શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી

જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે 'રાજદ્રોહ અને જામિયામાં હિંસા ભડકાવવાના ભાષણ' માટે ચાર્જશીટ દાખલ કરી છે.

શરજીલ ઇમામે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન 15 ડિસેમ્બર, 2019માં ભાષણ આપ્યું હતું.

પોલીસનો આરોપ છે કે તેમના ભાષણ બાદ જામિયા વિસ્તારમાં હિંસા ભડકી હતી.

શરજીલ ઇમામના વકીલ અહમદ ઇબ્રાહીમે કહ્યું, "દિલ્હી પોલીસ તરફથી 17 એપ્રિલ, 2020ના રોજ દાખલ કરાયેલી ચાર્જશીટને અમે પૂરી રીતે જોઈ નથી. તેને સંપૂર્ણ જોયા પછી જ અમે યોગ્ય પગલાં ભરીશું."

શરજીલની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે 28 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. જોકે પરિવારજનોનું કહેવું હતું કે તેણે સરેન્ડર કર્યું હતું.

બાદમાં જહાનાબાદની કોર્ટે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા.

કોણ છે શરજીલ ઇમામ?

શરજીલ જહાનાબાદના કાકોના રહેવાસી છે. કાકો મુખ્યાલય પણ છે.

અહીંની વસતી મિશ્રિત છે. જોકે કાકો ગામમાં મુસ્લિમોની વસતી વધુ છે. શરજીલનું ઘર મલ્લિક શેરીમાં આવેલું છે.

તેમના પિતા અકબર ઇમામની છાપ વિસ્તારમાં સારી છે. તેઓ બે-બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.

2005માં તેઓએ છેલ્લે જેડીયુની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારે તેઓ 2250 મતથી હારી ગયા હતા.

શરજીલે પ્રાથમિક શિક્ષણ કાકોમાંથી લીધું છે. બાદમાં તેઓ પટનાની સૅન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણવા ગયા હતા.

ત્યાંથી તેઓએ ડીપીએસ વસંતકુંજ અને પછી આઈઆઈટી પોવઇથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યું. અને હવે જેએનયુમાં પીએચ.ડી.

ક્યારે અને કેમ ચર્ચામાં આવ્યા?

CAA અને NRCના વિરોધ દરમિયાન શરજીલનો એક વીડિયો વાઇરલ થયો હતો.

વાઇરલ વીડિયો શરજીલ કહે છે કે "જો આપણે આસામના લોકોની મદદ કરવી હોય તો તેને ભારતથી છૂટું કરવું પડશે."

શરજીલ પોતાને શાહીનબાગના વિરોધપ્રદર્શનના મુખ્ય આયોજક ગણાવતા હતા. તેઓએ બીજી જાન્યુઆરીએ ધરણાં-પ્રદર્શન પરત લેવાનું એલાન કર્યું હતું.

એ સમયે શરજીલે ફેસબુકમાં લખ્યું હતું કે "રાજકીય પાર્ટીઓના ગુંડાઓ દ્વારા હિંસાની આશંકા અને આંદોલનને રાજકારણથી બચાવવા માટે તેઓએ શાહીનબાગનું પ્રદર્શન પાછું ખેંચ્યું છે."

જોકે બાદમાં પણ શાહીનબાગમાં વિરોધપ્રદર્શન ચાલુ રહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો