ભારતીય અર્થતંત્ર પર નૅગેટિવ ગ્રોથની કેવી અસર પડી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આલોક જોષી
- પદ, પૂર્વ સંપાદક, સીએનબીસી આવાજ
કોરોના વાઇરસ અને એના ડરથી થયેલા લૉકડાઉન એટલે કે તાળાબંધીનાં ચક્કરમાં કામ-ધંધા લગભગ બંધ થઈ ગયા અને તેનું પરિણામ એ છે કે હવે ગ્રોથની જગ્યાએ નવો શબ્દ આવી ગયો છે નૅગેટિવ ગ્રોથ. ગ્રોથનો અર્થ થાય છે પ્રગતિ એટલે કે આગળ વધવું.
તો સ્વાભાવિક છે એમાં નેગેટિવ લાગતા જ અસર ઉલટી થવાની છે એટલે કે નીચે આવવું અથવા પાછળ જવું. કારોબારના સંદર્ભમાં જોઈએ તો સ્પષ્ટ અર્થ છે કે વેપાર વધવાની જગ્યાએ ઘટી રહ્યો છે, તો વેચાણ પણ ઓછું અને નફો પણ ઓછો.
જીડીપીનો અર્થ થાય છે સકળ ઘરેલુ ઉત્પાદન. મતલબ એમ કે દેશભરમાં કુલ મળીને જેટલું કંઈ પણ બની રહ્યું છે, વેચાઈ રહ્યું છે, ખરીદાઈ રહ્યું છે અથવા લેવડ-દેવડમાં આવી રહ્યું છે એનો સરવાળો છે જીડીપી. એમાં વૃદ્ધિનો સરળ ભાષામાં અર્થ છે કે દેશમાં કુલ મળીને પ્રગતિ થઈ રહી છે. ક્યાંક ઓછી ક્યાંક વધુ.
એની ગતિ જેટલી વધશે એ સમગ્ર દેશ માટે સારા સમાચાર હશે કારણ કે એવામાં જે ઓછામાં ઓછી પ્રગતિ કરશે તેમની પણ પહેલાથી વધુ સારી પ્રગતિ જ થશે.
સાથે જ સરકારને વધુ ટૅક્સ મળશે, વધુ આવક થશે અને તેની પાસે એ તમામ કામો ઉપર અને તે લોકો પર ખર્ચ કરવા માટે વધુ રકમ હશે જેમને મદદની જરૂર છે.
પરંતુ ક્યાંક જો ગ્રોથનું ચક્કર અટકી ગયું અથવા ઊંધું ફરવા લાગ્યું જેવું આ સમયે થઈ રહ્યું છે તો? સૌથી પહેલા તો એનો અર્થ સમજવો જરૂરી છે.
કોઈ દુકાનમાં મહિને એક લાખનું વેચાણ થતું હતું, પંદર હજાર રૂપિયાની બચત. તો એને કહેવામાં આવશે કે બિઝનેસ પંદર ટકાના નફા પર ચાલી રહ્યો છે. એટલે કે સો રૂપિયામાં પંદર રૂપિયાનો નફો.
હવે જો તેનું વેચાણ તો એટલું જ રહે પણ નફો ઘટી જાય તો એમ માનવામાં આવશે કે કામમાં કંઈક ગડબડ છે અથવા માર્જિન ઓછું થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વેચાણ ઘટીને નેવુ હજાર જ રહી જાય અને નફો પંદર હજાર જ બન્યો રહે તો એનો અર્થ એ છે કે દુકાનદાર પોતાનું કામ ખૂબ જ સમજદારીપૂર્વક કરી રહ્યો છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ નફા ઉપર આંચ નથી આવવા દેતો.
પરંતુ સામાન્ય રીતે આ બંને વસ્તુઓ સાથે જ નીચે આવતી જણાય છે. અને હવે વિચારો કે એક આખું બજાર જો આખા મહિના માટે બંધ કરી દેવાય તો ત્યાં દુકાનોમાં શું વેચાણ થશે અને શું નફો? આ જ હાલત એપ્રિલ પછી આખા દેશની થઈ ગઈ હતી.
જીડીપીમાં કેટલો ઘટાડો થશે ખબર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે જૂનથી સરકારે અનલૉક શરૂ કરી દીધું હતું, પરંતુ તે પછી પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી બધું પાટા પર નથી આવ્યું. જલ્દી જ એવું થઈ જશે એના અણસાર પણ દેખાઈ નથી રહ્યા.
એનું પરિણામ એ છે કે હવે જીડીપી વધવાની જગ્યાએ ઘટવા તરફ છે એટલે કે સમગ્ર દેશમાં કુલ મળીને જેટલો કારોબાર થઈ રહ્યો હતો, લેણદેણ થઈ રહી હતી તે હવે ઘટવાની છે અથવા ઘટી રહી છે.
પાછલી બે મૉનેટરી પૉલિસીમાં રિઝર્વ બૅંક ચેતવણી આપી ચૂક્યું છે કે જીડીપી ગ્રોથ નૅગેટિવ ટૅરેટરીમાં રહેવાનો છે એટલે કે ભારતનું સકળ ઘરેલું ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટવાનું છે.
આ ઘટાડો અથવા કમી કેટલી હશે એ સવાલનો જવાબ રિઝર્વ બૅન્ક ગવર્નરે નથી આપ્યો.
તેમનો તર્ક હતો કે 'તમે જો મને જણાવી દો કે કોરોનાનું સંકટ ક્યારે ખતમ થશે તો હું જણાવી દઈશ કે ઘટાડો કેટલો થશે.'
સીએમઆઈઈના વડા મહેશ વ્યાસનો મત છે કે આરબીઆઈ ગવર્નરે બિલકુલ યોગ્ય કામ કર્યું છે કારણ કે આ સમયે એ અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે કે કોરોનાને કારણે ઇકોનૉમીને કેટલું નુકસાન થવાનું છે.
તેમ છતાં એમની સંસ્થા સીએમઆઈઈનું અનુમાન છે કે ભારતનો જીડીપી ઓછામાં ઓછો સાડા પાંચ ટકા અને વધુમાં વધુ ચૌદ ટકા સુધી ઘટી શકે છે.
જો કોરોનાનું સંકટ વધુ વિકટ થયું તો કદાચ આ ઘટાડો ચૌદ ટકાથી આગળ પણ વધી જાય.પરંતુ વધુ સારું રહ્યું ત્યારે પણ સાડા પાંચ ટકાનો ઘટાડો તો એમને દેખાય જ છે.
અત્યાર સુધીનું સૌથી આશાસ્પદ અનુમાન વિશ્વ બૅંક તરફથી આવ્યું છે જે ભારતના જીડીપીમાં 3.2 ટકાના ઘટાડાનું અનુમાન લગાવી રહી હતી. પરંતુ અણસાર છે કે વિશ્વ બૅંક આવનારા કેટલાક મહિનાઓમાં ભારત ઉપર જે નવો રિપોર્ટ જાહેર કરશે એમાં ઘટાડો એનાથી ઘણો વધારે બતાવશે.
ભારત સરકાર તરફથી જીડીપીનો આંકડો 31 ઑગસ્ટે જાહેર થવાનો છે. એમાંથી જાણવા મળવું જોઈએ કે કોરોનાના પહેલા ઝટકાની ભારતની આર્થિક સ્થિતિ પર શું અસર પડી.
ક્રેડિટ રૅટિંગ એજન્સી ક્રિસિલ તો ચેતવણી આપી ચૂકી છે કે એપ્રિલથી જૂન વચ્ચે દેશના જીડીપીમાં 45 ટકા ઘટાડો જોવાશે. સમગ્ર વર્ષ માટે એમણે પણ પાંચ ટકા ઘટાડાની ભવિષ્યવાણી કરેલી છે. બીજી પણ ઘણી એજન્સીઓએ ભારતના જીડીપી પર અલગ-અલગ અનુમાન જાહેર કરેલા છે.
પરંતુ ખરી અસર કેટલી થશે એનો નિર્ણય તો ત્યારે જ થઈ શકશે જ્યારે નુકસાન થઈ ચૂકયું હશે અને એનો હિસાબ સામે આવશે. આ વખતે જે જીડીપી આંક આવશે તે આવો પહેલો હિસાબ સામે મુકશે.
જીડીપીના ઘટાડાની સામાન્ય લોકોના જીવન પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
હવે સવાલ એ રહ્યો કે જો દેશના જીડીપીમાં ઝડપી ઘટાડો થયો તો એનાથી સામાન્ય માણસના જીવનમાં શું ફરક પડશે? ભારતને 5 ટ્રિલિયન ડૉલર એટલે કે પાંચ લાખ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાનું શું થશે? અને આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો શું છે?
સામાન્ય માણસના જીવન પર જીડીપી ઘટવાની સીધી કોઈ અસર નથી પડતી પણ એમ કહેવું વધુ યોગ્ય હશે કે સામાન્ય માણસના જીવનમાં આવી ચૂકેલી મુશ્કેલીઓને જ જીડીપીનો આંક ઘટાડાના રૂપમાં સામે મૂકે છે.
અને ભવિષ્ય માટે આ સારો સંકેત નથી કારણ કે જો અર્થવ્યવસ્થા મંદીમાં જઈ રહી છે તો બેરોજગારીનું જોખમ વધી જાય છે. જે રીતે સામાન્ય માણસ કમાણી ઓછી થવાની ખબર સાંભળી ખર્ચા ઓછા અને બચત વધુ કરવા લાગે છે.
બિલકુલ એવો જ વ્યવહાર કંપનીઓ પણ કરવા લાગે છે અને કેટલીક હદ સુધી સરકારો પણ. નવી નોકરીઓ મળવાની પણ ઓછી થઈ જાય છે અને લોકોને નોકરીમાંથી બહાર કરવાનો ઘટનાક્રમ પણ તેજ થઈ જાય છે.
સીએમઆઈઈના પ્રમાણે ફક્ત જુલાઈમાં પચાસ લાખ નોકરીયાત લોકો બેરોજગાર થઈ ગયા છે.
એનાથી એક દુષ્ચક્ર શરૂ થાય છે. ગભરાઈને લોકો ખર્ચા ઘટાડે છે તો તમામ પ્રકારના કારોબાર પર અસર પડે છે.
દેશમાં ભવિષ્ય સારું દેખાઈ રહ્યુ નથી?

ઇમેજ સ્રોત, Hindustan times
ઉદ્યોગોના ઉત્પાદનની માગ ઘટવા લાગે છે અને લોકો બચત વધારે છે તો બૅંકોમાં વ્યાજ પણ ઓછું મળે છે. બીજી તરફ બૅંકો પાસેથી લોનની માગ પણ ઘટે છે.
એથી ઊલટું લોકો પોતપોતાના દેવાના ચૂકવણા પર ભાર મુકવા લાગે છે. સામાન્ય સ્થિતિમાં આ સારી વાત છે કે મોટા ભાગના લોકો દેવામુક્ત રહે પરંતુ જો આવું ગભરાટમાં થઈ રહ્યું છે તો તે એ વાતનો સંકેત છે કે દેશમાં કોઈને પણ પોતાનું ભવિષ્ય સારું નથી દેખાઈ રહ્યું.
એટલા માટે લોકો લોન લેવાથી બચી રહ્યા છે. કારણ કે એમને ભરોસો નથી કે તેઓ ભવિષ્યમાં સારી કમાણી કરીને આ દેવું સરળતાથી ચૂકવી શકશે. બિલકુલ એવી જ હાલત એ લોકોની પણ છે જેઓ કંપનીઓ ચલાવી રહ્યા છે.
પાછલા કેટલાક સમયમાં તમામ મોટી કંપનીઓએ બજારમાંથી નાણાં ઉપાડી અથવા પોતાનો હિસ્સો વેચી દેવું ચૂકતે કર્યું છે.
દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ આનું સૌથી મોટું ઉદાહરણ છે જેણે આ જ દરમિયાન દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું ચૂકવી પોતાને દેવામુક્ત કરી લીધી છે.
આવી સ્થિતિમાં 5 ટ્રિલિયન ડૉલરનું સપનું કેવી રીતે પૂરું થશે? આ સવાલ પૂછવો નિરર્થક લાગે છે. પરંતુ માણસ જો હારીને બેસી ગયો તો પછી કોઈ પણ મુસીબતમાંથી પાર નહીં પડી શકે.
શું કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાને આપત્તિમાં અવસરની વાત કરી છે. અવસર પણ દેખાઈ રહ્યો છે. પરંતુ આ અવસર તો પહેલાં પણ હાજર હતો. ચીન સાથે સરખામણી અથવા ચીન ગયેલા ઉદ્યોગોને ભારત લાવવાની વાત પહેલી વાર નથી થઈ રહી.
સવાલ એ છે કે શું ભારત સરકાર એવું કંઈ કરી શકશે જેમાં વિદેશી રોકાણકારોને ભારતમાં વેપાર કરવો ખરેખર સરળ અને ફાયદાનો સોદો લાગવા લાગશે. એવું થયું તો મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ શકે. ત્યારે ચોક્કસ આ મુશ્કેલીને ટક્કર આપવી સરળ બનશે.
પરંતુ કોઈ પણ સ્થિતિમાં હાલ ઊંચા સપનાં જોવાનો સમય નથી આવ્યો. અને એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે વિદેશી રોકાણને આકર્ષવાના ચક્કરમાં ક્યાંક ભારતના શ્રમિકો અથવા કર્મચારીઓના અધિકાર સંપૂર્ણ રીતે હોમી ન દેવાય.
રસ્તાઓ ઓછા નથી, નિષ્ણાતો સૂઝવી પણ રહ્યા છે. પરંતુ પડકાર એ છે કે કયો ઉપાય ક્યારે ઉપયોગમાં લેવામાં આવે જેથી તે કારગર સાબિત થઈ શકે.
સરકાર તરફથી એ વાતના સંકેત મળ્યા છે કે અર્થવ્યવસ્થામાં પ્રાણ પુરવા માટે વધુ એક સ્ટિમ્યુલસ અથવા આર્થિક પૅકેજ આવવાની તૈયારી છે.
પરંતુ સરકાર રાહ જોઈ રહી છે કે કોરોનાની બલા ટળવાના સંકેત મળે ત્યારે આ પૅકેજ આપવામાં આવે નહીં તો આ દવા નિષ્ફળ પણ જઈ શકે છે. એટલા માટે મોટાભાગના સવાલના જવાબ તો કોરોના સંકટ પૂરું થયા પછી જ મળી શકશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












