INDW vs SLW : ભારતની મહિલા ટીમના શ્રીલંકા સામેના વિજયનાં કારણો

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આઈસીસી વિમૅન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યારે માત્ર ભારતીય ટીમની બોલબાલા છે કેમ કે અન્ય ટીમો આગેકૂચ માટે વિવિધ સમીકરણો અંગે વિચારી રહી છે ત્યારે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે.

શનિવારે રમાયેલી મૅચમાં ભારતે શ્રીલંકા સામે સાત વિકેટે આસાન વિજય હાંસલ કરીને સેમીફાઇનલમાં તો સ્થાન હાંસલ કરી લીધું પરંતુ સાથે સાથે વર્લ્ડ કપ જીતવા માટે તે સૌથી મજબૂત દાવેદાર ટીમ તરીકે આગળ આવી છે.

હરમનપ્રીત કૌરની ટીમની ખાસિયત એ રહી છે કે દરેક મૅચમાં કોઈ અલગ જ ખેલાડી ટીમને સફળતા અપાવે છે.

આમ ભારતીય વિમૅન્સ ટીમ કોઈ એકાદ ખેલાડી પર આધારિત રહી નથી.

શનિવારની મૅચમાં રાધા યાદવે કમાલ કરી હતી.

શફાલી વર્માએ અગાઉની મૅચોની માફક આ મૅચમાં પણ આક્રમક બૅટિંગ કરી હતી પરંતુ ખરેખર તો શફાલી અને અન્ય ભારતીય બૅટ્સમૅનનો માર્ગ આસાન કરવામાં રાધા યાદવની ભૂમિકા રહી હતી.

રાધા યાદવનો તખાટ

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં પૂનમ યાદવે જે રીતે ઘાતક બૉલિંગ કરી હતી તેની યાદ તાજી કરાવીને રાધા યાદવે શનિવારે શ્રીલંકા સામે બૉલિંગ કરી હતી.

રાધા યાદવ અને ભારત માટે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર એવું બન્યું કે તેમણે પહેલી બૉલિંગ કરવાની આવી હતી.

અગાઉની મૅચમાં ભારત ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે રમતું હતું જ્યારે શનિવારે તેઓ ટાર્ગેટ સેટ કરવા માટે રમતા હતા.

આ સંજોગોમાં બૉલર્સની જવાબદારી વધી ગઈ હતી કેમ કે તેમના ઉપર જ ભારતની બૅટિંગનો આધાર હતો કે તેમણે કેટલા રન કરવાના છે.

રાધા યાદવે તેની ચાર ઓવરમાં લગભગ તમામ બૉલ સ્ટમ્પની લાઈનમાં જ ફેંક્યા હતા, જેને કારણે શ્રીલંકન બૅટ્સમૅન કોઈ પ્રકારની છૂટછાટ લઈ શક્યાં નહોતાં.

શ્રીલંકા માત્ર 113 રન કરી શક્યું. ભારતીય વિમેન્સ ટીમ હાલમાં જે પ્રકારનું ફૉર્મ ધરાવે છે તે જોતાં 113 રનનો ટાર્ગેટ તેમના માટે સામાન્ય કહી શકાય તેવો હતો.

રાધા યાદવે ચાર ઓવરમાં માત્ર 23 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

ઓપનર અને કૅપ્ટન ચમીરા અટપટ્ટુ ખતરનાક બની રહી હતી અને તે એકલા હાથે શ્રીલંકન ટીમનો સ્કોર આસાનીથી 150 સુધી પહોંચાડશે તેવી દહેશત પેદા થવા લાગી ત્યારે જ રાધા યાદવે તેમને પેવેલિયનમાં મોકલી દીધાં હતાં.

આ ઉપરાંત કરુણારત્ને અને પરેરાને પણ રાધાએ આઉટ કરીને શ્રીલંકન બૅટિંગની કમર તોડી નાખી હતી.

ભારતની અદ્દભુત ફિલ્ડિંગ

આ મૅચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ દાદ માગી લે તેવી રહી હતી.

ખાસ કરીને વેદા ક્રિષ્ણમૂર્તિએ અફલાતુન કૅચ ઝડપ્યા હતા તો વિકેટ પાછળ તાનિયા ભાટિયાએ હંમેશાંની માફક વિજળીવેગે કામગીરી બજાવતી હતી.

ફિલ્ડિંગને કારણે જ ટીમે ઘણા રન રોકી દીધા હતા.

શફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બૅટિંગમાં આવ્યાં ત્યારે તેઓ કદાચ હળવાશ અનુભવતા હશે કેમ કે ટાર્ગેટ માંડ 113 રનનો હતો તેમાંય મંધાના વધુ હળવાશ અનુભવતાં હશે કેમ કે તેમની સાથે શફાલી વર્મા હતાં જે અત્યારે ગજબનું ફૉર્મ ધરાવે છે.

અગાઉની બે મૅચમાં આક્રમક બૅટિંગ કરી ચૂકેલાં શફાલી માટે આજનો દિવસ અપવાદ ન હતો કેમ કે તેમણે શનિવારે પણ આક્રમકતા અપનાવી હતી. આ તેમની મૂળ શૈલી હોય તે જ રીતે તે દરેક મૅચમાં રમી રહ્યાં છે.

શફાલીએ 34 બૉલમાં 47 રન ફટકારીને ભારતનો માર્ગ અત્યંત આસાન કરી નાખ્યો અને 15મી ઓવરમાં તો ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ વટાવી દીધો હતો.

આમ ભારતે પાંચ ઓવર બાકી હતી ને મૅચ જીતી લીધી.

ટુર્નામેન્ટમાં ભારત એવા તબક્કા પર છે જ્યાં તેને નેટ રનરૅટ જાળવી રાખવાની પણ જરૂર ન હતી તેમ છતાં આજે તેણે પાંચ ઓવર જમા રાખી હતી.

આ બાબત ટીમના આત્મવિશ્વાસ પર ઘણી અસર કરી શકે તેમ છે. ભારતને હવે સેમીફાઇનલમાં રમવાનું છે.

અન્ય ગ્રૂપની મોખરાની ટીમ તેની સામે રમવાની છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ભારતને આગળ જતાં વધુ લાભકારક બની રહેશે.

ભારતની મોટા ભાગના ખેલાડીઓ ફૉર્મમાં છે. ખાસ કરીને શફાલી વર્મા, રાધા યાદવ, પૂનમ યાદવ અને શિખા પાંડે ટીમને ફાઇનલ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો