આણંદમાં બે જૂથ વચ્ચે કોમી અથડામણમાં 40 લોકોની પૂછપરછ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આણંદ જિલ્લાના ખંભાત ખાતે બે જૂથ વચ્ચે કોમી અથડામણ થવાની ઘટના બની છે. ખંભાતના તીનબત્તી ચોક, લિબંડી ચોક, અકબરપુરા અને ફિરોઝપુરમાં હિંસક ઘર્ષણ થયા છે.

બે જૂથો દ્વારા સામસામે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રણ મકાન અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હોવાના અહેવાલ છે.

પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસના આઠ શેલ છોડવા પડ્યા હતા.

આણંદના રેન્જ આઈજી એ.કે. જાડેજાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતુ કે, ઘટના અંગે ચાલીસ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર બે કોમ વચ્ચે થયેલી અથડામણમાં 13 લોકો ઘવાયા છે.

મળતી વિગત પ્રમાણે, બંને જૂથ વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી, પરંતુ રવિવારે લગ્નની જાન નીકળી તે દરમિયાન વીડિયો ઉતારવો કે નહીં તે અંગે ફરી ઘર્ષણ થયું હતું.

આગને બુઝાવવા માટે નગરપાલિકાના ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

અમદાવાદથી વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે જણાવે છે કે પોલીસે હાલ સ્થિતિ કાબૂમાં કરી લીધી છે. રેન્જ આઈ.જી. (ઇન્સ્પેક્ટર જનરલ) અને ક્લેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા છે.

શા માટે થઈ હિંસા

સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) પરમારના કહેવા પ્રમાણે ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના ઘટી છે. બંનેએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

ખંભાતના ડી.વાય.એસ.પી.એ રીમા મુનશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "બે કોમનાં ટોળાં સામસામે આવી ગયાં હતાં. ત્યારબાદ અફવા ફેલાતા પરિસ્થિતિ વણસી હતી અને પથ્થરમારો થયો હતો.

બાદમાં મકાનો અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને સામાન્ય ઈજા પહોંચી છે.

ઘાયલોની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તથા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના અનેક પોલીસ કર્મચારીઓ હાલ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ તથા રોડશોની સુરક્ષામાં લાગેલા છે.

વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે જણાવ્યું હતું કે જિલ્લાના પોલીસ વડા હાલ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં આવ્યા છે.

પોલીસ કર્મચારીઓની ઓછી સંખ્યા?

ટ્રમ્પના આગમન પૂર્વે ભારે સુરક્ષા બંદોબસ્તને કારણે સ્થાનિક સુરક્ષા ઉપર શું અસર થાય છે, તે અંગે પરીખને પૂર્વ આઈ.પી.એસ અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું:

"સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેને લઈને અન્ય જિલ્લાની પોલીસ કાર્યક્રમના સ્થળે ખડકી દેવાય છે, આને લીધે સ્થાનિક પોલીસની સંખ્યા ઘટી જાય છે અને એ સંજોગોમાં બાકીના પોલીસકર્મીઓ પર કામનું ભારણ વધે છે."

"તેમને વધારે સમય કામ કરવું પડે છે અને આથી તેમનો તણાવ પણ વધે છે. આમ, આવા વી.આઈ.પી. બંદોબસ્ત સમગ્ર રીતે અસર કરે છે. ફક્ત વી.આઈ.પી. બંદોબસ્તમાં રોકાયેલા પોલીસનું જ સ્ટ્રેસ નથી વધતું, પણ બીજા જિલ્લાની પોલીસનું સ્ટ્રેસનું પણ વધે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો