You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની દિલ્હી સરકારે મંજૂરી આપી, કન્હૈયાએ કહ્યું સત્યમેવ જયતે
દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ શુક્રવારે દિલ્હી સરકારે આની મંજૂરી આપી.
આ નિર્ણય પછી કન્હૈયા કુમારે દિલ્હી સરકારનો આભાર માનતા સત્યમેવ જયતે કહ્યું છે.
કન્હૈયા કુમારે ટ્વીટ કરી કે, દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે તેઓ આ કેસને ગંભીરતાથી લે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલ થાય અને ટીવીવાળી અદાલતને બદલે કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. સત્યમેવ જયતે.
કન્હૈયા કુમારે એમ પણ કહ્યું કે, રાજકીય લાભો માટે અને પાયાના સવાલોથી ધ્યાન હઠાવવા રાજદ્રોહના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એ લોકોને ખબર પડે તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરી 2016માં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કથિત રીતે ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. આ મામલામાં પોલીસે કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અર્નિબાન સમેત સાત લોકોને આરોપી બનાવ્યા હતા અને તેમની પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં પોલીસે 3 વર્ષ પછી ચાર્જશીટ દાખલ કરી પરંતુ કેસ ચલાવવા માટે દિલ્હી સરકારની મંજૂરી જરૂરી હતી જે દિલ્હી સરકારે અત્યાર સુધી આપી ન હતી.
તાજેતરમાં દિલ્હી સરકાર આ કેસ ચલાવવાની મંજૂરી આપે તે માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ થઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે, દિલ્હી સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
19 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે કરેલા અનુરોધ પર સરકારે આ મંજૂરી આપી છે.
કન્હૈયા કુમારના કેસમાં મંજૂરી બદલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, જેએનયુ કેસમાં લોકોનાં દબાણને કારણે આખરે દિલ્હી સરકારે મંજૂરી આપવી પડી. 3 વર્ષ મુખ્ય મંત્રી કેજરીવાલ આ પરવાનગી ટાળતા રહ્યા પરંતુ આખરે તેમને જનતા આગળ નમવું પડ્યું.
દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
દિલ્હી પોલીસે કથિત ભારત વિરોધી નારેબાજીને લઈને રાજદ્રોહના કેસમાં 3 વર્ષ પછી 14 જાન્યુઆરી 2019ના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો