Women's Day બીબીસી રિસર્ચ : ગુજરાતમાં 35 ટકા લોકો માને છે કે સ્પૉર્ટસમાં સક્રિય મહિલા માટે બાળક પેદા કરવું મુશ્કેલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બીબીસીના એક રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં માત્ર 45 ટકા લોકો તેમના રોજિંદા જીવનમાં રમતગમતને મહત્ત્વ આપે છે જ્યારે દેશમાં સરેરાશ 54 ટકા લોકો રમતગમતને મહત્ત્વપૂર્ણ માને છે.

એ સિવાય આ રિસર્ચમાં સામે આવ્યું કે દેશમાં મહિલા સ્પોર્ટસ જોનારા દર્શકોની સૌથી ઓછી ટકાવારી ગુજરાતમાં છે.

રમતગમત અને આ ક્ષેત્રે કારકિર્દી બનાવારાં મહિલાઓ અંગે લોકોનો કેવો અભિગમ છે, એ જાણવા માટે બીબીસીએ એક અભ્યાસ કર્યો.

આ રિસર્ચમાંથી નીચેનાં મુખ્ય આઠ તારણો જાણવા મળ્યાં છે.

1. કેટલા ભારતીયો રમત સાથે સંકળાયેલા છે?

ગુજરાતમાં રિસર્ચમાં ભાગ લેનારા લોકોમાંથી 45 ટકા માટે રોજિંદા જીવનમાં રમતગમત મહત્ત્વ ધરાવે છે, જોકે ભારતમાં સરેરાશ 54 ટકા લોકો માટે રમતગમત મહત્ત્વની છે.

રિસર્ચમાં ભાગ લેનાર ગુજરાતના 75 ટકા લોકો હાલ કોઈ રમતમાં ભાગ લેતા નથી અથવા રમતા નથી જ્યારે ભારતમાં આ આંકડો 36 ટકા હતો.

ભારતમાં રમતગમત એ જીવનશૈલીનો ભાગ નથી. બીબીસીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દસ હજારમાંથી માત્ર એક-તૃતીયાંશ લોકો રમતગમતમાં ભાગ લે છે.

વૈશ્વિક સ્તરે વાત કરીએ તો ફિનલૅન્ડ, ડૅનમાર્ક અને સ્વિડન જેવાં રાષ્ટ્રોમાં બે-તૃતીયાંશ વસતિ રમતગમતમાં ભાગ લે છે જે આખા યુરોપની સરેરાશ અડધા કરતાં થોડી વધારે છે.

2. લોકપ્રિય રમતો કઈ છે?

ભારતમાં સૌથી વધારે રમાતી રમત ક્રિકેટ છે અને ગુજરાતમાં પણ ક્રિકેટ રમનારા લોકોની ટકાવારી સૌથી વધારે હતી.

રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં આશરે 12 ટકા લોકો ક્રિકેટ રમે છે અને 7 ટકા કબડ્ડી રમે છે.

ત્યારે દોડમાં રસ ધરાવનાર ગુજરાતીઓની ટકાવારી છ ટકા હતી.

રાષ્ટ્રીય સ્તરે રિસર્ચમાં જવાબ આપનારા મોટા ભાગના લોકો (15%) ક્રિકેટ રમે છે. જ્યારે બીજી સૌથી લોકપ્રિય રમત કબડ્ડી (13%) છે.

ત્રીજી સૌથી લોકપ્રિય શારીરિક કસરત યોગ છે (6%). હૉકી માત્ર બે ટકા લોકો રમે છે જ્યારે તેનાથી વધારે શતરંજ પસંદ કરવામાં આવે છે અને 3 ટકા લોકો તેને રમે છે.

3. મહિલા ખેલાડીઓ વિષે લોકોનો અભિગમ કેવો છે?

રિસર્ચમાં જવાબ આપનારા લગભગ અડધા ભાગના લોકોના અભિપ્રાય મુજબ વિમૅન સ્પૉર્ટસએ મૅન સ્પૉર્ટસ જેટલું મનોરંજક માધ્યમ નથી. મહિલા ખિલાડીઓનાં શરીર આકર્ષક નથી લાગતાં એવી દલીલો પણ અમને સાંભળવા મળી.

ગુજરાતમાંથી આ રિસર્ચમાં ભાગ લેનાર લોકોમાંથી 36 ટકા લોકો આ વાતથી સહમત નહોતા કે મહિલાઓ ખેલાડીઓના શરીર આકર્ષક નથી લાગતા. ત્યારે 40 ટકા લોકો એવું નથી માનતા કે મહિલા ખેલાડીઓએ આકર્ષક લાગવું જોઈએ.

ગુજરાતમાં રિસર્ચમાં 92 ટકા લોકોએ માન્યું કે મહિલા અને પુરુષ ખેલાડીઓને એક સરખું મહેનતાણું મળવું જોઈએ. જ્યારે ભારતમાં રિસર્ચમાં 85 ટકા લોકો પણ આ વાતને માને છે.

મહિલા અને પુરુષોને ખેલ ક્ષેત્રે આગળ વધવા અને તેમને કારકિર્દી બનાવવા એક સરખું પ્રોત્સાહન આપવાનું કબુલવા છતાં પણ આશરે ભારતના સ્તરે એક-તૃતીયાંશ લોકોએ સર્વેમાં એવું પણ કહ્યું કે રમવાથી મહિલાની બાળક પેદા કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

ત્યારે ગુજરાતમાં 35 ટકા લોકો એ વાતથી અસહમત હતા કે મહિલા ખેલાડીઓને બાળક પેદા કરવામાં મુશ્કેલી થાય છે.

આવા અભિગમો માત્ર ભારતમાં જ છે એવું નથી. યુ.કેમાં 2019ના ફૂટબૉલ વર્લ્ડ કપ પહેલાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે 'ઑફ-પીચ લોકોને સુંદર દેખાતી મહિલાઓને જોવામાં વધારે રસ હોય છે.'

જે રીતે લોકો મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે તેનાં મૂળમાં જાતિગત સમાનતાની સમજણ રહેલી હોય છે.

ભણતર, કારકિર્દી અને જીવનની તમામ બાબતોમાં મહિલાઓની પોતાની ઇચ્છાને જ્યારે સમાજ સમજશે અને સ્વીકારશે ત્યારે સ્વાભાવિક રીતે રમતના ક્ષેત્રે પણ તેમને યોગ્ય સ્થાન મળી રહેશે.

4. મહિલાઓની રમત કોણ જુએ?

આ રિસર્ચમાં જવાબ આપનારા ગુજરાતના લોકોમાં પુરુષોની પ્રતિસ્પર્ધા જોવા જતો વર્ગ મહિલા ખેલાડીઓની રમત જોવા જતા વર્ગ કરતાં બમણાથી વધારે છે.

રાષ્ટ્રીય સ્તરે પુરુષોની ટુર્નામેન્ટના સમાચારમાં રસ ધરાવનાર લોકોની ટકાવારી 47 ટકા છે જ્યારે પુરુષોની રમતગમત જોનારા દર્શકોની ટકાવારી 45 ટકા હતી.

ત્યારે ગુજરાતમાં રિસર્ચમાં જવાબ આપનારા લોકોમાં મહિલા ખેલાડીઓની રમતમાં રસ ધરાવનાર લોકો સૌથી ઓછા હતા.

23 ટકા લોકો મહિલા રમતગમતના સમાચારમાં રસ ધરાવે છે ત્યારે 20 ટકા દર્શકો મહિલા ખેલાડીઓને રમતગમતમાં ટીવી ચૅનલ પર જુવે છે.

ગુજરાતમાં રિસર્ચમાં જવાબ આપનાર લોકોમાંથી 36 ટકા લોકો માને છે કે મહિલા ખેલાડીઓ પુરુષ ખેલાડીઓ જેટલાં સારાં નથી હોતા, જોકે રાષ્ટ્રીય સ્તર પર આ આંકડો 32 ટકા હતો.

ત્યારે ગુજરાતમાં 44 ટકા લોકોને મહિલા ખેલાડીઓની ટુર્નામેન્ટ પુરુષો કરતાં ઓછી મનોરંજક લાગે છે ત્યારે 60 ટકા લોકો માને છે કે હાલ મહિલાઓની ટુર્નામેન્ટનું મોટાં પ્રમાણમાં કવરેજ ન્યૂઝ અને સ્પૉર્ટ પર થઈ રહ્યું છે.

મહિલાઓની રમતોનું પ્રસારણ વધારે થવું જોઈએ, જેથી લોકોનો રસ તેમાં વધી શકે છે.

જોકે માત્ર તેમ કરવું પૂરતું નથી. કેમ કે મહિલા ખેલાડીઓને જોતી વખતે પણ એક અપેક્ષા 'મનોરંજન'ની પણ હોય છે.

5. ભારતીય મહિલાઓનું પ્રદર્શન ઑલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય ખેલસ્પર્ધામાં કેવું રહ્યું?

ભારતે ઑલિમ્પિકમાં અત્યાર સુધીમાં 28 મેડલ જીત્યા છે, જેમાંથી 14 છેલ્લાં 25 વર્ષમાં મેળવ્યા છે. ઑલિમ્પિકમાં ભારતનો પહેલો અને એક માત્ર વ્યક્તિગત ગોલ્ડ-મેડલ 2008માં અભિનવ બિંદ્રાએ જીત્યો હતો.

ઑલિમ્પિકમાં મહિલાઓએ પાંચ વ્યક્તિગત મેડલ જીત્યાં છે. આ બધા જ મેડલ છેલ્લા બે દસકામાં ભારતને મળ્યા છે.

છેલ્લી ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતને જે બે મૅડલ મળ્યા તે બંને મહિલા ઍથ્લીટ્સે જીત્યાં છે. જેમાં એક છે બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને બીજાં છે કુસ્તીબાજ સાક્ષી મલિક.

ઘણાં લોકોની દલીલ હોય શકે કે ઑલિમ્પિકમાં જીતવામાં આવતા મેડલ એક કોઈ પણ દેશની ખેલસિદ્ધિનો ઉચ્ચતમ માપદંડ ન હોઈ શકે કેમ કે ભારતની સૌથી લોકપ્રિય રમત આવી આંતરરાષ્ટ્રિય ખેલસ્પર્ધાઓમાં રમાતી નથી.

6.ભારતીયો સ્પૉર્ટમાં શા માટે ભાગ લેતા નથી?

રિસર્ચના આ સવાલમાં લોકોએ આપેલા જવાબોમાંથી તારણ નીકળે છે કે શાળાઓમાં રમતગમત માટે ઓછી સુવિધાઓ અને શાળામાંથી મળતા અપૂરતા પ્રોત્સાહનને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.

ભણવામાં સતત સારું પ્રદર્શન કરવાનો વાલીઓનો આગ્રહ અને રમવાથી સમય વેડફાય છે એવી વિચારસરણીના કારણે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓ રમતગમતમાં ભાગ લેતાં નથી.

ઑલિમ્પિક જેવી ખૂબ ઉચ્ચ સ્પર્ધામાં ભારતનું પ્રદર્શન સુધર્યું હોવા છતાં, મહિલા ખિલાડીઓની સિદ્ધિઓને ઉજવવાનું પ્રમાણ વધ્યું હોવા છતાં, પણ લોકોનો રમતગમત માટેનો અભિગમ બદલાયો નથી.

7. મહિલાઓ ક્રિકેટ રમે છે?

ક્રિકેટમાં દેખીતો જાતિભેદ છે કેમકે 25 ટકા પુરુષો સામે માત્ર 5 ટકા મહિલાઓ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ધીમે-ધીમે એક ઉચ્ચ મુકામે પહોંચી રહી છે.

પુરુષ ક્રિકેટ ટીમ વન ડે ક્રિકેટમાં બે વાર વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકી છે અને ટી-20માં ક્રિકેટમાં એક વાર.

વન-ડે ઈન્ટરનેશનલમાં મહિલા ટીમ બે વાર ફાઇનલ સુધી પહોંચી છે. હાલમાં મૅલબર્નમાં ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેમાં ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામે રવિવારે ફાઇનલમાં ટકરાશે.

8. કેટલી મહિલાઓ કબડ્ડી રમે છે?

11 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ કબડ્ડી રમ્યાં છે જ્યારે પુરૂષોનો આંકડો 15 ટકાનો છે. કબડ્ડી એશિયન ગૅમનો પણ ભાગ છે. કબડ્ડી વર્લ્ડ કપ અને પ્રૉ-કબડ્ડી લીગ પણ ચાલે છે.

કબડ્ડી ભારતીય ઉપખંડની પોતાની રમત છે અને બંને મહિલા અને પુરૂષોની સ્પર્ધામાં ભારત મોખરે રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો