ગુજરાતમાં આજથી ઇશ્વર-અલ્લાનાં દર્શન કઈ રીતે થશે?

ધર્મસ્થળ

ઇમેજ સ્રોત, Ani

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં સોમવારથી મંદિર-મસ્જિદો ખૂલી ગયાં છે પણ પ્રાર્થના કરવા કે નમાઝ પઢવા માટે જનારા લોકોને ખાસ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ માર્ગદર્શિકાના ભાગરૂપે જ મંદિરમાં ભક્તોને પ્રસાદ-ભોજન નહીં મળે અને મસ્જિદમાં વજૂ નહીં કરી શકાય. આ ઉપરાંત ધાર્મિક સ્થળોને સૅનેટાઇઝ પણ કરવાં પડશે.

લૉકડાઉન લાગુ થયું એ પહેલાં ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ વીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હતા.

લૉકડાઉનને પગલે મંદિર બે મહિનાથી બંધ હતું. હવે મંદિરને સોમવારથી ખોલવામાં આવી રહ્યું છે. જોકે, મંદિરમાં પહેલાંની જેમ ભક્તો આરતી કે દર્શન કરી શકશે નહીં.

આ અંગે વાત કરતાં અંબાજી મંદિરના ટ્રસ્ટી સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું, "સરકારી ગાઇડલાઇન અનુસાર મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવશે. આ માટે અત્યારથી જ ભક્તોને ઊભા રહેવા માટેનું માર્કિંગ કરી દીધું છે. આ ઉપરાંત મેડિકલ ટીમ પણ અહીં રાખીશું કે જે મંદિરમાં આવનારા ભક્તોના શરીરનું તાપમાન ચેક કરશે. તેમને સૅનેટાઇઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે."

"આ ઉપરાંત અકારણ ભીડ ટાળવા માટે આરતીના સમયે કોઈ પણ ભક્તને પ્રવેશ આપવામાં નહીં આવે. પ્રસાદ અને ભોજનનું વિતરણ પણ નહીં કરવામાં આવે."

સોમનાથ મંદિર પણ સોમવારથી ખૂલી ગયું છે. મંદિરના વહીવટકર્તા વિજયસિંહ ચાવડા જણાવે છે, "દર્શન માટે આવનારા ભક્તોને સૅનેટાઇઝ ટનલમાંથી પસાર થવું પડશે. મંદિરમાં આરતીના સમયે કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. ફૂલ-પ્રસાદી કે અન્ય સામગ્રી લઈને આવનારા ભક્તોએ તમામ સામગ્રી એક નિર્ધારિત જગ્યા પર મૂકવાની રહેશે."

"આ ઉપરાંત ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. ભક્તોએ પોતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડશે. મંદિરમાં જે રેલિંગ બનાવાઈ છે, ભક્તોને એને સ્પર્શ નહીં કરવા દેવાય અને મંદિરમાં પ્રસાદ તેમજ ભોજનની વ્યવસ્થા પણ નહીં કરાય."

line

મસ્જિદમાં કેવી વ્યવસ્થા?

જામા મસ્જિદ

ઇમેજ સ્રોત, Kalpit bhachech

મંદિરો જેવી જ વ્યવસ્થા મસ્જિદોમાં પણ કરવામાં આવી છે. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદના મુફતી શબ્બીર આલમે જણાવ્યું, "આદેશ અનુસાર તમામ મસ્જિદના ફ્લોરને સૅનેટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત નમાઝ પહેલાં હોજમાંથી કરવામાં આવતું વજૂ નહીં કરવા દેવામાં આવે. તમામેતમામને નળના પાણીથી વજૂ કરવાનું રહેશે અને બે નળ વચ્ચે અંતર જળવાઈ રહે એ માટેનું આયોજન કરવાનું રહેશે."

"નમાઝ પઢતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એવી ગોઠવણ કરવામાં આવશે. નમાઝીઓ માટે સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે અને નમાઝ બાદ લોકો ભેગા ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ મામલે ગુજરાતની તમામ મસ્જિદોને જાણકારી આપી દેવાઈ છે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે."

કંઈક આ પ્રકારની જ ગોઠવણ ગુરુદ્વારા દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગોબિંદધામ ગુરુદ્વારાના જ્ઞાની રતનસિંઘજી જણાવે છે, "ગુરુદ્વારામાં આવનારા તમામ ભક્તોએ પહેલાં સૅનેટાઇઝરનો ઉપયોગ કરીને પ્રવેશવાનું રહેશે."

"ગુરુદ્વારામાં દાખલ થતાં પહેલાં તેમનું તાપમાન ચેક કરવામાં આવશે. ગુરુદ્વારામાં સતત કીર્તન પણ નહીં થાય અને ભક્તો માટે સવાર અને સાંજનો અલગઅલગ સમય નક્કી કરવામાં આવશે, જેથી ભીડને ટાળી શકાય. હાલ પૂરતું લંગર અને પ્રસાદની વ્યવસ્થા બંધ રાખવામાં આવશે."

line

આર્થિક ફાયદો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત દેવસ્થાન અને યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલમાં યાત્રાધામની જવાબદારી સંભાળી રહેલા ભાજપના નેતા રાજુ ધ્રૂવ જણાવે છે, "ગુજરાતનો લોકો પહેલાંથી જ શ્રદ્ધાળુ છે અને સૅલ્ફ-ડિસિપ્લિનમાં માની રહ્યા છે. આવા સંજોગોમાં ધાર્મિક સ્થળોને ફરીથી શરૂ કરવામાં જોખમ નથી. વળી, ધાર્મિક સ્થળોમાં સાવચેતીનાં પૂરતાં પગલાં પણ લેવાઈ રહ્યાં છે."

"તમામ ધાર્મિક સ્થળો સરકારી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે તૈયાર રહે. તમામ ધાર્મિક સ્થળો પર સૅનેટાઇઝિંગ થવાનું છે અને મેડિકલ ચેકઅપ પણ થવાનું છે એટલે કોઈ જોખમ દેખાતું નથી."

તેમણે એવું પણ જણાવ્યું કે ગુજરાતના પ્રવાસનનો 15 ટકા હિસ્સો ધાર્મિક સ્થળો મારફતે આવે છે, એટલે ધાર્મિક સ્થળો ખૂલવાથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ આવશે અને ગુજરાતને આર્થિક ફાયદો થશે. આ સાથે જ ધાર્મિક ટૂરિઝમ પર નભતા પરિવારોને પણ ફાયદો થશે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો