મુનવ્વર ફારૂકી બાદ હવે કુણાલ કામરાનો શો પણ રદ, ટ્વિટર પર આપી જાણકારી - BBC TOP NEWS

કૉમેડિયન કુણાલ કામરાએ બુધવારે જણાવ્યું છે કે બેંગલુરુમાં તેમનો આગામી સ્ટેન્ડઅપડ શો રદ કરી દેવામાં આવ્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે કે આયોજકોને ધમકી મળી હતી, જે બાદ શો રદ કરી દેવામાં આવ્યો હતો.

આ પહેલાં કૉમેડિયન મુનવ્વર ફારૂકીને શો કરવાની મંજૂરી નહોતી મળી. પોલીસે ફારૂકીને વિવાદાસ્પદ ગણાવ્યા હતા.

નોંધનીય છે કે કામરા મોદી સરકારની કેટલાય મુદ્દાઓ પર ટીકા કરતા રહ્યા છે. તેમણે ટ્વિટર પર પોતાનો શો રદ કરાયો હોવાની જાણકારી પણ વ્યંગપૂર્ણ રીતે આપી છે.

આંદોલનમાં મૃત્યુ પામનારા ખેડૂતોનો આંકડો નથી, માટે વળતરનો સવાલ જ નથી : મોદી સરકાર

કૃષિકાયદાના વિરોધમાં એક વર્ષ સુધી ચાલેલા આંદોલન દરમિયાન અંદાજે 700 ખેડૂતોનાં મૃત્યુ થયાંનો દાવો ખેડૂતનેતાઓ દ્વારા અનેક વખત કરાયો છે.

ત્યારે કેન્દ્ર સરકાર પાસે તેનો કોઈ રેકર્ડ ન હોવાથી સહાય આપવાનો પ્રશ્ન જ ન ઊઠતો હોવાનું કેન્દ્રીય કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા કેટલા ખેડૂતોનાં મૃત્યુ નીપજ્યાં છે અને સરકાર તેમના પરિવારને સહાય આપશે કે કેમ?

આ પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે, "કૃષિ મંત્રાલય પાસે આ સંદર્ભે કોઈ આંકડા નથી, જેથી સહાય આપવાનો કોઈ પ્રશ્ન ઊઠતો નથી."

ગુજરાતમાં માવઠું, બે દિવસ સુધી આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બુધવારે સવારે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક-ક્યાંક મંગળવારે રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે હવામાનવિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જે પ્રમાણે ગુજરાતમાં પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ રહેશે અને સાથે જ ઠંડી પણ વધશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે.

હવામાનવિભાગ પ્રમાણે સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ગુરુવારે પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે; જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

ગાંધીઆશ્રમના પુનર્વિકાસ અંગે ગુજરાત હાઈકોર્ટની સરકારને નોટિસ

ગાંધીઆશ્રમના પુનઃનિર્માણને અટકાવવા માટે આશ્રમની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા 55 લોકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજી કરાઈ હતી, જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય સત્તાધીશોને નોટિસ જારી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે 23 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અમદાવાદ જિલ્લાકચેરીના અધિકારીઓ ગાંધીઆશ્રમની સામે આવેલી ઝૂંપડપટ્ટી તોડવા માટે ગયા હતા, પરંતુ રહેવાસીઓના વિરોધને કારણે કામ મોકૂફ રાખવું પડ્યું હતું.

તેમણે રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. જોકે, આ દરમિયાન તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

'હાઈ-રિસ્ક' દેશોમાંથી આવેલા છ મુસાફરો કોરોના સંક્રમિત

કોરોનાના નવા ઓમિક્રૉન વૅરિયન્ટના ડરને પગલે મહારાષ્ટ્ર સરકારના આરોગ્યવિભાગ દ્વારા વિદેશથી આવેલા લોકોની તપાસ કરાઈ રહી છે.

છેલ્લા 15 દિવસમાં આફ્રિકા સહિતના 'હાઈ-રિસ્ક' ધરાવતા દેશોમાંથી આવેલા છ મુસાફરોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ છ દર્દીઓ પૈકી મંગળવારે મળી આવેલા એક દર્દીની વય અંદાજે 40 વર્ષ છે. જોકે આ દર્દી ઓમિક્રૉન વૅરિયન્ટની સંક્રમિત ન હોવાનું સત્તાધીશો દૃઢપણે માને છે.

બીએમસીના અધિક કમિશનર સુરેશ કાકાણીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "અમે તેમના નમૂનાને વિશેષ આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં આ વૅરિયન્ટની હાજરી ન હોવાનું સામે આવ્યું હતું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો