જો હમણાં લૉક-ડાઉન હઠાવી લેવાય તો શું થશે? WHOએ આપી ચેતવણી

કોરોના વાઇરસની મુસીબતથી પાર મેળવવા માટે વિશ્વના ઘણા દેશોમાં લૉકડાઉનનો રસ્તો અપનાવાયો છે.

ભારતમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.

14મી એપ્રિલે તેની મુદ્દત સમાપ્ત થવા જઈ રહી છે, બીજી બાજુ અનેક રાજ્યોએ લૉકડાઉનની અવધિ વધારવાની જાહેરાત કરી છે અને આ ગાળો લંબાવવાની ભલામણ પણ કરી છે.

લૉકડાઉનની અવધિમાં આ વધારા માટે કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસો જવાબદાર છે.

આવી પરિસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ વિશ્વના તમામ દેશોને ચેતવણી આપી છે કે, જો કોરોનાને રોકવા માટે લગાવાયેલ લૉકડાઉન અચાનક હઠાવી દેવાશે, તો આ પગલાને કારણે વાઇરસના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવી શકે છે.

WHOના પ્રમુખ ડૉ. ટ્રડોસ ઍડહનોમે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘દેશોએ લૉકડાઉન સાથે જોડાયેલા પ્રતિબંધોમાં રાહત આપતાં પહેલાં એક વાર ફરી વિચારવું જોઈએ, પછી ભલે આ પ્રતિબંધોને કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે.’

'યુરોપમાં બીમારીનું જોર ઘટી રહ્યું છે'

યુરોપમાં સૌથી વધારે નુકસાન સ્પેન અને ઇટાલીમાં થયો છે, આ બંને દેશોમાં હજુ લૉકડાઉન અમલમાં છે.

પરંતુ હવે બંને દેશોની સરકારો હવે કેટલીક રાહતો આપવાની દિશામાં વિચારી રહી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 19 લાખને પાર પહોંચી ગઈ છે.

તેમજ કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંકડો એક લાખ 20 હજારની સપાટી વટાવી ચૂક્યો છે.

જીનિવામાં WHO પ્રમુખે કહ્યું કે, ‘યુરોપના કેટલાક દેશોમાં આ મહામારીનું જોર ઘટતું જઈ રહ્યું છે. જે એક સારા સમાચાર છે.’

આ મુદ્દે આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘WHO પ્રતિબંધો હઠાવવા મુદ્દે વિશ્વના દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. પરંતુ આ પ્રતિબંધો હઠાવવા બાબતે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. આવું કરવાથી આ વાઇરસના દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવી શકે છે.’

WHO પ્રમાણે જો પરિસ્થિતિને સંતુલિત બનાવવા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો, કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડામાં ફરી એક વાર ઝડપી વધારો થઈ શકે છે.

નોંધનીય છે કે સ્પેનની સરકાર જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની વસ્તુઓ બનાવનાર કારખાનાંને સોમવારથી ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી છે.

સ્પેનમાં હજુ સુધી કોરોનાના કારણે લગભગ 17 હજાર લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

પરંતુ સરકારે વીકૅન્ડ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી છે.

ઇટાલીમાં લોકડાઉન ચાલુ રહેશે

પરંતુ બીજી તરફ ઇટાલીમાં 3 મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. આ હકીકત એ વાતનો પુરાવો પૂરો પાડે છે કે વાઇરસ સામેની લાંબી જંગમાં મળેલી થોડી-ઘણી સફળતાને પણ આ દેશ ગુમાવવા નથી માગતું.

જોકે, ત્યાં પણ 12 માર્ચથી બંધ રહેલાં કેટલાંક સંસ્થાનોને આવતા મંગળવારથી કામ કરવાની પરવાનગી મળશે તેવી માહિતી મળી રહી છે.

પુસ્તકો અને બાળકોનાં કપડાંનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી ચૂકી છે. જ્યારે સ્થાનિક મીડિયા અહેવાલોમાં લૉન્ડ્રી અને અન્ય સેવાઓની બહાલી અંંગેની વાત થઈ રહી છે.

અત્યાર સુધી લૉક-ડાઉન દરમિયાન માત્ર મેડિકલ અને કિરાણાની દુકાનો ચાલુ રાખી શકાતી હતી.

આ દેશોમાં ચાલી રહેલા પ્રતિબંધો અંગે વાત કર્યા બાદ જાણીએ કે વિશ્વના અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે?

આયર્લૅન્ડમાં 5 મે સુધી લૉક-ડાઉન

પૉર્ટુગલમાં 1 મે સુધી કટોકટી લાદી દેવાઈ છે. દક્ષિણ આફ્રિકામાં 21 દિવસનું લૉક-ડાઉન હતું, જેની મર્યાદા બે અઠવાડિયાં વધારી દેવાઈ છે.

હવે કેટલાક લોકો એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે હવે કોરોના વાઇરસ ઓછી ગતિએ ફેલાઈ રહ્યો છે.

WHO પ્રમાણે, ‘યુરોપના અમુક દેશોમાં વાઇરસનો ચેપ ફેલાવાની ગતિ મંદ પડી છે.’

તેમજ અમેરિકામાં પણ આ બીમારીથી રાહતના સંકેતો મળી રહ્યા હોવાના સમાચાર છે.

કૉમ્યુનિટી ઇન્ફેક્શનના તબક્કામાં કોરોના

આ અંગે WHOના ડૉ. ટ્રૅડોસે ચેતવણી ઉચ્ચારી છે કે, ‘આ બીમારી અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.’

તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે આફ્રિકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોનું ઉદાહરણ આપ્યું જ્યાં કોરોના વાઇરસના દર્દીઓ જોવા મળ્યા છે.

WHOના અભ્યાસ પ્રમાણે, વિશ્વમાં ઓછામાં ઓછા 16 દેશો એવા છે, જ્યાં આ વાઇરસ કૉમ્યુનિટી ઇન્ફેક્શનના તબક્કામાં પહોંચી ગયો છે.

તેથી આવી પરિસ્થિતિમાં લૉક-ડાઉન હઠાવવું એ સરકારો માટે અવળો દાવ પણ સાબિત થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો