કોરોના વાઇરસ : લૉકડાઉનમાં કેટલી બદલાઈ 'અમદાવાદના રિક્ષાવાળા'ની જિંદગી?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાને લીધે રાજ્યથી લઈને દેશ અને દેશાવરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ફફડાટ વચ્ચે એવા ઘણા લોકો છે, જેમણે ઉદાહરણરૂપ કામગીરી કરી છે.

આવી જ એક વ્યક્તિ છે 'અમદાવાદના રિક્ષાવાળા' ઉદયભાઈ જાધવ.

માર્ચના મધ્યભાગમાં જ્યારે કોરોના વિશેની ગંભીરતાના સમાચાર માધ્યમોમાં સતત ચમકવા માંડ્યા હતા, ત્યારે તેમણે રિક્ષામાં મુસાફરો માટે સૅનિટાઇઝરની વ્યવસ્થા રાખી હતી.

લૉકડાઉન દરમિયાન બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે તેમની સાથે વાત કરી હતી.

સૅનિટાઇઝરની સજાગતા

હવે તો કમિશનરના આદેશ બાદ શહેરમાં રિક્ષા ફરતી બંધ થઈ ગઈ છે, પરંતુ મેં તો એક સપ્તાહ અગાઉ જ રિક્ષામાં સૅનિટાઇઝરની સગવડ કરી હતી.

મારી રિક્ષામાં આમ પણ મુસાફરો માટે છાપાં, પુસ્તકો, નાસ્તો વગેરે વસ્તુઓ રાખું છું. એમાં કોરોનાની ગંભીરતાને ધ્યાને લઈને મેં સૅનિટાઇઝર પણ રિક્ષામાં રાખવાનું શરૂ કરી દીધું હતું.

મુસાફર રિક્ષામાં બેસે ત્યારે જ હું એને સૅનિટાઇઝરથી હાથ ધોવરાવી દેતો, જેથી મુસાફર સ્વસ્થ રહે અને આ રિક્ષા કોરોના વાઇરસની વાહક ન બને.

મુસાફર જ્યારે પ્રવેશે, ત્યારે હું તેમને સૅનિટાઇઝર માટે વિનંતિ કરતો, ત્યારે તેઓ મારી આ તકેદારીને ખૂબ આવકારતા હતા.

મુસાફરને શરૂઆતમાં તો નવાઈ લાગતી, તેઓ આવકારતા હતા કે એક રિક્ષાવાળો આટલો સજ્જ અને સમજદાર છે.

મેં રિક્ષામાં સૅનિટાઇઝર રાખવાનું શરૂ કર્યું એને પાંચેક દિવસ થયા બાદ જનતા કર્ફ્યુનું આહ્વાન 22 માર્ચે થયું, એ દિવસે મેં રિક્ષા બંધ રાખી હતી.

એ પછી તો અમદાવાદમાં લૉકડાઉન જાહેર થયું છે, તેથી રિક્ષા બંધ જ છે.

રિક્ષા ચાર-પાંચ દિવસ બંધ રહે તો ખાસ તકલીફ ન થાય, પરંતુ જો આ બંધ વધારે લંબાય તો અમારા જેવા અનેક રિક્ષાવાળાને આર્થિક પ્રશ્નો ઊભા થશે.

અલબત, બંધ પાળવો જ પડે એમ છે, એમાં કોઈ બેમત નથી.

લૉકડાઉન અને પછી...

હાલ હું ઘરમાં બેસીને સમય પસાર કરું છું. ઘરનાં કેટલાંક બાકી રહેલાં કામ પતાવું છું. મારાં પત્નીને શાક સમારવા સહિતનાં કામોમાં મદદ કરું છું.

ગાંધીજીનાં પુસ્તકો વાંચું છું. જ્યાં સુધી શહેરમાં લૉકડાઉન છે, ત્યાં સુધી તો રિક્ષા શહેરમાં નહીં ફેરવું.

એ પછી મંજૂરી મળશે તો શહેરમાં મારી રિક્ષા શરૂ કરી દઇશ. કોઈ મેડિકલ સ્ટાફ કે નર્સને મારી જરૂર પડશે તો જવાબદાર નાગરિક તરીકે હું તેમને જરૂર સેવા આપીશ.

રિક્ષા, ભાડું અને ગાંધી

'અમદાવાદનો રિક્ષાવાળો' તરીકે ઉદય જાધવ શહેરમાં પ્રખ્યાત છે. તેમની રિક્ષામાં પાણીની બૉટલ, નાસ્તો, બાળકો માટે રમકડાં અને ચૉકલેટ્સ વગેરે વસ્તુઓ રાખી છે.

મુસાફરી પછી તેઓ મુસાફરને એક બૉક્સ આપે છે, જેમાં મુસાફર પોતાને યોગ્ય લાગે તે રકમ ભાડાં પેટે મૂકે છે.

ઉદય જાધવ ક્યારેય મુસાફર પાસેથી પૈસા માગતા નથી. ઉદયભાઈ ગાંધીજીને પોતાના આદર્શ માને છે. ફિલ્મી હસ્તીઓએ પણ ઉદયભાઈની રિક્ષાસવારી માણી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો