કોરોના વાઇરસ : ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં કેમ નોંધાયા?

અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

17 એપ્રિલે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 છે, જે પૈકી 590 કેસ અમદાવાદ જિલ્લામાં છે.

આ દર્શાવે છે કે રાજ્યના પચાસ ટકાથી પણ વધુ એટલે કે અડધો અડધ કરતાં વધુ કેસ માત્ર અમદાવાદમાં છે. રાજ્યનાં અન્ય શહેરોમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા અને અમદાવાદના કેસની સંખ્યા વચ્ચે બહુ મોટું અંતર છે.

જેમકે, 1021માંથી અમદાવાદમાં 590 કેસ છે તો એની સરખામણીમાં સુરતમાં 102 કેસ, વડોદરામાં 137 કેસ, રાજકોટમાં 28 કેસ છે.

મતલબ કે, રાજ્યના અન્ય શહેરો કરતાં અમદાવાદમાં ચારથી પાંચગણા કે એનાથી પણ વધુ કેસ છે.

આનું કારણ જાણવા અમે તબીબોથી માંડીે સમાજશાસ્ત્રીઓઓ સાથે વાત કરી.

કોરોના વાઇરસ

અમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગે જણાવ્યું કે "જે શહેરમાં ટેસ્ટ વધારે થાય ત્યાં વધારે કેસ સામે આવે છે. અમદાવાદમાં ટેસ્ટ વધારે સારી રીતે થઈ રહ્યા છે તેથી ત્યાં પૉઝિટિવ કેસની સંખ્યા દેખીતી રીતે સામે આવી રહી છે."

"જો અન્ય શહરોમાં પણ સઘન ટેસ્ટ પ્રક્રિયા શરૂ થાય તો ત્યાં પણ મોટી સંખ્યામાં પૉઝિટિવ કેસ સામે આવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના માટેની મેડિકલ ટેસ્ટ કિટ્સ વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી છે"

"અમદાવાદ ગુજરાતનું મોટું અને પ્રમુખ શહેર છે, તેથી સ્વાભાવિક છે કે એ કિટનો ઉપયોગ અમદાવાદમાં વધુ થવાનો છે. તેથી કેસ વધુ દેખાઈ રહ્યા છે. રાજ્યનાં છેવાડાનાં શહેરો અને ગામોમાં તો ટેસ્ટીંગની પૂરતી સુવિધા નથી પહોંચી તેથી કેસ દેખાતા નથી, પણ એવું માની ન શકાય કે ત્યાં કેસ નહિવત્ છે."

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર તેમજ ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી સાથે પણ બીબીસી ગુજરાતીએ આ મામલે વાત કરી હતી.

જ્યારે પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં અમદાવાદમાં આટલા કોરોના પૉઝિટિવ કેસ છે એનું કારણ શું છે?

તેમણે જણાવ્યું કે "શહેરીકરણ જેટલું વધારે, ઍક્સપોઝર જેટલું વધારે એમ કોરોનાનો વ્યાપ વધારે. ગુજરાતમાં અમદાવાદમાં જેટલું શહેરીકરણ થયું છે એટલું ક્યાંય નથી થયું."

"જ્યારે શહેરીકરણ અને ઍક્સપોઝર વધે ત્યારે આર્થિક પ્રવૃત્તિ વધે અને બહારથી આવતા માણસોની સંખ્યા પણ વધે. તેથી રોગ પણ ત્યાં વધવાનો છે."

"આર્થિક પરિબળ પણ આમાં મોટો ભાગ ભજવે છે. જ્યાં આર્થિક પ્રવૃત્તિ વધુ હોય ત્યાં કોરોના ખૂબ ફેલાય છે."

"તમે જુઓ કે ઈરાનમાં કોરોના હતો, પણ એની સાપેક્ષે કોરોનાએ વધુ માથું તો અમેરિકા અનો યુરોપમાં ઊંચક્યું છે. આર્થિક વિકાસની સાથે વાહનવ્યવહાર વધે છે. લોકોની સંખ્યા વધતી જાય છે. જેને લીધે કોઈ ચેપી રોગ પગ મૂકે તો ઝટ ફેલાય છે."

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

આર્થિક વિકાસ કે ઔદ્યોગિકરણ તો સુરતમાં પણ ખૂબ થયું છે. તો ત્યાં અમદાવાદ કરતાં ખાસ્સા ઓછા કેસ નોંધાયા છે. એનું શું કારણ છે?

આ સવાલના જવાબમાં જોષીએ કહ્યું હતું, "કોરોના વધુ ફેલાયો છે એનું એક મહત્ત્વનું કારણ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ છે. સુરત કરતાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગ કરનારાની સંખ્યા વધુ છે."

"આટલું જ નહીં રાજ્યનાં અન્ય કોઈ શહેર કે ગામના લોકો જ્યારે વિદેશ જતાં કે વિદેશથી આવતાં હોય ત્યારે મોટે ભાગે અમદાવાદથી જ જાય છે અને અમદાવાદમાં ઊતરે છે. તેથી પણ કોરોનાનો વ્યાપ સુરત કરતાં અમદાવાદમાં વધારે છે."

તેઓ ઉમેરે છે, "બીજી એક વાત એ પણ સમજવા જેવી છે કે આપણી પ્રજા કૉમ્યુનિટી ઑરિએન્ટેડ છે. જેમકે, લોકો મંદિર-મસ્જિદ, જ્ઞાતિગત મેળાવડા વગેરેમાં સાગમટે મળવા ટેવાયેલી છે."

"આપણે ત્યાં સિટીઝનશીપ એટલે કે નાગરિકકેન્દ્રી જે વિચાર છે એ હજી એટલો વિકસ્યો નથી. કોઈ રોગચાળો ફેલાય ત્યારે કૉમ્યુનિટી ઑરિએન્ટેશન પણ મોટો ભાગ ભજવતું હોય છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમદાવાદમાં કોરોના મુદ્દે કૉમ્યુનિટી ઑરેએન્ટેશન અને સિટીઝનશીપ વિશે વાત કરતાં અમદાવાદના પૂર્વ પ્રધ્યાપક અને સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "શહેર તરીકે અમદાવાદ પાસે એક નાગરિકી અવાજ નથી. જેમકે, કોઈ આફત ઊભી થાય તો મુંબઈ શહેર પાસે ત્યાંના નાગરિકોનો પોતાનો એક અવાજ છે એ અમદાવાદ પાસે નથી."

"આ અવાજ જો શહેર પાસે હોય તો એ શાસન અને સુધરાઈ સાથે તાલમેલ સાધી શકે છે અને તેમને સવાલો પણ કરી શકે છે. રાજ્યના પ્રમુખ શહેર તરીકે અમદાવાદમાં કોરોનાને લીધે જે ગંભીર ચર્ચા જોવા મળવી જોઈએ એ જોવા મળતી નથી."

"આ વાતની પ્રતીતિ તમને સોશિયલ મીડિયા પરથી જ થઈ જશે. તમે ફેસબુક વગરે જોશો તો કોરોનાની ગંભીરતા કરતાં લોકોના આનંદ-પ્રમોદ વધુ જોવા મળશે."

તેઓ કહે છે, "અમદાવાદમાં જ્યાં સુધી કાપડની મિલો હતી, ત્યાં સુધી શહેર પાસે પોતાનો થોડોઘણો પણ અવાજ હતો. કારણકે, કાપડની મિલો શહેરના મહાજન લોકો ચલાવતા હતા અને ત્યાં મોટી સંખ્યામાં શહેરીજનો કામ કરતા હતા."

"એક વ્યાપક શહેરી નિસબત મહાજન અને મજૂર બંને પક્ષે હતી. હવે તો અમદાવાદમાં કૉર્પોરેટ્સ છે. એ કૉર્પોરેટ્સને આવી કોઈ કન્સર્ન ન હોય, કારણકે તેઓ તો દેશભરના શહેરોમાં વ્યવસાય કરતા હોય છે. સામાજિક નિસબત એ તેમની તાસીર પણ નથી હોતી."

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

"બીજી બાબત એ છે કે અમદાવાદ શહેરની જે ઘનતા છે એ પણ આના માટે જવાબદાર છે. સરકાર કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો પરંતુ અમદાવાદની પોળ કે ચાલીમાં રહેતાં લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી."

"સાંકળી શેરીઓ નાનાં-નાનાં મકાનો, અડોઅડ મકાનો ઉપરાંત કપડાં ધોવા, વાસણ માંજવા, દાતણપાણી કરવા વગેરે કામ ઘરની બહાર જ થતાં હોય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ વ્યાવહારિક રીતે શક્ય નથી બની શકતું."

તેઓ કહે છે, "આવો પ્રશ્ન અમદાવાદના નહેરુ નગર કે વસ્ત્રાપુર જેવા પ્રમાણમાં બહોળા અને નવા વિસ્તારોમાં નથી રહેતો. તેથી વધારે ગીચતા-ઘનતા ધરાવતાં જૂના એટલે કે કોટ વિસ્તારના અમદાવાદમાં જેટલા કોરોના પૉઝિટિવ કેસ સામે આવે છે એટલા વસ્ત્રાપુર, નહેરૂ નગરમાં નથી આવતા."

"બીજી બાબત એ પણ છે કે શહેરનો જે કોટ વિસ્તાર છે ત્યાં ડ્રૉન મારફતે પોલીસને પેટ્રોલીંગ કરવું હોય તો પણ અઘરૂં પડે કારણકે, સાંકળી ગલીઓ છે તેથી દૃશ્યો મેળવવા અઘરા પડે. એવી જ રીતે પોલીસને સાંકડી ગલીઓમાં પેટ્રોલીંગ કરવું અઘરૂં પડે."

જાની કહે છે, "વાત એ પણ છે કે કોઈ પણ શહેર કે રાજ્ય પાસે પોતાનું સરકારી આરોગ્ય તંત્ર મજબૂત હોવું જોઈએ. સરકારી દવાખાનાઓ લગભગ બિસમાર પડ્યાં છે."

"તમારી આસપાસની કોઈ વ્યક્તિએ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને દવા લીધી હોય એવી વ્યક્તિ ખોળવી હોય તો અઘરી પડે એમ છે. આનો અર્થ કે સરકારી આરોગ્ય તંત્ર ખાડે ગયું છે."

"એવામાં જ્યારે આરોગ્યની મહામારી ફેલાય ત્યારે ખાડે ગયેલું તંત્ર કેવી રીતે એની સામે લડી શકે એ સવાલ છે. અમદાવાદ સુધરાઈની સમસ્યા એ છે કે ત્યાં દિલ્હીથી આવતા ઑર્ડર્સ મુજબ વધુ કામ થાય છે."

"કેટલાક નિર્ણય કૉર્પોરેશનના પોતાના હોવા જોઈએ, જેમાં શહેરની તાસીર પ્રતિબિંબિત થવી જોઈએ. આરોગ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં શહેરની સુધરાઈની કામગીરીનો પડઘો પડવો જોઈએ પરંતુ અમદાવાદમાં એ નથી જોવા મળી રહ્યો."

"અમદાવાદ અને ગુજરાતે કેરળ પાસેથી શીખવા જેવું છે. દેશમાં કોરોનાનો પહેલો પૉઝિટિવ કેસ કેરળમાં નોંધાયો હતો. આજે કોરોના સામેની દૃષ્ટાંતરૂપ કામગીરી માટે કેરળનું નામ લેવાય છે. આવું એટલા માટે થઈ શક્યું કેમકે, કેરળનું સરકારી આરોગ્ય તંત્ર સાબદું છે."

"જ્યારે ટ્રમ્પ આવ્યા ત્યારે વિદેશમાં તો ખરી જ પરંતુ દેશના પણ કેટલાક ભાગોમાં કોરોનાની ગંભીરતાની ચર્ચા હતી. અન્ય કેટલાક દેશે તો પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ અમદાવાદ ટ્રમ્પની મહેમાનગતિની તૈયારીમાં પડ્યું હતું."

"કોરોના વિશે સહેજ પણ ચર્ચા જ નહોતી. કોઈ ચેપી રોગ ઝડપથી ફેલાઈ રહ્યો હોય અને વિશ્વના દેશો ચિંતિત હોય ત્યારે પશ્ચિમ ભારતનાં મોટાં તેમજ ગુજરાતનાં પ્રમુખ શહેર એવા અમદાવાદને એનાથી બેધ્યાન રહેવું કેમ પરવડે! આજે પરિણામ એ છે કે ગુજરાતમાં સૌથી વધુ કોરોના પૉઝિટિવ કેસ અમદાવાદમાં છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો