લૉકડાઉન : જ્યારે માતાએ દીકરાનો મૃતદેહ લઈને દોડવું પડ્યું

    • લેેખક, સીટુ તિવારી
    • પદ, પટનાથી બીબીસી ગુજરાતી માટે

બિહારના જહાનાબાદના રસ્તા પર પોતાના ત્રણ વર્ષના દીકરાના મૃતદેહને લઈને દોડતાં એક મહિલાનો વીડિયો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.

હૈયું હચમચાવી નાખે તેવો એ વીડિયો વાઇરલ થયો છે અને તેમાં મહિલા આગળ દોડે છે અને પાછળ તેમના પતિ દોડી રહ્યા છે. મહિલાના પતિ 'બિહારની કથળેલી આરોગ્ય વ્યવસ્થા'નો માતમ મનાવતા ચાલી રહ્યા છે અને કહે છે, "મળી નહીં, એમ્બ્યુલન્સ મળી નહીં."

આ વીડિયો સ્થાનિક પત્રકાર ગૌરવે શૂટ કર્યો હતો.

ગૌરવે બીબીસીને કહ્યું હતું, "એ પરિવાર અરવલ જિલ્લાના કુર્થા થાણા હેઠળના સહોપુર ગામનો હતો. દીકરાને શરદી-ઉધરસ થયાં હતાં એટલે પિતા ગિરિજેશ તેને કુર્થાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા, પણ ત્યાંના ડૉક્ટરોએ બાળકને જહાનાબાદ સદર હૉસ્પિટલ લઈ જવાની ભલામણ કરી હતી. બાળકની હાલત ગંભીર હતી. તેને જહાનાબાદ સદર હૉસ્પિટલ લઈ જવા માટે પરિવારને એમ્બ્યુલન્સ મળી ન હતી અને બાળકનું મૃત્યુ થયું હતું."

સમાચારની શોધમાં નીકળેલા ગૌરવને પાગલની માફક દોડતાં આ મહિલા અચાનક જોવા મળ્યાં હતાં.

એ મહિલા પોતાના દીકરાની લાશને લઈને 25 કિલોમીટર ચાલીને તેમના ગામ પાછાં ફરી રહ્યાં હતાં.

બાદમાં એક સ્થાનિક સામાજિક કાર્યકરે એ મહિલાને ઘરે જવા માટે મોટરકાર ઉપલબ્ધ કરાવી આપી હતી.

આરોગ્ય વિભાગના વડા સચિવ સંજય કુમારે આ ઘટના બાબતે કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું, "જિલ્લા હૉસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ હતી, પણ તે આપવાનો વિચાર આવ્યો નહીં. ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની તપાસમાં ચાર નર્સિસ, બે ચિકિત્સકો અને હેલ્થ મૅનેજર દોષી હોવાનું બહાર આવ્યું છે. એ બધા સામે આકરી કાર્યવાહી થશે."

ઉપરોક્ત ઘટનાને શરમજનક ગણાવતાં સંજય કુમારે લખ્યું હતું, "અહીં વ્યવસ્થા કરતાં માનસિકતાનો દોષ વધારે છે. આપણે એ વિચારવું પડશે કે આપણે કેવું બિહાર બનાવી રહ્યા છીએ?"

આરોગ્ય વિભાગના વડા સચિવનો આ સવાલ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પણ આ સવાલના સંદર્ભમાં બિહારના નબળા અને રેઢિયાળ આરોગ્ય તંત્ર સામેથી મોં ફેરવી શકાય નહીં.

કોરોના વાઇરસના પ્રસારના આ દિવસોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કૅન્સર અને કિડની વગેરે જેવા નૉન-કૉમ્યુનિકેબલ ડિસીઝથી પીડાતા દર્દીઓ પરેશાન છે.

કૅન્સરના દર્દીઓની જીવલેણ સમસ્યા

પટનાના ગોલા રોડ પર રહેતાં 63 વર્ષનાં નીલમ પાંડેય નિવૃત્ત સરકારી અધિકારી છે. તેઓ પટનાની કમિશનર ઑફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરતાં હતાં. ફોન પર તેમના અવાજમાં થાક, બોજ અને બેચેની અનુભવાય છે.

તેનું કારણ એ છે કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી મલ્ટિપલ માઇલોમા કૅન્સરથી પીડાઈ રહ્યાં છે. તેમણે ખાસ પ્રકારે લોહીની ચકાસણી કરાવીને તેનો રિપોર્ટ મુંબઈમાંના તેમનાં ડૉક્ટરને મોકલવાનો છે, પણ તેમના બ્લડ ટેસ્ટ કરતાં લોકો ગામમાં ફસાયેલા છે. એ કારણસર નીલમ પાંડેય પરેશાન છે.

એકલાં રહેતાં નીલમ પાંડેય કહે છે, "આ કૅન્સરમાં લોહીની ભૂમિકા બહુ મહત્ત્વની હોય છે. દવાઓ અને જીવનરક્ષક ઇન્જેક્શનની વ્યવસ્થા અત્યંત મહેનતથી કરી છે, પણ બ્લડ ટેસ્ટ કેવી રીતે થશે? એ તપાસ નહીં થાય ત્યાં સુધી ડૉક્ટર આગળની દવા લખી નહીં શકે. એ ઉપરાંત મારે એપ્રિલમાં મુંબઈ દેખાડવા જવાનું હતું, પણ હવે તો એ અશક્ય લાગે છે."

બરાબર આવી જ મુશ્કેલીનો સામનો કૈમૂર જિલ્લાના દુર્ગાવતી પ્રખંડના કન્હૈયા સિંહ કરી રહ્યા છે.

ટ્રાન્સપૉર્ટ બિઝનેસ સાથે જોડાયેલા કન્હૈયા સિંહ બ્લડ કૅન્સરથી પીડાય છે અને મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી છે.

પાંચમી મેએ તેમણે ડૉક્ટરને દેખાડવા જવાનું છે અને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનને આધારે જ તેમને પટનામાંથી દવા મફત મળે છે.

કન્હૈયા સિંહ બીબીસીને કહે છે, "ટ્રેન ચાલુ નથી. અમે ડૉક્ટરને દેખાડવા નહીં જઈએ તો દવા કેવી રીતે મળશે? દવા પટના જઈને લાવવી પડે છે, પણ બધું બંધ છે. અમારો ધંધો પણ નરમ પડ્યો છે. થોડા દિવસ પછી પૈસાની સમસ્યા પણ ચિંતા કરાવશે."

સહરસાના સતરકટૈયા પ્રખંડના પુરુખના અશોક કુમારના મોં પરનો ફોડલો સતત મોટો થઈ રહ્યો છે.

તેમનાં પત્ની લલિતા દેવીએ ફોન પર જણાવ્યું હતું કે અશોકને મોંનું કૅન્સર છે. તેની સારવાર મુંબઈમાં ચાલી રહી છે. તેમના ચાર કીમો થઈ ચૂક્યા છે અને ઑપરેશન માટે માર્ચમાં જ મુંબઈ જવાનું હતું.

લલિતા દેવી બીબીસીને કહે છે, "એક મહિનાની બંધીને કારણે તેમના મોં પરનો ફોડલો સતત મોટો થઈ રહ્યો છે અને મોંની અંદર પરુ જમા થઈ રહ્યું છે. ટ્રેન ચાલુ થશે ત્યારે પટના કે મુંબઈ જઈશું ને!"

સત્તરકટૈયા એ પ્રખંડ છે, જ્યાં પટનાસ્થિત આઈજીઆઈએમએસની એક ટીમ તપાસ માટે થોડા મહિના પહેલાં ગઈ હતી અને એક જ દિવસની તપાસમાં તેમને મોં, ગળા અને સ્તન કેન્સરના 35 દર્દી મળી આવ્યા હતા.

જિલ્લા કાઉન્સિલર પ્રવીણ આનંદ કહે છે, "દવા છે ત્યાં સુધી અહીંના લોકો તેમનું ગાડું ગબડાવી રહ્યા છે. દવા ખતમ, માણસો ખતમ, કારણ કે સારવારનું સાધન સામાન્ય દિવસોમાં પણ દૂર-દૂર સુધી ઉપલબ્ધ હોતું નથી અને હવે તો લૉકડાઉન ચાલે છે. તેથી બધું ઠપ્પ છે."

થેલેસેમિયા અને હિમોફીલિયાના દર્દીઓ પણ ત્રસ્ત

સીતામઠીના રણજિત કુમાર પણ પરેશાન છે. સીતામઠીના પુપરી બજારમાં પશુઆહારની નાનકડી દુકાન ચલાવતા રણજિતનો અઢી વર્ષનો દીકરો રાહુલ કુમાર થેલેસેમિયાથી પીડાય છે.

રાહુલને દર 15થી 20 દિવસે લોહી ચડાવવું પડે છે, પણ આ વખતે એ લંબાઈ રહ્યું છે.

રણજિત કુમાર કહે છે, "અમે દરભંગા મેડિકલ કૉલેજ જઈને રાહુલને લોહી ચડાવીએ છીએ. તેમાં બે દિવસ લાગે છે. અમારી પાસે બહુ પૈસા નથી, છતાં મેળ કરીને બાળકને લઈ જઈએ છીએ. અત્યારે કોઈ ઑટો કે બસ ચાલુ નથી. મારી પાસે બાઇક પણ નથી. રાહુલને હૉસ્પિટલે કઈ રીતે લઈ જવો?"

હિમોફીલિયાના દર્દીઓ પણ આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બિહાર હિમોફીલિયા સોસાયટીના સચિવ ડો. શૈલેન્દ્ર જણાવે છે કે રાજ્યમાં હિમોફીલિયાના 1450 અને થેલેસેમિયાના 850 દર્દીઓ છે.

ડૉ. શૈલેન્દ્ર કહે છે, "સોથી મોટી સમસ્યા ટ્રાન્સપૉર્ટની છે. પટનાથી 15 કિલોમીટર દૂર આવેલા ગૌરીચકથી દર્દીને લાવવાનો સરકારી એમ્બ્યુલન્સે ઇન્કાર કરી દીધો છે. એવી જ રીતે બિહાર શરીફના એક દર્દી 4,000 રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં પટના પહોંચ્યા હતા. અમારી માગ એટલી જ છે કે તેલંગણા સરકારની માફક બિહાર સરકાર પણ અમને એમ્બ્યુલન્સ કે કારનો પરમિશન લેટર આપે, જેથી દર્દીઓ પટના તો પહોંચી શકે."

ડૉક્ટરોનું વર્તન

આ દરમિયાન સમગ્ર બિહારમાં કેટલીક હોસ્પિટલોને બાદ કરતાં તમામ ખાનગી હોસ્પિટલો બંધ છે. સામાન્ય પરિસ્થિતિમાં 80 ટકા દર્દીઓ પ્રાઇવેટ ઓપીડીમાં જતા હોય છે, પણ હાલ માત્ર સરકારી હૉસ્પિટલો ચાલુ હોવાથી લોકો ત્યાં આવી રહ્યા છે, પણ તેમાં આઉટડોર દર્દીઓની સંખ્યા બહુ ઓછી છે.

પટનાની આર્ટ્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશ થોડા દિવસ પહેલાં રાતે 11 વાગ્યે પેટમાં પીડાની ફરિયાદ લઈને બિહારની સૌથી મોટી હૉસ્પિટલ પીએમસીએચમાં ગયા હતા.

રાકેશ કહે છે, "ડૉક્ટરોએ પર્સનલ પ્રોટેક્શન કિટ પહેરી હતી, પણ તેમણે મને દરવાજા બહાર જ ઊભો રાખ્યો હતો અને મારી આખી વાત સાંભળ્યા વિના દવા લખી આપી હતી. લૉકડાઉન ખૂલશે પછી ફરી ડૉક્ટરને દેખાડવા જઈશ."

રાજધાની પટનાની હાલત

રાજધાની પટનાની વાત કરીએ તો હાલ અશોક રાજપથસ્થિત પોલી ક્લિનિક અને પાટલીપુત્રસ્થિત રુબન હૉસ્પિટલ ખુલ્લાં છે.

રુબન હૉસ્પિટલના માલિક ડૉ. સત્યજિત બીબીસીને કહે છે, "ઓપીડી બંધ છે, પણ કિડનીના ડાયાલિસીસ જેવા ગંભીર રોગના દર્દીઓની રાહત માટે હૉસ્પિટલના મૅનેજમૅન્ટ તરફથી એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે."

પોલી ક્લિનિક સાથે જોડાયેલા અને જનઆરોગ્યના મુદ્દે સતત કામ કરતા ડૉ. શકીલ કહે છે, "બહુ ઓછા દર્દીઓ આવી રહ્યા છે, કારણ કે પરિવહનનું કોઈ સાધન નથી. તેથી હાજીપુર,"

"સોનપુર, દીઘા એટલે કે પટના શહેરની આસપાસના વિસ્તારોના દર્દીઓ આવી શકતા નથી. બીજું એ કે સરકાર ખાનગી હૉસ્પિટલોને ખોલવાનું વારંવાર કહી રહી છે, પણ સરકારે તેમના માટે પીપીઈ ઉપલબ્ધ કરાવ્યા છે?"

"તમે પોતે ખરીદવા ઇચ્છતા હશો તો પણ માર્કેટમાં એન-95 માસ્ક નહીં મળે. એ પરિસ્થિતિમાં શક્યતા એવી છે કે કોરોનાનો દૌર ખતમ થયા બાદ ગંભીર રોગોથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં વધારો થાય, કારણ તેમને જે નિયમિત સારવાર મળવી જોઈએ એ મળતી નથી."

કોવિડ-19 સિવાયના દર્દીઓની સારવાર માટે સચેત રહેવાની સૂચના ખુદ મુખ્ય મંત્રી નીતીશ કુમાર સ્વાસ્થ્ય વિભાગને આપી ચૂક્યા છે તેમ છતાં આવી પરિસ્થિતિ છે.

ખાનગી હૉસ્પિટલો અને દવાની દુકાનો ખોલવાના આદેશ રાજ્ય સરકાર, કમિશનર અને સિવિલ સર્જન વારંવાર બહાર પાડી રહ્યા છે, પણ એ નિરર્થક સાબિત થઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો