કોરોના વાઇરસ : પીપીઈ કિટમાં બ્લીડિંગ...સ્વાસ્થ્યકર્મીઓએ શું શું વેઠવું પડી રહ્યું છે

ઇમેજ સ્રોત, Renata Pietro
31 વર્ષનાં કૃતિ શાહ આઈસીયુમાં નર્સ તરીકે કામ કરે છે.
તેઓ કહે છે કે આમ તો હું આશાવાદી છું પરંતુ છેલ્લા ત્રણ મહિના બહુ મુશ્કેલ રહ્યા છે. તેઓ દિલ્હીના એક હૉસ્પિટલમાં કામ કરે છે.
તેમની શિફ્ટની શરૂઆત પીપીઈ કિટ પહેરવાથી થાય છે. ગ્લવ્ઝ, ગૉગલ્સ, માસ્ક, ફેસ શીલ્ડ અને ગાઉન વગેરે પહેરવામાં 45 મિનિટ જેટલો સમય જતો રહે છે.
એક મહિલા તરીકે તેમનાં માટે આમાં અમુક વધારાની વસ્તુઓ જોડાઈ જાય છે. વધુ પડતો લાંબો ગાઉન લપસી જતો હોય અને તેમની ગર્દન ખુલ્લી રહી જતી હોય છે, જેને કારણે તેને ટેપથી ચોંટાડવો પડે છે.
ગૉગલ્સથી ઘસરકા ન થાય તેના માટે નાક અને ગૉગલ્સ વચ્ચે રૂ ભરાવવું પડે છે અને ગ્લવ્ઝ પહેરતાં પહેલાં ગાઉનની બાંય ચઢાવવી પડે છે. વૉર્ડમાં જતા પહેલા માસ્ક કાનની પાછળ સારી રીતે ભરાવેલો છે કે નહીં એ જોઈ લેવું પડે છે કારણકે માત્ર લાર્જ સાઇઝનો માસ્ક ઉપલબ્ધ છે.
જ્યારે તેઓ અમારી સાથે વાત કરતા હતા ત્યારે બે કલાક પહેલાં તેમણે પાણી પીધું હતું. "આખી શિફ્ટમાં અમે ખાઈ ન શકીએ, પાણી ન પી શકીએ. બાથરૂમ નથી જઈ શકીએ એટલે વધારે પાણી પી લેવું પણ મુશ્કલી ઊભી કરે છે."
કૃતિ કહે છે કે છ કલાકની શિફ્ટ પછી જ પીપીઈ કિટ ઉતારી શકાય, આ પ્રક્રિયાને 'ડૉફિંગ' કહે છે.

'પીપીઈ કિટમાં બ્લીડિંગ'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, ''જ્યારે પિરિયડ આવે ત્યારે અમારી મુશ્કેલી વધી જતી હોય છે.''
કૃતિ જણાવે છે, "આ એવો સમય હોય છે જ્યારે પીપીઈ કિટમાં હું પરસેવે રેબઝેબ થઈ જતી હોઉં છું, ગૉગલ્સમાં જાણે ધુમ્મસ છવાઈ ગયું હોય અને બ્લીડિંગ થઈ રહ્યું હોય છે."
ક્યારેક તો એવું પણ બન્યું છે કે માસિકમાં લોહીના ડાઘ લાગી જાય તો તેમણે પોતાનાં કોઈ સહકર્મી પુરુષને પોતાનું કામ સોંપીને બહાર આવવું પડ્યું હોય.
આવી પરિસ્થિતિથી બચવા માટે તેમણે ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કર્યું કે 'કેવી રીતે દિવસ દરમિયાન બ્લીડિંગ નિયંત્રણમાં રાખવું?'
કૃતિ કહે છે કે તેમને એક ઉપાય જાણવા મળ્યો જેનાથી તેમને થોડી મદદ મળી છે. એ ઉપાય પ્રમાણે ગરમ પાણીમાં લાંબા સમય સુધી નાહવું જેનાથી પહેલાં જ ઘણું બધું બ્લીડિંગ થઈ જાય.
તેમનું કહેવું છે, "આ ઉપાય પાછળ વૈજ્ઞાનિક તર્ક નથી પરંતુ બીજો કોઈ રસ્તો નથી. પીપીઈ કિટ બનાવતી વખતે કોઈએ માસિક જેવી પરિસ્થિતિનો વિચાર નહોતો કર્યો."

'પીપીઈ કિટ પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે'

હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પીપીઈ કિટને લઈને ચિંતા વધી છે કારણકે પુરુષો અને મહિલાઓ માટે એક જ ડિઝાઇનની પીપીઈ કિટ બનાવવામાં આવે છે જે મહિલાઓને ફિટ નથી થતી હોતી.
કોવિડ-19 મહામારીમાં ફ્રન્ટલાઇન આરોગ્યકર્મીઓ માટે પીપીઈ કિટ સૌથી અગત્યનું હથિયાર છે.
પરંતુ આરોગ્યકર્મીઓનું કહેવું છે કે પીપીઈ કિટની નાની સાઇઝ પણ મહિલાઓ માટે મોટી પડતી હોય છે, આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે વિશ્વમાં આરોગ્યકર્મીઓની સંખ્યામાં 70 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.
જો પીપીઈ કિટ બહુ મોટી હોય તો તે કોરોના વાઇરસ સામે પૂરતું રક્ષણ નથી આપી શકતી અને પહેરનાર માટે પણ તે અગવડતાનું એક કારણ બની શકે છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનની પરામર્શ કમિટીનાં સભ્ય હૅલેન ફિડલર કહે છે, "આ સમસ્યા અત્યારે સામે નથી આવી પરંતુ લગભગ ત્રણ વર્ષથી છે કારણકે પીપીઈ સૂટ અમેરિકા અથવા યુરોપના પુરુષોની સ્ટૅન્ડર્ડ સાઇઝના હિસાબથી બનાવવામાં આવે છે."
યુકે ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (ટીયુસી)ના 2017ના એક શોધ પ્રમાણે 57 ટકા મહિલા આરોગ્યકર્મીઓનું કહેવું છે કે પીપીઈ કિટ ક્યારેક અથવા તો મોટાભાગે તેમના માટે કામમાં અગવડતા ઊભી કરે છે.

'માસ્કની માત્ર બે સાઇઝ'

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર યુકે નહીં પરંતુ વિશ્વમાં અનેક દેશોમાં મહિલા આરોગ્યકર્મીઓ પીપીઈ કિટના ખરાબ ફિટિંગને કારણે મુશ્કેલી અનુભવવાની વાત કરે છે.
સ્ટૅફૉર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના ડૉ અરઘવન સૅલેસ ન્યૂ યૉર્કમાં એક હૉસ્પિટલમાં આઈસીયુમાં તહેનાત છે.
તેઓ કહે છે, "એન-95 માસ્કમાં માત્ર બે જ સાઇઝ હોય છે, આ વિચિત્ર વાત છે. "
તેઓ સવાલ કરે છે, "બીજી કઈ વસ્તુમાં માત્ર બે જ સાઇઝ હોય છે? આ તો જાણે એવું કહેવા માગે છે કે વિશ્વમાં લોકોના ચહેરા માત્ર બે સાઇઝના જ હોય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ સૅલેસ કહે છે કે તેમને સ્મૉલ સાઇઝનો માસ્ક ફિટ થાય છે પરંતુ તે સહેલાઈથી મળતા પણ નથી હોતા.
"એક વખત મારી સાથે કામ કરતાં મારાં સહકર્મીના એન-95 માસ્કની દોરી તૂટી ગઈ- અમને નાની સાઇઝમાં નવી દોરી ન મળી, એટલે તેમને ઘરે જવું પડ્યું. "
ડૉ સૅલેસ કહે છે કે ગ્લવ્ઝ અને ગૉગલ્સના સ્મૉલ સાઇઝ પણ મોટા હોય છે.
"મારા હાથની સાઇઝ છ છે પરંતુ હું 6.5 સાઇઝના ગ્વલ્ઝ પહેરીને કામ કરું છું. અને ગૉગલ્સમાં પ્રૉટેક્ટિવ સીલ હોય છે પરંતુ તે પણ ફિટ થતા નથી."

'ચલાવી લેવું પડે છે'

ઇમેજ સ્રોત, Renata Pietro
કેટલીક જગ્યાએ હજી પણ આરોગ્યકર્મીઓ માટે પીપીઈ કિટની કમીના સમાચાર આવે છે એવામાં મહિલાઓ માટે તેમનાં માટે વિશેષ સાઇઝની પીપીઈ કિટની માગ કરવી, એ થોડું અઘરું થઈ જાય છે.
દિલ્હીના હૉસ્પિટલમાં કામ કરતાં કૃતિ કહે છે, "અમને કહેવામાં આવે છે કે તમે ભાગ્યશાળી છો કે તમને પીપીઈ કિટ મળી છે, એટલે અમે ચલાવી લઈએ છીએ."
સતત કેટલાય દિવસોથી આઈસીયુમાં કામ કરતાં કૃતિને લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાને કારણે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થઈ ગયું છે.
કૃતિનાં કેટલાક સહકર્મીઓને પીપીઈ કિટને કારણે ચહેરા પર ઉઝરડાં અને ચામડી પર ચાંદા પડી ગયા છે.
રેનાટા પિએટ્રો બ્રાઝિલના સાઓ પાઓલોમાં એક હૉસ્પિટલના આસીયુમાં કામ કરે છે.
તેઓ બ્રાઝિલિયન એસોસિએશન ઑફ ક્રિટિકલ કૅયર નર્સિઝનાં સભ્ય પણ છે અને દેશમાં નર્સો સામે આવતી મુશ્કેલીઓના સમાધાન માટે કામ કરે છે.
તેમણે બીબીસીને કહ્યું," મારી ઊંચાઈ પાંચ ફુટ એક ઇંચ છે અને દું દરરોજ આઠથી દસ કલાક સુધી મોટો માસ્ક પહેરીને કામ કરૂં છું. હું સુરક્ષિત રહું તેના માટે મારે કેટલીક વ્યવસ્થા કરવી પડે છે."
રેનાટા ઉમેરે છે, "મારા વાળ લાંબા છે અને તેના કારણે મારી મુશ્કેલી વધી જાય છે, હું માસ્કને સરખો રાખવા માટે તેના સ્ટ્રૅપ પર બૅન્ડ ઍઇડ લગાવું છું. પરંતુ બ્રાઝિલના અન્ય કેટલાક વિસ્તારોમાં મારા સાથીઓને તો માસ્ક પણ નથી મળતા."

'માત્ર આરોગ્ય સેવા નથી'

ઇમેજ સ્રોત, NASA
મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી પીપીઈ કિટની માગ માત્ર આરોગ્ય સેવામાં જ નથી.
વિજ્ઞાન ક્ષેત્રમાં કામ કરતાં મહિલાઓ પણ કહે છે કે તેમને પુરુષોની સાઇઝની પીપીઈ કિટ પહેરવી પડે છે અને તેમની પાસે કોઈ વિકલ્પ નથી હોતો.
2019માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પ્રથમ મહિલા સ્પેસવૉક કાર્યક્રમ એ કહીને રદ કર્યો હતો કે મહિલાઓની સાઇઝના સ્પેસસૂટ ઉપલબ્ધ નહોતાં થઈ શક્યાં.
એક બાયોલૉજિસ્ટ જેસિકા માઉન્ટ્સે બીબીસીને કહ્યું, "પ્રતિનિધિત્વ બધી જગ્યાએ અગત્યનું છે."
તેઓ કહે છે, "જો મહિલાઓએ કપડા અને ઉપકરણો જેવી સાદી વાતમાં મુશ્કેલી વેઠવી પડતી હોય તો આજની મહિલાઓ નવી પેઢીની યુવતીઓ સામે કૅરિયર બનાવવાની દિશામાં કેવી રીતે દાખલો બેસાડી શકશે?"
જેસિકા નદી અને તળાવોનો સર્વે કરતાં હોય છે. તેઓ બધી ઋતુઓમાં નદી અને તળાવોમાં રહેલી માછલીની માત્રા અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે.
તેમનું કહેવું છે કે બધા ઉપકરણો અને પ્રૉટેક્ટિવ ગિયર પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.
તેમનું કહેવું છે કે "આનાથી માત્ર અગવડતા વધે છે એવું નથી આ સુરક્ષામાં ચૂક ઊભી કરી શકે છે. "
"સુરક્ષા માટે પહેરવામાં આવતા પ્રૉટેક્ટિવ ગિયર મોટા હોય તો અન્ય ઉપકરણોમાં ફસાવાનો ડર રહે છે. બૂટ્સ મોટા હોય તો પડી જવાનો ડર રહે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

'ભેદભાવ'

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના મહામારી ફેલાઈ ત્યાર પહેલાં કૅરોલીન ક્રિયાડો-પેરેઝે આ મુદ્દા પર શોધ કરી હતી.
ઇન્વિઝિબલ વિમેન નામનું પુસ્તક લખનારાં કૅરોલીન કહે છે કે જ્યારે ડેટા એકઠો કરવામાં આવે છે ત્યારે મહિલાઓને તેમાંથી બાકાત રાખવામાં આવે છે એટલે આ પ્રકારની વસ્તુઓ મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં નથી આવતી.
તેઓ કહે છે, "ચાકુના ઘાથી બચાવનાર સ્ટૅબ વૅસ્ટનો દાખલો જુઓ, આમાં મહિલાઓની છાતીના ભાગને ધ્યાનમાં રાખવામાં નથી આવ્યો અને તેનાથી મહિલાઓની સુરક્ષા નથી થતી. "
આરોગ્ય સેવાક્ષેત્રમાં પીપીઈની વાત આવે તો ઉપકરણોના ફિટ ટેસ્ટમાં કેટલાં પુરુષોની સરખામણીમાં કેટલાં મહિલાઓને ફિટિંગ ન થયું તે વિશે પૂરતો ડેટા નથી.
તેમનું કહેવું છે, "દાખલા તરીકે યુકેમાં નેશનલ હેલ્થ સર્વિસ મહિલા અને પુરુષોનો અલગઅલગ ડેટા નથી ભેગો કરતી."
તેઓ ઉમેરે છે, "મહિલાઓ અને પુરુષો માટે એક જ સરખી પીપીઈ કિટ હોય છે એટલે મુશ્કેલી ચાલતી આવે છે અને જે મહિલાઓ આની ફરિયાદ કરે છે તેમને આ કિટ કેવી રીતે વાપરવી તેનું પ્રશિક્ષણ પણ નથી મળતું."
કૅરોલીનનું કહેવું છે કે "મહામારીને કારણે વધારે મહિલાઓ આ ફરિયાદ કરતાં થયાં છે. અને આ જાહેર આરોગ્ય સેવાનું મોટું સંકટ છે જેના વિશે બહુ વાત થતી નથી. "
"મહામારી દરમિયાન પીપીઈ કિટની સપ્લાય અને કમીની ચર્ચા થતી આવી છે. પરંતુ મહિલાઓને ફિટ ન થતી પીપીઈ કિટને કારણે થતી સમસ્યા વિશે કોઈ વાત નથી કરી રહ્યું."

'ક્યાં સુધી?'

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન પોતાના હંગામી રહેઠાણ પર રહેતાં કૃતિ પોતાને સકારાત્મક રાખવા માટે ધ્યાન અને કસરતનો સહારો લઈ રહ્યાં છે.
તેઓ કહે છે, "હું હંમેશા યાદ કરતી રહું છું કે આ કામમાં આવવાનું કેમ પસંદ કર્યું હતું. પરંતુ એ પ્રશ્ન હંમેશા મારી સામે આવે છે કે કેટલા સમય સુધી આવું જ ચાલતું રહેશે?"
ઓળખ છુપાવવા માટે નર્સનું નામ બદલી નાખવામાં આવ્યું છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














