સની હિંદુસ્તાની : બૂટપાલીસ કરવાથી ઇન્ડિયન આઇડલ બનવા સુધીની સફર

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રવિવારે રાત્રે ટેલિવિઝન રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 11'નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું, જેમાં પંજાબના બઠિંડાના રહેવાસી સની હિંદુસ્તાની વિજેતા જાહેર થયા હતા.

વિજેતા હિંદુસ્તાનીને રૂપિયા 25 લાખનું ઇનામ મળશે.

શોના પ્રથમ રનરઅપ રોહિત રાઉત તથા બીજા રનરઅપ ઓંકના મુખરજીને રૂપિયા 5-5 લાખનો પુરસ્કાર અપાયો હતો.

બુટપાલીસ કરતા હિંદુસ્તાની

સની હિંદુસ્તાનીની કહાણી પ્રેરણાદાયક છે. બઠિંડાના નાનકડા વિસ્તારમાંથી બહાર નીકળીને માયાનગરી મુંબઈમાં નામ કાઢ્યું છે.

આવી રીતે પોતાના ગામ તથા પરિવારનું નામ રોશન કરવું સની માટે સપના સમાન છે.

સનીનો પરિવાર ખૂબ જ ગરીબ છે. તેમની ઇન્ડિયન આઇડલ સુધીની સફર પણ સંઘર્ષપૂર્ણ રહી હતી.

સની કહે છે કે શોમાં આવ્યા તે પહેલાં તેઓ બૂટપાલીસ કરતા હતા અને તેમનાં માતા રસ્તા ઉપર ફુગ્ગા વેચતાં હતાં.

માતાની મજબૂરી

બાળકોનું પાલનપોષણ કરવા માટે સનીનાં માતા અન્યોનાં ઘરે ચોખા માગવા માટે જતાં હતાં. સની કહે છે કે એ સમયે તેમને ખૂબ જ માઠું લાગતું હતું.

હવે ઇન્ડિયન આઇડલ બન્યા બાદ સની ખુશ છે કે તેમનાં માતાએ આ બધાં કામ નહીં કરવા પડે તથા અત્યાર સુધી તેઓ જે સુખસુવિધાથી વંચિત રહ્યાં છે, તે તમામ મળશે.

સની કહે છે, "મારી માતા મને ઑડિશનમાં મોકલવા માટે ખાસ ઉત્સાહિત ન હતી. મેં મારી માતા પાસેથી એક તક માગી હતી, જે તેણે મને આપી."

"મેં કોઈ જ તૈયારી કરી નહોતી. નુસરત (ફતેહ અલી ખાન) સાહેબનાં બે-ત્રણ ગીત સાંભળ્યાં હતાં. ઑડિશનમાં એજ ગીતો ગાયાં અને સિલેક્ટ થઈ ગયો."

આજે સની પોતાની તમામ સફળતાનો શ્રેય માતાને આપે છે.

મિત્રો પાસેથી લીધા પૈસા

સંઘર્ષના શરૂઆતના દિવસોમાં સની બૂટપાલીસ કરતા, આ સિવાય બસસ્ટેન્ડ તથા રેલવેસ્ટેશમાં ગીત ગાઈને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

સની કહે છે કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે એક દિવસ તેઓ ઇન્ડિયન આઇડલ બનીને સમગ્ર દેશમાં પંજાબ, બઠિંડા તથા પરિવારનું નામ રોશન કરશે.

સનીએ કલ્પના પણ નહોતી કરી કે તેમને ફિલ્મોમાં ગાવાની તક મળશે.

તેઓ કહે છે, "મને આજેય યાદ છે કે મારા મિત્રો અનેક વખત મને ટેલિવિઝન રિયાલિટી શોમાં ભાગ લેવા માટે કહેતા, પરંતુ મારી પાસે પૈસા નહોતા કે હું ઑડિશન આપી શકું."

"મિત્રોએ જ મને 'ઇન્ડિયન આઇડલ 11' માટે ઑડિશન આપવાની પ્રેરણા આપી હતી. એક મિત્રે મને ઉછીના પૈસા આપ્યા હતા."

શો દરમિયાન જ ગાવાની ઑફર

ફિલ્મોમાં ગાવાની તક મળવાથી સની ખુશ છે.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'ની ફિલ્મકાસ્ટ પ્રમોશન માટે ફિનાલેમાં પહોંચી હતી.

શો દરમિયાન જ જાહેરાત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ 11મી સિઝનની વિજેતા બનશે, તેને મ્યુઝિક કંપની ટી-સિરીઝ આગામી ફિલ્મમાં પ્લેબૅક સિંગિંગ કરવાની તક આપશે.

શો દરમિયાન સનીને ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ધ બૉડી'માં પ્રથમ વખત ફિલ્મગીત ગાવાની તક મળી.

ત્યારબાદ તેમણે કંગના રણોતની ફિલ્મ 'પંગા'માં પણ ગીત ગાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો