ગુજરાત કૉંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ ભંગાણ કેમ પડી જાય છે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ફરી વાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં ઊથલપાથલ થઈ છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી પહેલાં રાજીનામાં આપી દીધાં છે.

તો રાજીનામું આપનારા પાંચેય ધારાસભ્યોને ગુજરાત કૉંગ્રેસે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ સોમાભાઈ જી. પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારુ અને મંગળભાઈ ગાવિતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતના રાજકારણની વાત કરીએ તો સમયાંતરે પક્ષપલટાની રાજનીતિ રમાતી રહી છે, એમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં જતાં ધારાસભ્યોની સંખ્યા વધારે છે.

ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં નથી અને ચૂંટણીટાણે ગુજરાતમાં પક્ષપલટાની રાજનીતિ વધુ તેજ થઈ જાય છે?

શા માટે એક એવી પાર્ટી જેના નામે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ વધુ બેઠક જીતવાનો રેકર્ડ (149 સીટ, માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં) છે એ કૉંગ્રેસ હાલ સમયાંતરે વેરણછેરણ થઈ જતી જોવા મળે છે.

'કૉંગ્રેસ નેતાઓને લોકો સાથે સીધો સંપર્ક નથી'

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે અને કાર્યકરોમાં પણ જોઈએ એટલો જોશ જોવા મળતો નથી.

વરિષ્ઠ પત્રકાર અજય નાયક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાત લગભગ 25 વર્ષથી કૉંગ્રેસ સત્તાથી બહાર છે. એ સમયના કૉંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ (માધવસિંહ સોલંકી, પ્રબોધ રાવલ સહિત)ના સમયમાં કૉંગ્રેસની સ્થિતિ સારી હતી. એ પછી કૉંગ્રેસની આખી પેઢી બદલાઈ ગઈ છે. એ વખતના નેતાઓ લોકો સાથે સીધા સંપર્કમાં હતા. જ્યારે હાલના નેતાઓ લોકો સાથે સીધા સંપર્કમાં નથી."

"કોઈ પણ પ્રજાલક્ષી મુદ્દાઓ માટે આંદોલન કરવાની વાત હોય એવું કૉંગ્રેસમાં હાલના સમયમાં જોવા મળતું નથી. જે કોઈ આંદોલન થાય એમાં કૉંગ્રેસ પાછળથી જોડાય છે."

"એક રાષ્ટ્રીય પક્ષ તરીકે કૉંગ્રેસે આવા (પ્રજાલક્ષી) મુદ્દાઓને ગંભીરતાથી લેવા જોઈએ. જે થતું નથી. બીજું કે 1995 પછી જે નેતાઓ રાજકારણમાં આવ્યા છે, તેઓએ કૉંગ્રેસમાં રહ્યા છતાં સત્તાનો સ્વાદ ચાખ્યો નથી."

હાલના રાજકારણ વિશે વાત કરતા તેઓ કહે છે કે "હાલનું રાજકારણ એ કોઈ વિચારધારાનું રાજકારણ નથી. બધાને સત્તા જોઈએ છે એટલે જ રાજકારણમાં આવે છે. આથી ગુજરાત કૉંગ્રેસના નેતાઓ ધીરજ ગુમાવી બેસે છે અને પક્ષપલટો કરે છે."

ભાજપની બેઠક ઘટી પણ સત્તામાં રહ્યો

આમ જોવા જઈએ તો સમય જતાં ગુજરાતમાં ભાજપ સત્તામાં રહ્યો છે, પણ તેની બેઠકોમાં ક્રમશઃ ઘટાડો થયો છે.

ગત વિધાનસભા (2017)ની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પૂરો કરી શક્યો નહોતો. એટલે કે ભાજપને 99 સીટ મળી હતી અને કૉંગ્રેસને 77 સીટ મળી હતી.

છેલ્લી વિધાનસભાનાં પરિણામ

  • 2012માં ભાજપને 115 અને કૉંગ્રેસને 61 બેઠક
  • 2007માં ભાજપને 117 અને કૉંગ્રેસને 59 બેઠક
  • 2002માં ભાજપને 127 અને કૉંગ્રેસને 51 બેઠક
  • 1998માં ભાજપને 117 અને કૉંગ્રેસને 53 બેઠક
  • 1995માં ભાજપને 121 અને કૉંગ્રેસને 45 બેઠક
  • 1985માં કૉંગ્રેસને સૌથી વધુ 149 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર 11 બેઠક મળી હતી

આમ ગુજરાતના રાજકારણ પર નજર કરીએ તો 1995થી ભાજપની બેઠકો ઓછી થતી આવી છે, પણ કૉંગ્રેસના હાથમાં સત્તા આવી શકી નથી.

'નેતૃત્વનો અભાવ, સંગઠન નબળું'

ગુજરાતમાં કૉંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતાં કંઈ વિશ્લેષણ કરવા જેવું છે જ નહીં એમ રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ માને છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પ્રકાશ ન. શાહ કહે છે કે કૉંગ્રેસે આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હોય એવું લાગે છે.

તેઓ વ્યંગમાં કહે છે, "કૉંગ્રેસના આત્માનો જે આનંદ છે કે ભલે દેશ કૉંગ્રેસમુક્ત થાય પણ ભાજપ તો કૉંગ્રેસયુક્ત થઈ રહ્યો છે, આથી કૉંગ્રેસના આત્માનો જે આનંદ છે એ આપણે ઝૂંટવી ન શકીએ."

અજય ઉમટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કૉંગ્રેસની નબળી સ્થિતિ માટે નેતૃત્વનો અભાવ, કાર્યકરોની કમી સહિતને ગણે છે.

ઉમટ વધુમાં કહે છે, "મુખ્ય કારણ એ છે કે કૉંગ્રેસમાં નેતૃત્વ નથી અને નેતૃત્વ નથી એટલે સંગઠન મજબૂત થઈ શકતું નથી. એક જમાનામાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ- રતુભાઈ અદાણી, મનોહરસિંહ જાડેજા, પ્રબોધ રાવલ, સનત મહેતા, ઝીણાભાઈ દરજી વગેરે નેતાઓનું દરેક ક્ષેત્રમાં તપ હતું."

"આ સમયે પક્ષમાં સામંજસ્ય અને સમન્વયની ભાવના હતી. ચૂંટણી સમયે કોઈ પણ પક્ષાપક્ષી વિના બધાં સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટના નિર્ણય લેવાતા હતા. તેમજ હાઇકમાન્ડ સામે બળવો કરવાની કોઈ સ્થિતિ પેદા થતી નહોતી. જ્યારે આજના સમયમાં હાઇકમાન્ડને કોઈ ગાંઠતું નથી."

તેઓ કહે છે કે હાઇકમાન્ડ નબળું છે. સ્થાનિક નેતાગીરી પણ નબળી એટલે સંગઠન પણ નબળું થઈ ગયું છે, પક્ષમાં કોઈને ભવિષ્ય જેવું દેખાતું નથી.

'કૉંગ્રેસ માત્ર નામનો વિપક્ષ'

તો પોલિટિકલ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં માને છે કે ગુજરાત કૉંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે.

તેઓ કહે છે, "અગાઉ 1980 સુધીના દાયકામાં ગુજરાતનું રાજકારણ જ્ઞાતિઓ આધારિત હતું. એ સમયે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી હતી અને કૉંગ્રેસ રાજકીય રીતે ઘણી સબળ થઈ શકી હતી."

તેઓ ગુજરાતની વર્તમાન કૉંગ્રેસની પરિસ્થિતિ અને પક્ષપલટા અંગે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના જાદુને પણ મહત્ત્વનું પરિબળ ગણે છે.

તેઓ કહે છે કે "કૉંગ્રેસના સંગઠનનું સખત ધોવાણ થયું છે. કૉંગ્રેસની હાલની સ્થિતિ એવી છે કે કોઈ નવા ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર જ નથી. માત્ર પ્રતીકાત્મક રીતે આંદોલન કે વિરોધ કરે છે. ભાજપ પાસે જે કાર્યકરો છે એટલા કૉંગ્રેસ પાસે નથી. નેતૃત્વ પણ નબળું પડે છે."

અમિત ધોળકિયા કેન્દ્રસ્તરે પણ કૉંગ્રેસની નબળાઈને કારણભૂત માને છે.

તેઓ કહે છે કે કૉંગ્રેસ આમ જોવા જઈએ તો નામમાત્રનો વિપક્ષ છે અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે.

ગુજરાતમાં પક્ષપલટાની સ્થિતિ

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાએ રાજીનામાં ધરી દીધાં હતાં.

આ ઉપરાંત ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, જામનગરના વલ્લભ ધારવિયાએ પણ રાજીનામાં આપ્યાં હતાં.

જોકે ઑક્ટોબર 2019માં ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો હાથ પકડનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી હારી ગયા હતા.

રાધનપુર, બાયડ, ખેરાલુ, થરાદ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.

છ બેઠકમાંથી ભાજપ અને કૉંગ્રેસ બન્નેને ફાળે ત્રણ-ત્રણ બેઠકો આવી હતી. રાધનપુર, થરાદ અને બાયડ બેઠક કૉંગ્રેસે જીતી લીધી, જ્યારે અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડામાં ભાજપનો વિજય થયો હતો.

રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના રઘુ દેસાઈએ ભાજપના અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા અને થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને હરાવ્યા હતા.

તો બાયડ બેઠક પરથી ભાજપના ધવલસિંહ ઝાલાને કૉંગ્રેસના જશુભાઈ પટેલે પરાજય આપ્યો હતો.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલા 11માંથી 7 ધારાસભ્યોને ટિકિટ આપી હતી, તેમાંથી માત્રે બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા.

વીરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યો હારી ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો