મંદીમાંથી બહાર નીકળતી ભારતીય ઇકૉનૉમીને કોરોના વાઇરસ અને YES બૅન્કનું ગ્રહણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અત્યારે વિશ્વ આખામાં કોરોના વાઇરસને પગલે પગલે અર્થતંત્રને અબજો ડૉલરનું નુકસાન થયું છે. યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રૅડ ઍન્ડ ડેવલપમૅન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ પ્રમાણે, ચીનના કોરોના વાઇરસને કારણે વૈશ્વિક નિકાસમાં 50 અબજ ડૉલરનો ફટકો પડ્યો છે.
દેશવિદેશમાં કોરોના વાઇરસે કાળો કેર વરતાવ્યો છે, તેમાં યુરોપિયન યુનિયનને 15.6 અબજ ડૉલર, અમેરિકાને 5.8 અબજ ડૉલર, જાપાનને 5.2, દક્ષિણ કોરિયાને 3.8, તાઈવાનને 2.6 અને વિયેતનામને 2.3 અબજ ડૉલરનું આર્થિક નુકસાન થવા પામ્યું હોવાનો અંદાજ છે.
દુનિયાભરની ઍરલાઇન્સને 113 અબજ ડૉલરનો ફટકો પડશે. આ ઉપરાંત વિશ્વ બજારમાં ક્રૂડની માગ ઘટતાં ઓપેકના દેશોએ 15 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાઇરસના કારણે ભારતને 34.80 કરોડ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ મુકાયો છે. ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ખલેલ પડતાં તેની ટોચના પંદર દેશોમાં ભારે અસર પડી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
કોરોના વાઇરસને કારણે ચીનથી ભારતમાં આયાત થતાં સંદેશાવ્યવહારનાં સાધનો, મશીનરી ઉપર ખાસ અસર પડી છે.
સોમવારે બપોરે એક વાગ્યે સેન્સેક્સ લગભગ 2,030 પૉઇન્ટના (5.4 ટકા) કડાકા સાથે 35,550 પૉઇન્ટને સ્પર્શી ગયો હતો.
નિફ્ટી 566 પૉઇન્ટ (લગભગ 5.15 ટકા)નો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 10,420 પૉઇન્ટ આસપાસ ચાલી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નિફ્ટી પચાસ શૅરનો, જ્યારે બી.એસ.ઈ. ત્રીસ શૅરમાં થતી વધઘટને દર્શાવતો સૂચકાંક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોના કહેવા પ્રમાણે, ભારતમાં કોરોના વાઇરસના વધતાં જતાં કિસ્સા, ક્રૂડઑઈલના ભાવોમાં કડાકા, વૈશ્વિક બજાર ઉપર કોરોનાની અસર તથા યસ બૅન્ક સંકટને કારણે આ કડાકો જોવા મળ્યો હતો.
બીજી બાજુ ભારતને જે ક્ષેત્રમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમાં ખાસ કરીને કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એપરલ ઉપરાંત ઇલેક્ટ્રિકલ મશીનરી, ઑટોમેટિવ જેવાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે જાન્યુઆરીમાં થોડો સળવળાટ જોવા મળ્યો એટલે આશા બંધાઈ હતી કે ઔદ્યોગિક વિકાસનાં ચક્રો ફરીથી ગતિ પકડશે.
જોકે ઉત્પાદન ક્ષેત્રનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઈન્ડેકસ (પી.એમ.આઈ.) જાન્યુઆરીમાં 55.3 હતો, તે ફેબ્રુઆરીમાં થોડો ઘટીને 54.50 ટકા રહ્યો છે.
આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે વૈશ્વિક મંદી અને કોરોના વાઇરસ જે રીતે ફેલાઈ રહ્યા છે તે જોતાં વિશ્વ આખામાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે જો સપ્લાય ચેઇન ખોરવાઈ જાય તો તેની સીધી અસર આયાત-નિકાસ ઉપર પડે અને નવા ઑર્ડર પણ કૅન્સલ કરવા પડે તેવા સંજોગ ઊભા થઈ શકે છે.
હવે સેવાક્ષેત્રની વાત કરીએ તો ભારતના ગ્રોસ વેલ્યૂ એડિશનમાં સેવાક્ષેત્ર 54.3 ટકા ફાળો ધરાવે છે.
સેવાક્ષેત્રમાં ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી કંપનીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટ-સોર્સિંગ (BPO) અને નૉલેજ પ્રોસેસ આઉટ-સોર્સિંગ (KPO) સિવાય હોટેલ્સ, રેસ્ટોરાં, નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ, પરિવહન, સંચાર અને પ્રસારણ સેવાઓનો સમાવેશ થાય છે.
ઉત્પાદન ક્ષેત્રની માફક જ સેવાક્ષેત્રે પણ સ્થાનિક અને વૈશ્વિક માગને પગલે માગમાં સુધારો જોવા મળ્યો છે.


ઇમેજ સ્રોત, Getty Images
આઈ.એચ.એસ. માર્કેટના અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર મજબૂત બિઝનેસ કૉન્ફિડન્સ અને વિદેશમાં માગ વધવાને કારણે ફેબ્રુઆરીનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેકસ (પી.એમ.આઈ.) વધીને 57.50 પૉઇન્ટ થવા પામ્યો છે, જે પાછલા સાત વરસમાં સહુથી ઊંચી સપાટીએ રહ્યો છે.
જાન્યુઆરીમાં આ આંક 55.50 પૉઇન્ટ રહ્યો હતો, જે સાત વરસમાં (જાન્યુઆરી 2013 થી) સૌથી ઊંચો જોવા મળ્યો છે.
આઈ.એચ.એસ. માર્કેટ દ્વારા સેવા ક્ષેત્રે થતી નિકાસમાં વધારો જોવા મળ્યો છે તેને પગલે પગલે સેવાક્ષેત્રે નવી રોજગારીની તકો સર્જાઈ છે અને એને કારણે સેવાક્ષેત્રમાં નવી ભરતી જોવા મળી રહી છે.
સેવાક્ષેત્રે સ્પર્ધામાં ટકી રહેવા કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો થાય તે મુદ્દે પણ સુધારો જોવા મળી રહ્યો છે. કેટલીક સેવા કંપનીઓએ ઑર્ડરનું ભારણ જોઈ નવા કર્મચારીઓને નોકરી આપી છે.
જે કંપનીઓ આમ કરી શકી નથી તેવી કંપનીઓ તેમના સ્થાયી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી કે કામના કલાકો વધારી ઑર્ડર પૂરા કરી રહી છે.
ઉત્પાદન તેમજ સેવાક્ષેત્રનો સંયુકત સરેરાશ પીએમઆઈ ફેબ્રુઆરીમાં 57.60 રહ્યો છે જે જાન્યુઆરીમાં 56.30 પૉઇન્ટ હતો. આમ વર્તમાન વરસમાં ઉત્પાદન અને સેવાકીય ક્ષેત્રે વૃદ્ધિ થશે તેવું લાગી રહ્યું છે.
ઉત્પાદન તથા સેવાક્ષેત્રમાં અત્યારે મળી રહેલા નવા ઑર્ડરનું વલણ જોતાં માર્ચ મહિનામાં પણ ખાનગી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થશે તેવી સંભાવના છે.
જે ચાલુ નાણાં વરસના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે અને 2020-'21 વરસના આર્થિક વૃદ્ધિદર (જી.ડી.પી.) માટે સાનુકૂળ રહેશે.
ચાલુ વરસે જોકે જાન્યુઆરીમાં નવા બિઝનેસ પર નજર રાખતા સબ-ઇન્ડેકસના વિસ્તરણની ગતિ મંદ પડી છે, પરંતુ તે લાંબા ગાળાની સરેરાશ કરતાં ઊંચી જોવા મળી છે.
આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં જે ગતિથી કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધતી જાય છે, તે જોતાં આવનાર સમયમાં ભારતના ઉત્પાદન અને સેવાઓ ઉપર પણ અસર થશે.

ઇમેજ સ્રોત, Getty Images
અત્યારે 40 જેટલા કેસ નોંધાયા છે અને સ્વાસ્થ્ય મંત્રાલય દેશમાં કુલ 28,529 લોકો ઉપર નજર રાખી રહ્યું છે તે જોતાં આવનાર સમયમાં કેસ વધશે અને આ ગંભીરતાને ધ્યાનમાં લઈ આવનાર સમયમાં ફરીથી આર્થિક વિકાસ ધીમો પડે તો નવાઈ પામવા જેવુ નહીં હોય.
એક બાજુ ઔદ્યોગિક ઉત્પાદન અને સેવાક્ષેત્રે ધીમો તો ધીમો પણ સુધારો થઈ રહ્યો છે, તેવા સમયે જાણે પડતા ઉપર પાટુ મારતો હોય તે રીતે કમોસમી વરસાદ દેશના પશ્ચિમી રાજ્યોને ધમરોળી રહ્યો છે. આ કમોસમી વરસાદને માવઠું કહેવાય.
જયપુર જેવી કેટલીક જગ્યાએ તો કરા પડ્યા છે. ત્યારે ખેતરમાં ઊભેલો પાક જેમાંથી ચણા જેવો પાક તો અત્યારે પાકી ગયો છે પણ જીરું, ઘઉં, વરિયાળી, ઇસબગુલ જેવા પાકોને આ કમોસમી વરસાદ અને કરાના કારણે નુકસાન થશે. કમોસમી વરસાદને કારણે હવામાં ભેજ અને ઠંડક વધશે.
કોરોના વાઇરસને પ્રસારવા માટે આ સાનુકૂળ પરિસ્થિતિ છે. આમ દેશની અર્થવ્યવસ્થા રિકવરી તરફ જઈ રહી છે અને મંદી હવે બૉટમ આઉટ થઈ ગઈ છે એમાં માવઠું અને કોરોના વાઇરસ જેવી આપત્તિઓ ઉમેરાઈ છે.
શિયાળું ખેત ઉત્પાદન નીચું જશે એની સાથોસાથ જો કોરોના વાઇરસ ઝડપથી ફેલાવા માંડે તો મોટી તકલીફ થાય. કોરોના વાઇરસની આ આપત્તિમાંથી ઉનાળાની ધોમધખતી ગરમી મોટી રાહત અપાવી શકે.

ઇમેજ સ્રોત, Getty Images
તેની મોટી અસર કોરોના વાઇરસના આક્રમણને ખાળવા માટે થઈ શકશે. અસહ્ય ગરમીથી આપણે ત્રાસી જઈએ છીએ, પણ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે ભલે સૂરજનારાયણ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસાવે, એનો મોટો ફાયદો કોરોના વાઇરસ સામેના જંગમાં આપણે ઓછામાં ઓછી ખુવારીથી બહાર આવી શકીએ છીએ એમ એક વર્ગ માને છે.
આમ જેમાંથી માંડ થોડી રાહત મળવા માંડી છે એ મંદી અને પડતાં પર પાટુ જેવો કોરોના વાઇરસનો ઉપદ્રવ ભારતીય અર્થવ્યવસ્થાને મંદીના મારમાંથી બચવા માટે હજુ કેટલોક વધુ સમય રાહ જોવડાવશે, હજુ કેટલુંક વધુ નુકસાન કરાવશે.
આ નુકસાન તેમજ મંદીમાંથી મુક્ત થવાનો સમય બંને બાબતો ભારતમાં હજુ જેનો પ્રવેશ થઈ રહ્યો છે તે કોરોના વાઇરસ ઉનાળાની તીવ્ર ગરમીને કારણે દબાઈ જશે કે પછી એ ગરમીને પચાવી જઈને પણ તબાહી વેરતો રહેશે એના ઉપર આધારિત છે.
આજની તારીખમાં મંદી અને કોરોના વાઇરસ બંને વિષે માત્ર અટકળ જ મૂકી શકાય. આગાહી કરવી અશક્ય નહીં પણ અતિ મુશ્કિલ તો છે જ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















