You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDW vs AUSW : એ પાંચ કારણો જેને લીધે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ ગુમાવ્યો
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આઈસીસી વિમેન્સ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં રવિવારે ઑસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થયો હતો. આમ પહેલી વાર વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.
ઑસ્ટ્રેલિયાએ આપેલા 184 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
આ એ કારણો છે જેને લીધે ભારતીય વિમેન્સ ટીમનો ફાઇનલમાં પરાજય થયો.
શફાલી વર્મા પર વધુ પડતો મદાર
સમગ્ર ટુર્નામેન્ટમાં ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. લગભગ તમામ મેચમાં તેમણે જ એકલા હાથે ભારતીય બેટિંગની જવાબદારી સંભાળી હતી પરંતુ ફાઇનલમાં તેઓ નિષ્ફળ રહ્યાં.
શફાલી નિષ્ફળ રહે તો તેમને સ્થાને અન્ય કોઈ ખેલાડી જવાબદારી સંભાળી લેશે તેવો બૅકઅપ પ્લાન ભારતીય ટીમ કે મૅનેજમૅન્ટે રાખ્યો જ ન હતો અને અંતે સૌથી મહત્ત્વની મૅચમાં જ શફાલી નિષ્ફળ રહ્યાં ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડી.
શફાલીની આક્રમક બેટિંગ દરેક મૅચમાં ભારતને લાભ કરાવી રહી હતી અને ભારતીય ટીમ તેની ઉપર વધુ પડતી આધારિત બની ગઈ હતી.
એલિસા હિલી અને બેથ મૂનીને આપેલા જીવતદાન
દિપ્તી શર્માએ ફેંકેલી મૅચની પહેલી જ ઓવરમાં એેલિસા હિલીને અને ત્રીજી ઓવરમાં બેથ મૂનીને જીવતદાન મળ્યું હતું.
શફાલી વર્માએ હિલીન કેચ ગુમાવ્યો હતો. આ જ રીતે બેથ મૂનીનો કેચ છૂટ્યો. આ બેઉ જીવતદાન ભારતને ભારે પડી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિલીએ 75 અને બેથ મૂનીએ 78 રન ફટકાર્યા હતાં. આ બંને ખેલાડીને કારણે જ ઑસ્ટ્રેલિયા 184 રનનો વિશાળ સ્કોર ખડકી શક્યું હતું.
મંધાના અને હરમનપ્રિતની સતત નિષ્ફળતા
સમગ્ર ટુર્નામેન્ટમાં હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના એકેય મૅચમાં સફળ ન રહ્યાં. આ મૅચમાં તેમની પાસેથી ઘણી અપેક્ષા રખાતી હતી કેમ કે આ પ્રકારની મેગા મૅચમાં રમવાનો તેમની પાસે બહોળો અનુભવ હતો. હરમનપ્રિત તો ઑસ્ટ્રેલિયામાં બિગ બેશ ટી20 લીગમાં રમવાનો પણ અનુભવ ધરાવે છે. જ્યારે મંધાના તમામ દેશ સામે ઉમદા રમત દાખવી ચૂકી હતી.
તેઓ ટુર્નામેન્ટમાં સારો દેખાવ ન કરી શક્યાં પણ જેમાં ખૂબ જ દબાણ હોય એવી ફાઇનલમાં પણ ટીમને દિશા ન આપી શક્યાં.
ફાઇનલ અને 75 હજાર પ્રેક્ષકોનું દબાણ
ભારતની કોઈ ખેલાડી આવડી મોટી મૅચમાં અગાઉ રમી ન હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 75 હજાર પ્રેક્ષકો સામે કોઈ ખેલાડીને રમવાનો અનુભવ ન હતો. સુકાની હરમનપ્રિત કૌરે શનિવારે જ કબૂલ્યું હતું કે કોઈ ખેલાડી આટલા પ્રેક્ષકો સામે ક્યારેય રમ્યાં નથી. આમ ફાઇનલ જેવી મૅચ અને જંગી મેદનીના દબાણને કારણે પણ ખેલાડીઓ નર્વસ થઈ ગયાં.
કટોકટીના સમયે જ બૉલરોનો પ્રભાવ ઘટ્યો
આ જ ઑસ્ટ્રેલિયન ટીમ સામેની પ્રારંભિક મૅચમાં ભારતીય બૉલરોનો દબદબો રહ્યો હતો પરંતુ રવિવારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
પૂનમ યાદવ અસરકારક ન રહ્યાં તો શિખા પાંડેને સૌથી વધુ માર પડ્યો હતો. શિખાએ ચાર ઓવરમાં બાવન રન આપી દીધા હતાં. દિપ્તી શર્માએ બે વિકેટ લીધી હતી પરંતુ તેમની બૉલિંગમાં મહત્વના ખેલાડીના કેચ છૂટ્યાં હતાં. રાધા યાદવે પણ ઓવરદીઠ 8.50 રન આપ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો