આંતરરાષ્ટ્રીય યોગદિવસ : કોરોના વાઇરસ સામેની લડાઈમાં યોગ ખૂબ જરૂરી - નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગદિવસ પર સંબોધન કરતાં કહ્યું કે કોવિડ-19ની મહામારીમાં યોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

તેઓએ કહ્યું કે "યોગ પ્રત્યેનો ઉત્સાહ વધી રહ્યો છે અને આ કેટલો વ્યાપક છે એ યોગના વીડિયો દર્શાવે છે. આ પરિવારના સભ્યોને એકબીજાથી નજીક લાવવાનો દિવસ પણ છે."

"કોરોના મહામારીને કારણે દુનિયા યોગની જરૂરિયાતને પહેલાંથી ગંભીરતાથી મહેસૂસ કરી રહી છે. જો આપણી ઇમ્યુનિટી મજબૂત હશે તો આ બીમારીને હરાવવામાં બહુ મદદ મળશે. ઇમ્યુનિટીને વધારવા માટે યોગમાં અનેક વિકલ્પો છે."

"અનેક પ્રકારનાં આસન છે જે આપણા શરીરને મજબૂતાઈને વધારે છે. મેટાબૉલિઝ્મને મજબૂત કરે છે. કોવિડ-19 ખાસ કરીને આપણા શ્વસનતંત્ર પર હુમલો કરે છે."

"આપણા શ્વસનતંત્રને મજબૂત કરવામાં પ્રાણાયામથી ઘણી મદદ મળે છે. આ એક બ્રીથિંગ એક્સરસાઇઝ છે. સામાન્ય રીતે અનુલોમ-વિલોમ, પ્રાણાયામ અસરકારક છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે."

વડા પ્રધાને કહ્યું કે તેમનો આગ્રહ છે કે કસરતની સાથે પ્રાણાયામ પણ કરો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠા આંતરરાષ્ટ્રીય યોગદિવસની શુભકામના પાઠવતાં કહ્યું કે આ દિવસ એકતા અને સાર્વભૌમિક ભાઈચારાનો છે.

તેઓએ કહ્યું કે આ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. વડા પ્રધાને કહ્યું કે આપણને જોડે, સાથે લાવે એ જ યોગ છે, જે અંતર ખતમ કરે એ જ યોગ છે.

યોગ શા માટે જરૂરી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગદિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.

સમય જતાં યોગને બદલે 'યોગા' શબ્દ પ્રચલિત બન્યો છે અને તેના સ્વરૂપ પણ બદલાયાં છે. અત્યારે વિશ્વમાં બિયર યોગા, ન્યૂડ યોગા અને ડૉગ યોગા થતા જોવા મળી રહ્યા છે.

યોગનો સાચો અર્થ સમજાવતાં મુંબઈની લોનાવલા યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. મનમથ ઘારોટે જણાવે છે કે યોગનો મુખ્ય હેતુ 'વ્યક્તિત્વને સંપૂર્ણ એકાકાર' કરવું એવો છે.

તેઓ કહે છે, "માનવ વ્યક્તિત્વ શારીરિક, માનસિક, ભાવનાશીલ, સામાજિક અને આધ્યાત્મિક આ પાંચ સ્વરૂપમાં વહેંચાયેલું છે. આ બધા તત્ત્વો એકસાથે અને સારી રીતે કામ કરે એ ખૂબ જરૂરી છે."

"યોગનું શારીરિક સ્વરૂપ શરીરને લચીલું બનાવે છે સાથે જ સ્નાયુ અને સાંધાઓને મજબૂત કરે છે. પરંતુ આસન દિમાગ માટે પણ ઉપયોગી છે."

"જ્યારે તમે દિમાગને સ્થિર કરતા શીખી જાઓ, ત્યારે આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો