કોરોના વાઇરસ : ગુજરાતમાં 1939 કેસ, દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ત્રીજા ક્રમે

રોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં સોમવારે પાંચ વાગ્યા બાદ કુલ 93 નવા કેસો અને ચાર મરણ નોંધાયાં. જ્યારે 25 દરદીઓ સાજા થઈ ગયા.

જે નવા કેસો નોંધાયા એમાં અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસોનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1939 થઈ ગઈ છે. જે દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા ક્રમે છે.

વિભાગના આંકડા એવું પણ જણાવે છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 4212 પરીક્ષણ કરાયાં. જેમાંથી 196 લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. અત્યાર સુધી રાજ્યમાં 33,316 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

અત્યારે રાજ્યમાં સૌથી વધુ પૉઝિટિવ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ દરદીઓની સંખ્યા 1248 છે. એ બાદ વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23 દરદીઓ છે.

પાંચ વાગ્યા પહેલાંની અપડેટ

દેશ અને દુનિયામાં કોરોના વાઇરસના કોપ વચ્ચે ભારતમાં 16 હજાર કરતાં વધુ લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે, જ્યારે પાંચસોથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દરમિયાન ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓનો આંક 1800થી વધી ગયો છે અને મૃતકાંક 67 થઈ ગયો છે.

સોમવારે સવારે ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના વધુ 108 કેસ નોંધાયા છે, જે પૈકી 91 કેસ અમદવાદમાંથી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રવિવાર સાંજથી વધુ ચાર મરણ નોંધાતાં કુલ મરણાંક 67એ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1851 કેસ નોંધાયા છે, 1662 દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને 14 દર્દી વૅન્ટિલેટર પર છે.

આ ઉપરાંત વિદેશમાં મુસાફરી કરીને આવનાર કચ્છના એક શખ્સનો રિપોર્ટ 14 દિન બાદ પૉઝિટિવ આવ્યો હોવાનો કિસ્સો પણ નોંધાયો છે.

વાઇરસનો ચેપ લાગ્યા બાદ સાજા થવામાં કેટલો સમય લાગે?

વિશ્વમાં કોરોના વાઇરસે કેર મચાવ્યો છે, ત્યારે સૌને પ્રશ્ન એવો પ્રશ્ન થઈ શકે કે જો આ વાઇરસનો ચેપ લાગે તો સાજા થવામાં કેટલો સમય લાગી શકે.

અત્યાર સુધી સામે આવેલા કેસોમાં કેટલાક દરદીઓ જલદીથી સાજા થઈ ગયા, જ્યારે કેટલાક લોકોને સાજા થવામાં બહુ વાર લાગી રહી છે.

ત્યારે આ મામલે આપને મૂંઝવી રહેલા પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં આપવામાં આવ્યો છે.

સોમવાર સવારની સ્થિતિ

  • ગુજરાત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 1743 પર હતી. સાજા થઈને ડિસ્ચાર્જ થનાર પેશન્ટ્સની સંખ્યા 100ને પાર કરીને 105 પર પહોંચી છે. જ્યારે કુલ 63 મૃત્યુ થયાં છે.1101 કેસ સાથે કોરોનાના દરદીઓની સંખ્યા બાબતે અમદાવાદ રાજ્યમાં ટોચ પર છે. સુરતમાં 242 તથા વડોદરામાં 180 કેસ નોંધાયેલા છે. અન્ય કોઈ શહેરમાં કેસની સંખ્યા ત્રણ આંકડામાં નથી.
  • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, અત્યારસુધી એક લાખ 65 હજાર લોકો આ મહામારીને કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 24 લાખને પાર કરી ગઈ છે. સોમવારે સવારે આ આંકડો 24 લાખ 1,379નો હતો.
  • અમેરિકામાં મરણાંક 41 હજારને પાર કરી ગયો છે. આ સિવાય ઇટાલીમાં (23,660), સ્પેનમાં (20,453) મૃત્યુ થયાં છે. ફ્રાન્સમાં મરણાંક 20 હજારના આંકને સ્પર્શવા પર છે. અહીં 19 હજાર 718 મૃત્યુ થયાં છે.
  • ભારત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોનાને કારણ મૃત્યુ પામનરાંઓની સંખ્યા 500ને પાર કરી 519 પર પહોંચી ગઈ છે. દેશમાં 13,295 ઍક્ટિવ કેસ છે, જ્યારે 2301 પેશન્ટ્સને રજા આપી દેવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો