You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતનો એ ઉદ્યોગ જે લૉકડાઉનમાં મંદીનો બેવડો માર વેઠી રહ્યો છે
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઑટોમોબાઇલ ક્ષેત્રે 2019નું વર્ષ ખરાબ રહેવા પામ્યું હતું. એક અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2020 સુધી ઑટો સૅક્ટરનો વિકાસદર 18 ટકા ઘટ્યો છે અને એવી જ રીતે પેસેન્જર કારના વેચાણમાં પણ 8 ટકા જેટલો ભારે ઘટાડો ગત વરસની સરખામણીમાં થયો છે.
જોકે. યુટિલિટી વિહિકલ્સમાં એ સમયગાળા દરમિયાન 0.1 ટકાનો નજીવો વધારો થયો હતો.
કોરોના વાઇરસની મહામારી અગાઉ દેશનું ઑટો સૅક્ટર મંદીમાં હતું. વળી કોરોનાને કારણે ચીનના ઑટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રે ભારતમાં થતી આયાત ઘટી અને સ્થાનિક માગ પણ ઘટી હતી.
આમ ભારતમાં મંદી બોટમલાઇન પકડી આગળ વધી રહી હતી ત્યાં જ કોરોના વાઇરસે દેશને ભરડામાં લીધો અને 21 દિવસનું લૉકડાઉન આવ્યું. આનાથી દેશના સમગ્ર ઉદ્યોગોનો ભારે ફટકો પડ્યો છે.
એમાં પણ ઑટોમોબાઇલ ક્ષેત્ર પર પહેલાં ચીનના લૉકડાઉનનો હથોડો ઝીંકાયો અને પછી ભારતમાં મહામારીનું સંક્રમણ વધતા આપણે ત્યાં લૉકડાઉન થયું અને આમ મંદીના સમયમાં એને બેવડો માર પડ્યો.
હજુ અર્થતંત્ર ક્યારે ધબકતું થશે તે કહી શકાય તેમ નથી. ચીનના વુહાનમાં લૉકડાઉન પછી સ્થિતિ સુધરી રહી છે અને ચીનમાં ઉદ્યોગો ફરી શરૂ થઈ રહ્યા છે. આ બન્ને ઘટનાઓ વચ્ચે ભારતના ઑટો અને ઑટોપાર્ટસ ઉદ્યોગની સ્થિતિ કેવી રહી હતી તે વાત આપણે કરવી છે.
કોરોના વાઇરસને કારણે બંધ થયેલા ચીનના કમ્પોનન્ટ્સ એકમો ફરી એકવાર કાર્યરત થઈ રહ્યાં છે એ કારઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. એનાથી એ ફરત પડે કે આપણે ત્યાં લૉકડાઉન પછી સ્થિતિ ક્રમશ સુધરે ત્યાં સુધી જોઈતો સરંજામ ચીન બનાવી ચૂક્યું હોય.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
સપ્લાય ચેઇનમાં ભંગાણ
ત્રણ મહિનાથી સપ્લાય ચેઇનમાં પડેલા ભંગાણની સીધી અસર ચીન ઉપર આધારિત ભારતીય એકમો ઉપર પડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનથી અંદાજિત 10થી 30 ટકા જેટલા ઑટો કમ્પોનન્ટ ઉપર આપણો ઑટોમોબાઇલનો ઉદ્યોગ વત્તા-ઓછા અંશે આધાર રાખે છે.
કોરોના વાઇરસને કારણે સપ્લાય ચેઇન વિખેરાતા એક અંદાજ મુજબ ભારતીય ઑટોઉદ્યોગને 6080 કરોડ રૂપિયાનું નુકસાન 2019-20ના છેલ્લા કવાર્ટર થયું હતું.
ભારતમાં જે ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગ છે તેનું કદ 57 અબજ ડૉલર જેટલું થવા જાય છે જેમાંથી આપણે 17 અબજ ડૉલર જેટલા ખર્ચના ઑટોપાર્ટસનો આધાર આયાત ઉપર રાખીએ છીએ.
આના ત્રીજા ભાગના એટલે કે 4.6 અબજ ડૉલરના ઑટોપાર્ટસ આપણે ચીનથી આયાત કરીએ છીએ.
2019-20 દરમિયાન પ્રથમ છ મહિનામાં 2 અબજ ડૉલરના ઑટોપાર્ટ્સની આયાત ચીનથી કરવામાં આવી હતી.
ચીને હવે ઑટો કમ્પોનન્ટના ઉત્પાદનની ફરી શરૂઆત કરી છે પરંતુ તે પૂર્વવત થતાં હજુ 2021નું બીજુ ક્વાર્ટર આવી જશે.
બીજી બાજુ ભારતીય ઑટોઉદ્યોગ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થશે કેમ કે દેશમાં લગાવાયેલા કડક એમિશનમાં એપ્રિલ મહિનામાં સ્ટેજ ચારથી સીધો સ્ટેજ છ નોર્મ્સ અમલી બનવાનો છે.
બજાર સુધરવાની આશા અને લૉકડાઉન
જ્યાં સુધી કોરોના વાઇરસ ફક્ત ચીન પૂરતો સીમિત હતો અને ભારતમાં લૉકડાઉનની સ્થિતિ નહોતી આવી ત્યાં સુધી બજાર ધીમી ગતિએ સુધરશે એવી આશા હતી પરંતુ સ્થિતિ ઝડપથી બદલાઈ છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ચીનની સપ્લાય ચેઇન ખોરવાતાં ભારતની ઑટો કંપનીઓએ સ્થાનિક ઑટો કમ્પોનન્ટ બનાવતા એકમો ઉપર નજર દોડાવી તેને પરિણામે કેટલીક કંપનીઓ જાતે આગળ આવી હતી. કમ્પોનન્ટ બનાવતા એકમો સ્થાનિક જરૂરિયાત મુજબના પુર્જાઓ બનાવવા આગળ આવ્યા હતા.
આને કારણે સ્થાનિક ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગને વેગ મળે તેવી સ્થિતિ ઊભી થવાની આશા હતી પરંતુ એ ચિત્રની સાચી સ્થિતિ લૉકડાઉન પૂર્ણ થાય અને દેશ કોરોના વાઇરસની મહામારીમાંથી ઓછામાં ઓછા નુકસાન સાથે બહાર આવે ત્યારે જાણવા મળશે.
અત્યાર સુધી આપણે બ્રેકિંગ અને સ્ટિયરિંગ સિસ્ટમ્સ, એન્જિન પાર્ટ્સ અને ઇલ્યુમિનેશન સિસ્ટમ ચીનથી આયાત કરતા હતા પરંતુ ચીનના સંકટને પગલે ભારતના ઑટોઉદ્યોગમાં સ્થાનિક બ્રેક્સ જેવા કમ્પોનન્ટના એકમો ઉભાં થયાં છે.
જોકે, હજુ પણ આપણે 10થી 30 ટકા સંરજામ ચાઇનીઝ કંપનીઓ પાસેથી આયાત કરીએ છીએ. વળી, ભારતમાં દેશવ્યાપી લૉકડાઉનની આર્થિક અસરોને કારણે નવા એકમોને ફરી કાર્યરત થવા અને વિકસતા ઘણી વાર લાગવાની છે.
ચીન પરનો આધાર ઓછો કરવો પડશે
ઑટોમોટિવ કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ વિની મહેતાએ એક અખબાર સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે "ભારતીય ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરિંગની ચીન પર વધારે પડતો આધારિત રહ્યો છે. હવે ઘરઆંગણાના OEMs માટે તેઓ વધારે સ્થાનિકીકરણ પર નજર રાખશે."
જ્યાંથી મહામારી શરૂ થઈ તે ચીનના હૂબે પ્રાંતમાં ઑટો કમ્પોનન્ટ બનાવતાં હજારો એકમો છે. વિશ્વના ટોચના ગણાતા ઑટોપાર્ટસ ઉત્પાદકોમાંથી અડધા ચીનમાં છે જેમાં વાલેઓ અને રોબર્ટ બોશ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
જો ચીનના સપ્લાયર્સ ભારતીય ઑટોકંપનીઓને પ્રાથમિકતાના ધોરણે નિકાસ કરે તો પણ કોરોના જેવી મહામારીમાંથી આપણે ઘણું બધું શીખવું પડશે.
સ્થાનિક ઑરિજિનલ ઇક્વિપમૅન્ટ મૅન્યુફૅક્ચરે આગળ આવી ચીન સાથે સ્પર્ધાત્મક ભાવે જો ભારતીય કમ્પોનન્ટ ઉદ્યોગને ઉપલબ્ધ કરાવે તો આપણા ઑટોમોબાઇલ ઉદ્યોગને ચીન પર આધારપાત્ર ન રહેવું પડે.
ચીન સિવાયના અન્ય દેશોની વાત કરીએ તો જાપાન, જર્મની, કોરિયા જેવા દેશો આપણને ઑટો કમ્પોનન્ટ પૂરા પાડી શકે તેમ છે પણ કોરોના વાઇરસની મહામારી દુનિયામાં ફેલાઈ ચૂકી છે ત્યારે હાલ આ દેશો તરફ નજર કરી ત્યાથી સરંજામ આયાત કરવો મૂલ્ય અને સમયની દ્રષ્ટિએ પણ શક્ય બને કે પરવડે તેમ નથી.
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં દેશના ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગની નવા એમિશન નોર્મ્સ (Norm VI) પ્રમાણેના કમ્પોનન્ટ ઑટોમોબાઇલ કંપનીઓને ઉપલબ્ધ કરાવવાની પહેલી પ્રાયોરિટિ હોવી જોઈએ.
ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગનો દેશમાં વિકાસ થાય અને આયાત ઉપર આધાર ઓછો રાખવો પડે તો ફરી આવી સ્થિતિ નહીં સર્જાય. ખાસ કરીને સ્ટિયરિંગ, બ્રેકિંગ સિસ્ટમ, એન્જિન પાર્ટ્સ, એલૉય વ્હિલ્સ, લાઇટિંગ સિસ્ટમ પર જેમાં આપણે ચીન ઉપર નિર્ભર છીએ તે સિસ્ટમોનો સ્થાનિક સ્તરે વિકાસ થશે તો તેનાથી ઑટોમોબાઇલ ક્ષેત્રની શક્તિ ઘણી વધશે અને આયાત ઉપર આધાર રાખવો નહીં પડે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો