કોરોના વાઇરસ : કાનપુરના બાળસંરક્ષણગૃહમાં 57 છોકરીઓ ચેપગ્રસ્ત અને સાત ગર્ભવતી

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશમાં કાનપુરના સરકારી બાળસંરક્ષણગૃહમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાતા હોબાળો મચી ગયો છે.

અહીં રહેતી 57 છોકરીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

એટલું જ નહીં કોરોનાના પરીક્ષણ દરમિયાન સંરક્ષણગૃહની સાત છોકરીઓ ગર્ભવતી હોવાની ખબર પડી અને તેમાંથી એકમાં એચઆઈવીની પુષ્ટિ થઈ છે. સંરક્ષણગૃહના અન્ય એક કર્મચારી પણ કોરોના સંક્રમિત મળ્યા છે.

કાનપુરના જિલ્લાધિકારી ડૉક્ટર બ્રહ્મદેવરામ તિવારીએ કહ્યું, "આ સંરક્ષણગૃહમાં કુલ 57 છોકરીઓ કોવિડ પૉઝિટિવ મળી છે. સાત છોકરીઓ ગર્ભવતી છે અને તેમાંથી પાંચનો કોરોના ટેસ્ટ પણ પૉઝિટિવ છે અને બે નૅગેટિવ છે."

"જે પાંચ છોકરીઓ કોવિડ પૉઝિટિવ છે તે આગ્રા, એટ્ટા, કન્નૌજ, ફિરોઝાબાદ અને કાનપુરની બાળકલ્યાણસમિતિના સંદર્ભથી અહીં આવી છે. બધી બાળકીઓ અહીં આવતા પહેલાં ગર્ભવતી હતી અને તે અંગેની બધી માહિતી તંત્ર પાસે છે."

તાવ આવ્યો ત્યારે તેમને દાખલ કરવામાં આવી

બાલસંરક્ષણગૃહમાં છેલ્લા અઠવાડિયે તાવની ફરિયાદ સાથે એક છોકરીને કાનપુરના એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તપાસમાં છોકરીનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો ત્યાર પછી અન્ય છોકરીઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જોકે મોટાભાગની છોકરીઓમાં રોગનાં લક્ષણો નથી પરંતુ તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેમને આઇસોલેશન સેન્ટર મોકલી દેવામાં આવી છે.

સંરક્ષણગૃહના એક કર્મચારીનો ટેસ્ટ પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે પરંતુ સંક્રમણનું કારણ જાણવા નથી મળ્યું.

છોકરીઓ કોરોના પૉઝિટિવ અને ગર્ભવતી હોવાનું સામે આવતાં તંત્રમાં હોબાળો મચી ગયો છે.

કાનપુર મંડળના આયુક્ત ડૉ. સુધીર બોબડે અને કાનપુરના જિલ્લાધિકારી ડૉ બ્રહ્મદેવરામ તિવારીએ આ મામલે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું છે કે છોકરીઓ અહીં આવી તે પહેલાંથી જ ગર્ભવતી હતી.

જોકે સંક્રમણના સ્રોતના સવાલનો જવાબ અત્યારે પણ અધિકારીઓ પાસે નથી.

બિનજરૂરી પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે

કાનપુર નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશકુમાર પી. સાથે બીબીસીએ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે છોકરીઓ ગર્ભવતી હોવાની વાત પર બીનજરૂરી પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે.

તેમનું કહેવું છે, "છોકરીઓ શૅલ્ટર હોમ પહોંચી તે પહેલાંથી જ ગર્ભવતી હતી. જ્યાંથી તેઓ આવી છે ત્યાં જ આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. બાળસંરક્ષણગૃહને સીલ કરી દેવામાં આવ્યું છે એટલે તેને લગતા કાગળ જોઈને જ કહી શકાશે કે તેઓ ક્યારે અહીં આવી હતી."

કાનપુરના સ્વરૂપનગરસ્થિત આ બાળસંરક્ષણગૃહમાં છેલ્લા અઠવાડિયે 97 બાળકીઓનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 57નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

સંરક્ષણગૃહમાં કુલ 171 બાળકીઓ રહતી હતી.

સંરક્ષણગૃહને પૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના સ્ટાફને પણ ક્વોરેન્ટીન કરવામાં આવ્યો છે.

રાજકીય બાળસંરક્ષણગૃહની ઘટના પર રાજ્ય મહિલાઆયોગનાં સભ્ય પૂનમ કપૂરના જણાવ્યા અનુસાર આ બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરના ડિએમ સાથે વાત કરી છે.

મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું, "બાળસંરક્ષણગૃહમાં ઘણી બાળકીઓ પૉક્સો ઍક્ટ હેઠળ આવે છે, તેમની ઉંમર નાની હોય છે."

"જ્યારે બાળકીઓને હૅલેટ હૉસ્પિટલ મોકલવામાં આવી હતી તો અમારા સ્ટાફના સભ્યો તેમની સાથે હતા. એટલે બની શકે કે કોઈના સંપર્કમાં આવવાથી તેમને પણ ચેપ લાગ્યો હોય. રાજકીય બાળગૃહમાં કોઈ પણ પુરુષનો પ્રવેશ વર્જિત છે અને હું પોતે ત્યાંની મુલાકાત લઉં છું એટલે કોઈ પણ પ્રકારની અટકળો ન લગાવવી જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો