You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન 2.0 : ભારતમાં લાખો એકમ બંધ થવાની અને કરોડો નોકરી જવાની આશંકા
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોનાને કારણે લૉકડાઉન અમલી બનતાં વિશ્વ આર્થિકમંદીની ચપેટમાં આવી ગયું છે. ભારતમાં પણ ઉદ્યોગધંધા લૉકડાઉનને પગલે બંધ છે.
વડા પ્રધાને બીજા તબક્કામાં 3જી મે સુધીનું લૉકડાઉન જાહેર કર્યું.
જે ક્ષેત્રોમાં કોરોના સંક્રમણ ઓછું છે, તેવા ક્ષેત્રોમાં 20મી એપ્રિલ પછી ક્રમવાર સીમિત ક્ષેત્રોમાં લૉકડાઉન હઠાવશે, જેથી વાહનવ્યવહાર તથા ધંધારોજગાર ફરી ધબકતાં થાય.
સાથે-સાથે માસ્ક પહેરવું, એકબીજા સાથે અંતર રાખવું, હાથ ન મિલાવવા જેવા નિયમો તો ચાલુ જ રહેશે.
જો સંક્રમણ વધતું જણાશે તો ફરી પાછું લૉકડાઉન લાગી શકે છે, એમ વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું અને હાલ પૂરતું લૉકડાઉન પૂર્ણપણે હટે તેવું લાગતું નથી.
નિકાસકારોને નુકસાન
લૉકડાઉન અંગે ઉદ્યોગજગત ચિંતાતુર છે. ખાસ કરીને નિકાસકારોને ચિંતા સતાવી રહી છે કે ભારત માટેના તેમના પરંપરાગત બજારોમાં બીજા દેશો (ખાસ કરીને ચીન) નિકાસ કરતા થશે, તો ભારતના નિકાસકારોને ભારે નુકશાન થશે.
ચીનના વુહાન અને અન્ય ઔદ્યોગિક ઝોનમાં એકમો ફરી ધમધમતાં થશે અને તેમાં મોટેભાગે નિકાસ કરતાં એકમો પોતાનાં ઉત્પાદન વિશ્વબજારમાં ઠાલવશે અને ધીરેધીરે પોતાનું વર્ચસ્વ પુનઃપ્રસ્થાપિત કરી લેશે તેવી ભીતિ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)એ વ્યક્ત કરી છે.
ઔદ્યોગિક એરિયાને ક્વોરૅન્ટીન ઝોનમાં ફેરવી દેવાના વિચારને સી.આઈ.આઈ. એ ટેકો આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપ્રિલ-જૂન નિકાસકારો મહત્વનો સમય ગણાય છે, ત્યારે ભારતના નિકાસ બજારનો હિસ્સો અન્ય દેશો ખેંચી જાય તે પોષાય તેમ નથી, એમ એન્જિનિયરિંગ ઍકસ્પૉર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનું પણ કહેવું છે.
દેશની કુલ નિકાસમાં એન્જિનિયરિંગ ઉત્પાદનોનો હિસ્સો 25 ટકા, જ્યારે એપરલ 15 ટકાનો ભાગ ધરાવે છે.
વિદેશના આયાતકારો જતા ન રહે તેમ માટે કોઈ ઉપાય સરકારે વિચારવો પડશે.
વિષચક્રમાં વૃદ્ધિદર
વૈશ્વિક બ્રોકરેજ કંપની યુ.બી.એસ.ના મત મુજબ, લૉકડાઉન લંબાશે, તો ભારતમાં આર્થિકક્ષેત્રે અસ્થિરતા વધશે.
જેથી આગામી ઑગસ્ટ કે સપ્ટેમ્બર મહિના સુધી બજારમાં અસ્થિરતા રહેશે તેવી શક્યતા છે. આ સંજોગોમાં કંપનીઓની નફાકારકતા પણ ઘટશે એવું મનાય છે.
લૉકડાઉન લંબાય તો દેશનો આર્થિક વૃદ્ધિદર ઘટીને તળિયે પહોંચી જશે.
શૅરબજારમાં અત્યારે ઔદ્યોગિકક્ષેત્રે અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, એનો ભય જોવાઈ રહ્યો છે.
ઉદ્યોગજગતના ઍસોસિયેશનો પણ સરકારનું આ બાબતે ધ્યાન દોરી રહ્યા છે.
એસોચેમે (ASSOCHAM) સૂચવ્યું છે કે વેપાર અને ઉદ્યોગનાં કેટલાંક પસંદગીનાં ક્ષેત્રો, જેવાં કે રિટેલ, આવશ્યક ઉત્પાદનો, મોટાં બાંધકામો અને માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારે સૂચવેલા અન્ય સાવચેતીનાં પગલાંનું કડક પાલન સાથે કામગીરી ચાલુ રાખવાની મંજૂરી હોવી જોઈએ.
આમ કરવાથી ભારતીય ઉદ્યોગો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેને ઘટાડવામાં મદદ કરશે.
દેશમાં અત્યારે આવશ્યક ચીજોનું ઉત્પાદન કરતાં એકમો અને ટ્રાન્સપૉર્ટેશન થકી લૉકડાઉનની આજની સ્થિતિમાં પણ આ સેવાઓ સારી રીતે પૂરી પડાઈ રહી છે.
કેસો નિયંત્રિત પણ...
આ માટે રાજ્ય સરકારો અને સંબંધિત હેલ્થ સૅક્ટર અને હેલ્થ સેવાઓને અભિનંદન આપવા જોઈએ, પરંતુ હવે જ્યારે એક બાજુ કેસ વધી રહ્યા છે અને લૉકડાઉન પણ વધુ 19 દિવસ વધારી દેવાયું છે, ત્યારે મોટા ભાગનાં એકમો બંધ થવાને કારણે આર્થિક નુકસાનીમાં વધારો થઈ રહ્યો છે અને બેરોજગારીનું જોખમ વધી ગયું છે.
જો કે કોરોનાને કાબુમાં લેવા સરકારે વિવિધ નિયંત્રણો યુદ્ધના ધોરણે અમલી બનાવ્યાં છે અને અત્યાર સુધી કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવામાં દેશ સફળ થયો છે, તે જોતાં આપણે અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવાની તૈયારી કરવી જ જોઇએ.
એસોચેમે સરકારને કહ્યું છે, "ભારતને ફરીથી બેઠો કરવા 300 અબજ ડૉલરની જરૂર પડશે." "લૉકડાઉન ખુલ્યા પછી તરત જ બજારોમાં 40 થી 50 કરોડ ડૉલર પંપ કરવા પડશે અને જો એવું થશે તોજ આર્થિક તંત્ર થોડું સ્થિર રહી શકશે.""સરકાર સામે અનેક પડકારો છે. જો અને તો વચ્ચે લૉકડાઉનનો મામલો અટવાયેલો છે."
ફિક્કી (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી- FICCI)એ પણ લૉકડાઉન હઠાવવા સરકારને અનેક સૂચનો કર્યાં છે.
ફિક્કીના મત મુજબ, સરકારે લૉકડાઉનને ધીમે-ધીમે હટાવવું જોઈએ. જોકે કૉલેજો અને શાળાઓ તો બંધ જ રાખવી જોઈએ.
જે જિલ્લાઓમાં કોરોનાના કેસ નથી નોંધાયા, ત્યાં લૉકડાઉન હઠાવવું જોઈએ અને મજૂરોને કામ ઉપર આવે તે માટે પ્રેરિત કરવા જોઈએ.
અમુક પ્રમાણમાં સ્ટોર ખોલવા, ઈ-કૉમર્સ અને ઘરેલું વિમાનીસેવા મર્યાદિત પ્રમાણમાં શરૂ કરવી જોઈએ.
ફિક્કીએ વધુમાં સૂચવ્યું છે કે અમુક નિયંત્રણો સાથે વાહનવ્યવહારને છૂટ આપવી જોઈએ. રેલવે પણ શરૂ કરવી જોઈએ, એવાં સૂચનો ફિક્કીએ સરકારને કર્યાં છે.
લાખો એકમ બંધ, કરોડો બેરોજગાર
ગ્લોબલ ફૉરમ ફૉર માસ આંત્રપ્રિન્યૉરશિપના ચૅરમૅન રવિ વેંટકેશને જણાવ્યું:
"જો દેશમાં લૉકડાઉન ચાર અઠવાડિયાથી આઠ અઠવાડિયા લંબાય તો કુલ એસ.એમ.ઈ. (સ્મોલ ઍન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રી)ના 25 ટકા એટલે કે લગભગ 1.7 કરોડ એકમ બંધ થઈ જશે."
"દેશમાં 6.9 કરોડ એમ.એસ.એમ.ઈ. (માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટર્પ્રાઇઝ) એકમો છે."
"વેંટકેશને ઉમેર્યું હતું કે, "એમ.એસ.એમ.ઈ.ના પ્રત્યેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ શકે છે."
"પાંચ કરોડ લોકોની નોકરી આપનાર હોટલ ઉદ્યોગમાં લગભગ એક કરોડ 20 લાખ નોકરી જઈ શકે છે."
"ત્યાં જ ચાર કરોડ 60 લાખ લોકોને રોજગારી પ્રદાન કરાનારા છૂટક ક્ષેત્રમાં એક કરોડ 10 લાખ લોકોની નોકરી જઈ શકે છે."
આમ ભારતીય ઉદ્યોગ અત્યારે દ્વિઘાની સ્થિતિમાં છે.
જો ઔદ્યોગિક ક્લસ્ટરને ક્વોરૅન્ટીન કરીને શરૂ કરવામાં આવે તો તે સારી બાબત હશે, પરંતુ આ ક્યારે શક્ય બનશે તે કહી શકાય નહીં.
અત્યારે દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે આપણે અન્ય દેશોની જેમ આર્થિક નુકશાની ભોગવીને પણ કોરોનાને કાબુમાં લાવવા પ્રયત્નશીલ બનવું પડશે.
કોરોના માટે હજુ કોઈ દવા કે રસી શોધાઈ નથી, ત્યારે લૉકડાઉન એક માત્ર ઉપાય છે. ઝડપી પરીક્ષણો હાથ ધારવાથી કોરોનાના કેસોને અલગ તારવી શકાય અને તેનો પ્રસાર રોકી શકાય તેમ છે.
રસ્તો તો છે...
આ અંગે જાણીતા પબ્લિક હેલ્થ ઍક્સ્પર્ટે પોતાના લેખમાં એવું સૂચન કર્યું છે કે સરકાર જે જિલ્લામાં કેસ ન નોંધાયા હોય તે જિલ્લામાં 300 થી 800 ઉપર કોરોના ટેસ્ટ એવા લોકો ઉપર કરવા જોઈએ કે જે લોકો પહેલાંથી જ ફેફસાં સંબંધિત રોગો (સિવિયર ઍકયુટ રૅસ્પિરેટરી ઈલનેસ, SARI) કે સામાન્ય ફ્લૂથી સંક્રમિત છે.
જો આ બધાજ લોકોના ટેસ્ટ રિપોર્ટ નૅગેટિવ આવે, તો તે જિલ્લામાંથી લૉકડાઉન હઠાવી દેવું જોઈએ.
આવા દસેક જિલ્લા પસંદ કરી ટેસ્ટ કરીએ તો તેનો જિલ્લાવાર ખર્ચ 20 લાખ જેટલો આવે.
આવું કરવાથી દેશના 50 થી 60 ટકા ડિસ્ટ્રિક્ટ અને ટાઉનમાંથી લૉકડાઉન ઉઠાવી શકાશે અને આ વિસ્તારો ફરીથી આર્થિક પ્રવૃત્તિથી ધમધમતાં થશે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
આવા જિલ્લામાં ટ્રાન્સપૉર્ટ સાથે સંકળાયેલા બધા ડ્રાઇવર અને ક્લિનરનું હેલ્થ વર્કર્સ દ્વારા સ્કેનિંગ થવું જોઈએ અને લૉકડાઉનમાંથી મુક્ત થયા પછી પણ લોકોએ માસ્ક, સૅનિટાઇઝર્સનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ અને શરદી, ખાંસી કે તાવ આવે તે કિસ્સામાં તુરંત જ નજીકના હેલ્થ સેંટરનો સંપર્ક કરવો જોઈએ.
જો આ ઍપ્રોચ જો અમલી બનાવાય, તો દેશના 600 મિલિયન લોકોને તેમાં રાહત મળે અને તેઓ રોજીરોટી કમાઈ શકે. જે શહેર કે જિલ્લામાં કેસ વધી રહ્યા છે, તે જિલ્લાઓ માં લૉકડાઉન ચાલુ રાખવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો