You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોળી મારીને હત્યા કરાઈ તે હિંદુવાદી નેતા રણજિત કોણ છે?
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનૌથી, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારે સવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રણજિત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ.
રાજધાની લખનૌના પૉશ વિસ્તાર હઝરતગંજમાં મૉર્નિંગ વૉક માટે ભાઈ સાથે નીકળેલા રણજિત બચ્ચનની હત્યા કરવામાં આવી.
રણજિતના ભાઈને પણ ગોળી વાગી છે અને તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
લખનૌના એડિશનલ પોલીસકમિશનર નવીન અરોરાએ કહ્યું, "રવિવારે સવારે આશરે છ વાગ્યે રણજિત બચ્ચન તેમનાં માસીના દીકરા સાથે મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા."
"હઝરતગંજ વિસ્તારમાં સીડીઆરઆઈ પાસે બાઇકસવાર બદમાશોએ તેમના માથામાં ગોળી મારી, જેથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું."
"બચાવ કરવા જતાં તેમના ભાઈને પણ ગોળી વાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ મૃતદેહની કસ્ટડી લીધી હતી અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો."
જે વિસ્તારમાં રણજિત બચ્ચનની હત્યા કરાઈ હતી તે લખનૌ શહેરનો મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે.
આ વિસ્તારમાં જ વિધાનસભા, સચિવાલય અને તમામ સરકારી કચેરીઓની સાથે અધિકારીઓ તથા મંત્રીઓના આવાસ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એડિશનલ પોલીસકમિશનરનું કહેવું છે કે "ક્રાઇમ બ્રાંચની આઠ ટીમો ઘટનાની તપાસ માટે લગાવી દેવામાં આવી છે અને પારિવારિક વિવાદ સિવાય અન્ય સંદર્ભે પણ તપાસ કરાઈ રહી છે."
"રણજિત બચ્ચનના પરિવારજનો સાથે વાત થઈ શકી નથી અને પરિવારજનો તરફથી ફરિયાદ પણ દાખલ કરાઈ નથી."
પોલીસના પ્રમાણે, રણજિત બચ્ચન હઝરતગંજની એસીઆર બિલ્ડિંગના બી-બ્લૉકમાં રહેતા હતા.
તેઓ મૂળ ગોરખપુરના રહેવાસી છે અને સમાજવાદી પાર્ટીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.
એસીઆરસ્થિત સરકારી નિવાસસ્થાન તેમને એ સમયે મળ્યું હતું, જ્યાં તેઓ અત્યાર સુધી રહેતા હતા.
સપા સાથે જોડાયેલા રણજિત બચ્ચન
એડિશનલ સીપી નવીન અરોરાએ જણાવ્યું કે વર્ષ 2002થી 2009 દરમિયાન સમાજવાદી પાર્ટી તરફથી યોજાયેલી સાઇકલયાત્રામાં તેઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેના માટે તેઓને પાર્ટીએ સન્માનિત પણ કર્યા હતા.
નવીન અરોરાના જણાવ્યા પ્રમાણે, "રણજિત બચ્ચને વિશ્વ હિંદુ મહાસભા નામનું એક સંગઠન બનાવ્યું હતું, જેના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા."
પોલીસના જણાવ્યા પ્રમાણે ઓસીઆરથી લઈને ગ્બૉલ પાર્ક સુધીના રસ્તાનાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 18 ઑક્ટોબરે હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની પણ કેટલાક લોકોએ તેમના ઘરમાં ઘૂસીને ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી.
કમલેશ તિવારીની હત્યાર કરનારા લોકો ભગવા કપડાં આવ્યા હતા અને મીઠાઈના ડબ્બામાં પિસ્તોલ અને ચાકુ સંતાડીને લાવ્યાં હતાં. આ મામલે પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.
સમાજવાદી પાર્ટીએ આ ઘટનાની નિંદા કરીને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
પાર્ટી તરફથી એક સત્તાવાર ટ્વીટમાં કહેવાયું, "લખનૌમાં ધોળાદિવસે હિંદુ મહાસભાના અધ્યક્ષની હત્યાથી જનમાનસમાં ભય છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસનો ડર ખતમ થઈ ગયો છે. નકામી સરકાર તત્કાળ રાજીનામું આપે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો