You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2020 : મહિલાઓ માટે કંઈ ખાસ છે કે નહીં?
- લેેખક, નેહા શાહ
- પદ, ઍસોસિયેટ પ્રોફેસર, એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ સ્ટડીઝ
નાણામંત્રી નિર્મલા સીતારામણે શનિવારે વર્તમાન સરકારનું સૌથી લાંબુ બજેટ રજૂ કર્યું.
મંદીના ભરડામાં સપડાયેલા અર્થતંત્ર માટેની ચિંતા સાથે સ્વાભાવિક રીતે સૌની આંખો બજેટ 2020 પર મંડાયેલી હતી.
કારણકે વર્તમાન સંજોગોમાં સરકાર પાસે માત્ર કલ્યાણકારી પગલાં જ નહીં પણ સક્રિય આર્થિક પગલાંની પણ અપેક્ષા હતી.
બજારમાં મંદીનું મુખ્ય કારણ જો માગની કમી હોય તો સરકારના સીધા ખર્ચ દ્વારા માગને ધક્કો મળે તો આર્થિક પ્રવૃત્તિઓના ચક્રો ગતિમાન થાય. જે અંગે કોઈ ખાસ મોટી જાહેરાત થઈ નહીં.
આર્થિક ગતિવિધિઓની સીધી અસર મહિલાઓના કલ્યાણ પર પડતી હોય છે.
કુટુંબની ઘટેલી આવક સાથે ઘરખર્ચને સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની જ હોય છે તેમજ આર્થિક મંદીમાં રોજગારી ગુમાવનાર અને નીચા વેતનદર સ્વીકારનાર મહિલા પહેલી હોય છે.
સ્ત્રીઓની આર્થિક ભાગીદારીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ પામેલી મહિલાઓ ખૂબ ઝડપથી શ્રમદળની બહાર નીકળી રહી છે.
એમનાં કૌશલ્યને અનુરૂપ જ્યારે કામની તંગી હોય ત્યારે ઓછા વેતનદરે મહિલા કરતાં પુરુષને રોજગાર આપવા પર પસંદગી ઊતરતી હોવાનું પણ નિષ્ણાતોનું અનુમાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રામીણ ક્ષેત્રે ઘરેલું ખર્ચ સતત ઘટી રહ્યો છે જે વર્તમાન મંદી માળખાકીય હોવા અંગેનો નિર્દેશ કરે છે. આ પ્રશ્નને ગંભીરતાથી લેવો જ પડશે. મનરેગા જેવા સીધી રોજગારી આપવાના કાર્યક્રમો મંદીના વિષચક્રને તોડવામાં થોડી મદદ કરી શકે એમ છે.
ગ્રામીણ સ્ત્રીઓ મનરેગાનો ઘણો લાભ લે છે. પણ બજેટ 2020-21માં તો મનરેગાની નાણાકીય જોગવાઈમાં ઘટાડો થયો છે.
2019-20ના રિવાઇસ્ડ બજેટમાં મનરેગા માટે રુ. 71,002 કરોડની જોગવાઈ હતી, જેની સામે આ બજેટમાં રૂપિયા 61,500ની જોગવાઈ છે.
કૃષિ ક્ષેત્રને સુગઠિત કરવાના પ્રયત્નોમાં 'ધાન્ય લક્ષ્મી' યોજનાની જાહેરાત થઈ જે અંતર્ગત બિયારણના સંગ્રહનો પ્રબંધ મહિલા સ્વસહાય જૂથને સોંપવાની વાત કરાઈ છે.
મહિલા સ્વસહાય જૂથોને આ માટે મુદ્રા અને નાબાર્ડ તરફથી ટેકો આપવામાં આવશે. યોજનાની વિગતો હજુ જાહેર નથી થઈ.
પ્રથમ દૃષ્ટિએ આ આવકારદાયી પગલું છે કારણકે અહી એક કાંકરે બે પંખી વીંધવાની શક્યતા રહેલી છે. એક તરફ સ્વસહાય જૂથોને લાંબા ગાળાનું રોકાણ કરવા માટેની તક ઊભી થશે.
એમની નજર હેઠળ સંગ્રહસ્થાનો વધુ અસરકારક રીતે કામ કરી શકશે. પરંતુ, સ્ત્રીઓની ભૂમિકા સહાયક તરીકેની જ રહે છે.
મહિલા કલ્યાણ મામલે સરકાર કેટલી ગંભીર?
સ્ત્રીઓને 'ખેડૂત'નો દરજ્જો આપવાની દિશામાં હજુ પગલું ભરાયું નથી.
મહિલા વિકાસ માટે સીધો ખર્ચ કરવા માટે રૂપિયા 28,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે કુલ બજેટ ખર્ચના 0.94 ટકા છે.
મહિલા વિકાસ અંગેની યોજનાઓની જાહેરાત કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે મહિલા કલ્યાણને સરકાર અગ્રીમતા આપે છે.
આપણો ગયા વર્ષનો અનુભવ કહે છે કે મહિલા અને બાળ કલ્યાણ માટે ફાળવવામાં આવતાં નાણાં વણવપરાયેલાં પડ્યાં રહે છે. દા.ત. નિર્ભયા ફંડમાંથી કોઈ પણ ખર્ચ થયો હોય એવું સરકારી આંકડામાં દેખાતું નથી.
'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના ખરેખર સફળ યોજના?
નાણામંત્રી એ જે 'બેટી બચાવો બેટી પઢાઓ'ની સફળતાની વાત કરી એ ભાજપની ફ્લૅગશિપ યોજનામાં પણ રૂપિયા 280 કરોડની ફાળવણીની સામે ડિસેમ્બર 2019ના અંત સુધીમાં માત્ર 43.94 કરોડ જ ખર્ચાયા હતા (ફાઇનાન્સિયલ એક્સપ્રેસ- જાન્યુઆરી 29, 2020).
એટલે મહિલાઓ અંગેની બજેટમાં થતી જાહેરાતો કાગળ ઉપર ખૂબ આકર્ષક લાગતી હોય પણ એના અમલીકરણ માટે રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે ધાર્યું પરિણામ મળતું નથી.
પોષણ અને આરોગ્યસંબંધી કાર્યક્રમો માટે રૂપિયા 35,600 કરોડની ફાળવણી થઈ છે. જેમાં ગર્ભવતી મહિલા અને ધાવતી માતાઓને અગ્રીમતા આપવામાં આવી છે જે આવકારદાયક છે.
જેનાથી માતામૃત્યુના આંક તેમજ બાળમૃત્યુઆંકને કાબૂમાં લાવવામાં મદદ મળશે.
છ લાખ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપવામાં આવશે, જેના દ્વારા તેઓ તેમના વિસ્તારોની સ્ત્રીઓનાં સ્વાસ્થ્ય અને પોષણ અંગેની માહિતી અપલોડ કરી શકશે.
સુક્ષ્મ સ્તરે જઈને માતા અને બાળકોનાં સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખી શકાશે.
માતા મૃત્યુઆંક અને લગ્નની ઉંમરને પણ સીધો સંબંધ છે અને સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દી ઘડવાની તકો પણ ઊઘડી રહી હોવાથી છોકરીઓની લગ્ન માટેની વય વધારવા અંગે એક વિશેષ કાર્યદળ ઘડવાની જાહેરાત કરવામાં આવી છે.
કૌશલ્ય વિકાસ (skill Development) માટે રૂપિયા ત્રણ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રોજગારવાંછુ મહિલાઓ ભાગે આમાંથી કેટલો હિસ્સો આવશે એ હજુ સ્પષ્ટ નથી.
કૌશલ્ય વિકાસને નામે સ્ત્રીઓને મોટાભાગે બ્યુટી-પાર્લર કે સીવણકામ જેવી ચીલાચાલુ જ તાલીમ અપાતી હોય છે.
આ કુશળતાનાં બજારોમાં હવે પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે જેથી એમાંથી મળતી આવકનું પ્રમાણ ખૂબ જ દબાયેલું અને નીચું છે.
કૌશલ્ય વિકાસ માટે હવે નવીનતાથી વિચારવું પડશે અને સ્ત્રીઓને તેમના પરંપરાગત કાર્યોથી ઉપર ઊઠીને આધુનિક કૌશલ્ય માટે તૈયાર કરવી પડશે.
સ્ત્રીઓના દૃષ્ટિકોણથી જોવા માટે 2004થી જૅન્ડર સૅન્સિટિવ બજેટ એટલે કે મહિલાઓ માટેની બજેટની સંવેદનશીલતા અંગેનું વિશ્લેષણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
એ પ્રક્રિયામાં બજેટ તૈયાર કરતી વખતે જ જાતીય સંવેદનશીલતાનાં ચશ્મા પહેર્યાં હોય તો બજેટની અસરો વધુ સચોટ બનાવી શકાય એવી સમજ સાથે અગાઉ એક સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
પણ આ સમિતિ બની કે કેમ અને જો બની તો તેમનાં સૂચનો શું હતાં એ અંગેની કોઈ જ સ્પષ્ટતા નથી.
ભારતમાં જાતીય ભેદભાવનો સૂચનાંક છેલ્લા વર્ષમાં વિપરીત થયો છે. ખાસ કરીને આર્થિક બાબતે જાતીય ભેદભાવ વધ્યો હોવાનું દેખાય છે.
આ સંજોગોમાં મહિલા સશક્તિકરણ અંગે માત્ર બજેટની જોગવાઈઓ પૂરતી નથી પણ મહિલાઓને સ્પર્શતા બધા પ્રશ્નોને સુગઠિત રીતે સંબોધવાના પ્રયત્નોની જરૂર છે.
જે માટે રાજકીય ઇચ્છાશક્તિ હોવી એ પહેલી શરત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો