવમાં ભારે વધારો થયો હતો. બંનેએ મળીને દેશને વિકટ સ્થિતિમાં મૂકી દીધો હતો. મોંઘવારીનો દર 20 ટકા સુધી પહોંચી ગયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
એ પણ યાદ રાખવું જોઈએ કે એ સમયે ભારતની આર્થિક વૃદ્ધિની ગતિ ત્રણથી સાડા ત્રણ ટકા રહ્યા કરતી હતી. એટલે કે બે વર્ષના વધારા પર એકવારમાં જ પાણી ફરી ગયું હતું.
આ એક સમય હતો જ્યારે ઇંદિરા ગાંધી લોકસભા ચૂંટણીમાં પોતાની ભયાનક હાર બાદ ફરીથી ચૂંટણી જીતીને સત્તામાં પરત આવ્યાં હતાં. તેમની સરકારને આવતાની સાથે જ અર્થવ્યવસ્થાના ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો હતો.
ખેતી અને તેની સાથે જોડાયેલા ધંધાઓ એટલે કે ફાર્મ સૅક્ટરમાં 10 ટકાનો ઘટાડો, આસમાનમાં પહોંચેલા ક્રૂડઑઇલના ભાવ અને આયાતની સરખામણીએ નિકાસ ઓછી હોવાથી સતત વધતું દબાણ, ઇમરજન્સી બાદ સત્તામાં પરત આવેલી ઇંદિરા ગાંધીની સરકારને આ મુશ્કેલીઓ ઉપહારમાં મળી હતી. ,

આપત્તિને અવસર બનાવી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, એ સરકારે જનતા પાર્ટીની ખીચડી સરકારને જવાબદાર ઠેરવવામાં કોઈ કસર નહોતી છોડી.
જોકે, સાથે જ આપત્તિને અવસરમાં બદલવાના ઉપાય પણ કર્યા. પ્રથમ વખત દેશે નિકાસ વધારવા અને આયાત ઓછી કરવા પર ભાર મૂક્યો.
આઝાદ ભારતનું ત્યાં સુધીના ઇતિહાસનું એ સૌથી મોટું આર્થિક સંકટ હતું અને એ વખતે નોટ છાપીને થયેલી ખોટને ભરી લેવી એ સરકારોને અજમાવેલો નુસ્ખો હતો.
પરંતુ તે સરકારે ખોટ ભરવાના આ ઉપાય પર ઓછું નિર્ભર રહેવાનો નિર્ણય કર્યો અને એ પણ નક્કી કર્યું કે સિમેન્ટ, સ્ટીલ, ખાદ્ય, ખાવનું તેલ અને પેટ્રોલિયમ જેવી ચીજોની આયાતના ભરોસે રહેવું દેશ માટે ખતરનાક બની શકે છે. આ ચીજોને દેશમાં પણ બનાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે.
જોકે, તે બાદ પણ નોટો છાપીને ખોટ પૂરી કરવાનું ચાલુ રહ્યું, પરંતુ આ ઉપાયનો ઉપયોગ ઓછો કરવાની ચિંતા શરૂ થઈ ગઈ હતી.
1997માં સરકારે રિઝર્વ બૅન્ક સાથે કાયદેસર એક સમજૂતી કરી લીધી કે હવે નોટો છાપીને ખોટ પૂરી કરવાનું કામ કરવામાં નહીં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
90ના દાયકાની શરૂઆતમાં દેશને એક વધુ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું પરંતુ વાત મંદી સુધી પહોંચી ન હતી.
સંકટ એવું પેદા થયું હતું કે ભારત પાસે વિદેશી ચલણ ઓછું થઈ ગયું હતું.
એ સમય પણ ખાડીયુદ્ધને કારણે ક્રૂડઑઇલના ભાવ અચાનક વધ્યા અને સ્થિતિ એવી થઈ ગઈ કે ભારત પાસે માત્ર થોડા દિવસોનું જ ક્રૂડઑઇલ ખરીદી શકાય એટલું જ વિદેશી ચલણ બચ્યું હતું.
એ સ્થિતિમાં ચંદ્રશેખરની સરકારે દેશનું સોનું વેચવાનો અને ગિરવે મૂકવાનો કઠીન નિર્ણય કર્યો.
એ વર્ષે ચૂંટણીઓ દરમિયાન રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકાર આવી અને પીવી નરસિંહા રાવ સરકારે આર્થિક સુધારાનું એ પૂરું પૅકેજ લાગુ કર્યું જેને ભારતના આર્થિક વિકાસની ગતિમાં ઝડપ લાવવામાં માટે જવાબદાર ગણવામાં આવે છે.
લાયસન્સ રાજનો અંત અને બજારમાં ખુલ્લી સ્પર્ધાનો રસ્તો ખોલવાનું કામ એ સમયે થયું હતું.

આ વખતે પણ પડકાર ગંભીર છે

ઇમેજ સ્રોત, PTI
જોકે, વર્તમાન સ્થિતિ આજ સુધીના તમામ સંકટથી અલગ છે કારણ કે ક્રૂડઑઇલની કિંમતો ખૂબ જ નીચા સ્તરે ચાલી રહી છે.
ચોમાસું પાછલાં અનેક વર્ષોથી સતત સારું રહ્યું છે અને વિદેશી મુદ્રા ભંડાર છલોછલ ભરેલો છે. તો પછી દેશની અર્થવ્યવસ્થા નીચે ધકેલવાનો શું અર્થ છે?
એનું કારણ તો કોરોના મહામારી છે અને એ કારણ સૌથી મોટું છે એમાં પણ કોઈને શંકા નથી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાની વર્તમાન હાલતને 'ઍક્ટ ઑફ ગૉડ' એટલે કે દૈવી આપત્તિનું પરિણામ પણ ગણાવ્યું છે.
પરંતુ કોરોનાને ત્યારે ચોક્કસ 'ઍક્ટ ઑફ ગૉડ' ગણી શકાય છે જ્યારે તમે જરાપણ તર્કના મૂડમાં ન હો. નહીં તો એ સવાલ તો બને જ છે કે કોરોના ફેલાવાની ખબર આવ્યા પછી પણ એની ગંભીરતા સમજવામાં અને એનો સામનો કરવાની રીતો શોધવા માટે જે સમય લાગ્યો એને માટે કયો 'ઍક્ટ ઑફ ગૉડ' જવાબદાર છે.
જો તમે કોરોના સંકટ અને એનાથી ઊભી થયેલી તમામ સમસ્યાઓને ઈશ્વરનો પ્રકોપ માની પણ લો તો એ વાતનો શું જવાબ છે કે કોરોનાની મહામારી આવ્યા પહેલાં પણ આ દેશની એટલે કે સરકારની આર્થિક સ્થિતિ સારી ન હતી.
ભૂતપૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આ મુદ્દા ઉપર લગભગ લગભગ એક સાથે ઊભેલા જણાય છે.
સ્વામીએ તો 'ઍક્ટ ઑફ ગૉડ' પર સીધો સવાલ પૂછ્યો - શું જીડીપી ગ્રોથ રેટ 2015ના આઠ ટકાથી ઘટીને આ વર્ષના જાન્યુઆરીમાં 3.1 ટકા સુધી પહોંચી જવો એ પણ 'ઍક્ટ ઑફ ગૉડ'હતું?

ઇમેજ સ્રોત, PRADEEP GAUR/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY
શું છે રસ્તો? સ્પષ્ટ છે કે સંકટ ઘણું ઊંડું છે. અર્થવ્યવસ્થા પહેલાંથી જ મુશ્કેલીમાં હતી અને કોરોનાએ એને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધી છે.
સરકાર શું કરશે એ તો આગળ જોવા મળશે પરંતુ એટલું સ્પષ્ટ દેખાવા લાગ્યું છે કે અત્યાર સુધી જેટલાં પણ રાહત અથવા સ્ટિમ્યુલસ પૅકેજ આવ્યાં છે એનો કોઈ મોટો ફાયદો દેખાયો નથી.
આર્થિક સંકટ મુખ્યરૂપે બે જગ્યાએ દેખાય છે. એક - માગ કેવી રીતે વધે અને બીજું ઉદ્યોગો, વેપારીઓ અથવા સરકાર તરફથી નવા પ્રોજેક્ટ્સમાં નવું રોકાણ કેવી રીતે શરૂ થાય.
આ બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી જ નથી, પણ એકબીજા પર આધારિત પણ છે. માગ નહીં હોય તો વેચાણ નહીં થાય અને વેચાણ નહીં થાય તો કારખાનાં ચલાવવા માટે પૈસા ક્યાંથી લવાશે?
જો એમની પાસે નાણાં ન આવ્યા તો પછી તેઓ તેમના કામદારોને નાણા કયાંથી આપશે? ચારેબાજુ આ જ સ્થિતિ રહી તો નોકરીઓ જશે, લોકોના વેતન કપાશે અથવા તો એવી જ કોઈ રીત અજમાવવામાં આવશે.
એવામાં સરકાર પાસે વધુ રસ્તા તો છે નહીં. પરંતુ એક માર્ગ છે જે અનેક નિષ્ણાતો સૂઝવી ચૂક્યા છે.
તે છે કે સરકારે કેટલાક સમય સરકારી ખાધની ચિંતા છોડી ચલણ છપાવવું જોઈએ અને એને લોકોના ખિસ્સાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પણ જરૂરી બનશે. ત્યારે જ ઇકૉનૉમીમાં નવો પ્રાણ પૂરી શકાશે.
એકવાર અર્થવ્યવસ્થા ચાલવા લાગી તો પછી આ ચલણ પણ પરત કરી શકાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












