ગુજરાતમાં સતત વરસાદને લીધે લીલા દુષ્કાળનો ભય?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટિકર ગામના ખેડૂત વનરાજભાઈ સોલંકી ગળગળા અવાજમાં અતિવૃષ્ટિને કારણે ગામના દરેક ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હોવાની વાત જણાવે છે.

પાછલા દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પોતાના ખેતરમાં વાવેલ તલ અને કપાસનો પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી નિરાશાજનક પરિસ્થિતિનું પ્રતિબિંબ તેમના શબ્દોમાં ઝિલાઈ રહ્યું હતું.

તેઓ અનરાધાર વરસાદને કારણે પોતાના પાકને થયેલા નુકસાન વિશે વાત કરતાં કહે છે, “તલ અને કપાસના પાક પર કરેલો લગભગ 70 હજારનો ખર્ચ માથે પડ્યો છે.”

“બૅન્ક અને ખાનગી નાણાંધીરનાર પાસેથી ઉછીનાં નાણાં લઈને આ પાક વાવ્યો હતો, હવે કમાણી તો ઠીક પણ વ્યાજના પૈસાની ચિંતા થવા લાગી છે.”

આવી જ પરિસ્થિતિ ગામના અન્ય ખેડૂતોની હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “ગામમાં હજારો વીઘા જમીનમાં પાણી ભરાયાં છે, પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે."

"જો જલદી સરકાર તરફથી સહાય નહીં કરવામાં આવે તો ઘણા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે.”

અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે નિષ્ણાતો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવે છે.

વરસાદે ખેડૂતોની દશા બગાડી

ગુજરાતમાં પાછલા અમુક દિવસો દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે મોટા ભાગના જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ગામો સહિત અનેક મોટાં શહેરોમાં પણ દિવસો સુધી વરસાદનાં પાણી ભરાઈ રહ્યાં હતાં.

ભારે વરસાદને પગલે મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોનાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની ચિંતા વધી છે.

અતિવૃષ્ટિને લીધે સર્જાયેલી પરિસ્થિતિને કારણે અહીંના ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે.

સ્થાનિક અખબારોના અહેવાલો પ્રમાણે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં મગફળી, કપાસ, કઠોળ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયાનો દાવો ખેડૂતો અને ખેડૂતસંગઠનો કરે છે.

ઘણા ખેડૂતઆગેવાનો તથા ખેડૂતોએ તો રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે લીલો દુષ્કાળ પડવાનો ભય પણ વ્યક્ત કર્યો છે.

ભારે વરસાદને પગલે ખેડૂતોને પડી રહેલી હાલાકી વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. પહેલાં એ જાણી લઈએ કે લીલો દુષ્કાળ શું છે?

લીલો દુષ્કાળ શું છે?

ખેડૂત એકતામંચના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ કરપડા લીલા દુષ્કાળનો અર્થ સમજાવતાં જણાવે છે, “જ્યારે જે-તે ક્ષેત્રમાં સિઝનનો 120 ટકા કરતાં વધુ વરસાદ પડ્યો હોય અને ખેડૂતોના પાકને પાણીની વધુ આવકને કારણે નુકસાન થાય તો તેવી પરિસ્થિતિને લીલા દુષ્કાળની પરિસ્થિતિ કહે છે.”

તેઓ આ વિશે આગળ વાત કરતાં જણાવે છે, “હાલ સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કરવા માટેનું એકમ જે-તે તાલુકો રાખવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવા માટે સમગ્ર તાલુકામાં અમુક મર્યાદા કરતાં વધુ વરસાદ પડવો જોઈએ.”

જોકે, તેઓ જણાવે છે કે લીલા દુષ્કાળની આ ગણતરી અગાઉની જોગવાઈ પ્રમાણે થતી હતી. પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા આ જોગવાઈ સાવ ઉલટાવીને તેના સ્થાને કેટલીક અવાસ્તવિક જોગવાઈઓ કરાઈ છે.

ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલભાઈ આંબલીયા સામાન્ય ખેડૂતની ભાષામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “લીલો દુષ્કાળ એટલે જે પરિસ્થિતિમાં ખેડૂત સતત વરસાદને કારણે પોતાના ખેતરમાં જઈ જ ન શકે અને એ અતિશય, અનારાધાર વરસાદને પગલે પાક નિષ્ફળ જાય.”

“ખેતરમાં પાક લેવા માટે ઋતુ આધારિત ચક્રને અનુસરીને ખેડૂત દ્વારા પાકને જે માવજત મળવી જોઈએ તે આ પ્રકારના લીલા દુષ્કાળના સમયમાં શક્ય બનતું નથી.”

પાલભાઈ અને રાજુભાઈ બંને ખેડૂતઆગેવાનો હાલ રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિને લીલા દુષ્કાળની પરિસ્થિતિ ગણાવે છે.

સૂકો દુષ્કાળ એટલે શું?

સૂકા દુષ્કાળ વિશે વાત કરતાં રાજુભાઈ કરપડા જણાવે છે, “અગાઉની ગણતરી પ્રમાણે જ્યારે સતત 28 દિવસ સુધી વરસાદ ન પડે ત્યારે તેવી પરિસ્થિતિને સૂકા દુષ્કાળની પરિસ્થિતિ કહેવામાં આવતી હતી. હાલ સૂકા દુષ્કાળ માટે પણ તાલુકાને એકમ તરીકે ગણવામાં આવે છે.”

સૂકા દુષ્કાળ વિશે વાત કરતાં પાલભાઈ જણાવે છે, “જ્યારે સંપૂર્ણ ઋતુ દરમિયાન બિલકુલ વરસાદ ન પડે અથવા વાવણી વખતે વરસાદ પડે પરંતુ ત્યાર પછી અમુક અઠવાડિયાં સુધી જો બિલકુલ વરસાદ ન પડે તો તેવી પરિસ્થિતિને દુષ્કાળ ગણી શકાય.”

ખેડૂતઆગેવાન રાજુભાઈ કરપડા પાછલા અમુક દિવસો દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું જણાવે છે.

તેઓ કહે છે કે “સૌરાષ્ટ્રના લગભગ બધા જિલ્લાઓમાં અત્યાર સુધી સીઝનનો 140 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેમજ કચ્છમાં પણ અત્યાર સુધીમાં 200 ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે.”

“આવી પરિસ્થિતિમાં ચોમાસું પૂરું થાય એ પહેલાં જ ઘણા જિલ્લાઓમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.”

‘વ્યાજખોરો જમીન પડાવી લેશે’

મૂળી તાલુકાના દૂધઈ ગામના અન્ય એક ખેડૂત અશોકભાઈ કણજેરીયા અતિવૃષ્ટિને કારણે પોતાના ખેતરમાં થયેલ નુકસાન અંગે વાત કરતાં કહે છે, “મારા ખેતરમાં તલ અને કપાસનો આખેઆખો ઊભો પાક પાણી ભરાવાને કારણે સડી ગયો.”

“વાવેતર માટે એક લાખ રૂપિયા ખાનગી વ્યક્તિ પાસેથી ત્રણ ટકા વ્યાજે લીધા હતા. હવે અતિવૃષ્ટિને કારણે કમાણી તો ઠીક પણ આ વ્યાજના પૈસા પણ નહીં ભરી શકાય. વ્યાજ પર પણ વ્યાજ ચૂકવવાનો વારો આવશે.”

તેઓ આગળ વાત કરતાં કહે છે, “તૈયાર પાક વેચીને ત્રણ લાખ રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ હતો, પરંતુ હવે તો વ્યાજ પણ નહીં ભરી શકાય. જેથી હવે વ્યાજખોરો જમીન પચાવી લે તેવો ભય પણ ઊભો થયો છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો અમારી જ વાડીમાં અમારે મજૂરીએ જવું પડે, તે દિવસ દૂર નથી.”

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામના ખેડૂત રતનસિંહ ડોડીયા અતિવૃષ્ટિને કારણે પોતાના ખેતરમાં થયેલી પાકનુકસાની અંગે વાત કરતાં જણાવે છે, “મારા ખેતરમાં વાવેલા કપાસ પૈકી 60 ટકા પાકને નુકસાન થયું છે. જ્યારે એરંડાનો પાક સાવ નિષ્ફળ ગયો છે. અતિવૃષ્ટિને કારણે તો આ પાકના વાવેતર માટે કરેલ તમામ ખર્ચ માથે પડ્યો છે.”

સરકાર પાસેથી ખેડૂતોને નથી કોઈ આશા

નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકારે ખરીફ પાક માટે વડા પ્રધાન પાકવીમા યોજનાના સ્થાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી.

આ યોજના અંતર્ગત પણ ચાર હેક્ટરની મર્યાદામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાકનુકસાની અંગે એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

હાલ સર્જાયેલી લીલા દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો અને ખેડૂતઆગેવાનોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ મળશે તેવી આશા દેખાતી નથી.

નવી યોજના અનુસાર દક્ષિણ ગુજરાત સિવાયના ગુજરાતના વિસ્તારો માટે સતત 48 કલાકમાં 25 ઇંચ કરતાં વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયેલું માની હેક્ટરદીઠ 25 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આ સહાય પણ ચાર હેક્ટર સુધીની મર્યાદામાં જ મળી શકશે.

આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારની સહાય અસરગ્રસ્ત ખેડૂતોને નહીં મળે એ વાત નક્કી હોવાનું ખેડૂત વનરાજભાઈ ટીકર જણાવે છે.

તેઓ કહે છે કે, “સરકારે અગાઉ થયેલ નુકસાનના પૈસા હજુ સુધી ખેડૂતોને નથી ચૂકવ્યા તો તાજેતરમાં થયેલ નુકસાનના તો ક્યાંથી ચુકવાશે?”

“અત્યારની યોજના પ્રમાણે તો સરકારે કોઈ ચૂકવણી કરવાનું બનશે જ નહીં, બધું નુકસાન ખેડૂતે જ ભોગવવાનું આવશે.”

અન્ય એક ખેડૂત અશોકભાઈ જણાવે છે કે આ યોજના અંતર્ગત કોઈ પણ જાતની સહાય ખેડૂતોને નહીં કરાય.

તેઓ આ યોજનામાં સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને અવાસ્તવિક ગણાવતાં કહે છે, “હાલ બે દિવસમાં 17 ઇંચ વરસાદ પડ્યો ત્યારે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં છે. આમ, જો સરકારે નક્કી કરેલા માપદંડ અનુસાર વરસાદ પડે તો તો ખેતરો સાવ ધોવાઈ જાય. આ માપદંડ અવાસ્તવિક અને ખેડૂતોના હિતમાં નથી તે દેખાઈ આવે છે.”

સરકારની આ યોજનાને ખેડૂતો માટે અન્યાયપૂર્ણ ગણાવતાં પાલભાઈ આંબલીયા જણાવે છે, “આ યોજના છળકપટ અને ષડ્યંત્રવાળી છે. સરકાર ખેડૂતને કંઈ જ નથી આપવું એવું સીધેસીધું નથી કહી શકતી એટલે તે માત્ર દેખાડો કરવા માટે આ યોજના લાવી છે. જે સાવ નિરર્થક છે."

"ઊલટું ખેડૂતોના હક અને અધિકાર માટેની યોજના પાકવીમા યોજના નાબૂદ કરી દીધી છે, આ પગલું સરકાર ખેડૂતોનું કેટલું ભલું ઇચ્છે છે તે કહી આપે છે.”

'વરસાદ સરકારના હાથમાં નથી'

ગુજરાત ભાજપના કિસાનમોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેડૂતોને નુકસાન થયું હોવાની વાત સાથે સંમત થાય છે.

તેઓ જણાવે છે કે, "વરસાદ સરકારના હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. સરકારે દુષ્કાળ માટે જે નીતિ-નિયમો બનાવ્યાં છે, તેમાં ઘણા સુધારા પણ કરાયા છે."

"અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અન્ય કુદરતી આફતો અને માનવસર્જિત આફતોમાં નિયમો અનુસાર નુકસાન થયું હશે તેમને જરૂર સહાય મળશે."

"હજુ વરસાદ ચાલુ જ છે, તેથી હાલ તાત્કાલિક સહાય ન મળી શકે. હું માનું છું કે અનેક વિસ્તારોમાં ખેડૂતોનાં કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે."

"આવા અસરગ્રસ્ત ખેડૂતોને ચોક્કસ લાભ મળવો જોઈએ. જે માટે અમે સરકારને રજૂઆત કરીશું અને સરકાર આ દિશામાં કાર્યરત્ પણ થશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો