કોરોના વાઇરસ : ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાથી સંક્રમણનું જોખમ વધશે?

ઇમેજ સ્રોત, Ani
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો નોંધાતો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના સબસલામતના દાવા વચ્ચે હવે ગુજરાતમાં કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે, એટલે કે દેશમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી 10 ટકા દર્દી માત્ર ગુજરાતમાં જ છે.
અત્યારે જ્યારે કોરોનાની પરિસ્થિતિ પર નિયંત્રણ લેવા સરકાર મથી રહી છે, ત્યારે જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ કૉલેજોને 25 જૂનથી પરીક્ષા શરૂ કરવાની સૂચના આપી દેવાઈ છે. આ સૂચનાને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.
રાજ્ય સરકારની જાહેરાતને પગલે ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી દ્વારા તો 25 જૂનથી પરીક્ષા શરૂ કરવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા ખંડમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ ફાળવી અને ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાની સૂચના આપી છે, તેમજ પરીક્ષા દરમિયાન સંબંધિત પરીક્ષાકેન્દ્ર દ્વારા સૅનિટાઇઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની પણ સૂચના અપાઈ છે.
તેમજ રાજ્ય સરકારે સ્નાતક અભ્યાસક્રમોમાં છેલ્લા વર્ષના અંતિમ સત્રની જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે, જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ અને બીજા વર્ષના અંતિમ સત્રમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરાયુ છે.
જોકે, વિદ્યાર્થીઓ કોરોના વાઇરસની બીકને કારણે 25 જૂનના રોજ પરીક્ષા લેવાના નિર્ણયને અવિચારી ગણાવી રહ્યા છે.


ઇમેજ સ્રોત, Getty Images
વિદ્યાર્થીઓને ભય છે કે આ પગલાંથી રાજ્યનાં મોટાં શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
આ મુદ્દે વાત કરતાં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના અંતિમ સત્રના વિદ્યાર્થી ઉર્વીશ ગજ્જર જણાવે છે, 'હજુ સુધી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો અંગે કોઈ જાહેરાત નથી થઈ, તેમ છતાં રાજ્ય સરકારની ભલામણ પ્રમાણે જો પરીક્ષા લેવામાં આવશે, તો ચોક્કસ પરીક્ષાર્થીઓને કોરોનાની બીક રહેશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'તમામ સાવચેતી જાળવ્યા છતાં પણ ખાનગી વાહનો ન ધરાવનાર વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્રો સુધી પહોંચવા માટે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવો પડશે. જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી.'
'તેમજ પરીક્ષાકેન્દ્રોમાં પણ ઓછી સંખ્યાનો નિયમ કર્યો હોવા છતાં જો એક પણ વિદ્યાર્થીને કોરોના હશે તો તેનો ચેપ લાગવાનો ભય તમામ વિદ્યાર્થીઓન હશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ તેમના ઘરે પણ જવાનું હોય છે. આવી રીતે કોરોનાથી સંક્રમિત થઈને આવેલા વિદ્યાર્થી પોતાના વિસ્તાર અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લગાડી શકે છે. આ પરિસ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે.'
'સરકારે પરીક્ષા લેવી જ જોઈએ પરંતુ તેના માટે આ તારીખ યોગ્ય નથી, તારીખ હજુ વધારે લંબાવવી જોઈએ જેથી વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન થઈ શકે.'
'અથવા જો પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણ બહાર હોય તો તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના અન્ય વિકલ્પો અંગે વિચાર કરવો જોઈએ.'
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી જય મકવાણા પણ આ વાત સાથે સંમત થાય છે.
તેઓ જણાવે છે કે, 'યુનિવર્સિટીમાં ઘણા બહારના વિદ્યાર્થીઓ પણ ભણે છે, જો તેમને પરીક્ષા આપવી હોય તો 25 જૂન સુધીનો સમય નિશ્ચિતપણે ઓછો પડે.'
'વળી, જ્યારે ગુજરાતનાં મોટાં શહેરોમાં પરિસ્થિતિ આટલી ખરાબ છે ત્યારે પરીક્ષાનું આટલું વહેલું આયોજન કોઈના હિતમાં નથી.'
'જો પરીક્ષાકેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝિંગની વાત કરીએ તો જ્યારે હૉસ્પિટલ જેવી સુરક્ષિત જગ્યામાં આ માપદંડો જાળવી નથી શકાતા તો પરીક્ષાકેન્દ્રોમાં આ માપદંડો વડે વિદ્યાર્થીઓની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય.'
'જો 25 જૂને પરીક્ષા યોજવામાં આવે તો ચોક્કસપણે કોરોનાના જે કેસો હાલ વધી રહ્યા છે તેની ઝડપમાં વધારો થવાનો જ છે.'


ઇમેજ સ્રોત, Getty Images
તેમજ તેઓ પરપ્રાંતીય વિદ્યાર્થીઓના મુદ્દા વિશે પણ વાત કરે છે.
તેઓ જણાવે છે કે, 'યુનિવર્સિટીમાં ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી પણ ભણવા આવે છે, જો વિદ્યાર્થીઓને માત્ર 25 જૂન સુધીનો સમય અપાય તો તેમના માટે પાછા આવીને અહીં હોમ ક્વોરૅન્ટિન રહીને પરીક્ષા આપવાનું લગભગ અશક્ય બની જાય.'
જોકે, નોંધનીય છે કે એમ. એસ. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારીને પરીક્ષાની તારીખ 20 જુલાઈ રાખવાનું નક્કી કર્યું છે, તેમજ આ દરમિયાન પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે ઑક્ટોબર માસમાં પરીક્ષા આપવાનો વિકલ્પ ખુલ્લો રખાયો છે.
કોરોના વાઇરસના પ્રસાર અને પરીક્ષાના આયોજન બાબતે વાત કરતાં એમ. એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના જનરલ સૅક્રેટરી રાકેશ પંજાબી જણાવે છે કે, 'એમ. એસ. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કર્યો છે.'
'જો પરીક્ષા આના કરતાં વહેલી યોજવામાં આવી હોત તો ચોક્કપણે કોરોનાની પરિસ્થિતિ પર તેની સીધી અસર પડી હોત.'
'પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓનો પક્ષ જાણવા માટે અમે 5500 વિદ્યાર્થીઓનો સરવે કર્યો હતો, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવી એવો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે અમુક વિદ્યાર્થીઓએ પરીક્ષા ન યોજવી એ વાત પર સંમતિ વ્યક્ત કરી હતી.'
આમ, સરકાર દ્વારા પરીક્ષા યોજવાના આદેશ છતાં ઘણા વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાના સમયને લઈને ભય પ્રવર્તી રહ્યો છે, હવે એ જોવું રહ્યું કે વિદ્યાર્થીઓના ભયના નિરાકરણ માટે સંબંધિત યુનિવર્સિટીઓ અને સરકાર દ્વારા કયાં પગલાં લેવાય છે?


ઇમેજ સ્રોત, Getty Images
સરકાર દ્વારા કૉલેજોની પરીક્ષાની સંભવિત તારીખની જાહેરાતના નિર્ણયની ટીકા કરતાં એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ભરત મહેતા જણાવે છે કે, 'સરકાર અને યુનિવર્સિટીઓએ લૉકડાઉન દરમિયાન નિષ્ક્રિયતા દાખવી કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી, હવે તેઓ 'ન્યૂ નૉર્મલ' કરવાની ઉતાવળમાં આવા નિર્ણયો લઈ રહ્યા છે.'
'લૉકડાઉન દરમિયાન યુનિવર્સિટીઓ અને કૉલેજો સૅનિટાઇઝ નથી કરી, પહેલાં કોરોનાની બીકને કારણે બધું બંધ કર્યું અને હવે પરિસ્થિતિ પૂર્વવત્ બનાવવાની જલદીમાં સરકાર યુનિવર્સિટીની પરીક્ષાઓ ગોઠવવા માગે છે અને સ્કૂલો પણ ચાલુ કરવા માગે છે.'
'વિદ્યાર્થીઓનું જીવન અનમોલ છે અને બધું ફરીથી પહેલાં જેવું કરવાની ઉતાવળમાં આવા નિર્ણયો ન લેવા જોઈએ.'
'સાથે જ પરીક્ષા લેવાય તો પણ શિક્ષકોને તમામ સાધનોથી સજ્જ કિટ આપવી જોઈએ.'
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જગદીશ ભાવસાર પરીક્ષાની સંભવિત તારીખોની જાહેરાત અંગે વાત કરતાં જણાવે છે કે, 'કૉલેજોની પરીક્ષા લેવાના નિર્ણયથી રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ પર કોઈ અસર પડશે નહીં.'
'કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે પરીક્ષાકેન્દ્રોમાં સૅનિટાઇઝિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવશે.'
'તેમજ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવશે. જેથી કોરોનાના પ્રસારની કોઈ સંભાવના ન રહે.'
આ સિવાય એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પરિમલ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, 'પરીક્ષાનું આયોજન અને તેની તારીખો મામલે તમામ નિર્ણય ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જ કરાયા છે.'
'વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને તકેદારીનાં પૂરતાં પગલાં લેવાશે.'
'ત્રણ શિફ્ટમાં પરીક્ષા હોવાથી દરેક શિફ્ટ પછી ક્લાસરૂમ સૅનિટાઇઝ કરાશે, આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાત સિવાયનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે, જો કોઈ વિદ્યાર્થી અહીં પહોંચીને પરીક્ષા ન આપી શકે તો તેમની માટે ઑક્ટોબર-નવેમ્બરમાં ફરીથી પરીક્ષા યોજવામાં આવશે.'

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












