કોરોના વાઇરસ : સુરતના ડેપ્યુટી મેયરનો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવાનો વિવાદ શો છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ સામે કલમ 144નો ભંગ કરવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવાનો ગુનો નોંધાયો છે.

સુરતમાં થોડા દિવસ અગાઉ લૉકડાઉન દરમિયાન ઓડિશાના મજૂરોને સમયસર જમવાનું નહીં મળતા તેઓ મોડી રાતે તોફાને ચડ્યા હતા અને લારીઓને આગ ચાંપી હતી.

લૉકડાઉનની સ્થિતિમાં પરિવહન બંધ છે ત્યારે પરપ્રાંતીય મજૂરો સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ખોરાક પહોંચાડવામાં ઘણી વાર લાગતી હોય છે. આ સંજોગોમાં ભૂખથી પરેશાન થયેલા મજૂરોએ લારીઓ સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ ઘટના પછી સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહે માણસો અને અબોલ પશુઓની સેવા કરવા ગયા. જોકે, આ સેવા કરવામાં તેઓ પોતે જ મહામારીને લઈને અપાયેલા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ વિવાદમાં આવી ગયા.

જોકે, નીરવ શાહ પોતે કોઈ નિયમ નહીં તોડ્યો હોવાનું જણાવે છે.

શું છે આ ઘટના?

ડેપ્યુટી મેયર નીરવ શાહે સુરતના અડાજણમાં આવેલી જૈન સંસ્થાની વાડી ગુરુ રામપાવનભૂમિમાં જૈનમુનિ અભયદેવસૂરિ મહારાજની નિશ્રામાં અમુક કાર્યકરોને લઈને ગયા તેનો વીડિયો વાઇરલ થયો હતો.ં

સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, લૉકડાઉન દરમિયાન માણસોને ભોજનની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને સેવાભાવી સંસ્થાઓ સેવા કરે જ છે. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડે જ છે.

એમણે કહ્યું કે, લૉકડાઉનના કારણે મૂંગાં પશુઓની હાલત ખૂબ જ ખરાબ હોવાની ફરિયાદ મારા કાર્યકર્તાઓએ મને કરી હતી. કેટલાક જૈન શ્રેષ્ઠીઓની મદદથી અમે 5,000 કિલો તડબૂચ 2,000 કિલો દુધી, 2,000 કિલો કાકડી, બિસ્કિટ અને દૂધ વગેરે એકત્રિત કર્યું અને 20 ગાડીઓમાં એનું વિતરણ કરવાનું નક્કી કર્યું.

નીરવ શાહનું કહેવું છે કે વિતરણ કરનારી ગાડીઓનાં પાસ પણ તેમણે કઢાવ્યા હતાં.

જોકે, સામગ્રી ભેગી થઈ ગયા પછી તેને એક જ જગ્યાએ રાખવાની વ્યવસ્થા માટે નીરવ શાહ અને તેમના માણસો એમના ધર્મગુરુ મહારાજ સાહેબ અભયદેવસૂરિની મદદ લેવા ગયા.

અહીં તેમને ગુરુ રામપાવનભૂમિની જગ્યાની મદદ મળી ઉપરાંત નીરવ શાહના આ પ્રયાસ માટે સવા લાખ રૂપિયાનું દાન પણ મળ્યું.

જોકે, આ મુલાકાતમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાનો વિવાદ ઊભો થતાં ડેપ્યુટી મેયર સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

આ બાબતે નીરવ શાહે બીબીસી ગુજરાતીને કહ્યું કે "આ દરમિયાન કદાચ કોઈ કાર્યકર્તા આઘોપાછો થયો હોય તો એનો વીડિયો બનાવી ખોટી રીતે રજૂ કરીને વાઇરલ કરવામાં આવ્યો છે. મેં આ અંગે પોલિસને પણ જાણ કરી છે. મેં પોલીસને કહ્યું છે કે સમગ્ર વીડિયો એક વાર જુએ."

નીરવ શાહનો દાવો છે કે એમણે સોશિયલ ડિસ્ટન્સિંગનો કે 144ની કલમનો ભંગ નથી કર્યો.

નીરવ શાહે કહ્યું કે "પોલીસ વીડિયો જોઈ યોગ્ય નિર્ણય કરશે અને તેમની સામે કરવામાં આવેલો કેસ પાછો ખેંચી લેશે કારણ કે મારા માટે તો આ ધરમ કરતાં ધાડ પડ્યા જેવો ઘાટ થયો છે."

પોલીસનું શું કહેવું છે?

આ કેસ અંગે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. બુબડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો આ વીડિયો હાથમાં આવતા અમે પોલીસની ટુકડી ત્યાં મોકલી હતી.

એમણે કહ્યું કે "અમારી ટીમને ગુરુ રામપાવનભૂમિ પર કોઈ મળ્યું ન હતું અને ત્યાંથી ગાડીઓ રવાના થઈ ગઈ હતી. વીડિયોના આધારે અમે ડેપ્યુટી મેયર નીરવ શાહ અને 12 લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ કરી રહ્યા છીએ."

એમણે કહ્યું કે, "સંપૂર્ણ વીડિયો મંગાવી તેની પૂરતી તપાસ કરવામાં આવશે અને જો કોઈ કસૂરવાર જણાશે તો તેની સામે પગલાં લેવાશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો