ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતથી આપણને શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા. સોમવારે 11:45 વાગ્યે તેમનું વિમાન ઍરફૉર્સ વન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઊતર્યું.
ત્યાંથી રોડ શો, ગાંધી આશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમમાં બંને નેતાઓનાં ઉષ્માભર્યા ભાષણો.
મને જૂના હિન્દી ચલચિત્રનો એક સંવાદ આછોપાતળો યાદ છે. સંવાદ હતો - "राशन पे भाषण जरूर हो सकता है मगर भाषण से राशन नहीं मिलता"
મોટેરા અને ત્યાર પછી તાજમહાલની મુલાકાત બાદ દિલ્હી, બધે જ ભાષણ જ ભાષણ.
2014-15માં અમેરિકા સાથેની આયાત અને નિકાસ બંને મળીને 64.2 અબજ ડૉલરની થઈ હતી હતો તે 2018-19માં 87.9 અબજ ડૉલર થઈ હતી.
2019-20ના વર્ષ દરમિયાન એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિનામાં એ 68 અબજ ડૉલર થઈ.
અગત્યની વાત એ છે કે 2014-15ના વર્ષમાં અમેરિકા સાથેના વેપારમાં આપણી ટ્રૅડ સરપ્લસ એટલે કે વેપારપુરાંત 20.6 અબજ ડૉલર હતી.
જે 2018-19ના વર્ષમાં ઘટીને 16.9 અબજ ડૉલર થઈ અને 2019-20ના નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં એ 12.6 અબજ ડૉલર રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
2014-15માં આપણી નિકાસ 42.4 અબજ ડૉલર હતી અને તે 2018-19માં 10 અબજ ડૉલરથી વધીને 52.4 અબજ ડૉલર થઈ એટલે કે 123.59 ટકાનો વધારો થયો.
આ સામે આપણે અમેરિકાથી જે આયાત કરી તે 2014-15ના વર્ષમાં 21.8 અબજ ડૉલર હતી. જે 2018-19માં 162.5 ટકા વધીને 35.5 અબજ ડૉલર થઈ.
આમ કુલ વેપાર વધ્યો એમાં કોઈ ના નહીં પણ એમાં અમેરિકાથી ભારતમાં થતી આયાતનું પલ્લું ભારે રહ્યું, જ્યારે નિકાસ ઓછી વધી.
આનાં ઘણાં બધાં કારણો છે, જેમાં અમેરિકા દ્વારા GSP પાછી ખેંચી લેવાઈ એ પણ છે, જેની પૂરી અસર તો હજુ થવાની બાકી છે.
આ ઉપરાંત અમેરિકાએ ભારતમાંથી આયાત થતાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર 2018ના વર્ષમાં આયાતજકાત વધારી દીધી.
ખાસ કરીને આ પગલું ચીનને ઉદ્દેશીને લેવાયું હતું પણ "સુકા સાથે લીલું બળી જાય" એટલે ભારતને પણ એની અસર થઈ.
હવે ભારતનો GSPનો દરજ્જો છીનવી લેવાયો છે, એના કારણે આપણી નિકાસ પર સબસિડી મળવી તો દૂર રહી પણ કાઉન્ટર વેઇલિંગ ડ્યૂટી લાગશે.
આમ આપણા વેપારને અને એ રીતે નાના-મોટા ઉદ્યોગોને કે વેપારીઓને જે નુકસાન થયું તેમાં સીધો ફાયદો થવાની હાલ પૂરતી કોઈ શક્યતા નથી.

અમેરિકા ભારતને સંરક્ષણના સાધનો વેચવા માગે છે

ઇમેજ સ્રોત, LOCKHEED MARTIN
અમેરિકાનો રસ ભારતને સંરક્ષણની સાધનસામગ્રી વેચવાનો હોય તેવું જણાય છે.
અમેરિકા પાસેથી સી-હોક હેલિકૉપ્ટર ખરીદવાની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. આ ડીલ લગભગ નક્કી હોવાનું માનવામાં આવે છે.
21 હજાર કરોડના રક્ષાસોદામાં માત્ર આ ડીલ માટે જ રૂપિયા 18,626 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.
નૌસેનાને 24 સી-હોક હેલિકૉપ્ટરની જરૂર છે. આ હેલિકૉપ્ટર્સ દરેક સિઝનમાં અને દિવસના કોઈ પણ સમયે હુમલો કરવા માટે સક્ષમ છે.
છુપાયેલી સબમરિન્સને ટાર્ગેટ કરવામાં આ હેલિકૉપ્ટરની કોઈ સરખામણી કરી શકે એમ નથી.
ચોથી જનરેશનનું આ હેલિકૉપ્ટર સમગ્ર દુનિયામાં નૌસેના માટે ખૂબ ઍડ્વાન્સ માનવામાં આવે છે. આ સોદા સિવાય ભારત અમેરિકા પાસેથી 800 મિલિયન ડૉલરના 6 એએચ-64ઈ અપાચે હેલિકૉપ્ટર્સ ખરીદી શકે છે.
તે સાથે જ ભારતને અમેરિકા મિસાઇલ ડિફેન્સ શીલ્ડ પણ વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ રશિયાની એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભારત આવતા રોકી શકે.
ઇન્ટિગ્રેટેસ ઍરડિફેન્સ સિસ્ટમ (IADS) જે લગભગ 1.9 અબજ ડૉલર જેટલી થાય જે પોતે ભારતને વેચવા જઈ રહ્યું છે, તેવી જાણ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા અમેરિકન કૉંગ્રેસને કરવામાં આવી છે.

ભારત અને અમેરિકા કેમ સાથે આવી રહ્યાં છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી સંરક્ષણ બાબતો અંગેની ભાગીદારી ચીન દ્વારા અપનાવવામાં આવતા આક્રમક વલણ અને સાઉથ ચાઈના સી ઉપર ચીનનું વધતું જતું પ્રભુત્વ રોકવા માટે વ્યૂહાત્મક ભાગીદારી છે.
અત્યારે જે રાજકીય પરિસ્થિતિ અમેરિકામાં છે, તે જોતાં ટ્રમ્પના પોતાના પક્ષમાં એને પડકારે તેવું કોઈ નથી અને સામે પક્ષે પણ એવું કોઈ સબળ વ્યક્તિત્વ દેખાતું નથી.
આમ ટ્રમ્પ નવેમ્બરમાં ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે તેવી શક્યતાઓ બળવત્તર બનતી જાય છે. ઘરઆંગણે ટ્રમ્પનું ઇકૉનૉમિક રેટિંગ 60 ટકા છે.
અમેરિકન અર્થવ્યવસ્થા સુધરી રહી છે. બેરોજગારી ઘટી રહી છે. ઇમિગ્રેશન અને તેમના થકી દેશ બહાર જતી આવક ઉપર નિયંત્રણો મુકાયાં છે.
ટ્રમ્પનું ઍપ્રૂવલ રેટિંગ જાન્યુઆરી મહિનામાં 50 ટકા હતું પણ જે રીતે ટ્રમ્પે કડક વલણ અપનાવી પ્રતિસાદ આપ્યો તેના પણ સવળી અસર થઈ છે.
ઍડવર્સ ટ્રૅડ રિલેશન્સ મામલે કડક વલણ અપનાવનાર ટ્રમ્પને ચીન સાથેના ટ્રૅડવોર દરમિયાન જેમની નોકરીઓ ગઈ છે તે મજૂરો પણ ટેકો કરી રહ્યા છે.
ક્લાઇમૅટ ઍજન્સીને લગતું પેરિસ ઍગ્રીમૅન્ટ હોય કે પછી અમેરિકાનું દૂતાવાસને જેરૂસલેમ ખસેડવાનો મામલો હોય ટ્રમ્પનો હાથ ઉપર રહેવાને કારણે એમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
આંતરરાષ્ટ્રીય સલામતીના ક્ષેત્રે અમેરિકા પોતાના ભાગ કરતાં વધારે બોજો વેઠે છે અને NATOના યુરોપિયન સભ્ય દેશોએ તેમજ જાપાન અને કોરિયન રિપબ્લિકે એમાં પોતાનો ફાળો વધારવો જોઈએ એવી સ્પષ્ટ નીતિ ટ્રમ્પે અપનાવી છે.

અમેરિકા જકાત ઘટાડશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઘરઆંગણે "અમેરિકા ફર્સ્ટ" જેવી નીતિ વધુ સ્વીકૃત બનતી જાય છે, ટ્રમ્પ અમેરિકનોનાં મગજમાં એ ઠસાવવામાં સફળ રહ્યા. અમેરિકાની ઉદાર નીતિનો બીજા દેશોએ ઘણા લાંબા સમયથી લાભ લીધો છે.
આ કારણથી આ વખતની મુલાકાતમાં GSP અથવા ભારતમાંથી થતી આયાત ઉપર અમેરિકા જકાત ઘટાડે તેવી શક્યતાઓ દેખાતી નથી.
સાથે-સાથે અમેરિકા પોતાના ઘરઆંગણાનાં કૃષિ, ડેરી અને પૉલ્ટ્રીનાં ઉત્પાદનો ભારતના બજારમાં ઘુસાડવા માગે છે, જે થવાની શક્યતા પણ નહિવત્ છે.
ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે એના ભાષણમાં એક વાત સ્પષ્ટ કરી અને તે હતી પાકિસ્તાન અને અમેરિકા સારા મિત્રો છે અને તેમણે એ પણ કહ્યું કે ઇસ્લામિક આતંકવાદનો સફાયો બોલાવવામાં એ ભારતની સાથે રહેશે અને અમેરિકા પાકિસ્તાનને પણ આતંકવાદી પ્રવૃત્તિઓ નિર્મૂલ કરવા માટે મદદ કરશે.
એક બીજી વાસ્તવિકતા ધ્યાનમાં રાખવા જેવી છે. નવેમ્બરમાં ચૂંટણી આવે તે પહેલાં અફઘાનિસ્તાનમાં અત્યારે મોરચો સંભાળતા 18000 જેટલા પોતાના સૈનિકોને અમેરિકા પાછા ખેંચી લેવા માગે છે.
તાલિબાન સાથેની આ ગોઠવણમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા કરે છે એટલે અમેરિકા પાકિસ્તાનને નારાજ કરશે એ વાતમાં કોઈ માલ નથી.
રાજનીતિ ઘણીવાર શબ્દોની રમત કરી જતી હોય છે અને ટ્રમ્પ આ રમતમાં માહિર છે.
જો નિર્ધારિત સમયપત્રક મુજબ અમેરિકા પોતાના સૈનિકોને પાછુ ખેંચી લેશે તો એક અત્યંત ઘાતક પરિબળ તાલિબાન પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર તેમજ ભારતની પાકિસ્તાન સાથેની સરહદ ઉપર પ્રવૃત્ત બનશે.
આ જોખમ ઘણું મોટું હશે એટલે ટ્રમ્પ ફરી ચૂંટાય ત્યાર સુધી આપણે આપણા વેપારને લગતી બાબતો સૂલટાવવાની રાહ જોવાની રહેશે.
અત્યારે ત્રણ અબજ અમેરિકન ડૉલરનાં મિલિટરી ઇક્વિપમૅન્ટ ખરીદવા માટે સમજૂતી થઈ તે આપણને ઘરઆંગણાની સંરક્ષણની બાબતોમાં ફાયદો ચોક્કસ કરાવી આપશે.
જોકે ટ્રમ્પે અમેરિકાની વોર મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે જંગી સોદો પાર પાડી આર્થિક તેમજ રોજગારી બંને ક્ષેત્રે અમેરિકાને લાભ કરાવ્યો.
કોઈ પણ બે દેશો વચ્ચેની રાજનીતિમાં એ બંને દેશોના વડા વચ્ચેની કૅમેસ્ટ્રી મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે.
જો સ્વભાવમેળ જ ન હોય તો આગળ ઠંડુ-ઠંડુ ચાલે છે. મોટેરાનું સ્વાગત હોય કે પછી "હાઉડી મોદી" બંને નેતાઓ એકબીજા સાથે સાહજિકતાથી ભળી જતા દેખાય છે.

મોટેરાની મુલાકાત એ મહત્ત્વપૂર્ણ ઘટના

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા આઠ મહિનામાં તો આ બંને પાંચમી વખત મળ્યા છે. સાઉદી અરેબિયા બાદ ટ્રમ્પ પોતાના કુટુંબ સાથે કોઈ દેશની મુલાકાતે ગયા હોય એવો આ બીજો પ્રસંગ છે.
મોટેરાના કાર્યક્રમમાં જે ઉષ્માભર્યા પ્રતિભાવ સાંપડ્યા એનાથી એ ખુશ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો એ એકવીસમી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે.
સંબંધોને આ ઊંચાઈએ લઈ જવામાં ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એ બાબત પણ મોદી સ્વીકારે છે.
અમેરિકા સંતુલિત વ્યાપાર ઇચ્છે છે તેણે ભારત સાથે મળીને હિંદ પ્રશાંત ક્ષેત્ર સુરક્ષિત રાખવાની તેમજ ઇસ્લામિક આતંકવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આમ તાત્કાલિક જોઈએ તો એને માત્ર GSP કે ટ્રૅડ બેરિયર્સના દાયરામાં મૂકીને જોવાની જરૂર નથી.
બન્ને નેતાઓને પોતપોતાનું કદ વધારવામાં આ મુલાકાત ફાયદો તો કરશે જ પણ સાથોસાથ ભારતની સામરિક ક્ષમતા વધારવામાં આ મુલાકાત વત્તે-ઓછે અંશે ફાયદો કરાવશે.
એક પેચીદો પ્રશ્ન એવો ઊભો થાય કે આમ થાય અને અમેરિકા ભારતને ઍર-ડિફેન્સ કવર પૂરું પાડે તે સ્થિતિમાં રશિયા પાસેથી આવી જ ઍડ્વાન્સ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવવા માટે અત્યાર સુધી ભારતે જે પ્રયાસો કર્યા છે, તે રોકાઈ જાય તો ભારતના રશિયા સાથેના સંબંધોનું શું થશે?
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વડાપ્રધાનના વ્યક્તિગત સંબંધો જેટલા જ પુતીન સાથેના પણ સંબંધો સારા છે. આ સંબંધો બગડે નહીં અને રશિયા અને અમેરિકા સાથે એક અંતર જાળવીને ભારતનું હિત સાધી શકે તો અત્યાર સુધીની મોટામાં મોટી ડિપ્લોમૅટિક સિદ્ધિ હશે.
જોઈએ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













