'તારક મહેતા કા ઊલટા ચશ્માં'ના ચંપકચાચાએ માફી કેમ માગવી પડી?

વર્ષોથી લોકોને હસાવી રહેલા ટીવી કાર્યક્રમ 'તારક મહેતા કા ઊલટા ચશ્માં'માં જેઠાલાલના 'બાપુજી' એટલે કે ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે એક ડાયલૉગ બદલ લેખિતમાં માફી માગવી પડી છે.

'તારક મેહતા કા...'ના એક ડાયલૉગ અંગે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નારાજ થઈ હતી.

કાર્યક્રમમાં ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ એક ડાયલૉગ બોલ્યા હતા કે "મુંબઈની રોજિંદી ભાષા હિંદી છે."

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ચિત્રપટ કર્મચારી સેનાના પ્રમુખ અમેયા ખોપકરે એક ટ્વીટ કરીને 'તારક મહેતા કા ઊલટ ચશ્માં'ની ટીકા કરી હતી.

વિરોધ અને માફી

અમેયા ખોપકરે લખ્યું હતું, "મરાઠીને ઊતરતી દેખાડવા સામે મ.ન.સે.નો વિરોધ છે. મુંબઈની ભાષા મરાઠી છે, એ બાબત તેઓ જાણે છે, છતાં સિરિયલ દ્વારા તેમનો અપપ્રચાર ચાલી રહ્યો છે. એમને મસ્તી ચડી છે, તે ઉતારવાની જરૂર છે. આ ગુજરાતી કીડાનો સળવળાટ અટકાવવાની જરૂર છે. આ સિરિયલમાં કામ કરનાર મરાઠી લોકોને પણ કોઈ શરમ નથી આવતી."

'તારક મહેતા કા ઊલટા ચશ્માં'ના ફેસબુક પેજ પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કાર્યક્રમમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેશ લોઢા કહી રહ્યા છે, "મુંબઈની સ્થાનિક અને સત્તાવાર ભાષા મરાઠી છે."

"કાલના ઍપિસોડમાં ચંપકચાચા થકી અમે કહ્યું હતું કે અહીંની રોજિંદી ભાષા હિંદી છે. આનો અર્થ એ હતો કે મુંબઈએ ખુલ્લા મને દર પ્રાન્તના લોકો અને દર ભાષાને સન્માન અને પ્રેમ આપ્યો છે."

વીડિયોમાં આગળ લોઢા કહે છે, "ચંપકચાચાની વાતથી કોઈને ઠેસ લાગી હોય તો અમે અંત:કરણથી માફી માગીએ છીએ. 'તારક મહેતા કા ઊલટા ચશ્માં' દરેક પ્રાન્ત, દરેક ભાષા, ધર્મ, સંપ્રદાયનું સન્માન કરે છે. આવો સાથે મળીને આ દેશને મહાન બનાવીએ. જય હિંદ"

અમિત ભટ્ટે પત્રમાં શું લખ્યું?

અમિત ભટ્ટે પણ એક પત્ર લખીને માફી માગી હતી જેમાં કહેવામાં આવ્યું હતું, "હું કાર્યક્રમમાં ચંપકચાચાનું પાત્ર ભજવી રહ્યો છું. લેખકે લખેલ ડાયલૉગ બોલતા સમયે મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું કે મુંબઈની રોજિંદી ભાષા હિંદી છે, કારણ કે સ્ક્રિપ્ટમાં આવું જ લખવામાં આવ્યું હતું."

"મુંબઈની ભાષા હિંદી નહીં, પણ મરાઠી છે એ વાતનું અમને ગૌરવ છે. હું આ ભૂલ બદલ અફસોસ જાહેર કરું છું અને માફી પણ માગું છું આવી ભૂલ ફરી નહીં થાય."

'તારક મહેતા કા...' એ કૉમેડી સિરિયલ છે જે ગુજરાતી લેખક તારક મહેતાના સર્જનજગત પર આધારિત છે.

જે મુંબઈની એક સોસાયટીમાં અલગ-અલગ પ્રાન્ત અને ભાષા બોલનારા લોકોના જીવનને દર્શાવતો કાર્યક્રમ છે.

જુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકૉમ (પરિસ્થિતિ પર આધારિત કૉમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કૉલમ 'દુનિયાને ઊંધાં ચશ્માં' પરથી બનાવવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો