કોરોના સંક્રમણની વચ્ચે ગુજરાતમાં દોઢ મહિનાથી ધરણાં પર કેમ બેઠા છે આ લોકો?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

"સાહેબ મહાનગરપાલિકામાં અધિકારીઓ જ કોરોના જેવા થઈ જીવ લેવા બેઠા હોય ત્યારે કોરોનાની બીક શેની લાગે? કોરોના પણ એમ વિચારે કે પહેલાંથી જ પરેશાન ગરીબ લોકો પાસે જઈને હું શું કરીશ."

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં આંદોલન કરી રહેલા વિજય વસાવાને પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં આંદોલન કરવા એક સ્થળે એકઠા થાવ છો તો કોરોના વાઇરસનો ડર લાગતો નથી ત્યારે તેમણે આ જવાબ આપ્યો.

વડોદરાની સંજયનગરની ઝૂંપડપટ્ટીમાં લૉકડાઉન પૂર્ણ થયાની સાથે જ એક આંદોલનની શરૂઆત થઈ છે.

આ આંદોલન 40 દિવસથી ચાલી રહ્યું છે. આંદોલન કરી રહેલા લોકોની માગ છે કે વર્ષ 2017માં જ્યારે તેમની ઝૂંપડપટ્ટી તોડવામાં આવી ત્યારે કરાયેલા વાયદા પ્રમાણે તેમને મકાન બાંધી આપવામાં આવે.

આંદોલનકારીઓ પોતાની માગને લઈને શુક્રવારે ગાંધીનગર તરફ કૂચ કરવાના હતા. જોકે, કૂચ આરંભે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

"ફૂટપાથ પર આવી ગયા"

વર્ષ 2017માં વડોદરાની સંજયનગરની ઝૂંપડપટ્ટીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી.

તે દિવસોને યાદ કરતાં વિજય વસાવા કહે છે, "પહેલાં અમને કહેવામાં આવ્યું કે તમને પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ નવાં મકાન બાંધી આપવામાં આવશે. અમારામાંથી કેટલાક અસહમત હતા પણ બાળકોનાં ભવિષ્ય માટે તેઓ પણ સહમત થઈ ગયા. એ વખતે કૉર્પોરેશને કોઈ પણ પ્રકારની અગોતરી જાણ કર્યા વિના મકાન બે દિવસમાં ખાલી કરવા જણાવ્યું હતું."

"અમને એમ હતું કે તેઓ નોટિસ આપશે પરંતુ એ તો બીજા દિવસે જેસીબી લઈને તોડવા આવી ગયા અને અનેક વિનંતીઓ કર્યા બાદ અમને સામાન કાઢવાની પરવાનગી અપાઈ હતી."

વિજય કહે છે, "એક તરફ અમે સામાન કાઢતા હતા અને બીજી તરફ અમારાં મકાન તોડાઈ રહ્યાં હતાં."

"મારાં બે મકાન હતાં અને એક કરિયાણાની દુકાન હતી. આજે હું ભાડે રહું છું. દુકાનનું તો નામોનિશાન નથી. મહાનગરપાલિકામાં કિધું તો કહે છે ત્યાં આવી કોઈ દુકાન જ નહોતી. આજે ભાડે રીક્ષા ચલાવું છું."

"ઘરમાંથી જે સામાન માંડમાંડ કાઢ્યો હતો, તેને લઈને બે મહિના સુધી હું પરિવાર સાથે ફૂટપાથ પર રહ્યો. બે મહિના પછી મને ચાર હજાર રૂપિયાનું ભાડે મકાન મળ્યું."

દર બે-ત્રણ મહિને આંદોલન

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 28 મે, વર્ષ 2017એ સંજયનગરની વસાહત તોડી આપવામાં આવી હતી.

'સંજયનગર વિકાસમંડળ સમિતિ'નાં પ્રમુખ સીમા રાઠોડ કહે છે, "મહાનગરપાલિકા અને બિલ્ડર વચ્ચે કરાર થયો કે પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ આ સંજયનગરની જમીન પર મકાન બનાવવામાં આવશે."

"જે 3000 લોકોની વસતિનાં મકાન તોડી પડાયાં હતાં, તેમાંથી જેમનાં પણ મકાન કાયદેસર હતાં, તેવાં 1843 મકાન બે વર્ષમાં બનાવી દેવાશે તેવી વાત થઈ હતી. જ્યાં સુધી મકાન બનીને તૈયાર થશે ત્યાં સુધી પરિવારોને મહિને બે હજાર ભાડાપેટે ચૂકવવામાં આવશે. હવે બિલ્ડર કહે છે ત્રણ વર્ષની વાત કરવામાં આવી છે."

સંજયનગરના જ અન્ય એક રહેવાસી મિતેષ પંડયા કહે છે, "બિલ્ડરે પહેલાં છ મહિના સુધી તો દર મહિને ભાડું ચૂકવ્યું પરંતુ પછી આનાકાની શરૂ કરી અને બે-ત્રણ મહિના સુધી ભાડુ ચૂકવતો ન હતો. અમારે દર વખતે ભાડા માટે આંદોલન કરવું પડે છે. અમે ભાડા માટે આંદોલન કરીએ તો જ એ ભાડુ ચુકવાય છે. લૉકડાઉનના ત્રણ મહિના પહેલાથી ભાડું ચૂકવાયું નહોતું. હવે લૉકડાઉન ત્રણ મહિનો આમ છેલ્લાં સાતેક મહિનાથી ભાડું બાકી હતું એટલે આંદોલન કર્યું.

મિતેષ આરોપ લગાવે છે કે મુખ્ય મંત્રી આવવાના હોવાની તેમને આ વખતે ભાડું ચૂકવી દેવાયું છે.

વિજય વસાવા અને સીમા રાઠોડ કહે છે કે તેમને મળતું ભાડુ ઘણું ઓછું છે અને આટલા ભાડામાં તેમને કોઈ મકાન મળતાં નથી.

સીમા કહે છે, "અમારે દર બે-ત્રણ મહિને આ પ્રકારે ભાડા માટે આંદોલન કરવું પડે છે."

"ત્રણ વર્ષ પછી એક ઈંટ પણ ચણાઈ નથી"

મિતેષ જણાવે છે, " વર્ષ 2017થી મકાન બનાવવાનું કામ બિલ્ડરે શરૂ કર્યું પણ હજુ સુધી મકાન બાંધ્યાં નથી."

સીમા રાઠોડનું કહેવું છે કે ત્રણ વર્ષથી મકાન બાંધી આપવાની વાત કરવામાં આવી હતી. હાલ સુધી એક પણ ઇમારત ઊભી કરવામાં આવી નથી.

વિજય વસાવા કહે છે કે તેમણે ગાંધીનગર સુધી રજૂઆત કરી તો દેખાડવા માટે ખાલી એક જેસીબી અને ચાર ડમ્પર મોકલીને ખાડા ખોદી નાખવામાં આવ્યા. બે વર્ષમાં એક ઇંટ પણ ચણાઈ નથી.

તેઓ જણાવે છે, "અમે છેલ્લાં 40 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ પરંતુ કોઈ પણ વ્યક્તિ અમને સાંભળવા માટે આવી નથી."

"પાદરામાં કોરોના વાઇરસના દસ કેસ આવે તો કલેક્ટર ત્યાં દોડી જાય છે. પણ અહીં હજારો લોકો આંદોલન કરે છે તો પણ પૂછવા કોઈ વ્યક્તિ આવતી નથી. કોઈ વ્યક્તિ આશ્વાસન પણ આપતી નથી. "

"અમારી માગ એટલી જ છે કે અમને જેટલું જલદી બને એટલું ઘર બનાવી આપવામાં આવે. આ ઉપરાંત અમને જે ભાડું ચૂકવવામાં આવે છે તેને વધારી આપવામાં આવે."

સીમા રાઠોડ મકાન બનાવવાની સમયસીમા નક્કી કરવાની માગ પણ કરે છે.

વાયદો પૂરો નથી કરાયો

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે 18 મહિનાનો વાયદો કરાયો હોવા છતા મકાન બાંધી આપવામાં આવ્યાં નથી.

તેમણે કહ્યું, "અમે આંદોલનકારીઓ સાથે છીએ. મહાનગરપાલિકાએ બિલ્ડર કામ કરતા નથી તો તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ."

વડોદરા મહાનગર-સેવાસદનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સતીષ પટેલ જણાવે છે, "સંજયનગરની જમીન વિવાદિત હતી અને એકાદ-બે જમીનના વિવાદનો ઉકેલ લાવી એ જમીન પર બાંધકામ કરવાનો વર્ક-ઑર્ડર આપી દેવાયો છે અને ત્યાં હવે કામ શરૂ કરી દેવાયું છે. બને એટલી જલદી મકાનો બનાવીને લોકોને સોંપી દેવાશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો