કોરોના વાઇરસ : પપ્પા બર્થડે પાર્ટી આપવાના હતા પણ એમને કોરોના થઈ ગયો- પોલીસપુત્ર

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મારી 20મી વર્ષગાંઠે મારા પપ્પા મને સરપ્રાઇઝ પાર્ટી આપવાના હતા, પણ એમને કોરોના થયો અને અમે બધા હવે હોમ ક્વૉરેન્ટીન થઈ ગયા છીએ.'

આ શબ્દો છે અમદાવાદના ખાડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીયૂષ સોલંકીના મોટા દીકરા જયનમ સોલંકીના.

જયનમ જેવા કેટલાય પોલીસના દીકરા-દીકરીઓ હશે કે જે પોતાના સારા-માઠા પ્રસંગે પિતાની રાહ જોઈ રહ્યા હશે, કારણ કે ગુજરાતમાં ફન્ટલાઇન પર લડનારા પોલીસના 23 જવાનોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી અમદાવાદના 21 પોલીસ કર્મચારીઓ છે.

આ 21માંથી એક છે અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પીયૂષ સોલંકી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધારે કેસો કોટવિસ્તારના છે.

પોલીસકર્મીનો પરિવાર હોમ ક્વૉરેન્ટીન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પીયૂષ સોલંકીને બે દીકરા છે. સતત નોકરીમાં બહાર રહેવાને કારણે એમના દીકરાઓની બર્થડે ઊજવી શકતા નહોતા.

આ વખતે રાજકોટમાં ઑટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ભણતાં એમના મોટા દીકરા જયનમ એમની સાથે અમદાવાદ હતા.

આ 25મી એપ્રિલે એમનો જન્મદિવસ છે. જયનમ 19 વર્ષ પૂરા કરીને 20માં પ્રવેશવાના છે.

દીકરાઓ સાથે લાંબો સમય નહીં કાઢી શકનાર પોલીસ ઇન્સ્પેક્ટર પીયૂષ સોલંકીએ નક્કી કર્યું હતું કે આ વર્ષે એ પોતાના દીકરાને બર્થડે પર એક સરપ્રાઇઝ પાર્ટી આપશે, પણ એ હવે શક્ય નહીં બને, કારણ કે પીયૂષ સોલંકીને કોરોના પૉઝિટિવ આવતાં એ હૉસ્પિટલમાં છે અને એમનું આખુંય ઘર હોમ ક્વૉરેન્ટીન થઈ ગયું છે.

'કોઈ લક્ષણ નહોતા, છતાં કોરોના પૉઝિટિવ'

ખાડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીયૂષ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારા પોલીસ સ્ટેશનનો વિસ્તાર કોરોનાથી સંક્રમિત વિસ્તાર છે. આ વિસ્તાર ઘણો ગીચ છે અને અહીં બજારો પણ ઘણી છે. અમારા વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર થયો પણ લોકો કર્ફ્યૂનું પાલન કરતા નહોતા એટલે અમે થોડી સખ્તાઈથી કર્ફ્યૂનું પાલન કરાવતા હતા."

"અહીંના દાણાપીઠ વિસ્તારમાં લોકો બહુ બહાર આવતા હતા. મારા પોલીસ કૉન્સ્ટેબલ સાથે હું પણ ચેકિંગ પૉઇન્ટ પર હાજર રહેતો હતો. અમે લોકોને સમજાવતા હતા, જરૂર પડે એમને ડિટેઇન પણ કરતા હતા. સાંજે અમે દિવસભરની કામગીરીની ચોપડામાં ઍન્ટ્રી કરતા હતા. આ દિવસોમાં 14મી તારીખે મારા પોલીસ સ્ટેશનનાં એક મહિલા સહિત બીજા ત્રણ કૉન્સ્ટેબલને તાવ અને શરદી-ખાંસીનાં લક્ષણો દેખાયાં. એ દિવસથી અમે કાગળ પર કોઈ કાર્યવાહી કરવાનું બંધ કર્યું અને તાત્કાલિક અમારા પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરાવ્યા."

તેઓ વધુમાં કહે છે, "આ ટેસ્ટનાં રિઝલ્ટ આવવાનાં હતાં ત્યાં મને થયું કે મારા તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ થવો જોઈએ, કારણ કે પોલીસ સ્ટેશનમાં બધા સાથે કામ કરતા હતા. એટલે આરોગ્ય વિભાગને કહી અમે 16 તારીખે બધાના ટેસ્ટ કરાવ્યા. મને કોઈ પણ લક્ષણ નહીં હોવા છતાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો."

"ત્યારબાદ હું સતત આરોગ્ય વિભાગના સંપર્કમાં હતો. કોઈએ ગઈ કાલ એટલે કે 19 તારીખ સુધી જવાબ ના આપ્યા. સાંજે મેં ફોન કરીને રિપોર્ટ વિશે પૂછ્યું તો એમણે કહ્યું કે નૅગેટિવ હશે ચિંતા ના કરો. વધુ લીંબુ પાણી પીવો કંઈ નથી. અચાનક રવિવારે રાત્રે સાડા નવ વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી મને ફોન આવ્યો કે તમને કોરોના પૉઝિટિવ છે."

મેં સરકારી એમ્બ્યુલન્સ માટે ફોન કર્યા. અઢી કલાકે એમ્બ્યુલન્સ આવી અને મને હૉસ્પિટલમાં લઈ આવ્યા.

ઇન્સ્પેક્ટર પીયૂષ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મને એસ.એસ.પી. હૉસ્પિટલ લાવ્યા ત્યારે મને 25 લોકોનાં કૉમન જનરલ વોર્ડમાં દાખલ કર્યો હતો. મેં આ અંગે અમારા ઉપરી અધિકારીને ફોન કર્યા. અમારા વિસ્તારના કૉર્પોરેટરને ખબર પડી એટલે એમણે મને સ્પેશિયલ રૂમમાં મોડેથી મૂક્યો છે.

પોતાને મળી રહેલી ટ્રિટમેન્ટની વાત કરતાં ઇન્સ્પેક્ટર સોલંકી કહે છે કે "સવારથી ડૉક્ટર આવે છે. મને સવારે નાસ્તામાં બટાકાપૌવા આપ્યા અને દવા આપી છે. કોઈ બાટલા ચઢાવ્યા નથી કે ઇન્જેક્શન આપ્યાં નથી. બપોરે જમવાનું મળ્યું છે. અત્યારે જમ્યા પછીની દવા લીધી છે. મારા બધા ટેસ્ટ થયા છે. સદનસીબે નામેય ડાયાબિટીસ કે બલ્ડપ્રેશરની બીમારી નથી એટલે ડૉક્ટરનું કહેવું છે કે હું ઝડપથી સાજો થઈ જઈશ."

'ખબર નથી કેવી રીતે ચેપ લાગ્યો'

પોતાને લાગેલા કોરોનાના ચેપ વિશે એમની પાસે નક્કર માહિતી નથી.

ઇન્સ્પેક્ટર સોલંકીનું કહેવું છે કે અમે ભીડવાળા વિસ્તારમાં કર્ફ્યૂનું પાલન કરાવતા એ સમયે અથવા લોકોને ડિટેઇન કરીને ગાડીમાં લઈ જતા હતા તે સમયે ચેપ લાગ્યો હોઈ શકે અથવા અમે સાંજે દિવસમાં જે કામગીરી કરી એનો રિપોર્ટ બનાવતા એ વખતે ચેપ લાગ્યો હોય એવું પણ બને.

"પણ મને કોઈ તાવ-શરદી- ઉધરસ જેવું કંઈ નહોતું. પોલીસની ગાડીમાં લોકોને લઈને જઈએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ના હોય અને એના કારણે પણ ચેપ લાગ્યો હોય એવું બને. હું એટલું જરૂર કહીશ કે આ હુલ્લડનો સમય નથી એટલે ફ્ર્ન્ટલાઇન પર રહેતા પોલીસકર્મીઓએ સાવચેતી રાખવી જોઈએ."

'ઘરમાં હોવા છતાં પપ્પાને જોયા નથી'

ઇન્સ્પેક્ટર સોલંકીના દીકરા જયનમ અત્યારે હોમ ક્વૉરેન્ટીન છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે પપ્પાની નોકરીને કારણે મારા બર્થડે ઉજવાતો નથી. પપ્પાને રજા હોય ત્યારે અથવા હું અમદાવાદ હોઉં ત્યારે એ સરપ્રાઇઝ બર્થડે ઊજવે.

"આ વખતે કોરોનાને કારણે એ મોડી રાત્રે ઘરના પાછળના દરવાજેથી આવે. અને કપડાં બદલી નાહી-જમીને સૂઈ જાય. અમે સવારે ઊઠીએ એ પહેલાં નીકળી જાય. એમના રૂમમાં કોઈને પણ જવાની મનાઈ હતી. એટલે અમે કોઈએ 14 તારીખથી પપ્પાને જોયા જ નથી."

"ગઈ કાલે રાત્રે એ એમ્બ્યુલન્સમાં ગયા ત્યારે મમ્મીએ અમને કીધું કે એમને કોરોના છે. અમારા ઘર પર પપ્પાએ પોલીસ ઇન્સ્પેક્ટરનું પાટિયું પણ નહોતું લગાવ્યું. હવે આજે હેલ્થ ખાતાવાળા લાલ રંગનું પાટિયું લગાવીને ગયા છે. અમને હોમ ક્વૉરેન્ટીન કર્યા છે પણ હજુ સુધી અમારો કોરોનાનો ટેસ્ટ થયો નથી."

જયનમ વધુમાં કહે છે, "આ વર્ષે મારી ઇચ્છા હતી કે મારો 20મો બર્થડે પપ્પા સાથે મનાવું પણ એ હૉસ્પિટલમાં છે અને મારે મારા નાના ભાઈ અને મમ્મીનું ધ્યાન રાખવાનું છે. મમ્મી સતત પ્રાર્થના કરે છે કે પપ્પા જલદી ઘરે પરત આવે અને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે પપ્પા જલદી પરત આવે."

ગુજરાતમાં 23 પોલીસ કર્મચારીઓને ફરજ બજાવતા કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

જયનમ જેવા કેટલાય પોલીસના પરિવારો એમનાં સગાં પરત આવે એવી દુવા કરતા હશે, કેમ કે બીજા 41 પોલીસકર્મીઓને હોમ ક્વૉરેન્ટીન કર્યા છે.

એમના કોરોનાના રિપોર્ટ લેવાયા છે, પણ પરિણામ આવ્યાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો