ચીને સરહદ પર મોટી સંખ્યામાં સૈન્ય ખડક્યું : એસ. જયશંકર - TOP NEWS

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "ભારત-ચીને જો વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જોઈએ તો પાછલા કરારનું પાલન કરવું પડશે."

પૂર્વ લદ્દાખમાં હાલમાં તણાવની સ્થિતિ કેવી છે? આ સવાલના જવાબમાં જયશંકરે કહ્યું, "અમે કૂટનીતિક અને સૈન્ય માધ્યમોથી ચીનના સંપર્કમાં છીએ."

તેઓ ઉમેરે છે, "અમારા દૃષ્ટિકોણમાં બે વાત અનિવાર્ય રૂપે સામેલ છે. એક છે કે 1993થી લઈને અત્યાર સુધીમાં અમે ચીનની સાથે સમયાંતરે કેટલાક કરાર કરતા આવ્યા છીએ, જે હેઠળ નક્કી થયું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને પક્ષ લઘુતમ બળ તહેનાત રાખશે."

તેઓ કહે છે કે "જોકે હાલમાં આવી સ્થિતિ નથી, કેમ કે ચીને મોટી સંખ્યામાં એલએસી પર સેના તહેનાત કરી છે અને અમે સમજી શકતા નથી કે આવું કેમ છે? સ્પષ્ટ રીતે જો આપણે સીમા પર શાંતિ ઇચ્છીએ તો આપણે આ કરારનું પાલન કરવું પડશે."

જયશંકરે વધુમાં કહ્યું, "હું માનું છું કે એલએસીને લઈને ધારણાઓમાં કેટલુંક અંતર છે, તેમ છતાં એ જ વાત આવે છે કે બંનેમાંથી કોઈ એક દેશ, એકતરફી રીતે યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ ન કરી શકે અને આ જ એ કરારનું કારણ છે. જોકે સ્વાભાવિક રીતે જ જો શાંતિને પ્રાથમિકતા નહીં આપવામાં આવે તો આવા મુદ્દાઓ ઊઠશે."

આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે "કોરોના વાઇરસ મહામારીને કારણે વિદેશનીતિ પર અસર થઈ છે. મોટા ભાગના દેશો રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છે. પછી તે બ્રેક્ઝિટ હોય, અમેરિકાને લઈને ટ્રમ્પનું સપનું હોય કે પછી ચીન માટે શી જિનપિંગનું સપનું હોય."

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ક્યારથી શરૂ થશે સી-પ્લેન?

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે રાજ્યમાં પહેલી વાર સી-પ્લેન સેવાની શરૂઆત કરાશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે.

આ સી-પ્લેન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી લઈને કેવડિયા કૉલોનીના સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી જશે, જેને ખાનગી ઍરલાઇન્સ સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત કરાશે.

શનિવારે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં "મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (એમઓસીએ) અને ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે આ વર્ષે 22 જુલાઈએ એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે."

"જે અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી, કેવડિયા સુધી સસ્તી હવાઈ સેવા શરૂ કરાશે. જે દેશમાં આ પ્રકારની પ્રથમ સેવા છે."

રાજ્યના અધિકારીના હવાલાથી લખવામાં આવ્યું કે સરદાર પટેલની જયંતી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વડા નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ડિસેમ્બર 2017માં અમદાવાદના રિવરફ્રન્ટથી મહેસાણાના ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી.

'તેઓ ઇચ્છે છે કે દેશ મોં બંધ રાખે', સોનિયા ગાંધી

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું.

એનડીટીવી અનુસાર, સોનિયા ગાંધીએ કહ્યું કે વિભાજનકારી તાકાતો દેશમાં નફરત ફેલાવી રહી છે, અભિવ્યક્તિની આઝાદી દાવ પર છે એટલે કે અભિવ્યક્તિની આઝાદી ખતરામાં છે અને આપણા કોઈ પૂર્વજે નહીં વિચાર્યું હોય કે દેશ આ રીતે સંકટમાં આવશે.

છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનના કાર્યક્રમમાં તેઓ બોલ્યાં કે "લોકોને લડાવતી તાકાતો દેશમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે. અભિવ્યક્તિની આઝાદી ખતરામાં છે, લોકતંત્ર નષ્ટ થઈ રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે દેશના લોકો, આપણા આદિવાસી, મહિલાઓ, યુવા પોતાનું મોં બંધ રાખે, તેઓ દેશનું મોઢું બંધ રાખવા માગે છે."

સોનિયા ગાંધીએ કહ્યું કે "મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને બી.આર. આંબેડકર સમેત આપણા કોઈ પણ મહાપુરુષે એ કલ્પના નહીં કરી હોય કે આઝાદીનાં 75 વર્ષ બાદ દેશ આટલી મુશ્કેલીનો સામનો કરશે."

સ્વિડનમાં કુરાન સળગાવવાનો વિરોધ

સ્વિડનમાં શુક્રવારે કુરાન સળગાવવાના વિરોધને લઈને ચાલતાં પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું.

દેશના દક્ષિણમાં આવેલા માલ્મો શહેરમાં થયેલાં હિંસક પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓએ ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી.

અધિકારીઓનું કહેવું છે કે ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે અને હાલમાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે.

આ અગાઉ શુક્રવારે પોલીસે ઘુર-દક્ષિણપંથી નેતા રાસમુસ પાલુદનની એક રેલીમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી હતી.

આ રેલીમાં કુરાન સળગાવવાની યોજના હતી. જોકે રાસમુસના રેલીમાં ન હોવા છતાં સમર્થકોએ કુરાન સળગાવ્યું હતું.

રાસમુસ પાલુદન ઘુર-દક્ષિણપંથી પાર્ટી સ્ટ્રામ કુર્સના પ્રમુખ છે, જે દેશની પ્રવાસનનીતિનો વિરોધ કરતા આવ્યા છે.

ગુજરાતમાં ગુમ થયેલાં 533 બાળકો મળી આવ્યાં

ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશ હેઠળ ગુજરાતમાંથી ગુમ થયેલાં બાળકોને શોધી કાઢવામાં આવ્યાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત પોલીસને 22 દિવસના ગાળામાં ગુમ થયેલાં 533 બાળકો મળી આવ્યાં છે.

આ બાળકોમાં એક વર્ષથી ઓછી ઉંમરનાં શિશુઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસ તરફથી જણાવવામાં આવેલી માહિતી અનુસાર, બાળકોને શોધવા માટેની ડ્રાઇવ 6 ઑગસ્ટથી 27 ઑગસ્ટ સુધી ચાલી હતી.

બાળકોને શોધવા માટે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ, મિસિંગ પર્સન સેલ સહિત અનેક ટીમો બનાવવામાં આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો