કોરોનામાં અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા નિર્માણક્ષેત્રે REAL સુધારા જરૂરી

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાના કારણે દેશવ્યાપી લૉકડાઉન અમલી બનતાં ભારતના રિયલ એસ્ટેટક્ષેત્રે માગ ઘટી છે, જેને પરિણામે ભાવોમાં 20 ટકા જેટલો ઘટાડો આવી શકે તેમ છે, તેવું હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન (એચડીએફસી)ના ચૅરમૅન દીપક પારેખે કહ્યું હતું.

આ ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટ ડેવલપરોને કોરોનાની કટોકટીમાં ખર્ચાળ ધિરાણ તરફ જવાને બદલે રિયલ એસ્ટેટ માર્કેટને પુનઃ ધબકતું કરવા અત્યારે નહીં વેચાયેલી પ્રૉપર્ટીઓના ભાવ ઘટાડી વધેલી ઇન્વેન્ટરીને વેચવી જોઇએ તેવું કહ્યું હતું.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમૅન્ટ કાઉન્સિલ (નરેડકો) દ્વારા આ વેબિનાર યોજાયો હતો, તેમાં રિયલ એસ્ટેટ ડેવલપરોને સંબોધતાં દીપક પારેખે કહ્યું હતું કે રિયલ એસ્ટેટના ભાવો ઘટવા જોઈએ અને ઘટશે તેવું તેમનું માનવું છે.

નરેડકોનો રિયલ એસ્ટેટના ભાવો 10થી 15 ટકા ઘટવા જોઈએ તેવો અંદાજ છે. આથી આગળ વધી દીપક પારેખે રિયલ એસ્ટેટક્ષેત્રે ભાવમાં 20 ટકા સુધી ઘટાડા માટે તૈયાર રહેવું જોઇએ તેવું કહ્યું હતું.

આફતમાં અવસર

આ સંજોગોનો લાભ લઈ જે લોકોની આવક સુરક્ષિત છે તેવા લોકો માટે ઘર ખરીદવા માટેની સારી તક મળશે.

રિયલ એસ્ટેટને લોકો રોકાણ તરીકે પણ ગણે છે, તે જોતાં આ ક્ષેત્રે ભાવો ઘટતાં સારા રોકાણકારો આગળ આવશે.

એક અંદાજ મુજબ, રોકાણકારો વિશ્વભરમાં બૉન્ડ અને શૅર કરતાં રિયલ એસ્ટેટમાં રોકાણ વધારે વળતર આપે છે. ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં રોકાણકારો શૅર, બૉન્ડ અને સોના કરતાં રિયલ એસ્ટેટમાં રોકાણ વધુ કરે છે.

ભારતીય અર્થતંત્રનો ઓછો વિકાસ અને ફુગાવાને કારણે છેલ્લા ત્રણ વરસથી મંદીના વમળમાં રિયલ એસ્ટેટક્ષેત્ર ફસાયું છે. તદ્ઉપરાંત સરકારે બે નંબરની સંપત્તિથી રિયલ એસ્ટેટની ખરીદી ઉપર બ્રૅક મારતાં તેની અસર જમીન-મકાનનાં ખરીદ-વેચાણ ઉપર પડી.

આ બધાં કારણોને લીધે રિયલ એસ્ટેટમાં એકદમ મંદી આવી ગઈ છે. એક આંકડા મુજબ, જુદા-જુદા શહેરોમાં હજારોની સંખ્યામાં મકાન રેડી પઝેશનની હાલતમાં છે, છતાં પણ કોઈ ખરીદદાર નથી.

આથી, રિયલ એસ્ટેટ ડેવલપરોએ વેચાણ માટેની ઘણી આકર્ષક ઑફર્સ આપી છે, છતાં પણ ગ્રાહક સાથેની ડીલ ક્લોઝ કરવાનો રેશિયો ખૂબ ઓછો છે.

દેશના બજારોમાં નાણાકીય તરલતાનો પ્રશ્ન છે અને વ્યવસાય અને ઉદ્યોગો ઉપર લૉકડાઉનની અસર જોવાઈ રહી છે. વળી, શૅરબજારમાં વિદેશી અને સ્થાનિક રોકાણકારો પોતાની મૂડીને સુરક્ષિત રાખવા જુદા-જુદા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે, ત્યારે રિયલ એસ્ટેટક્ષેત્ર, જો ભાવ ઘટાડી આકર્ષણ ઊભું કરે, તો જ આગામી છ મહિનામાં માગમાં વધારો થઈ શકે અને રિયલેસ્ટેટને ફરીથી બેઠું કરી શકાય.

'પાયા'ની સમસ્યાઓ

સરકારે મર્યાદિત સમયગાળા માટે સ્ટૅમ્પ-ડયૂટી માફ કરવાની વાત કરી છે, તેને કારણે પણ રિયલ એસ્ટેટની માગમાં વધારો થઈ શકે તેમ છે. આ ઉપરાંત સમયાંતરે રેડી રેકનર દરોની પણ સમીક્ષા થવી જોઈએ.

આર્થિક, લિવરેજ રેશિયો, ઓછી નાણાકીય તરલતા અને બાંધકામક્ષેત્રે આપેલી લૉનો ડૂબતાં બૅન્ક એન.પી.એ.માં (નૉન પર્ફૉર્મિંગ એસેટ) વધારો જેવાં કારણો રિયલ એસ્ટેટની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે.

આ બધી બાબતોમાંથી ઉકેલ શોધવા સરકારે સામાન્ય લોકોને પોષાય તેવાં એફૉર્ડેબલ હાઉસિંગ માટે રાહતો જાહેર કરી છે. ખાનગી રિયલ એસ્ટેટ ડેવેલોપર્સની તકલીફો આમ છતાંય વધી છે.

કોરોના મહામારીને કારણે ચાલુ વરસે દેશમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ઉપર નકારાત્મક અસર પડશે. નાણાકીય વરસ 2019-20 તેમજ 2020-21માં માગમાં સારો એવો ઘટાડો નોંધાવાની શકયતા છે.

"રિયલ એસ્ટેટમાં ભાવ ઘટી રહ્યા છે, ત્યારે ડેવલપરો સારું વળતર મેળવવાની ઇચ્છાથી હાઈલિવરેજનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે તે ખતરનાક સાબિત થઈ શકે છે. આને બદલે મૉરેટોરિયમનો ઉપયોગ કરવો હિતાવહ છે," તેમ પારેખે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે ડેવલપરોને માત્ર ચાલુ પ્રોજેકટો પૂર્ણ કરવા પર ધ્યાન આપવા કહ્યું હતું.

અત્યારે બૅન્કોનાં લૉનનાં ધોરણો ઉદાર છે, તો પણ લોકો પોતાનું ઘર ખરીદવાનું ટાળી રહ્યાં છે. આની પાછળનું મુખ્ય કારણ આટલાં બધાં નાણાં ક્યાંથી લાવવા તેની ચિંતા છે. આથી કેટલાંય મકાનો વેચાયા વગરનાં ખાલી પડ્યાં છે.

'પાયા'માં અનેક રોજગાર

કેન્દ્ર સરકારે પણ રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે, પરંતુ ચોક્કસ પરિણામ હજી સુધી મળી રહ્યું નથી. રિયલ એસ્ટેટ લાંબા ગાળાની મંદીમાં સપડાયું છે, જે અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે.

રિયલ એસ્ટેટનું ક્ષેત્ર સિમેન્ટ, સ્ટીલ, સિરામિક જેવા ઉદ્યોગો ઉપરાંત સિવિલક્ષેત્રે કામ કરતા ઇજનેરો, સિવિલ ડ્રાફ્સ્મૅન તેમેજ અન્ય લોકોને રોજગારની તકો પૂરી પાડે છે.

કોરોના પહેલાં ય દેશ મંદીમાં સપડાયેલો હતો. લોકો પોતાની બચત ટૂંકા ગાળા માટે કરતા થયા હતા અને ખપ પૂરતાં જ પૈસા વાપરતા એટલે કે પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી ખરીદી કરતાં.

આમ થવાથી દેશમાં જમીન મકાન અને વાહનોની ખરીદી ઉપર બ્રૅક વાગી અને તેથી બિલ્ડરોએ આકર્ષક સ્કીમો અને પ્રલોભનો આપવા છતાં લોકો ઘર ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકાયા નહીં.

નોટબંધી અને જી.એસ.ટી. (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ને કારણે સમગ્ર અર્થવ્યવસ્થા પરની અસર થઈ અને લોકોના હાથ ઉપર જે નાણાં રહેતાં તે ગાયબ થઈ ગયાં.

કેટલાય લોકોએ રોજગારી ગુમાવી અને બજારમાં એક અસુરક્ષાની લાગણી ઊભી થઈ. નવા રોકાણનું જોખમ લેવા કોઈ તૈયાર નહોતું.

નોટબંધી અને GST

રિયલ એસ્ટેટએ પૅરેલલ ઇકૉનૉમીનો એક મહત્વનો હિસ્સો ગણાતું, જ્યારે તેજી હોય ત્યારે ખેતી પછી આ ક્ષેત્ર મહત્વનુ ગણાતું અને જેનાથી આર્થિક વિકાસને વેગ મળતો, પરંતુ નોટબંધી પછી આ ક્ષેત્રે રોકાણ ઘટતાં રિયલ એસ્ટેટ મંદીમાં ફસાયું.

સાથે-સાથે અર્થતંત્રની હાલત પણ ડામાડોળ થઈ ગઈ.

બૅન્કોની હાલત વધતાં જતાં એનપીએને કારણે નાજુક બની અને તેમાં ડિફોલ્ટર્સ વધવા લાગતાં બૅન્કિંગક્ષેત્રે મુસીબત વધતી ગઈ.

આમ રિયલ એસ્ટેટની મંદી પ્રવર્તી રહી હતી, ત્યાં કોરોના સંક્રમણે પડતા ઉપર પાટું મારી તેને વધારી દીધી છે.

અત્યારે આ ક્ષેત્રે વેચાણ વધારવા ભાવઘટાડા સાથે સરકાર જો સ્ટૅમ્પડ્યૂટીમાં મુક્તિ આપે તો રિયલ એસ્ટેટ ફરીથી બેઠું થાય.

કોરોના સંક્રમણ પછી રિયલ એસ્ટેટક્ષેત્રે 20 ટકા ભાવ ઘટે અને સ્ટૅમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ મળે તો કઈક અંશે ગતિ મળે તેમ છે.

આશાનું વાવેતર

સરકારે અને રિયલ એસ્ટેટક્ષેત્રના અગ્રણીઓએ સાથે બેસી આનો યોગ્ય ઉકેલ લાવે તો અર્થતંત્ર ફરી ધબકતું થાય અને રોજગારી પણ વધે.

ભારત માટે સારા સમાચાર એ છે કે કોરોના પછી પણ દેશ આર્થિકવિકાસ બાબતે ઘટેલા દરે પણ પૉઝિટિવ વિકાસદર ટકાવી રાખશે. આ સાથે સેવા ક્ષેત્ર અને નવા સ્ટાર્ટ-અપ્સ દેશને નવી દિશા આપશે.

ખેત ઉત્પાદન ક્ષેત્રે રબીપાક સારો થયો હોવાથી ખેડૂતોને પાકના ભાવ સારા મળી રહેશે, તો તેની ગ્રામીણ અર્થતંત્ર પર સારી અસર થશે. આમ સરવાળે રિયલ એસ્ટેટક્ષેત્રે પણ બે-એક વરસમાં રૂખ બદલાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો