ભારત-ચીન સીમાવિવાદ : ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ થયું હતું ઘર્ષણ, ભારતના 10 સૈનિકો ઘાયલ થયા હતા - Top News

ગત સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ભારતના 10 જવાન ઘાયલ થયા હતા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત અને ચીન વચ્ચે પેંગોગ ત્સો વિસ્તારમાં હાલ ટેન્શનની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ આ ટેન્શન પહેલીવાર ત્યારે જોવા મળ્યું જ્યારે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાને હઠાવ્યો પછી સપ્ટેમ્બર માસમાં પહેલીવાર અથડામણ થઈ હતી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકોને પૅટ્રોલિંગ કરતા ફિંગર 8 પાસે થઈ રહ્યા હતા ત્યારે ચીનના સૈન્યએ તેમને અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા જેમાં બંને દેશના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. 11 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ભારતીય સૈન્યના 10 જવાનો ઘાયલ થયા હતા.

અધિકારી જણાવે છે કે પાંચ ઓગસ્ટે ભારતીય સંસદે જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ હઠાવીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કાયદાને પસાર કર્યો પછીથી ચીનના વલણમાં ફેરફાર જોવા મળ્યો છે.

10 સપ્ટેમ્બરે જ્યારે ભારતીય સૈનિકો ફિંગર 8 તરફ પેટ્રોલિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને ચીનના સૈનિકો દ્વારા રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

સ્થિતિ વધારે ત્યારે વણસી જ્યારે ચીનના સૈન્યની બે કંપનીઓ આઠ ભારે વાહનોમાં 11 સપ્ટેમ્બરે ફિંગર 8 પાસે આવી. બંને સૈન્ય વચ્ચે આકરી બોલાચાલી થઈ અને અથડામણ થઈ. જેમાં ભારતની સેના અને આઇટીબીપીના 10 જવાનો ઘાયલ થયા.

ત્યારબાદ આ ઘર્ષણ તળાવના પાણી સુધી પહોંચ્યું. જ્યાં ચીનના સૈનિકોએ ભારતની ત્રણ બોટને તોડી પાડી અને ભારતે ચીનની બે બોટને તોડી પાડી હતી.

ચીને ફિંગર 4 પાસે રહેલી ભારતની ઑબઝર્વેશન પોસ્ટને તોડી પાડી અને ફિંગર 8 પર તેવા જ પ્રકારની નવી પોસ્ટ ઊભી કરી દીધી હતી.

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હાલમાં 16 જૂને હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

મોદીજી અને અમિત શાહજીના મહેમાન આવ્યા હતા અને ગયા : અહમદ પટેલ

એનડીટીવીના અહેવાલ અનુસાર ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અહમદ પટેલની શનિવારે પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક નામની કંપનીના મુખ્ય પ્રમોટર્સ સાંડેસરા બ્રધર્સ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંગે અહમદ પટેલની પૂછપરછ કરાઈ હતી.

એજન્સીની ત્રણ સભ્યોની ટીમ દ્વારા અહમદ પટેલનું નિવેદન તેમના દિલ્હીના નિવાસસ્થાને લેવામાં આવ્યું હતું. અહેમદ પટેલની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

અહેમદ પટેલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે મોદીજી અને અમિત શાહજીના મહેમાન આવ્યા હતા, તેમણે મને પ્રશ્નો પૂછ્યાં, મેં જવાબ આપ્યા અને તે ગયા.

અહેમદ પટેલ આને રાજકીય કિન્નાખોરી ગણાવે છે.

અહેમદ પટેલને આ પહેલા બે વખત એજન્સી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અહેમદ પટેલ કોરોના વાઇરસની ગાઇડલાઇનને ટાંકીને ગયા ન હતા.

અહેમદ પટેલે કહ્યું, "મહામારી અને ચીન સામે લડવાની જગ્યાએ સરકાર વિરોધ પક્ષની સામે લડવા માટે આતુર છે."

ચીન મુદ્દે ઇન્ટર્વ્યૂ કરનાર પીટીઆઈને પ્રસાર ભારતીએ 'દેશદ્રોહી' કહી

ધ વાયરના અહેવાલ અનુસાર સમાચાર એજન્સી પીટીઆઈએ શુક્રવાર સાંજે ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિસ્ત્રીના નિવેદનને ટાંકીને ટ્વીટ કર્યું હતું જે ચીનની ભારતમાં ઘૂષણખોરી ન કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવાથી વિપરીત હતું. આ પછી જાહેર પ્રસારણકર્તા પ્રસાર ભારતીએ પીટીઆઈ સાથે તમામ સંબંધ તોડવાની ધમકી આપી છે.

પીટીઆઈએ ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિસ્ત્રીને ટાંકીને કહ્યું હતું, "ચીનના સૈન્યએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાની તરફ પરત જવાની જરૂર છે."

ખરેખર મિસ્ત્રીનું આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનથી તદ્દન અલગ છે જેમાં દાવો કરાયો હતો કે ભારતમાં કોઈ ઘુસ્યું નથી.

24 કલાક પછી પણ ન તો રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ અથવા વિદેશ મંત્રાલયે આ નિવેદન પર રદિયો આપ્યો છે.

શનિવારે પ્રસાર ભારતીના અધિકારીઓએ કહ્યું કે સાર્વજનિક પ્રસારણ સંસ્થા પોતાની આગામી બોર્ડ બેઠક પહેલાં પીટીઆઈને એક આકરો પત્ર મોકલી રહ્યું છે. જેમાં પીટીઆઈ દ્વારા રાષ્ટ્રવિરોધી રિપોર્ટિંગ પર આકરી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

અધિકારીઓ કહ્યું, 'પીટીઆઈના દેશવિરોધી રિપોર્ટિંગના કારણે તેની સાથે સંબંધ રાખવો સંભવ નથી.'

દેશદ્રોહી કહેવા અંગેના કારણ પર પુછતાં પ્રસાર ભારતીએ કહ્યું, "ચીન કવરેજ"

એવું પુછવામાં આવ્યું કે આ પીટીઆઈ દ્વારા કરવામાં આવેલા બે રાજદૂતોના ઇન્ટરવ્યૂના સંદર્ભમાં છે તો તેમણે કહ્યું, હા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો